
હેમન્તકુમાર શાહ
નરેન્દ્ર દામોદરદાસ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વિનાયક દામોદર સાવરકર વિશે ગુજરાત સરકાર દ્વારા ૧૨૦ પાનાંનું એક પુસ્તક ૨૫,૦૦૦ નકલમાં ‘વીર સાવરકર’ શીર્ષક સાથે ૨૦૦૪માં ‘સરફરોશી પુસ્તક શ્રેણી’ હેઠળ પ્રકાશિત કરાયું હતું.
આ પુસ્તકના લેખક છે હરીશ દ્વિવેદી. પુસ્તકના કોપીરાઇટ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પાસે છે. આ આખી શ્રેણીના અધ્યક્ષ તરીકે RSSની ‘વિદ્યાભારતી’ નામની સંસ્થાના એક જમાનાના કર્તાહર્તા હર્ષદ પ્ર. શાહ હતા.
આ પુસ્તકની કોઈ કિંમત છાપવામાં આવી નહોતી. મોટે ભાગે તે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ અને કોલેજોમાં સરકાર દ્વારા મોકલવામાં આવી હતી એવું થોડુંક મારી સ્મૃતિમાં છે.
આ પુસ્તક વિશેની કેટલીક હકીકતો :
(૧) સાવરકરે અંગ્રેજ સરકારની માફી માગતા પત્રો છ વખત લખેલા તેનો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં છે જ નહિ. એ માફી પત્રોમાં પોતે જેલની બહાર નીકળીને અંગ્રેજો કહેશે તેમ કરશે અને અંગ્રેજ સરકારને વફાદાર રહેશે એવું સાવરકરે લખેલું પણ તેનો ઉલ્લેખ સુદ્ધાં આ પુસ્તકમાં નથી.
(૨) તેમાં તો એમ લખવામાં આવ્યું છે કે “ભારતના નેશનલ યુનિયન તરફથી આંદામાનમાં કાળા પાણીની સજા ભોગવી રહેલ કેદીઓને મુક્ત કરવા માટેનું એક લોકઆંદોલન શરૂ કરવામાં આવ્યું …. આ આંદોલનનો જેલના અધિકારીઓ ઉપર ખૂબ મોટો પ્રભાવ પડ્યો. તેમણે કેદીઓની મુક્તિ માટે વિચારણા કરવાનો આરંભ કર્યો.” અને વિનાયક સાવરકર આંદામાનની જેલમાંથી મુક્ત થયા! દુનિયામાં ક્યાં ય જેલના અધિકારીઓ કેદીને મુક્ત કરવાની સત્તા ધરાવે ખરા? અરે, આ ‘નેશનલ યુનિયન’ કયું અને કોનું?
(૩) આંદામાનની જેલમાંથી છૂટીને ભારત આવ્યા બાદ તેમને છેવટે મહારાષ્ટ્રમાં રત્નાગિરિમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. પછી તેઓ ૧૯૩૭માં તેમાંથી છૂટ્યા. જો કે, એ સાલ આ પુસ્તકમાં લખવામાં આવી નથી.
(૪) “સાવરકરની …. જેલમાંથી મુક્તિ કેટલીક શરતોને અધીન હતી..અંગ્રેજ સરકાર દ્વારા જે જે શરતો મૂકવામાં આવી હતી તે મંજૂર રાખી તેમણે જેલમાંથી મુક્ત થવાનો નિર્ણય લીધો હતો.” – એમ આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે. જો કે, બહુ સિફતપૂર્વક એ શરતો કઈ હતી તે પુસ્તકમાં લખવામાં આવ્યું નથી. નજરકેદમાંથી મુક્ત થયા પછી દેશ આઝાદ થયો ત્યાં સુધી સાવરકરે આઝાદીના આંદોલનમાં એક દાયકા સુધી ભાગ લીધો નહોતો. પણ એ તો અંગ્રેજોની એક શરત હતી!
(૫) સાવરકરે મહંમદ અલી ઝીણાની જેમ જ હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે એવું કહેલું. એ સિદ્ધાંતને લીધે જ દેશના ૧૯૪૭માં ભાગલા થયેલા. પણ આ વાતનો કોઈ ઉલ્લેખ આ પુસ્તકમાં છે જ નહિ.
(૬) પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, “કટ્ટરવાદી હિન્દુઓનો પ્રભાવ પણ ખૂબ જ વધ્યો હતો. આવી વિચારધારામાં માનતી નથ્થુરામ ગોડસે નામની વ્યક્તિએ મહાત્મા ગાંધી પર ત્રણ ગોળીઓ ચલાવી તેમની ક્રૂર હત્યા કરી.” આમાં ક્યાં ય એમ લખવામાં આવ્યું નથી કે ગોડસે તેમના પટ્ટ શિષ્ય જેવા હતા. સાવરકર પોતે કટ્ટરવાદી હિંદુ નહોતા?
(૭) દેશ ૧૯૪૭માં આઝાદ થયો. તે પછી સાવરકર છેક ૧૯૬૬માં અવસાન પામ્યા. આ ૧૮ વર્ષ આઝાદ ભારતમાં સાવરકરે શું કર્યું તેનો કશો ઉલ્લેખ આ પુસ્તકમાં નથી!
આવી તો અનેક ઇરાદાપૂર્વક કરવામાં આવેલી ભૂલો સાવરકરનું મહિમામંડન કરવામાં લેખકથી થઈ ગઈ છે! માફીવીર સાવરકર પુસ્તકના લેખકને અને ગુજરાત સરકારને આવી ‘ભૂલો’ બદલ ચોક્કસ માફ કરશે. “માફી તો શક્તિશાળી જ આપી શકે” – એવું તો સાવરકરે તેમના એક માફીનામામાં જ અંગ્રેજ સરકારને લખેલું!
તા.૨૪-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર