
સરયુ મહેતા-પરીખ
“આખરે મેનાને ગમતો વર મળ્યો ખરો,” રેખામાસી જરા ટોણાના રણકાર સાથે બોલી.
“હા, અંતે તો એણે રાજને જ પસંદ કર્યો.” મેનાની મા, દિવ્યા બોલી. “એણે કેટલાએ જોયા અને નકાર્યા.”
બે વરસથી મેનાને માટે મુરતિયો શોધી રહ્યા હતાં, પણ સ્વતંત્ર મીજાજી મેના કોઈને પસંદ નહોતી કરતી. મા-બાપની સલાહ સૂચના કોઈ વાર હસીને કે કોઈવાર છણકો કરીને અવગણતી. અમેરિકામાં ઉછરેલી મેનામાં આત્મવિશ્વાસ અને આછકલાઈ ભારોભાર ભરેલાં હતાં. ભણવામાં હોશિયાર અને દેખાવમાં સારી તેથી સારો મુરતિયો મળશે તેવી દિવ્યાને આશા હતી … પણ ક્યારે?
દેશના છોકરાઓની વાત આવે તો, “મારે કોઈના અમેરિકા આવવાના એજન્ટ નથી બનવું.”
“તો પછી અહીંથી, ઓળખીતામાંથી પસંદ કર.”
“એ તો મારા મિત્રો છે, મારે તો કોઈ ખાસ … શોધવો છે.” મેના વટથી કહેતી.
એક દિવસ મેના પોતાનું કમ્પ્યુટર બતાવી બોલી, “જો મમ્મી, આ જાહેરાત મને ઠીક લાગે છે. રાજ નામ છે અને વડોદરાથી ગયા વર્ષે આવીને ડેટ્રોઇટમાં ભણે છે. મેં ઈમેઈલથી વાતો કરી તો બરાબર લાગે છે, તો આજે ફોનથી વાત કરવાની છું.”
“હા, દેખાવડો સારો છે. ગ્રીનકાર્ડ નથી એનો તને વાંધો નથી લાગતો?”
“ના ના, એ તો થઈ પડશે. અત્યારે તો સ્ટુડન્ટ વિઝા હશે .…,” મેના રાજના સોહામણા ચહેરા સામે જોતા બોલી.
“ભલે, હું આવતા મહિને દેશમાં જવાની છું તો તેના કુટુંબની વધારે તપાસ કરું ને?” દિવ્યા ઉત્સાહથી બોલી. હકારાત્મક જવાબ મળતાં દિવ્યાએ ભારતમાં તેની બહેન, બહેનપણી વગેરેને છોકરાના પરિવાર વિષે તપાસ કરવાના ચક્રો ચાલુ કરી દીધાં. રાજના દાદા જાણીતા હતા અને સુખી મા-બાપનો એક જ દીકરો છે, તેટલું જાણ્યા પછી દિવ્યા વડોદરા જઈને તેમનું ઘર અને માત-પિતાને મળી આવી. નજીકના જાણકાર ખાસ કોઈ મળ્યાં નહીં તેથી વધુ ખણખોદ કર્યાં વગર વાત આગળ ચાલવા — અરે દોડવા લાગી. અને છ મહિનામાં લગ્નનો સમારંભ દિવ્યાની બહેનના વડોદરા પાસેના ફાર્મહાઉસ પર ધામધૂમથી ઉજવાયો. સ્વપ્નાનો રાજકુમાર મળી ગયો … મેનાનાં આનંદની સીમા નહોતી.
“હમણાં રાજ અમેરિકા આવશે અને અમારી સાથે રહેશે. મેના વકીલાતનું ભણવાનું પૂરું કરશે અને રાજ નોકરી શોધશે.” દિવ્યા તેની બહેનોને આ સરળ યોજના બતાવી રહી હતી.
નવા કુટુંબમાં જમાઈ રાજ સરસ રીતે ગોઠવાઈ ગયો. મિત્રો, સગાઓ કહેતાં, “વાહ, મેનાને તો સરસ વર મળી ગયો.” અને “શું ભણેલો છે?”ના જવાબમાં દિવ્યા કહેતી ….
