વિશિષ્ટ વાચનઃ
ગુજરાતી વાચનમાં જુદી ભાત પાડનાર છમાસિક ‘સાર્થક જલસો’નો સળંગ ૧૪મો અંક પ્રકાશિત થયો છે. તેમાં રાબેતા મુજબનું આશ્ચર્યજનક વિષયવૈવિધ્ય જોવા મળે છે. અનોખાપણાનો અને વિવિધતાનો ખ્યાલ આપતા કેટલાક લેખઃ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં ત્રણ દાયકાની કામગીરી (હસમુખ પટેલ), અંગકોરવાટનું પ્રવાસવર્ણન (છાયા ઉપાધ્યાય), મહેમદાવાદમાં સેવાભાવે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજ ઊભી કરવાની સંઘર્ષકથા (બિપીન શ્રોફ), પિતા નીરવ પટેલ સાથેનાં સંસ્મરણો (ઋચા નીરવ પટેલ), ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક મહાન ફિલ્મ- કલાકારોને સામાન્ય ચાહકો તરીકે મળવાના વિશિષ્ટ અનુભવો (બીરેન કોઠારી – ઉર્વીશ કોઠારી), બાલી અને ઇઝરાઇલમાં કોરોનાકાળ પહેલાં, તહેવારને કારણે થતા ‘લૉકડાઉન’ના અનુભવો (હેતલ દેસાઈ), કોરોના-સંદર્ભે રોગચાળા અંગે વર્તમાન અને ભૂતકાળની વિશિષ્ટ જ્ઞાનસામગ્રી (ડૉ. દુર્ગેશ મોદી), ચા વિશેનાં દેશપરદેશનાં સંભારણાં (કૅપ્ટન નરેન્દ્ર), શૈશવથી જીવનસંધ્યા સુધી દવાખાનાંના અનુભવો (ચંદુ મહેરિયા), તકિયા-કલામ વિશે (સલિલ દલાલ), ફૉરેસ્ટ ઑફિસર તરીકેનાં સંભારણાં (ચંદ્રશેખર પંડ્યા) …
આ ઉપરાંત રજનીકુમાર પંડ્યાનો આત્મકથનાત્મક અંશ અને દીપક સોલિયા, નરેશ મકવાણા, અમિત જોશી, નિશા પરીખ-સંઘવી, કિરણ જોશી તથા ડૉ. અશ્વિનકુમારના વિશિષ્ટ લેખ સામેલ છે. નડિયાદના જાણીતા (હવે દિવંગત) તસવીરકાર મનહર ચોકસીએ ખેંચેલી પંડિત નહેરુ, રવિશંકર મહારાજ જેવા અગ્રણીઓની અને પૃથ્વીરાજ કપૂર જેવા ફિલ્મ-કલાકારોની યાદગાર તસવીરોનું ફોટોફીચર પણ આ અંકમાં જોવા મળે છે.
મે, ૨૦૨૦નો અંક કોવિડ-૧૯ને કારણે પ્રગટ થઈ શક્યો ન હતો. માટે, આ વખતનો અંક સામાન્ય રીતે આવતાં ૧૪૪ પાનાં- કિંમત રૂ.૮૦ને બદલે, ૧૭૬ પાનાં અને કિંમત રૂ.૧૦૦નો છે.
(સાર્થક જલસો-૧૪, સાર્થક પ્રકાશન, ફોન-વૉંટ્સએપઃ કાર્તિક શાહ, ૯૮૨૫૨ ૯૦૭૯૬)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 15
![]()


આપણે જાણીએ છીએ કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપી, ત્યારે એમના મનમાંનો ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામના 'સાક્ષરજીવન'ના નાયક સમો હતો, જેના દિલમાં દેશહિત હોય, પરિષદદર્શનની આ વ્યાપકતાનો ખ્યાલ એના પરથી આવે છે કે અહીં થયેલા પ્રમુખો મોટા સર્જકોની સાથે મોટા ચિંતકો પણ રહ્યા છે. ગાંધીજીનું પરિષદપ્રમુખ હોવું એ આ પરંપરાનું ગૌરવ હતું. આર્નોલ્ડે સાહિત્યને જીવનની સમીક્ષા ગણાવ્યું છે. એ અર્થમાં સાહિત્યકાર એટલે જીવનનો સમીક્ષક. જીવન એટલે મેઘાણી કહે છે તેમ મુંબઈના કોઈ નળમાંથી ટપકતી દદૂડી નહીં, પણ સાગરવેળ જે આપણા અણુએ અણુને પ્લાવિત કરે. પરિષદદર્શનના પાયામાં આ ભાવના રહેલી છે. પરિષદદર્શનના આ પાયાના એક પથ્થર પ્રકાશ ન. શાહ છે, આપણે ત્યાં રસિક હોય એ ઘણીવાર પૂરો નાગરિક નથી હોતો, નાગરિક હોય એ પૂરો રસિક નથી હોતો. રસિક નાગરિકની કેળવણી પ્રકાશભાઈની મથામણ રહી છે.
આ સર્જકોની સર્વતોમુખી પ્રવૃત્તિ પ્રકાશભાઈમાં પણ આપણને જોવા મળે છે. રાજનીતિ, પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્યમાં પ્રગતિશીલ અભિગમથી સતત કામ કર્યું. સાહિત્યની સ્વાયત્તતા અને સંસ્થા પ્રત્યેની નિસબતના સંયોગનું એ વિરલ ઉદાહરણ છે. ભોગીલાલ ગાંધી, જયંતિ દલાલ, ‘દર્શક’, ઉમાશંકર જોશી, સાથે તો જયપ્રકાશના આંદોલનમાં અને આચાર્ય કૃપાલાણી સાથે અંતેવાસી કહી શકાય એ રીતે કામ કર્યું. કટોકટી વખતે જેલવાસ પણ વેઠ્યો. આમ, પ્રકાશ ન. શાહ એક વ્યક્તિ નહીં પણ એક મિજાજ, એક આબોહવાનું પ્રતિનિધિત્વ કરે છે. એમના લેખન અને વક્તવ્યમાં સંદર્ભો અવનવાં પુષ્પોની જેમ પ્રગટ થઈ, વિષયને વ્યાપક ફલક પર લઈ જાય છે. નિર્ભય લેખક કેવો હોય એનું પ્રકાશ ન. શાહ જીવતુંજાગતું ઉદાહરણ છે. પ્રકાશભાઈ પ્રજાલક્ષી રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છતાં એમની છાપ કોઈ પણ પક્ષ કે વાદમાં બંધાવાને બદલે મૂલ્યબદ્ધ વ્યક્તિ તરીકે જ સમાજમાં વિસ્તરતી રહી. આ કારણે જ એમની લોકપ્રિયતા કે સ્વીકૃતિને પક્ષવાદ કે જૂથની સીમાઓ અડી પણ નહિ અને નડી પણ નહીં.