ગયા અઠવાડિયે લેખ પૂરો કરતા મેં લખ્યું હતું કે કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતા જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.
શા માટે તેમનાં સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં અવ્યવહારુ હતાં? આનો જવાબ શહીદ ભગતસિંહ સિવાય બીજું કોણ આપી શકે? ભગતસિંહ પોતે એક ક્રાંતિકારી હતો, બુદ્ધિમાન ક્રાંતિકારી હતો, ભારતના ઇતિહાસ અને સામાજિક વાસ્તવનો તેનો ઉંમર નાની હોવા છતાં ઊંડો અભ્યાસ હતો અને સૌથી મોટી વાત તો એ કે તે બીજા કેટલાક લોકોની માફક પોતે સલામત જિંદગી જીવીને ક્રાંતિનાં સપનાં વેચતો નહોતો, ખૂદ ક્રાંતિકારી હતો અને પોતાના જાનને ન્યોચ્છાવર કરી શકવાની બહાદૂરી ધરાવતો હતો. ગાંધીજીની જેમ જે કહે તે કરવાની પ્રામાણિકતા તેમનામાં હતી.
આવા પ્રમાણિક અને બહાદૂર ક્રાંતિકારી ભગતસિંહે તેને ફાંસી આપવામાં આવી તેની પૂર્વ સંધ્યાએ જેલમાંથી યુવાનોને સંબોધીને એક પત્ર લખ્યો હતો જે સશસ્ત્ર ક્રાંતિના વિકલ્પને વ્યવહારુ સમજનારાઓએ વાંચવાની જરૂર છે. તેણે એ પત્રમાં લખ્યું હતું કે ભારતને આઝાદી માત્ર અને માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા મળી શકે જેવાં આંદોલનો ગાંધીજી કરી રહ્યા છે, અહીં તહીં ગોળીઓ ચલાવવાથી અને છૂટક હિંસા કરવાથી ન મળી શકે. તેમણે યુવાનોને શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી.
અહીં તેના શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે. તેણે શાંતિમય લોકઆંદોલન (peaceful mass agitation) શબ્દપ્રયોગ કર્યો છે, અહિંસક લોકઆંદોલન એવો શબ્દપ્રયોગ નહોતો કર્યો. આનો અર્થ એ થયો કે તેને ગાંધીજી માટે માન હતું, ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા લોકઆંદોલનની વ્યવહારુતા તેને સ્વીકાર્ય હતી, માત્ર ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ અથવા શરત તેમને માન્ય નહોતાં. જરૂર પડે અને સરકાર જો જલિયાંવાલા બાગમાં કરવામાં આવી હતી એવી હિંસા કરે અને જો પ્રજા તેનો હિંસાથી જવાબ આપવાની સ્થિતિમાં હોય તો એ માર્ગ અપનાવવો જોઈએ. ટૂંકમાં જવાબી હિંસાનો માર્ગ લોકો માટે ખુલ્લો હોવો જોઈએ અને એ પણ તો જ જો પ્રજાને પરવડે એવો પરિણામલક્ષી હોય.
આશા રાખું છું કે વાચકોને ગાંધીજી અને ભગતસિંહના માર્ગમાં નજરે પડતા સામ્ય અને ભેદ નજરમાં આવ્યા હશે. ગાંધીજીની માફક ભગતસિંહ પણ માનતો હતો કે સૌથી વ્યવહારુ માર્ગ શાંતિમય લોકઆંદોલન જ છે, હિંસા નથી. હિંસા અવ્યવહારુ માર્ગ છે. બન્ને વચ્ચે જે અંતર હતું એ અહિંસાની બાબતે હતું. ગાંધીજી માટે અહિંસા નિષ્ઠા હતી જ્યારે ભગતસિંહ એવી કોઈ નિષ્ઠા નહોતો ધરાવતો. ગાંધીજી માટે અહિંસાનો આગ્રહ દુરાગ્રહ નહોતો પણ તેઓ ખરેખર એમ માનતા હતા કે અહિંસા એક નિષ્ઠા તરીકે પણ વ્યવહારુ નીવડી શકે છે જો નિષ્ઠા સાચી અને ટકોરાબંધ હોય. ભગતસિંહને એમ લાગતું હતું કે અહિંસા શાંતિના સ્વરૂપમાં વ્યવહારુ છે, નિષ્ઠા તરીકે વ્યવહારુ ન હોઈ શકે. આ અર્થમાં ભગતસિંહ ગાંધીવાદી નહોતો અને છતાં ય તેણે ફાંસીને માચડે ચડતાં પહેલાં યુવાનોને સલાહ આપી હતી કે તેમણે ગાંધીજીના વ્યાપક લોકઆંદોલનમાં ભાગ લેવો જોઈએ.
થોડી પુનરુક્તિ કરીને હજુ એક વાર ફોડ પાડું કે ભગતસિંહ અને ગાંધીજીમાં બે વાતે એકમતી હતી. એક તો એ કે આઝાદી માટેનો વ્યવહારુ માર્ગ લોકઆંદોલન જ છે અને બીજી સમાનતા એ વાતે કે હિંસાનો માર્ગ વ્યવહારુ નથી. ભગતસિંહના શબ્દોમાં અહીં તહીં છૂટક હિંસા કરવાથી આઝાદી ન મળી શકે.
ભગતસિંહના શબ્દો પકડીને જ અહીંથી આગળ વધીએ. શા માટે અહીંતહીં છૂટક હિંસા એમ તેણે કહ્યું છે? શું સમગ્ર દેશને આવરી લે અને અંગ્રેજોએ જાન બચાવવા ભાગવું પડે એવી દેશભરમાં વ્યાપક હિંસા ન થઈ શકે? આખો દેશ સળગે તો અંગ્રેજો ક્યાં જાય? તેમની સંખ્યા કેટલી? તેમને તેમના રંગના કારણે ઓળખવા પણ મુશ્કેલ નથી. લક્ષ્મણ ભોપટકર નામના ‘હિંદુ મહાસભા’ના એક મરાઠી નેતાએ તો થોડી જાડી ભાષામાં એમ કહ્યું હતું કે ભારતની પ્રજા જો એક સાથે પેશાબ કરે તો પણ અંગ્રેજો તણાઈ જાય. જેમણે જિંદગીમાં હાથમાં તણખલું પણ ઉપાડ્યું નહોતું એવા ભોપટકર જેવા લોકો સશસ્ત્ર ક્રાંતિની આવી ભાષામાં વકીલાત કરતા હતા અને જેણે ખરેખર બહાદૂરી બતાવી હતી તે દયાની અરજી કર્યા વિના ફાંસીને માચડે ચડી ગયો હતો.
બાય ધ વે, ભગતસિંહને અનેક લોકોએ સલાહ આપી હતી કે તે સરકારને સજા ઘટાડવા દયાની અરજી કરે. તેણે જ્યારે અરજી કરવાની ના પાડી ત્યારે તેના પિતાને લોકોએ સલાહ આપી હતી કે તે પોતાના યુવાન પુત્રને બચાવવા માટે સરકાર સમક્ષ દયાની અરજી કરે. ભગતસિંહે તેના પિતાને જેલમાંથી પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પુત્રપ્રેમથી પ્રેરાઈને આવી કોઈ અરજી ન કરે. ભગતસિંહે તેના પિતાને એવી પણ સલાહ આપી હતી કે તેઓ ગાંધીજીની મદદ પણ ન માગે. આવો રોમરોમમાં મરદ માણસ હતો ભગતસિંહ. જે ‘સ્વાતંત્ર્યવીર’ તરીકે ઓળખાય છે એ વિનાયક દામોદર સાવરકરનો ક્રાંતિનો ઇતિહાસ આનાથી ઠીક સામેના છેડાનો છે.
તો સવાલ એ છે કે આવા મરદ માણસને એમ કેમ નહોતું લાગ્યું કે આખો દેશ સશસ્ત્ર ક્રાંતિથી સળગે અને અંગ્રેજોએ જીવ બચાવવા ભાગવું પડે એ શક્ય છે? જેમને કાંઈ કરવું નહોતું અને કર્યું નહોતું એવા લોકોને એમ લાગતું હતું હિંસક ક્રાંતિ થઈ શકે છે અને તેની વકીલાત કરતા હતા અને જેણે કરી બતાવ્યું એ પોતાના અનુયાયી યુવકોને કહીને જાય છે કે અખિલ ભારતીય સશસ્ત્ર ક્રાંતિ શક્ય નથી. આખરે વ્યવહારુતા અને અવ્યવહારુતા ચકાસવાની જરૂર તો એને જ પડે જેમણે કાંઈ કરવું હોય, પસંદ કરેલા માર્ગે ચાલવું હોય, જોખમ ઉઠાવવું હોય; પણ જેને કાંઈ કરવું જ નથી અને માત્ર જહાલ ભાષણ કરવાં છે, ધગધગતી ભાષામાં લેખો લખવા છે અને યુવાનોને ઉશ્કેરવા છે તેમને વ્યવહારુતા ચકાસવાની ક્યાં કોઈ જરૂર પડવાની!
આઝાદી પહેલાં ક્રાંતિકારીઓના આવા બે વર્ગ હતા. એક શબ્દાળુ ક્રાંતિકારીઓ હતા જેઓ હિંસક ક્રાંતિની માત્ર વકીલાત કરતા હતા અને પ્રત્યક્ષ પોતે કાંઈ નહોતા કરતા. શેકેલો પાપડ પણ નહોતો ભાંગ્યો. બીજા પોતાના અમૂલ્ય જીવને ફગાવી દેનારા ક્રાંતિકારીઓ હતા. શબ્દાળુ ક્રાંતિકારીઓ ક્રાંતિની વકીલાત ત્રણ કારણે કરતા હતા. એક તો એની વકીલાત કરીને ગાંધીજીને કાયર ઠરાવી શકાય. ‘આવા વેવલા માર્ગે તે કાંઈ દેશ આઝાદ થતો હશે! દેશને મર્દાનગીની જરૂર છે.’ અનેક લોકોને તેમની આ દલીલ ગળે ઊતરતી હતી અને વાટ જોતા હતા કે એક દિવસ તેઓ ઝંપલાવશે અને દેશને આઝાદી અપાવશે. પણ આવું ક્યારે ય બન્યું નહીં અને દેશ તેમની મર્દાનગી વિના વેવલા માર્ગે આઝાદ થઈ ગયો. બીજું કારણ એ હતું કે ગાંધીજીને કાયર અને વેવલા ઠરાવીને આઝાદીના આંદોલનમાં ભાગ લેવાથી બચી શકાય. જેલ જવાથી બચી શકાય. પોલીસની લાઠી ખાવાથી બચી શકાય. ‘શું કરીએ અમને ગાંધીજીની કાયરતા કબૂલ નથી. અમારો તેમની સાથે મૂળભૂત મતભેદ છે.’ ત્રીજું કારણ એ કે સમય અને શક્તિ બચાવીને તેને મુસલમાનો સામે વાપરી શકાય. આઝાદી તો એક દિવસ મળી જશે, પણ એ મળે એ પહેલાં મુસલમાનોને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ.
આ બાજુ જેમણે ખરેખર મર્દાનગી બતાવી તેમનો ઇતિહાસ આપણને એમ કહે છે કે એ તેમનું વ્યક્તિગત કે બે-ચાર જણાનું સાહસ હતું, વ્યાપક હિંસા નહોતી. પ્રજાની કોઈ વ્યાપક ભાગીદારી નહોતી. એવા ક્રાંતિકારીઓમાં જે સૌથી વિચક્ષણ હતો એ કહીને ગયો કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા આઝાદી મળવી અશક્ય છે, માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા જ મળી શકે.
શા માટે? એની ચકાસણી હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જાન્યુઆરી 2021
![]()


કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતા ચૌધરી રહેમત અલી નામના વિદ્યાર્થીએ ૨૮મી જાન્યુઆરી ૧૯૩૪ના રોજ ‘Now or Never : Are we to live or perish forever?’ એવા શીર્ષકવાળું અંગ્રેજીમાં એક ચોપાનિયું બહાર પાડ્યું હતું, જેમાં પહેલી વાર ‘પાકિસ્તાન’ એવું નામ જોવા મળ્યું હતું. પાકિસ્તાનનું નામકરણ રેહમત અલીએ P = પંજાબ, A = અફઘાન (એટલે કે વાયવ્ય સરહદ પ્રાંત), K = કાશ્મીર, S = સિંધ અને બલુચિસ્તાનમાંથી STAN લઈને કર્યું હતું જેમાં બંગાળનો B જોવા મળતો નથી. આનું એક કારણ તો કોઈ એક દેશ ત્રણ હજાર કિલોમીટરના અંતરે બે ભાગમાં હોઈ શકે એવી તેણે કલ્પના નહીં કરી હોય, અને બીજું એનાથી મોટું કારણ એ હતું કે પૂર્વ બંગાળના મુસલમાનો સાથે ભારતના પશ્ચિમ પ્રાંતોમાં વસતા મુસલમાનોનો ભાવનાત્મક સંબંધ નહોતો. તેમને પૂર્વ બંગાળના મુસલમાનો પાકિસ્તાન માટે ખાસ ખપના નહોતા લાગ્યા. એમાં પણ રહેમત અલી પંજાબી હતો અને પંજાબીઓ પોતાને પાકિસ્તાનના આર્કિટેક્ટ સમજતા હતા અને આજે પણ સમજે છે.
૧૮૫૭ના વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવવામાં આવે છે, એ અસત્ય કથન છે. એ સમયે સ્વતંત્રતાની માગણી કોઈએ કરી નહોતી અને એવી કોઈ કલ્પના પણ નહોતી. જો એમ હોત તો બળવાખોર ભારતીય સિપાઈઓ દિલ્હી જવાની જગ્યાએ કલકત્તા ગયા હોત, જ્યાં કંપની સરકારની રાજધાની હતી. સિપાઈઓને તો એ વાતની પણ જાણ નહોતી કે જેને તેઓ શેહેનશાહ એ હિન્દ તરીકે માનતા હતા અને જેની મદદ લેવા દિલ્હી ગયા હતા એ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર કંપની સરકારના પેન્શન ઉપર જીવતો હતો અને બિચારો કંપની બહાદુરને અરજ કરતો હતો કે ખર્ચા નીકળતા નથી માટે પેન્શનની રકમ વધારી આપવામાં આવે. રાજા રામમોહન રોય બહાદુર શાહ ઝફરની અરજી લઈને લંડન ગયા હતા. સિપાઈઓની લડત તેમના પોતાના પ્રશ્ને હતી અને તેને ભારતની આઝાદી સાથે કોઈ નિસ્બત નહોતી. એ લડત પણ લશ્કરી છાવણીઓ પૂરતી ઉત્તર ભારતમાં સીમિત હતી.