ईमाँ मुझे रोके है जो खींचे है मुझे कुफ्र
काबा मेरे पीछे है कलीसा मेरे आगे

રમેશ ઓઝા
૧૯મી સદીમાં થયેલા મહાન ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબનો આ શકવર્તી શેર છે. તેમના સમયનું રેખાંકન કરનારી લાંબી કવિતાની આ બે પંક્તિ છે જેમાં ગાલિબ તેમના સમકાલીન મુસલમાનોની મન:સ્થિતિ વિષે કહે છે: ધર્મશ્રદ્ધા મને રોકીને રાખે છે જ્યારે કુફ્ર (ઇસ્લામ જેણે કબૂલ નથી કર્યો એવા લોકો, ઇસ્લામમાં નિ:શંક શ્રદ્ધા નહીં રાખનારાઓ, નાસ્તિકો, શંકા તેમ જ પ્રશ્ન કરનારાઓ) મને પોતાના તરફ ખેંચે છે અને હું ખેંચાઉં છું. કાબા મારી પાછળ છે એટલે કે ઇસ્લામની શ્રદ્ધાજન્ય પરંપરાઓ મારી પાછળ છે અને કલીસા (ચર્ચ) મારી આગળ છે. અહીં ચર્ચ શબ્દ ઈસાઈ ધર્મના અર્થમાં નથી, પણ પ્રતિકરૂપે છે. હું માનું છું એનાથી અલગ રીતે વિચારનારાઓ, દુનિયાને જોનારાઓ અને જીવનારાઓ.
હવે થોડી પૃષ્ઠભૂમિ. મિર્ઝા ગાલિબનો જન્મ આગરામાં ઈ.સ. ૧૭૯૭માં થયો હતો અને મૃત્યુ દિલ્હીમાં ૧૮૬૯માં થયું હતું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે ગાલિબનો સમય મુસલમાનોની પડતીનો સમય હતો અને જ્યારે પડતી થાય ત્યારે માણસ વધારે ધાર્મિક, વધારે અંધશ્રદ્ધાળુ, વધારે દુનિયાથી કપાયેલો, જૂની જાહોજલાલીની યાદોમાં રાચનારો અતીતરાગી, વર્તમાનની વરવી વાસ્તવિકતાઓ તરફથી મોઢું ફેરવી લેનારો, બીજાને પોતાનાં દુઃખો માટે દોષી ઠેરવીને રૂદન કરનારો, વેવલો, સતત તારણહારની શોધમાં
ફાંફા મારનારો બનવા લાગે છે. ગાલિબના સમયમાં મુસ્લિમ મન:સ્થિતિ કાંઈક આવી હતી. દેખીતી રીતે ધર્મગુરુઓ અને ધર્મનું રાજકારણ કરનારાઓ મુસલમાનોની આવી મન:સ્થિતિનો ઉપયોગ કરતા હતા. બીજી બાજુ પોતાના વિષે, પોતાની પરંપરા વિષે, પોતાની ધાર્મિક માન્યતાઓ વિષે પ્રશ્ન કરનારાઓ, સમયને ઓળખનારાઓ, જૂની નકામી ચીજોને છોડનારાઓ અને અને નવી કામની ચીજોને અપનાવનારાઓ આગળ જતા હતા અને ભવિષ્યના ભારતમાં પોતાની જગ્યા બનાવતા હતા. કોણ હતા એ? જવાબ દેખીતો છે; હિંદુઓ. હિંદુઓએ વિચારવાનું, શંકા કરવાનું, પ્રશ્નો કરવાનું, આગળ જોવાનું, પશ્ચિમ પાસેથી શીખવાનું, છોડવાનું-અપનાવવાનું શરૂ કરી દીધું છે અને ગાલિબ કહે છે એ બધું મને ખેંચે છે આકર્ષે છે. એ માર્ગે દોટ મુકવાનું મન થાય છે. કાબા (ઇસ્લામિક માન્યતાઓ) મારી પાછળ છે અને ભવિષ્ય મારી આગળ છે.
