અનમ ઝકરિયાના અભ્યાસ મુજબ, માણસ માફક આવતું ‘સત્ય’ વારંવાર ઘૂંટતો રહે છે તે ત્યાં સુધી કે એક દિવસ તેને તે અપનાવેલું ‘સત્ય’ ખરેખર સત્ય લાગવા માંડે છે, પછી ભલે તે અર્ધસત્ય હોય અથવા સમૂળગું અસત્ય હોય. માણસને આમાં એક પ્રકારનો ખુલાસો મળે છે. જો પરાજીત થયા હોય તો પરાજીત થવા માટેનો ખુલાસો અને જો વિજય થયો હોય તો વિજયી થવા માટેનો ખુલાસો. આને કારણે માફક નહીં આવનારા નગ્ન સત્ય તરફ આંખ આડા કાન કરી શકાય છે અને કેટલાક અપરાધબોધથી બચી શકાય છે.
પણ સવાલ એ છે કે ભારતમાં નગ્ન સત્યને ઢાંકવાની અને અપનાવેલા ‘સત્ય’ની નકલી ચામડી મઢવાની શરૂઆત ક્યાંથી થઈ અને કોણે કરી? દેખીતી રીતે એ પાછળથી શોધવામાં આવેલું ‘સત્ય’ છે, પકડાવવામાં આવેલું ‘સત્ય’ છે અને તેને અપનાવીને ઘૂંટી ઘૂંટીને સત્ય માની લેવામાં આવેલું ‘સત્ય’ છે. આમ એટલા માટે કહેવું પડે છે કે જો મુસ્લિમ આક્રમણકારોએ ખરેખર હિંદુઓને જેમ માનવામાં આવે છે એમ સતાવ્યા હોત તો કોઈને કોઈ જગ્યાએ તો વિદ્રોહ થયો જ હોત. છ સદી લાંબા મુસ્લિમ શાસનમાં અને આવડા મોટા દેશમાં એક પણ જગ્યાએ પ્રજાકીય વિદ્રોહ ન થાય એવું તો બને જ નહીં. એ એક ઇતિહાસ સિદ્ધ હકીકત છે કે મુસ્લિમ શાસન દરમ્યાન દેશમાં કોઈ મોટો પ્રજાકીય વિદ્રોહ નહોતો થયો. પ્લીઝ નોટ, હું પ્રજાએ કરેલા વિદ્રોહની વાત કરું છું.
આનું શું કારણ? વિદ્રોહ કરવા માટે આપણા કરતાં તેમની પાસે મોટું કારણ હતું, કારણ કે તેઓ આજે આપણે ધારીએ છીએ એમ ભોગવતા હતા. આનાં બે કારણો છે અને તે બંને ગાંઠે બાંધી લેવાં જોઈએ.
ભારતમાં બે પ્રકારના મુસ્લિમ આક્રમણકારો આવ્યા હતા. કેટલાક લૂંટવા આવ્યા હતા અને લૂંટીને જતા રહ્યા હતા. કેટલાક ભારત પર હાથ લાગે એટલો પ્રદેશ જીતીને શાસન કરવા આવ્યા હતા અને તેઓ અહીં જ વસી ગયા હતા.
જેઓ શાસન કરવા આવ્યા હતા અને શાસન કરતા હતા તેમનો પોતાનો સ્વાર્થ હતો. એ સ્વાર્થ હતો તેમની સામે પ્રજા વિદ્રોહ ન કરે એનો. રાજાઓને તો જીતી શકાય, પણ પ્રજા વિદ્રોહ કરે તો શાસન કરવું અઘરું પડે. તેમને ઇસ્લામમાં રસ નહોતો, શાસનમાં રસ હતો. બીજું આગલા એક લેખમાં કહ્યું હતું એમ તેઓ પણ પ્રમાણમાં તાજા વટલાયેલા મુસલમાનો હતા, કબીલાઈ વાંશિક સંસ્કાર ધરાવતા હતા, લડાઈખોર હતા, ઇસ્લામની પૂરી જાણકારી તેઓ પણ નહોતા ધરાવતા, પ્રમાણમાં અસંસ્કારી જાહિલ હતા, એટલે તેઓ તેમના શાસનમાં આડા આવે એનું નિર્દયી થઈને માથું વાઢી લેતા હતા; પરંતુ તેમને ઈસ્લામને ગામેગામ પહોંચાડવામાં રસ નહોતો. તેમની ઇસ્લામ માટેની સમજ જ ખાસ વિકસી નહોતી ત્યાં પ્રતિબદ્ધતાનો સવાલ નહોતો. વળી એમાં રાજકીય જોખમ રહેલું છે એ વાત સમજવા જેટલી બુદ્ધિ તેઓ ધરાવતા હતા. હા, તેઓ તેમનો ડારો સ્થાપિત કરવા હિંદુ મંદિરોને તોડતા હતા અને એ પણ જવલ્લે જ, પ્રજાકીય વિદ્રોહ ન થાય એનું ધ્યાન રાખીને. બીજું બુતપરસ્તી(મૂર્તિપૂજા)નો નકાર એ ઈસ્લામ એવી તેમની ઈસ્લામ વિશેની જાડી સમજ હતી.
આપણે આજે માનીએ છીએ એટલા પ્રમાણમાં તેમણે હિંદુઓને સતાવ્યા નહોતા એનું બીજું પણ એક કારણ હતું. ભારત પર ચડાઈ કરનારા મુસલમાનોના એક પછી એક ધાડાઓએ રાજકીય અસ્થિરતા પેદા કરી હતી. એક ગયોને બીજો આવ્યો એવી નાજુક રાજકીય સ્થિતિમાં તેમના રાજ્યમાં પ્રજાકીય વિદ્રોહ ન થાય અથવા તો પ્રજાનો કોઈ વર્ગ દુશ્મનને મદદ ન કરે એ માટે પણ તેઓ હિંદુઓને રંજાડતા નહોતા. તેમની પ્રાથમિકતા તેમના શાસનના પાયા મજબૂત કરવાની હતી, ઇસ્લામનો પ્રચાર નહોતી. એ સમયે મુસ્લિમ શાસકો રાજકીય જરૂરિયાત મુજબ શિયા કે સુન્ની બનતા હતા. સંપ્રદાય પરિવર્તન કરતા હતા. જેમ કે શેરશાહ સૂરી સામે હારીને હુમાયુને ભારત છોડવું પડ્યું એ પછી તે ઈરાનના રાજવીની મદદ મેળવવા શિયા બની ગયો હતો અને જીત્યા પછી પાછો સુન્ની થઈ ગયો હતો. આમ તેઓ સત્તા ખાતર ઇસ્લામનો પણ ઉપયોગ કરતા હતા.
એ સમયે ઈસ્તંબુલમાં ખલીફાનું રાજ હતું અને ઈસ્લામ મુજબ ઈસ્લામનો ખલીફ મુસલમાનો પર રાજ કરવાનો ધાર્મિક-રાજકીય અધિકાર ધરાવતો હતો. આમ મુસલમાન માત્રની વફાદારી ખિલાફત માટેની હતી. ભારતમાં શાસન કરનારા મુસ્લિમ શાસકો રૂઢિચુસ્ત મુસલમાનો નારાજ ન થાય એ માટે ખલીફા પ્રત્યેની વફાદારીના સોગંદ લેતા હતા. આવા સોગંદ કલમાનો ભાગ હતો જે રોજ પઢવામાં આવતો હતો. ટૂંકમાં તેઓ ચુસ્ત મુસલમાનો નારાજ ન થાય એનું પણ ધ્યાન રાખતા હતા અને હિંદુ નારાજ ન થાય એનું પણ ધ્યાન રાખતા હતા. વાસ્તવમાં એક મુસલમાન તરીકે તેમને ઇસ્લામના પ્રચાર-પ્રસારમાં કોઈ રસ નહોતો, પણ શાસક તરીકે તેમને શાસન કરવામાં રસ હતો. તો આનો અર્થ એ થયો કે તલવારના જોરે હિંદુઓને મુસલમાન બનાવવામાં ભારતમાં આવેલા મુસ્લિમ શાસકોને રસ નહોતો. આમાં અપવાદ ખરા, પણ એકંદરે મુસ્લિમ શાસકો જબરદસ્તીએ ધર્માંતરણ કરાવવાને પ્રોત્સાહન નહોતા આપતા.
