રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદના કેટલા મોટા આલોચક હોઈ શકતા હતા! રાષ્ટ્રવાદ આશીર્વાદ ને અભિશાપ બેઉ હોઈ શકે તે એ સુપેરે જાણતા હતા
રવીન્દ્રનાથ ટાગોર
જન્મ : 7 મે, 1861 — મૃત્યુ : 7 ઓગસ્ટ, 1941
ચિદાકાશમાં રમતું ઓઠું અલબત્ત આજે રવીન્દ્ર જયંતી છે, એનું છે. હૃદયસ્થ રવીન્દ્રનાથ 164 વર્ષ પૂરાં કરી 165મે પ્રકાશી રહ્યા છે, ત્યારે વાનાં તો ઘણાં ઉભરે છે – પણ આજે એક-બે મુદ્દા પૂર્વ સાંસદ ને હાર્વર્ડ ઇતિહાસવેત્તા સુગત બોઝના સહારે કરવા ધારું છું.
સુગત પાછા નેતાજીના પરિવારના, સુભાષબાબુના ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર એટલે રાષ્ટ્રીય ચળવળનો સંસ્કાર, અને અલબત્ત બંગાલ રિનેસાંસનો પણ.
હવે તો ખાસાં નવ વરસ અને લટકામાં ત્રણ મહિના થયા એ વાતને પણ સુગત બોઝે, પોતે જાદવપુરથી ચુંટાયેલા સાંસદ તરીકે ફેબ્રુઆરી 2016માં લોકસભામાં વ્યક્ત કરેલા વિચારોમાં આપણાં ઉચ્ચતમ શિક્ષણકેન્દ્રોમાં અને બૌદ્ધિક વિમર્શમાં આ શું ચાલી રહ્યું છે એને અંગેની અંતરતમની ચિંતા વ્યક્ત થથી હતી. નિમિત્ત હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તેજસ્વી દલિત છાત્ર રોહિત વેમુલાએ વિષમ સંયોગમાં કરેલ આત્મહત્યાનું હતું.

સુગત બોઝ
સુગત બોઝે અગાઉના થોરાત સમિતિના તપાસ હેવાલનો જે હવાલો આપ્યો એ હૃદયવિદારક હતો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં નોંધાયેલી 23 આત્મહત્યા પૈકી 19 દલિત, 2 આદિવાસી અને 1 મુસ્લિમ છાત્રની હતી.
કેમ કે મને સુગતની રવીન્દ્રપ્રીતિનો કંઈક અંદાજ છે, મને હતું કે એ ‘દુર્ભાગી દેશ’ને સંભારશે : ‘હે મુજ દુર્ભાગી દેશ! જેઓનું તેં અપમાન કર્યું છે તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે … તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર પર અભિશાપ ચોડી દીધો છે. હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, જો તું બધાંને નહીં બોલાવે, અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.’
ખેર, સ્પીકર સુમિત્રા મહાજનની અધ્યક્ષતામાં બોલતાં સુગતે કહ્યું હતું કે રોહિતની કારુણિકાથી આપણા ‘કલેક્ટિવ કોન્શ્યન્સ’માં કંઈક તો થવું જોઈએ. પણ અહીં તો એક હૃદયશૂન્ય સરકાર છે જેને છેવાડાના જણનો ચિત્કાર સંભળાતો નથી. જણે જણને સારુ સામાજિક ન્યાય શક્ય બનાવવાને બદલે સત્તા પક્ષ યુનિવર્સિટી છાત્રોના અજંપાને ઓઠે પોતાના ખાસ પ્રકારના રાષ્ટ્રવાદનું રોલર ફેરવે છે અને ટીકાકારમાત્રને રાષ્ટ્રવાદ વિરોધી કૂચડે રંગે છે. માદામ સ્પીકર, હું કોઈ કોમ્યુનિસ્ટ નથી. હકીકતે એક સુપ્રતિષ્ઠ સામ્યવાદી ઉમેદવારને હરાવીને આ ગૃહમાં આવ્યો છું, પણ આપણા તરુણ છાત્રો માર્ક્સ અગર આંબેડકરથી પ્રેરાઈ અભિવ્યક્ત થતા હોય તો હું એમના સ્વાતંત્ર્યનો આદર કરું છું … અસંમતિને ગુનાઈત લેખવાનું વલણ દુરસ્ત નથી. આ ધોરણે તો આપણે ટાગોરને પણ રાષ્ટ્રદ્રોહી ઠરાવીશું.
સુગતે ઉમેર્યું હતું કે સ્વરાજની ચળવળમાં આપણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ પાસે રાષ્ટ્રવાદના પાઠ શીખ્યા છીએ. એમાં પણ બંગાળમાં તો અમે વિવેકાનંદ, ટાગોર, દેશબંધુ દાસ, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષથી પ્રેરિત થયા છીએ. અનુરાગ ઠાકુરને કહું કે અરવિંદે મહાભારતની ચર્ચા કરતા ‘ચક્રવર્તી’ની વિભાવના કેવી રીતે સમજાવી છે તે જરી વાંચો-વિચારો. ચક્રવર્તીનું સુવાંગ રાજ નહોતું – રાજ્ય, રાજ્ય સ્વાયત્ત હતાં, એના પર એની આણ (સુઝરેનટી) હતી, એટલું જ. જેઓ, સરકારી પાટલીઓ પરથી, ‘સેન્ટ્રલાઈઝ્ડ ડેસ્પોરિઝમ’ની જેમ રાષ્ટ્રવાદની વાત કરે છે એમને અરવિંદના શબ્દોની યાદ આપું કે પ્રાદેશિક પ્રજાઓના મુક્ત જીવનને ભોગે ‘એકતા’ની વાત બરાબર નથી.
હમણાં મેં ટાગોરને યાદ કર્યા, સુગતે ઉમેર્યું હતું, એમણે આપણું રાષ્ટ્રગીત રચ્યું છે, પણ એ રાષ્ટ્રવાદના કેટલા મોટા આલોચક પણ હોઈ શકતા હતા! રાષ્ટ્રવાદ આશીર્વાદ ને અભિશાપ બેઉ હોઈ શકે તે એ જાણતા હતા. અનુરાગ ઠાકુર નેતાજીનો હવાલો આપીને વાત કરે છે પણ એમને યાદ આપું કે 1933-1936નાં વર્ષો યુરોપમાં ગાળ્યા તે પછી વતન પરત થતાં એમણે કરેલી ને દોહરાવેલી એક ટિપ્પણી એ હતી કે યુરોપમાં જે નવો જર્મન રાષ્ટ્રવાદ હું જોઈને આવ્યો છું તે ‘સંકુચિત, સ્વાર્થી અને ઉછાંછળો’ છે. તો, એક પા રાષ્ટ્રવાદનું મુક્તિદાયી સ્વરૂપ અને બીજી પા રાષ્ટ્રવાદની જુલમી તાસીર, બેઉ આપણને સમજાવાં જોઈએ તેમ વિશ્વ ઇતિહાસના એક છાત્ર તરીકે હું આ ગૃહને કહેવા માંગું છું.
વિવેકાનંદ, ચિત્તરંજનદાસ, અરવિંદ, સુભાષ, લાલ ને બાલ સાથેના પાલ, આ સૌની સ્વાધ્યાયસાખે સુગતે કહેલી વાતો, રાષ્ટ્રવાદને સામાજિક ન્યાય ને સ્વાતંત્ર્યના સંદર્ભમાં જોવા અને સમજવાની એમની એક ઇતિહાસવિદ તરીકેની અપીલ રવીન્દ્ર જયંતીએ આપણને દિલને દરવાજે દસ્તક દે છે.
સુગતનું ભાષણ સમેટતાં હું એક સંભારણું વળીને દોહરાવ્યા વગર રહી શકતો નથી. રાષ્ટ્રવાદના મુદ્દે ગાંધી-ટાગોર વિવાદ સુપ્રતિષ્ઠ છે. એક તબક્કે રોમાઁ રોલાઁએ સૂચવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં રવીન્દ્રનાથનાં રાષ્ટ્રવાદનાં વ્યાખ્યાનોનો અભ્યાસ થવો જોઈએ. સવાઈ ગુજરાતી કાકા કાલેલકરે ઠાવકા શબ્દોમાં વળતી બાતમી આપી હતી કે એ અમારા અભ્યાસક્રમમાં છે!
સત્તા-પ્રતિષ્ઠાન, સ્વાતંત્ર્ય આંદોલન દરમ્યાન રાષ્ટ્રવાદના મુદ્દે ઊભી થયેલી એકંદરમતીને આ ચળવળના નેતાઓમાંથી કેટલાકને ખાસ ‘પોતાના’ તરીકે આગળ કરી જે એક કથિત વૈકલ્પિક વિચારની રાજનીતિ ખેલવા ચાહે છે એના સંદર્ભમાં ઇતિહાસજ્ઞ સુગત બોઝની આ માંડણી આપણે સારુ પથ્ય ખાણદાણ શી બની રહે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2025