આજે ભારતમાં સરેરાશ હિંદુ માનસિકતા ૧૮મી-૧૯મી સદીના મુસલમાનો જેવી છે. તેમને રાજી રાખવા માટે દુનિયા માને કે ન માને, પણ સ્વયં ઘોષણા કરી દેવામાં આવી છે કે ભારત વિશ્વગુરુ છે. આખા જગતે ભારત પાસેથી શીખવાનું છે. પણ હવે વિશ્વગુરુએ જાહેરાત કરી છે કે વિશ્વગુરુ મ્લેચ્છોને ગુરુ બનાવીને તેમની પાસે ભણશે. વિદેશનાં પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયો ભારતમાં આવીને ગુરુકૂળ સ્થાપી શકે છે અને વિશ્વગુરુને ભણાવી શકે છે.
આવું શા માટે કરવામાં આવ્યું હશે? ગાલિબની જેમ ભક્તરાજોનાં પ્રશ્ન મનમાં પેદા થાય છે ખરો? નહીં થતો હોય અને એ વાતની મને ખાતરી છે.
વિશ્વગુરુએ વિદેશીઓ પાસે ભણવાનો નિર્ણય લીધો એનાં બે કારણો છે. એક છે ધંધો. શિક્ષણનો ધંધો ખૂબ મોટો છે અને ઝડપથી વધી રહ્યો છે. ૨૦૨૧ની સાલમાં વિશ્વમાં શિક્ષણનો ધંધો ૨,૮૮૨.૫૨ અબજ ડોલર્સનો હતો જે ૨૦૨૨માં વધીને ૩,૧૮૪.૪૫ અબજ ડોલર્સનો થયો. ધંધાનો વૃદ્ધિ દર થયો ૧૦.૫ ટકાનો. કયા ધંધામાં આટલી બરકત છે? વળી ધંધો પણ એવો કે નાપાસ થાય તો વિદ્યાર્થી જવાબદાર અને જો પાસ થાય તો જશ ભણાવનારાનો. ભારતમાં શિક્ષણનો ધંધો કરનારાઓ અને હવે પછી કરવા માગનારાઓને નવું ઓપનીંગ જોઈએ છે જે હાર્વડ અને વોર્ટનનાં બ્રેન્ડ નેમ આપી શકે છે. આઇ.આઇ.ટી., જે.એન.યુ. જેવી વિશ્વમાં પ્રતિષ્ઠા ધરાવાનારી આપણી પોતાની શિક્ષણસંસ્થાઓને ખતમ કરી નાખો કારણ કે એમાં ધંધો થઈ શકે એમ નથી અને એનાથી પણ મોટું કારણ એ કે એમાંથી કનૈયાકુમાર જેવા ગરીબ કુટુંબના છોકરા પેદા થાય છે જે વિચારે છે અને પ્રશ્નો કરે છે. અસ્મિતાઓનું રાજકારણ કરનારા શાસકોને વિચારનારાઓ અને પ્રશ્ન પૂછનારાઓ પરવડતા નથી. મીડિયોકર માસ્તરોની ભરતી કરીને આઇ.આઇ.ટી., જે.એન.યુ.નું સ્તર એટલી હદે નીચે લઈ જવાનું જ્યાં ભક્તોને ભણ્યા વિના વિશ્વગુરુ હોવાની સુવાણ મળે. તેમને બિચારાઓને આનાથી વધુ કાંઈ જોઈતું પણ નથી. પરમ સંતોષી છે.
પણ બધા હિંદુ આ પ્રકારના નથી. આ બીજું કારણ છે. હિંદુઓનો એક નાનકડો વગદાર ભદ્રવર્ગ છે જેની પાસે ખૂબ પૈસા છે, સારી જગ્યાએ ગોઠવાયેલા છે, પોતાનાં સંતાનો માટે ભવિષ્યમાં હજુ વધારે મોટી જગ્યા બનાવવા માગે છે અને એ માટે તેમને ઉપયોગી નીવડે એવું (શું કહીશું, સાચું ધોરણસરનું) શિક્ષણ જોઈએ છે. આ એવો વર્ગ છે જે હિંદુ મહાનતાનાં ડાકલાં તો વગાડે છે, પણ પોતાનાં સંતાનોને એનાથી બહાર રાખે છે. એમાં સંઘ-સુતોના સંતાનોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી આઇ.આઇ.ટી., જે.એન.યુ. જેવી શિક્ષણસંસ્થાઓ તેમની પાસે હતી, પણ હવે તેનું દેશભક્તોને પેદા કરવા માટે રૂપાંતરણ થઈ રહ્યું છે એટલે એ વિકલ્પ બચ્યો નથી. તેઓ પોતાનાં સંતાનોને એવી શિક્ષણસંસ્થામાં ભણાવવા માંગે છે જ્યાં ધોરણસરનું શિક્ષણ આપવામાં આવતું હોય, જ્યાં વિચારતા, શંકા કરતા અને પ્રશ્ન પૂછતા શીખવાડાતું હોય અને ઉપરથી શિક્ષણસંસ્થાનું બ્રેન્ડ વેલ્યુ પણ હોય; રહી વાત પૈસાની તો એની તો કોઈ કમી નથી ભલે ગમે તેટલું મોંઘુ હોય. વળી મોંઘુ હોવું જરૂરી છે કે જેથી કનૈયા કુમાર તો શું, મધ્યમવર્ગના લોકોને પણ એ ગજા બહાર લાગે.
તો ખેલ એવો છે કે જેઓ શિક્ષણનો ધંધો કરવા માગે છે તેમને એજ્યુકેશન સેક્ટર ખોલી આપવામાં આવ્યું છે, જે સુખી સંપન્ન અને વગદાર લોકો છે તેમને માટે મધ્યમવર્ગીય જ્યાં ક્યારે ય પહોંચી ન શકે એવી અલાયદી શિક્ષણસંસ્થાઓ ઉપલબ્ધ કરાવી આપી છે અને જ્યાં ગરીબ અને મધ્યમવર્ગીય પહોંચે છે તેવી શિક્ષણસંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે. વળી મજાની વાત એ છે કે ધંધાર્થીઓ અને એલિટ એજ્યુકેશનના લાભાર્થીઓ સાથે સાથે ઓળખના રાજકારણને પોષે પણ છે.
કેવી મજેદાર વહેંચણી છે નહીં! ગેલેલિયો અમારો અને ગાય અને ગોબર તમારાં. (ગેલેલિયો નામનો સોળમી સદીમાં થયેલો એક વિજ્ઞાની હતો જેણે વિચાર કર્યો, પ્રશ્ન કર્યો અને કહ્યું હતું કે પૃથ્વી સપાટ નથી ગોળ છે અને સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. આમ કહેવા માટે તેને ચર્ચે એટલે કે ઈસાઈ ધર્મના ઠેકેદારોએ સજા કરી હતી) ગણપતિના ધડ ઉપર હાથીનું મસ્તક સાંધીને જગતમાં પહેલી પ્લાસ્ટિક સર્જરી વિશ્વગુરુએ કરી હતી એનું શિક્ષણ ગરીબ અને મધ્યમવર્ગીય હિંદુઓને આપવામાં આવશે. પણ એ પાછું સાર્વત્રિક નહીં હોય. ખાસ ખાસ લોકોનાં સંતાનો વિશ્વગુરુની જગ્યાએ વિદ્યાર્થી બનીને ગેલેલિયો ભણશે અને જીવનમાં આગળ વધશે અને હજુ વધારે મોટી જગ્યા બનાવશે.