હવે અહીં આવે છે હિંદુઓનો પક્ષ. ઈ.સ. ૭૧૨માં વિદેશી મુસલમાનોએ સિંધ પર કબજો કર્યો હતો. મહમ્મદ ઘોરીએ દિલ્હીમાં સલ્તનત સ્થાપી ૧૧૯૨માં. આ બે ઘટનાઓની વચ્ચે ૪૮૦ વરસનો ફરક છે. કોઈ ઓછાં વર્ષો નથી. આ ૪૮૦ વરસ દરમ્યાન હિંદુઓએ મુસ્લિમ આક્રમણોને ખાળવા માટે કેવા ઉપાય કર્યા હતા? ત્રણેય પ્રકારનો અનુભવ હિદુઓને થઈ ગયો હતો. હિંદુઓને આ દરમ્યાન લૂંટવા આવનારા મુસલમાનોનો પરિચય થઈ ગયો હતો. કેટલાક શાસન કરવા રહેવાની તજવીજ કરે છે એનો પણ પરિચય થવા લાગ્યો હતો. જે રહી ગયા હતા તેમના એક ખાસ પ્રકારના ધર્મને કારણે ખરલમાં વટાતા નથી એનો પણ અનુભવ થયો હતો. લગભગ ચારસો વરસના આવા ત્રણેય પ્રકારના અનુભવ પછી પણ હિંદુઓએ મળીને મુસલમાનોને ભારતમાં આવતા રોકવા માટે કોઈ પ્રયત્નો કર્યા નહોતા. ચારસો વરસમાં એક પણ નહીં.
બીજું આશ્ચર્ય. કનૌજના રાજા પૃથ્વીરાજ ચોહાણનો પરાજય ૧૧૯૨માં થયો હતો. કાશીનું પતન ૧૧૯૪માં થયું. ૧૧૯૭-૯૭માં બંગાળનો આક્રમક મુસલમાનોના હાથે પરાજય થયો. માત્ર એક દાયકામાં વિદેશથી આવેલા મુસલમાનોએ પેશાવરથી લઈને ઢાકા સુધીના ભારત પર કબજો જમાવ્યો હતો. વિદેશથી આવનારા બે-ચાર હજાર મુસલમાન હિંદુ બહુમતી દેશમાં જોતજોતામાં છવાઈ જાય અને એક દાયકામાં અડધા દેશમાં કબજો જમાવે એવું કેમ બન્યું? એ સમયે યાતાયાતની આધુનિક વ્યવસ્થા પણ નહોતી.
શા માટે આવું બન્યું?
આનું કારણ એ હતું કે હિંદુ રાજવીઓ વચ્ચે સંપ નહોતો. કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’ નવલકથા વાંચી જાવ. આનું એ કારણ હતું કે સાતમી સદીમાં થઈ ગયેલા હર્ષવર્ધન પછીના રાજવીઓમાં સામ્રાજ્ય સ્થાપવા જેટલી મહત્ત્વાકાંક્ષા જ નહોતી. હર્ષવર્ધનનું સામ્રાજ્ય હિંદુઓનું છેલ્લું ખરું સામ્રાજ્ય હતું. આનું કારણ એ હતું કે પ્રજા સામાજિક-સાંસ્કૃતિક પ્રવાહોથી અનભિજ્ઞ હતી. હકીકતમાં એવા પ્રવાહો જ થંભી ગયા હતા. પ્રજા ગામડાંઓમાં જ્ઞાતિબદ્ધ કિલ્લાઓમાં જીવતી હતી. ગ્રામીણ જીવન સ્વાયત્ત પણ હતું અને તે સાથે કુંઠિત તેમ જ શોષિત પણ હતું. આમ પ્રજાને રાજા આવે કે જાય એનાથી કોઈ ફરક પડતો નહોતો. પ્રજામાં રાજકીય ચેતનાનો જ અભાવ હતો. સંત તુલસીદાસે એક ચોપાઈમાં કહ્યું છે, ‘કોઉં નૃપ હોય હમહિં કા હાની.’ અર્થાત્ રાજા ગમે તે હોય આપણને શું નુકસાન છે.
આનું કારણ એ હતું કે જ્ઞાતિપ્રથાને કારણે બિન-ક્ષત્રીય પ્રજાને લડવાનો પણ અધિકાર નહોતો. ક્ષત્રીય ખપી જઈને પાળિયો થઈ જાય, પણ બિન-ક્ષત્રીયની મદદ નહીં લે. તેને મન યુદ્ધમાં જીતવા કરતાં જ્ઞાતિની અટ જાળવી રાખવી એમાં વધારે મોટાપણું હતું. આનું કારણ એ હતું કે હિંદુઓ હંમેશાં સંરક્ષણાત્મક લડાઈઓ જ લડતા હતા, આક્રમક લડાઈ નહોતા લડતા. તમને દેશમાં જેટલા પાળિયા જોવા મળશે એટલા વિજય સ્મારકો જોવા નહીં મળે.
આનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ હિમાલય, હિંદુકુશ અને દરિયો ઓળંગવાની મનાઈ કરી હતી. વાત એમ છે કે બૌદ્ધો ધર્મપ્રચાર કરવા વિદેશ જતા હતા અને તેમને વિદેશ જનારા નીચા ગણવા માટે બ્રાહ્મણોએ હિંદુઓએ વિદેશ નહીં જવું એને ધર્મ માનવામાં આવ્યો હતો. બહાર જાય એ હલકા અને ઘરમાં રહે એ શ્રેષ્ઠ ઊંચા. આનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ પુરાણોમાં વિષ્ણુના કલ્કી અવતારની કલ્પના ઘૂસાડી હતી જે પ્રજાને ભ્રમણામાં રાખતી હતી. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે : “સિંધુ તટ, દાવિકોર્વી, ચન્દ્રભાગા તથા કાશ્મીર પ્રાંતોનો ઉપભોગ વ્રાત્ય, મ્લેચ્છ અને શુદ્ર કરશે. તેઓ ઓછી કૃપા અને વધારે કોપ કરનારા હશે. તેઓ સદા અનૃત ધર્મમાં રુચિ ધરાવનારા હશે અને સ્ત્રી બાકળ તેમ જ ગાયોનો વધ કરશે. ત્યારે શમ્બલ ગ્રામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણના ઘરમાં વાસુદેવ કલ્કીનો અવતાર ધારણ કરશે અને તે તમામ મ્લેચ્છોનો નાશ કરીને બ્રાહ્મણ ધર્મની પુન:સ્થાપના કરશે.” આમ તેમનો ભરોસો ભવિષ્યમાં થનારા અવતાર પર હતો, પુરુષાર્થ પર નહોતો. હિંદુઓ કૃપાર્થી હતા, પુરુષાર્થી હતા.
મુસલમાનોએ જોતોજોતામાં પેશાવરથી લઈને ઢાકા સુધીના ભારત પર કબજો જમાવ્યો એના આ કારણો હતાં. એક નહીં અનેક કારણો. હિંદુઓની આ નિર્બળતાનો સ્વીકાર આર.સી. મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને પણ કરવો પડ્યો છે. આંતરિક નિર્બળતા સિવાય બીજો ખુલાસો શું હોઈ શકે? હવે કલ્પના કરો કે મુસલમાનોએ જો તલવારની મદદથી ઈસ્લામ ધર્મ હિંદુઓ પર લાદ્યો હોત તો હિંદુઓ તેનો સામનો કરી શક્યા હોત? ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ એવું કોઈ ઉદાહરણ મળશે જેમાં ધર્માંતરણનો પ્રતિકાર કરવા હિંદુઓએ લોહી રેડીને સામનો કર્યો હોય કે પછી ઈરાનના જરથોસ્તીઓની જેમ હિજરત કરી હોય. જે આક્રમણકારો પેશાવરથી ઢાકા સુધીનો પ્રદેશ જોતજોતામાં જીતી શકે એ ભારતના ઓછામાં ઓછા ૮૦ ટકા હિંદુઓને મુસલમાન ન બનાવી શકે? તેમણે ભારત પર ૬૦૦ વરસ શાસન કર્યું હતું જે ધર્માંતરણ કરાવવા માટેનો ઓછો સમયગાળો નથી.
મુસલમાનો ભારત પર છસો વરસ રાજ કરે અને છતાં ય ભારતના ૮૦ ટકા હિંદુઓ વટલાયા વિના હિંદુ બની રહે તો જરૂર કોઈ વાત છે. એ વાત આગળ કહેવાઈ ગઈ છે. વિદેશથી આવેલા મુસ્લિમ શાસકોને રાજ કરવામાં રસ હતો, ઇસ્લામમાં નહીં. તેઓ પોતે અધૂરા મુસલમાન હતા એટલે ઇસ્લામિક અસ્મિતાનો તેમને કોઈ સ્પર્શ નહોતો થયો. આમ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને મુસલમાનો ભારતમાં આવ્યા હતા અને હિંદુઓ પર અત્યાચાર કરીને વટલાવ્યા હતા, એ સાચી વાત નથી. જો એ સાચી હકીકત હોત તો એ યુગમાં કોઈને કોઈ જગ્યાએ હિંદુઓએ બળવો કર્યો હોત. નબળામાં નબળી પ્રજા પણ જ્યારે ગળે આવી જાય ત્યારે બળવો કરે છે. હા, દલિતોએ અને શોષિતોએ શાંત વિદ્રોહ જરૂર કર્યો હતો. તેમને સવર્ણ હિંદુઓ દ્વારા સદીઓથી કરવામાં આવતા અન્યાય અને અત્યાચારથી મુક્તિ મેળવવાનો વિકલ્પ મળ્યો હતો. ભારતમાં જે હિંદુઓ મુસલમાન થયા છે એમાંના ૮૦ ટકા કરતાં વધુ લોકો પદદલિત હતા. તેમણે સામે ચાલીને શોષણથી મુક્ત થવા ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો.
તો પછી આવી માનસિકતા આવી ક્યાંથી? આગળ કહ્યું એમ જે પ્રજા પ્રત્યક્ષ ભોગવતી હતી તે પ્રજાએ ગળે આવીને મુસ્લિમ શાસકો સામે બળવો કર્યો હોય એવી તો કોઈ ઘટના ઇતિહાસમાં નોંધાયેલી જડતી નથી. તો આ પછી આવી ‘માન્યતા’ ઇતિહાસનો હિસ્સો બની કઈ રીતે? આનો જવાબ અનમ ઝકરિયાએ આપ્યો છે. અંગ્રેજોએ તેમને માફક આવે એવો ઇતિહાસ લખીને ભારતના હિંદુઓની અને મુસલમાનોની એમ બંનેની જૂઠી ચામડી મઢી આપી હતી. અંગ્રેજોએ શીખવાડેલો ઇતિહાસ ભારતની બંને કોમને માફક આવે એવો હતો.
જેમ કે હિંદુઓને એમ માનવું ગમે છે કે તેમનું પતન તેમની નબળાઈને કારણે નહોતું થયું, પણ મુસલમાનોની નીચતાને કારણે થયું હતું. એક ઝાટકે અપરાધબોધમાંથી મુક્તિ. બીજી બાજુ મુસલમાનોને એમ માનવું ગમે છે કે તેમના પૂર્વજો ક્રૂરતાભર્યા આક્રમણો દ્વારા વિજયી નહોતા થયા, પણ ઇસ્લામ ધર્મની તેમ જ મુસલમાનોની શ્રેષ્ઠતાને કારણે વિજયી થયા હતા. એક ઝાટકે તેમને પણ અપરાધબોધમાંથી મુક્તિ. ભારતીય મુસલમાનોને એ સ્વીકારવું નથી ગમતું કે ભારત પર આક્રમણ કરનારા મુસલમાનો તેમના પૂર્વજો નહોતા પણ તેઓ વિદેશી મુસલમાનો હતા. મોટા ભાગના ભારતીય મુસલમાનોના પૂર્વજો હિંદુ બહુજન સમાજમાંથી આવતા હતા. ભારત પર વિદેશી મુસલમાનોએ રાજ કર્યું હતું અને તેઓ તો હિંદુમાંથી મુસ્લિમ બનેલા ભારતીય મુસલમાનોને જાહિલ સમજતા હતા. મુસ્લિમ વહીવટીતંત્રમાં ઉચ્ચ પદસ્ત અધિકારીઓ વિદેશી મુસલમાનો હતા અથવા નાગર, ચિત્પાવન બ્રાહ્મણ કે કાયસ્થો હતા. કાયસ્થો મુસલમાનોના ખોળામાં ઘુસવા શું શું નહોતા કરતા એ જાણવું હોય તો હરિવંશરાય બચ્ચનની આત્મકથા વાંચી જાવ. તેઓ પોતે કાયસ્થ હતા. આમ મુસ્લિમ શાસકોની નજરે ભારતીય ધર્મપરિવર્તિત મુસલમાનોની કોઈ ગણના જ નહોતી. તેઓ તો હાંસિયામાં પણ નહોતા. આમ છતાં અંગ્રેજોએ તેમને શાસક કોમના વારસ તરીકેનું ચામડી મઢી આપીને સન્માન આપ્યું છે.
આને કારણે હિંદુઓ જ્યારે મુસ્લિમ શાસકો દ્વારા શાસિત હતા ત્યારે જેટલા દુઃખી નહોતા એટલા આજે છે. અને મને એ વાતની પણ ખાતરી છે કે અહીં મેં જે મઢેલી ચામડી ખરોચવાનું સાહસ કર્યું છે એ કેટલાક હિંદુઓને અને મુસલમાનોને એમ બેઉને નહીં ગમે. માફક આવે એવી માન્યતાઓ ગુમાવવાની પીડા સંપત્તિ ગુમાવવા જેટલી જ હોય છે. નિર્વસ્ત્ર થવું કોઈને ગમતું નથી.
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 સપ્ટેમ્બર 2019
![]()


૧૯૫૦-૧૯૫૨નાં વર્ષોમાં કનૈયાલાલ મુનશી ભારતના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન હતા. કૃષિ પ્રધાન તરીકે તેમણે ભારત સ્વાવલંબી બને એટલું અનાજ ઉગાડવાનું હતું અને પુરવઠા પ્રધાન તરીકે ભારતના દરેક નાગરિકને ધાન મળી રહે એની તજવીજ કરવાની હતી. બન્ને પડકારો મોટા હતા. એક તાત્કાલિક હતો અને બીજો લાંબા ગાળાનો હતો. રોજ સવારે મુનશી જ્યારે તેમનાં દફતરમાં જતા ત્યારે પોતાના પ્રાંતની વિકટ પરિસ્થિતિ વર્ણવીને વધુ અનાજ માટેની વિનંતી કરતા ઓછામાં ઓછા આઠ-દસ પત્રો તેમના ટેબલ પર પડ્યા જ હોય. પત્ર લખનારા જે તે રાજ્યોના મુખ્ય પ્રધાનો હોય અને ઉપરથી કેન્દ્રના પ્રધાનોની અને કૉન્ગ્રેસના માંધાતાઓની જોડચીઠી હોય. આમાંથી કોની વિનંતી સ્વીકારવી અને કોની ન સ્વીકારવી અને દરેકની વિનંતી સ્વીકારવા જેટલું અનાજ લાવવું ક્યાંથી, એ મુનશી માટેનો રોજનો પ્રશ્ન હતો. મેં ‘મુનશી પેપર્સ’માં એ પત્રો જોયા છે જે સેંકડોની સંખ્યામાં છે.
નામ દીધા વગર સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરારિબાપુએ આક્રોશ ઠાલવ્યો તેની પાછળ સમજાય એવું કારણ છે. તેમનો મુદ્દો એ છે કે હિંદુઓનો ધર્મ સનાતન ધર્મ છે. તેના ગ્રંથો છે, તેના રામ, કૃષ્ણ, શંકર, હનુમાન જેવા ભગવાન છે, તેના યાત્રાધામો છે, તેના ધાર્મિક વિધિ-વિધાનો છે, તેના દર્શનો છે, વગેરે. આ બધા થકી સનાતન ધર્મની ઓળખ બની છે અને એ ન ગુમાવવી જોઈએ કે ન મોળી પાડવી જોઈએ. આજકાલ નવા નવા સંપ્રદાયો સ્થપાતા જાય છે અને ધર્મગુરુઓ નીકળી પડે છે, જે સનાતન ધર્મની આ બધી ઓળખો બાજુએ હડસેલીને પોતાને સ્થાપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિ સહજાનંદ ભારતમાં થઈ ગયેલા અનેક સંતોમાંના એક સંત હતા, પણ સ્વામિનારાયણવાળાઓએ તેમને ભગવાન તરીકે સ્થાપ્યા છે. આવું માત્ર સ્વામિનારાયણવાળા નથી કરતા, બીજા પણ કરે છે. જો આ રીતે બધા નોખા ચોકા માંડતા રહેશે અને પોતાને હિંદુ ગણાવવા છતાં સનાતન ધર્મની ઓળખોને નકારશે તો સનાતન ધર્મનું શું થશે એની મોરારિબાપુને ચિંતા છે. મોરારિબાપુએ સનાતન ધર્મના પ્રસ્થાપિત ભગવાનોને ‘સાઈડ’ કરવામાં આવી રહ્યા છે એમ કહ્યું છે.