“કમ્પ્યુટરમાં ડિગ્રી છે તેમ કહે છે. નોકરી મળતા વાર લાગે છે તો કાર-વોશમાં કામ લઈ લીધું છે. કેટલો નમ્ર છે!” દિવ્યાને બધું સારું જ દેખાતું. સામાન્ય ભણતરવાળા પણ ધંધામાં સફળ થયેલાં સગાંવહાલાં વચ્ચે જમાઈ કાંઈક આગળ ભણેલા છે તેનું ગૌરવ લાગતું. મેનાનો પહેલો પ્યાર, અને માતા-પિતાને દીકરી ગોઠવાયાનો આનંદ થોડા મહિનાઓ સુધી ચાલ્યો. પછી સવાલ ઊઠવા લાગ્યા કે કેમ કોઈ નોકરી નથી મળતી? રાજને ધંધો કરવા લોન લેવી હતી તો સસરા સાથ આપે અને બેન્કમાં અરજી કરે તેવી વાતચીત શરૂ થઈ હતી, જેનાં ફોર્મ્સ લાવીને મૂકયાં હતાં.
પહેલી લગ્નતિથિ ઉજવાઈ ગઈ. રાજના માતા-પિતા મહિનો દિવ્યાને ત્યાં રહીને હમણાં જ ન્યુયોર્ક ગયાં હતાં. એવામાં એક દિવસ દિવ્યાનાં સેલફોન પર ઘંટડી વાગી અને નામ ‘શીલા’ વંચાયું.
“હેલો, ત્યાં રાજ છે?” શીલા નામની છોકરીએ પૂછ્યું.
“હા, પણ અત્યારે ઘેર નથી. તમારે શું કામ છે?”
“હું એની …. ખાસ ફ્રેન્ડ છું. રાજના સમાચાર નહોતા તેથી છ મહિના પહેલાં તેને ઘેર ગઈ હતી. ત્યારે તેના મમ્મી પપ્પાએ કહેલું કે રાજ આવવાનો હશે ત્યારે મને જણાવશે. મહિનાઓ નીકળી ગયા તેથી આજે ફરી એમને ઘેર ગયેલી, પણ નોકરે કહ્યું કે તેઓ અમેરિકા ફરવા ગયા છે અને જ્યારે હું બહુ પાછળ પડી ત્યારે આ નંબર મને આપ્યો. સોરી તમને તકલીફ આપી, પણ સાચું કહું તો, રાજ મને લગ્નનું વચન આપીને ગયો છે…..આપ કોણ?”
દિવ્યા થોડી વાર અવાચક બની ઊભી રહી પછી, “હું તેની સાસુ” એવાં શબ્દો આદત મુજબ સરી પડ્યાં.
હવે બીજે છેડેથી અવાજ આવતો બંધ થયો અને ડૂસકા સંભળાયા, “ઓહ, તમે સાચું કહો છો?”
દિવ્યા, “હા..” કહેતા ધ્રૂજી ગઈ.
તે સાંજે મેના જેવી ઘરમાં દાખલ થઈ કે ચિંતાતુર દિવ્યા તેને અંદરના રૂમમાં લઈ ગઈ અને ફોન પરની વાતચીત જણાવી. “આ રીતે જોઈએ તો રાજના માતા-પિતાએ શીલાથી તમારાં લગ્નની હકીકત કેમ છુપાવી હશે? મેના, રાજને પૂછતાં પહેલાં તું શોધ કે ખરેખર શું વાત છે!”
કમ્પ્યુટરમાં કુશળ મેનાએ તપાસ શરૂ કરી તો રાજના બીજાં સંબંધો યથાવત ચાલુ લાગ્યા. રાજ ઘેર આવીને નહાવા ગયો ત્યારે મેનાએ તેનો ફોન પણ તપાસ્યો અને સખત આંચકો લાગે તેવી વાતો છતી થઈ. કેટલાક અશ્લીલ ફોટા તેનું ખરું સ્વરૂપ દેખાડતાં હતાં … છેલ્લા પાંચ કલાકમાં તો મેના અને તેનાં પરિવાર ઉપર જાણે ઝંઝાવાત આવી ગયો.
હવે મેનાને રાજના ભણતર માટે પણ શંકા થઈ. બધી હકીકત ન મળે તેટલો સમય મેના ચૂપ રહી. તપાસ કરતાં ખબર પડી કે રાજે અમેરિકામાં કાંઈ અભ્યાસ કરેલો જ નહીં. ટુરિસ્ટ વિઝા પર આવીને રહી પડેલો. કુટુંબ પર વીજળી પડી હોય તેમ બધાં ચોંકી ગયાં. તે સાંજે મેના અને પરિવાર રાજની રાહ જોતાં બેઠાં પણ કોઈનું મન માનવા તૈયાર નહોતું. હજુ કોઈ આશાનો દોર પકડીને રાહ જોઈ રહ્યાં હતાં કે રાજ આવીને બધું બરાબર કરી દેશે. એક વરસથી સાથે રહેનાર વ્યક્તિને ઓળખી ન શક્યા! મેનાએ રાજને એક પછી એક સવાલ પૂછવા માંડ્યાં અને દરેક જવાબ સાથે ભયંકર નાલેશીના વાદળાં ઘેરાતાં ગયાં. વાત પરથી ખ્યાલ આવ્યો કે આ કુટુંબને છેતરવામાં રાજ અને તેના માતા પિતા પૂરા મળેલાં હતાં.
“રાજ, તું અત્યારે જ ઘરની બહાર નીકળી જા.” મેનાના પિતાએ ઊંચા અવાજમાં રાજને બહાર ધકેલ્યો.
“હાં જઉં છું, મારો સામાન લઈને પછી જઉં છું.” ખંધુ હસતો સામાન લઈને નીકળી ગયો. દિવ્યાને થયું કે એ નાલાયકને જરા પણ ચિંતા નથી કે ક્યાં જશે! બે દિવસ પછી મેનાનો ભાઈ ખબર લઈ આવ્યો કે કોઈ મેક્સિકન બાઈના એપાર્ટમેન્ટમાં ગોઠવાઈ ગયો છે. મેનાની સ્થિતિ બહુ ચિંતાજનક હતી. રાજ ફોન કરે અને પાછા આવવા માટે પટાવે તો પોતાના નિર્ણય માટે શંકા થાય અને વ્યાકુળતા સાથે પતિ-પત્ની તરીકે આપેલા વચનો યાદ આવે. તેનાં મનને કેમ મક્કમ બનાવવું તેનો ઉપાય અઠવાડિયાને અંતે મળ્યો. દિવ્યા અને તેનો ભાઈ રાતના મેનાને કારમાં લઈ ગયા અને દૂરથી રાજને કોઈ બાઈ સાથે હાથ ઝુલાવતો એપાર્ટમેન્ટમાં જતો બતાવ્યો … ને એક તિવ્ર ડંખથી મેના રડી પડી.
“જો, બેટા! એ કોઈ બિચારો નથી,” દિવ્યાએ મેનાને હકીકત સ્વીકારવા સમજાવી.
મેના ડિવોર્સ લેવા તૈયાર થઈ. દિવ્યા કહેતી કે આ વજ્રઘાતમાંથી બહાર આવતા સમય લાગશે પણ બે વાત સારી છે કે વચ્ચે બાળક નથી અને ગ્રીનકાર્ડની અરજી રદ્દ કરાવવાનો સમય છે. બેન્કના ફોર્મ્સ તો ફાડીને ફેંકી દીધાં. અને આમ …જીવનપ્રવાહ મંદ, નિરુત્સાહ ગતિથી વહેતો રહ્યો.
બે વરસમાં તો રાજ એ જ ગામમાં મજાના બંગલામાં રહેવા લાગ્યો. દિવ્યા કહેતી કે,”જે માણસે અમને આટલો મોટો આઘાત આપ્યો તે મજેસથી જીવે છે! આ ક્યાંનો ન્યાય? મારી દીકરીને આવું કેમ થયું?” દિવ્યાને ફરી ફરીને સવાલ ડંખતો હતો કે કેમ અમે કોઈ તેને ઓળખી ન શક્યા? સવાલ નિરાશાની દીવાલ સાથે અફળાઈને વેરાઈ જતો. દિવસો જતાં મેના ખૂબ મહેનત કરી પોતાનું ભવિષ્ય સ્થિર કરવા પ્રયત્ન કરી રહી હતી.
એક દિવસ દિવ્યાને તેનો દીકરો કહે, “મમ્મી, કોઈ અજાણી ઈમેઈલ આવે તો જવાબ નહીં આપતી.”
“અરે તેના કરતાં પણ વધારે છેતરપીંડી તો ફોન પર થઈ રહી છે. એવી ઘણી ફરિયાદો સાંભળવામાં આવી રહી છે કે ઈન્કમ ટેક્સ કે એવા નામે ફોન કરી ભોળા માણસો પાસે પૈસા પડાવવાના શર્મજનક છળકપટમાં આપણા ગુજરાતીઓ પણ પાવરધા છે,” મેનાએ કહ્યું.
“ફોન પર કેવી રીતે પૈસા પડાવે.” મમ્મીને નવાઈ લાગી.
“આપણા દેશી લોકોની વાત કરીએ તો, દાખલા તરીકે, ગુજરાત અને અહીંના રહેવાસીની વ્યવસ્થિત ટોળકીમાંથી તને ઈન્કમ ટેક્સ ઓફીસમાંથી ફોન આવે. તું કહે મને અંગ્રેજી નથી ફાવતું તો તરત તારો ભાષાભેરુ ફોન પર આવીને કહે કે, ‘ઈન્કમ ટેક્સનો તમારે મોટો પ્રોબ્લેમ છે અને પોલિસ થોડા સમયમાં તમારે બારણે આવશે. આ તો હું તમને મદદ કરવા માટે આગળથી ફોન કરું છું. જરા પણ સમય નથી તેથી આટલા ડોલર વાયરથી કઈ રીતે મોકલવા તે હું તમને સમજાવું. હું અહીં અમેરિકન ઓફીસમાં બધું સંભાળી લઈશ અને મોટાભાગના ડોલર પાછા મોકલાવીશ. અને હા! ફોન બંધ નહીં કરતા, કનેક્શન ચાલુ જ રાખજો.’ આ રીતે કોઈને પૂછવાનો તને સમય ન આપે. અનેક ફોન કરે તેમાં કોઈ ગાભરું વ્યક્તિ ફસાઈ જાય અને રોજ રોજ આવી ફસામણીથી હજારો ડોલર્સ લૂંટે.”
આ વાતચિત ચાલતી હતી ત્યારે મેનાને કલ્પના પણ નહોતી કે તેમાં પકડાયેલાં લુચ્ચાઓમાં રાજનું નામ પણ જોવા મળશે. એક દિવસ તો રાજના કુકર્મો છતાં થઈ ગયા. આ માણસ કેટલી હદ સુધી દુષ્ટતા કરી શકે છે એ સમાચારથી મેનાનું અંતર થથરી ગયું. હવે ખ્યાલ આવ્યો કે રાજને મોટા બંગલામાં રહેવાનું કેમ પરવડતું હતું!
“એ પકડાઈ ગયો છે અને સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.” મેના બોલી.
“અરે! જેને આપણે આટલો સમય સાથે રહ્યા પછી પણ ઓળખી ન શક્યા એવા મહા ઉસ્તાદ રાજને અંતે તો તેને યોગ્ય રહેઠાણ મળી ગયું.” પિતાના શબ્દોને મેના શુષ્કભાવ અને સૂકાયેલાં આંસુ સાથે સાંભળી રહી. અને હવે, મેના અને પરિવારવાળા, ઊંડો શ્વાસ લઈ હાશકારો અનુભવી રહ્યા. “દીકરી! વરસની આંધી સહીને આવા માણસથી વહેલો છૂટકારો મળી ગયો …તો હવે પછી, મુક્તિનો આનંદ અને ઊજળું ભવિષ્ય મન ખોલીને વધાવી લે.”
મારી આહની અસર
તારા આપેલા વ્હાલા વચનને વરી, ને થઈ બાવરી,
રૂપ રંગના ગુલાલમાં રોળી તેં લીધી આવરી.
મને ચૂસી મધુરી તેં મનભરી, રે છોડી અવાવરી,
સ્નેહ ચહેરે કાલિમા છુપી’તી, હું બની સાંવરી.
મધ્ય સૈરમાં છેતરી ઉતારી, એ સજા આકરી,
ને સેંથીએથી તારલી સરી, જાણે વીજ આંતરી.
તારી હોડીમાં મારું એક આંસુ ખર્યું….ને
નાવ ડૂબી તારી, તૂટી દોર આખરી.
——
Austin, Texas.
e.mail : saryuparikh@yahoo.com
www.saryu.wordpress.com