ફરી એક વાર ગાલિબનો શેર વાંચો અને તમારી મન:સ્થિતિ તપાસો. તમે તમારાં સંતાનોને ટીપીને નવો આકાર આપી શકાય એવો ઘણ આપવા માગો છો કે આરતી ઉતારનારી ઘંટી? વિચારો.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2023
![]()


નોટબંધી અંગેના સર્વોચ્ચ અદાલતના બહુમતી ચુકાદાને જો એક વાક્યમાં વર્ણવવો હોય તો એમ કહી શકાય કે એ તઘલખી પ્રયોગને આપવામાં આવેલું પ્રમાણપત્ર છે. પ્રમાણપત્ર આપવામાં પણ છ વરસ લાગ્યાં એ બતાવે છે કે એમાં કેટલી કસરત કરવી પડી હશે. સરળ અને સાફ ચુકાદાઓ કરતાં કસરતી ચુકાદાઓ આપવામાં વઘારે સમય લાગતો હોય છે. અયોધ્યા રામમંદિરનો ચુકાદો પણ આવો કસરતી ચુકાદો હતો.
એમાં એક જજ હતા ન્યાયમૂર્તિ હંસરાજ ખન્ના. તેમણે અલગ ચુકાદો આપતા કહ્યું કે બંધારણનાં બે હિસ્સા છે. એક હિસ્સામાં વ્યાવહારિક બાબતો છે અને બીજા હિસ્સામાં માનવીય અને લોકતાંત્રિક મૂલ્યો છે. નાગરિકો માટેની સાર્વત્રિક અને સર્વકાલીન નિસબત છે અને એ બંધારણનો પ્રાણ છે. ન્યાયમર્તિ ખન્નાએ એ પહેલા હિસ્સાને અંગ્રેજીમાં બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોંસ્ટિટ્યૂશન તરીકે ઓળખાવ્યું હતું અને ચુકાદો આપ્યો હતો કે શાસકને તેમ જ લોકપ્રતિનિધિઓને બંધારણનાં મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાનો અધિકાર નથી. એ ચુકાદાને આ વરસે ૫૦ વરસ થશે પણ ન્યાયમૂર્તિ ખન્નાનો ચુકાદો અમર છે અને ગાંધીજીની જેમ સ્થાપિત હિતોને માર્ગમાં આવતા કાંટાની જેમ વારંવાર હેરાન કરતો રહે છે. વર્તમાન શાસકોને હિન્દુ રાષ્ટ્ર સ્થાપવું છે જેમાં બંધારણ આડું આવે છે અને એમાં પણ બંધારણના મૂળભૂત માળખા અને પ્રાણવાળો ૧૩માંના એક જજનો, માત્ર એક જજનો ચુકાદો હેરાન કરી રહ્યો છે. માટે વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ ગ્રેનવિલે ઓસ્ટિને કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રાંગણમાં ન્યાયમૂર્તિ ખન્નાની પૂરા કદની પ્રતિમાં સ્થાપવી જોઈએ. જેણે ઐતિહસિક ચુકાદો આપ્યો તેમને સુપરસિડ કરવમાં આવ્યા હતા એ અમર છે અને તેમના ભોગે જેમને બઢતી આપવામાં આવી તેમને કોઈ આજે યાદ કરતું નથી અને જો કોઈ યાદ કરે છે તો એ બુઝદિલીનાં પ્રમાણ તરીકે યાદ કરવામાં આવે છે.
નોટબંધીના ચુકાદાના બીજા જ દિવસે સર્વોચ્ચ અદાલતે હજુ એક કસરતી ચુકાદો આપ્યો છે. આમાં પણ એ જ પાંચ જજોની બેન્ચ હતી અને ન્યાયમૂર્તિ નાગરથનાએ ચાર જજોથી અલગ પડીને પોતાનો લઘુમતી ચુકાદો આપ્યો હતો.