
અલી ખાન મેહમૂદાબાદ
પાકિસ્તાનમાં લશ્કર અને આતંકવાદી (એટલે કે બિન-રાજ્ય કર્તાઓ) વચ્ચે વિલય પામતા રહેલા તફાવતના સંદર્ભમાં ભારતે વાસ્તવમાં વ્યૂહાત્મક રીતે નવા તબક્કાનો આરંભ કર્યો છે. હકીકતમાં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામેનો પ્રતિભાવ પરંપરાગત ઉત્તરને જ આમંત્રે, અને તેથી તેની જવાબદારી પાકિસ્તાની લશ્કરની છે કે તે હવે આતંકવાદીઓ અને બિન-રાજ્ય કર્તાઓની પાછળ સંતાય નહીં.
પાકિસ્તાન ઘણા લાંબા સમયથી લશ્કરીકૃત બિન-રાજ્ય કર્તાઓનો ઉપયોગ આ પ્રદેશને અસ્થિર કરવા માટે કરી રહ્યું છે અને છતાં તે આતંકવાદથી અસરગ્રસ્ત છે તેવું વૈશ્વિક મંચ પર દાવા સાથે કહે છે. તેણે એ જ લોકોનો ઉપયોગ પાકિસ્તાનમાં સંપ્રદાયવાદી તનાવ ઊભો કરવા માટે પણ કર્યો છે અને તેમાંના કેટલાક પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા છે.
ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના તમામ પ્રસ્થાપિત સિદ્ધાંતોને પુન: ગોઠવે છે, અને તે એમ કહે છે કે આતંકવાદી હુમલાનો જવાબ લશ્કરી પ્રતિભાવ તરીકે આપવામાં આવશે, અને તે બે વચ્ચેના કોઈ પણ લવારિયા તફાવતને નેસ્તનાબૂદ કરે છે.
આ તફાવત તૂટ્યો તેમ છતાં, ભારતના લશ્કર દ્વારા એની કાળજી લેવાઈ છે કે લશ્કરી કે નાગરિક મથકો પર કે માળખાગત સવલતો પર હુમલા ન થાય કે જેથી ખોટો બિન-જરૂરી ભડકો ન થાય. આમ, સંદેશ બહુ સ્પષ્ટ છે : જો તમે તમારે ત્યાંના આતંકવાદની સમસ્યા નહીં ઉકેલો તો અમે એ ઉકેલીશું! નાગરિકોની જિંદગીની નુકસાની બંને પક્ષે દુઃખદાયી છે અને તે જ એક મુખ્ય કારણ છે કે યુદ્ધ ટાળવું જોઈએ.
કેટલાક લોકો બેફામપણે યુદ્ધની વકીલાત કરે છે પરંતુ તેમણે કદી પણ સંઘર્ષનો પ્રદેશ જોયો હોતો જ નથી, ત્યાં રહેવાની કે તેની મુલાકાત લેવાની વાત તો સાવ જ બાજુ પર. મોક સિવિલ ડિફેન્સ ડ્રીલના ભાગ બનવાથી તમે સૈનિક નથી બની જતા અને તમે કદી એ જાણતા પણ નથી કે સંઘર્ષને કારણે જે સહન કરે છે એની શી પીડા હોય છે. યુદ્ધ ઘાતકી છે. ગરીબોને ખૂબ સહન કરવું પડે છે અને જેમને લાભ થાય છે તે છે રાજકારણીઓ અને શસ્ત્રો પેદા કરનારી કંપનીઓ. રાજકારણનું મૂળ મુખ્યત્વે હિંસા હોય છે તેથી યુદ્ધ અનિવાર્ય બની જાય છે, માનવજાતનો ઇતિહાસ તો કમ-સે-કમ આ જ શીખવે છે. આપણે એ સમજવું પડશે કે રાજકીય સંઘર્ષો ક્દી પણ લશ્કરી માર્ગે ઉકેલાયા નથી.
છેલ્લે, મને એ વાતની ખુશી છે કે ઘણા જમણેરી વિવેચકોએ પણ કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી છે. પરંતુ તેમણે એટલા જ બુલંદ અવાજે એવી માગણી કરવી જોઈએ કે મોબ લિન્ચિંગ, સ્વચ્છંદી રીતે ચલાવાતાં બુલડોઝર અને ભા.જ.પ.ના નફરતનાં પીપૂડાંના અસરગ્રસ્તોનું પણ ભારતના નાગરિકો તરીકે રક્ષણ થાય.
બે મહિલા સૈનિકોને લશ્કરની વાત કહેવા માટે રજૂ કરવાના દેખાડા મહત્ત્વના છે, પણ હકીકતમાં તે જમીની સ્તરે વાસ્તવિકતા બનવું જોઈએ, નહીં તો તે દંભ માત્ર બની રહે છે. જ્યારે અગ્રણી મુસ્લિમ રાજકારણીઓ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહે છે અને તેમને તેથી પાકિસ્તાનીઓ દ્વારા ટ્રોલ કરવામાં આવે છે; ત્યારે ભારતના જમણેરી વિવેચકો તેમનો એમ કહીને બચાવ કરે છે કે “એ તો અમારા મુલ્લા છે.” અલબત્ત, આ રમૂજી બાબત છે, પણ તે એ બાબત પ્રત્યે પણ ધ્યાન ખેંચે છે કે કોમવાદ ભારતના રાજકીય દેહમાં કેટલો ઊંડે સુધી ઘૂસી ગયો છે.
મારા માટે એ પત્રકાર પરિષદ એ તો એક ક્ષણિક આવેશ હતો, એ કદાચ પાકિસ્તાનનું નિર્માણ જેના પર થયું છે તે તર્કને નકારતો ભ્રમ પણ હતો અને અછડતો સંકેત પણ. મેં કહ્યું તે પ્રમાણે સામાન્ય મુસ્લિમો જેનો સામનો કરે છે તે જમીની સ્તરની વાસ્તવિકતા સરકાર જે બતાવવા માગે છે તેના કરતાં જુદી જ છે. પરંતુ તેની સાથે સાથે પત્રકાર પરિષદ એમ દર્શાવે છે કે ભારત તેની વિવિધતામાં એક છે અને તેની વિભાવના સાવ મારી પરવારી નથી.
જય હિન્દ
*ઉપરોક્ત પોસ્ટ હરિયાણાની વિશ્વ વિખ્યાત અશોક યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના અધ્યાપક પ્રો. અલી ખાન મહેમૂદાબાદ દ્વારા FB પર જય હિન્દ અને રાષ્ટ્રધ્વજ સાથે તા. ૦૮-૦૫-૨૦૨૫ના રોજ મૂકાઈ હતી અને તેમના પર FIR કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.*
*હું આ ધરપકડનો સખત વિરોધ કરું છે કારણ કે તે બંધારણમાં લખવામાં આવેલા વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારના ભંગ સમાન છે.*
હું મારા એ જ અધિકારનો ઉપયોગ કરીને એ પોસ્ટનો અનુવાદ ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત કરું છું.
તા. ૧૯-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર