વિશ્વનું એક અદ્યતન શહેર લંડન. લગ્ન કરીને અહીં આવ્યે મને બે વર્ષ થઈ ગયાં છે. ઑફિસમાં ત્યાંની સખીઓ સાથે સારી એવી મૈત્રી બંધાઈ ગઈ છે. એક દિવસ સવારે ઑફિસ પહોંચીને હું મારું કામ શરુ કરી રહી હતી ત્યાં જ કેથરિન મારી ખુરશી પાસે આવી. અમે વાતોએ વળગ્યાં. વાત વાતમાં તેણે મને કહ્યું કે લગ્ન પહેલાં તેને કોઈ છોકરા સાથે પ્રેમ હતો. એક આખો દાયકો તેણે પોતાના પ્રેમી સાથે વીતાવ્યો; પણ અંતે તે તેને છોડીને કોઈ અન્ય છોકરી સાથે પરણી ગયો. આજે આટલાં વર્ષો પછી પણ હું તેને ભૂલી શકી નથી. એમ કહીને કેથરિન મૌન થઈ ગઈ.
થોડીક વાર રહીને તે મારી સામે જોઈને બોલી, ‘હીરલ, તમે લોકો કેટલાં નસીબદાર છો ! તમે યોગ્ય ઉમ્મરે લગ્ન કરો છો. તમને પતિ અને કુટુમ્બ સાથેની સલામત જિન્દગી મળે છે અને તમે આખું જીવન સ્વસ્થ અને સંતુલિત રીતે જીવો છો. અમારું તો સમ્બન્ધો વગરનું સહજીવન હોય છે.’ પોતાની કેબિન તરફ જતાં તે મારો હાથ એના હાથમાં લઈને બોલી, ‘મારો બીજો જન્મ હું ભારતમાં ઈચ્છું છું ….’ મેં ધ્યાનથી જોયું તો કેથરિનની આંખોમાં આંસુ હતાં.
કેથરિન સાથેના આ ક્ષણિક વાર્તાલાપે મારા ચિત્તને ઊથલપાથલ કરી નાખ્યું. હું એકદમ અવાક્ થઈ ગઈ! મારી આંખ સામે મારા ભૂતકાળના અનુભવો તરવરી ઊઠ્યા અને વિચારોના પ્રદેશમાં વિહરતાં હું સીધી બૅંગ્લોર જઈ પહોંચી. હજુ મારી કારકિર્દીના શરૂઆતનાં એ વર્ષો હતાં. મારી મહત્ત્વાકાંક્ષા લગ્ન પહેલાં કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં સારી જોબ લેવાની અને ઊંચા પગારને આંબવાની હતી અને તેવામાં મને બૅંગલોરની એક કંપનીની ઑફર મળી. દેશના કોઈ પણ ખૂણે જવાની મારી માનસિક તૈયારી હતી જ. એટલે જીવનમાં પહેલીવાર હું મારું શહેર છોડીને બૅંગ્લોર જઈ પહોંચી. મારે માટે આ સાવ નવી દુનિયા હતી. આંખોમાં કેટલાં ય સપનાં આંજીને જીવનમાં આગળ વધવાનું હતું. નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળવા દિવસ-રાત મહેનત કરવાની હતી. પરન્તુ ત્યાં તો શરૂઆતના દિવસોમાં મારે ભારે આશ્ચર્યજનક અનુભવોમાંથી પસાર થવાનું થયું !
વાત એમ બની હતી કે મેં મારી એક સખી સાથે બૅંગ્લોરમાં રુમ ભાડે રાખીને રહેવાનું શરૂ કર્યું. હજી માંડ બે-ત્રણ મહિના થયા હશે ત્યાં મારી એ સખીની બીજા શહેરમાં બદલી થઈ. હું એકલી પડી. ઘરનું ભાડું પરવડે એ માટે, હવે મારે કોઈક બીજી રુમ-પાર્ટનર શોધવાની જરૂરિયાત ઊભી થઈ. મારા મનમાં એમ હતું કે મારી જેમ જ જૉબ કરતી કોઈ ગુજરાતી યુવતી મને મળી જાય તો ઘણું સારું. અહીં નવી જગ્યાએ એકબીજાનો સાથ પણ રહે અને સાથે રહેવાનો આનંદ પણ મળે. મોટા શહેરોમાં ઘણા લોકો આ રીતે ભાડે રહીને નોકરી કરતા હોય છે. હું મારા જેવી કોઈ યુવતીની શોધમાં હતી. ત્યાં એક જણે મને એક જાણીતી વેબસાઈટનું સરનામું આપ્યું અને કહ્યું કે આ વેબસાઈટ પરથી તને ભાડે મકાન શોધનાર કોઈક મળી રહેશે. મેં એ વેબસાઈટ પર મારા ફોન નંબર સહિત જાહેરાત મૂકી અને મારા આશ્ચર્ય વચ્ચે મને ‘લીવ-ઈન રિલેશન’ ઑફર કરતા યુવકોના ફોન આવવાના શરૂ થયા. હું તો હતપ્રભ થઈ ગઈ ! શું કરવું એ મને સમજાયું નહીં. પહેલાં તો એકદમ રડવા જેવી થઈ ગઈ અને પોતાને નિ:સહાય અનુભવવા લાગી. ઘરે પરિવારજનો ચિન્તા કરે તેથી તેમને કંઈ જણાવ્યું નહીં. જીવનમાં પહેલીવાર એવું બન્યું કે હું એકલતા મહેસૂસ કરતી હતી. જો કે પરિવારજનો સૌ મને મદદરૂપ થાય તેમ હતાં; પરંતુ તે છતાં હું તેમને શું કહું અને કેવી રીતે કહું તે મને કંઈ સમજાયું નહીં. છેવટે નક્કી કર્યું કે આ સમસ્યાનો મારે એકલે હાથે જ સામનો કરવો પડશે. મેં મક્કમ બનીને યુવકોના ફોન અવગણવાનું શરૂ કર્યું.
ફોન કરનાર યુવકો બહુ ચાલાક હતા. ખૂબ ઠાવકાઈથી પોતાનો પરિચય આપીને મને પુછતાં કે, તેઓ પોતાની બહેન માટે રહેવાની જગ્યા શોધી રહ્યા છે અને એમની બહેનને ફલાણી કંપનીમાંથી ઑફર મળી છે તો તેઓ આ ઘર જોવા આવી શકે ? ગમે તેમ કરીને તેઓને મારા સુધી પહોંચવું હતું. આ પ્રકારના સંવાદો મારી કલ્પના બહારના હતા. મારે તેમને જણાવવું પડતું કે હું તમારી બહેન સાથે જ વાત કરી લઈશ. એમાં વળી એક છોકરો તો બહુ હોશિયાર હતો. એણે ફોન કરીને મને ગુજરાતીમાં વાત કરતાં કહ્યું કે, ‘કેમ ઓળખાણ પડે છે? ઘરે બધા કેમ છે?’ એ પોતાને મારો જૂનો મિત્ર માનતો હતો. પોતાનો પરિચય આપીને એણે પોતાની કંપનીની, પગારની, ઈન્ટરવ્યુની વગેરે વાતો ચાલુ કરી; પરંતુ મને હજી તેની કોઈ ઓળખાણ પડતી નહોતી. એટલે હું તો ત્યાં જ અટકી હતી. મેં તેને ફરીવાર જરા કડક અવાજે પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે તે મારી સાથે રહેવામાં રસ ધરાવે છે. વાત સાંભળતાં જ મારો મિજાજ ગયો અને મેં તેને ધમકાવીને કહ્યું કે જો હવે ફોન કરવાની હિંમત કરશે તો એની કંપનીમાં હું જાણ કરી દઈશ. વધુ કંઈ પણ વાત કર્યા વગર મેં ફોન કાપી નાંખ્યો. એ પછી તો મારી જેમ બીજી અનેક યુવતીઓ આ સમસ્યાનો ભોગ બની હશે, તેથી સૌએ મળીને એ વેબસાઈટને ફરિયાદ કરી અને તે લોકોએ અમારી અંગત વિગતોને ખાનગી રાખવાની સુવિધા કરી આપી.
જીવનના આ અનુભવે મને વિચાર કરતાં કરી દીધી. કારણ કે આ પ્રકારના સંબંધો માટે જે છોકરાઓના ફોન આવતા હતા, એ બધાં કોઈ રસ્તે રખડતા છોકરાઓ નહોતા. બધા જ લોકો મોટે ભાગે સારાં સંસ્કારી ઘરોમાંથી આવતા હતા. મલ્ટિનેશનલ કંપનીઓમાં મોટા પગાર પર કામ કરતા હતા; પરંતુ તેઓ કોઈ લગ્નની જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતા. મેં ફરીવાર એ વેબસાઈટ જોઈ ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે અધધધ … કહી શકાય એટલી ‘લીવ-ઈન રિલેશન’ની જાહેરાતો હતી. સૌને સમ્બન્ધો વગરનું સહજીવન જોઈતું હતું. એમાં તેઓને કંઈ પણ અજુગતું નહોતું લાગતું. કેટલાકે તો એવી જાહેરાતોમાં વળી એમ પણ લખ્યું હતું કે ‘યુવતીએ ભાડું આપવાનું રહેશે નહીં. બસ, એ જૉબ કરતી હોવી જોઈએ અને દેખાવે સારી હોવી જોઈએ.’ અરેરે ….! ક્યાં ભારતનું આપણું યુવાધન અને ભારતીય સંસ્કૃિતની વાતો અને ક્યાં આ વિકૃિતથી ખદબદતો સમાજ ! આપણે આવા ભણેલા ? ભણતરે આપણને આ મુક્ત સાહચર્ય શીખવ્યું ?
મારો પ્રશ્ન તો હજી ઊભો જ હતો. એ પછી મને વિચાર આવ્યો કે હું કોઈ પેઈંગ-ગેસ્ટ બહેનને શોધી કાઢું અને એમને ત્યાં રહેવા જતી રહું. પરન્તુ એ મારે માટે શક્ય નહોતું; કારણ કે મને રસોડામાં પૂરી આઝાદી જોઈતી હતી અને ત્યાં તો શાકાહારી-માંસાહારી બધું ભેગું ચાલતું હતું ! વળી, મારે મારા માતાપિતાને દક્ષિણ ભારતની સફર પણ કરાવવી હતી. ક્યારેક તેઓ મારી સાથે આવીને રહે તેવી પણ મારી ઈચ્છા હતી. કોઈક કુટુમ્બીજનને પણ આવીને રહેવું હોય તો ભાડાનું ઘર જ સારું એથી મેં પેઈંગ-ગેસ્ટનો વિચાર માંડી વાળ્યો. છેવટે ખૂબ મહેનત પછી તપાસ કરતાં એક સરળ અને સાલસ છોકરી મને મળી. તે મારી ખૂબ સારી મિત્ર બની ગઈ અને અમે સાથે રહેવા લાગ્યાં. ધીમે ધીમે બૅંગ્લોરમાં રહીને હું ઘણું બધું શીખી ગઈ. કોની સાથે કેટલી વાત કરવી, કેવી રીતે વાત કરવી, માણસોની પરખ કેવી રીતે કરવી તેની ચાવીઓ મને સમજાવા લાગી. પરન્તુ જેમ જેમ મારું મિત્રવર્તુળ વધતું ગયું તેમ તેમ અનેક સખીઓ પાસેથી ‘લીવ-ઈન રિલેશન’ના ગજબના કિસ્સાઓ સાંભળવા મળ્યા. તેમના વર્તમાન જીવનમાં જરાક ડોકિયું કર્યું, તો એમનાં દુ:ખ, દર્દ, બિનસલામત જિન્દગી અને તેમની ભૂતકાળની વાતો જાણવા મળી.
મારી એક બહેનપણી ભણવામાં ખૂબ હોશિયાર હતી; પણ તે એવા કુટુમ્બમાંથી આવતી હતી કે જ્યાં છોકરીનો જન્મ ગુનો ગણાતો ! કુટુમ્બમાં તો છોકરો જ જન્મવો જોઈએ એવી માન્યતા હતી. એ છોકરી આ પ્રકારના માહોલમાં, અપમાનનાં ઘુંટડા પીને મોટી થયેલી. તેથી સ્વાભાવિક રીતે જ તે પ્રેમ કે હુંફ માટે તરસતી રહેતી. કૉલેજકાળ દરમિયાન તેને એક યુવક સાથે પ્રેમ થયો અને ત્યાર બાદ આ પ્રેમ ઝંખતી છોકરી તે યુવક સાથે ‘લીવ-ઈન રિલેશન’માં રહેવા લાગી. થોડો વખત બધું ઠીક ચાલ્યું; પણ પછી ઝઘડા થવા લાગ્યા. છોકરો વારંવાર લગ્ન નહીં કરવાની ધમકી આપીને સમ્બન્ધ તોડી નાખતો. ઘણાં વર્ષો પછી એ લોકોએ હવે લગ્ન કર્યાં; પરન્તુ સમ્બન્ધ વગરના સહજીવનમાં લાંબો સમય રહ્યા બાદ, લગ્ન કરવા માટે આમ કાલાવાલા કરવા પડે, પ્રેમ અને હુંફ મેળવવા માટે તડપતાં રહેવું પડે, એવી જિન્દગીનો શો અર્થ ? એવા સમ્બન્ધો કેટલા ટકાઉ ? આ પ્રકારની યુવતીઓને અનેક માનસિક પીડામાંથી પસાર થવું પડે છે.
અમારા જ વિસ્તારમાં, એક પેઈંગ-ગેસ્ટ તરીકે કામ કરતાં બહેનની બાજુના ઘરમાં, એક યુગલ આ રીતે રહેતું હતું. એ યુવતી પણ ખુબ દુ:ખી હતી. તે ગર્ભવતી હતી અને એ દરમિયાન મકાનમાલિકે મકાન ખાલી કરવાનું પણ કહ્યું હતું. અન્તે ન છૂટકે તેઓએ લગ્ન કરવા પડેલાં; પરન્તુ આવાં થીંગડાં મારીને કરેલાં લગ્નનું આયુષ્ય કેટલું ? લગ્ન બાદ પણ દમ્પતીમાં ખૂબ ઝઘડા થતા. યુવતીએ આ બાબતે કોઈ વાત પોતાના પરિવારજનોને કહી નહોતી. તેની હાલત ખૂબ દયનીય હતી.
આ જ સમય દરમિયાન મેં એક બીજો કિસ્સો પણ સાંભળેલો કે જેમાં, એક યુગલ બે–એક વર્ષ સુધી આ રીતે ‘લીવ-ઈન’માં રહ્યું અને પછી હવે એ લોકો અલગ થઈ ગયાં ! કેટલું ખરાબ ! જાણે ‘વાપરો અને ફેંકી દો!’ છોકરાએ કહ્યું કે હવે આપણા વિચારો મળતા નથી, એટલે આપણે એકબીજાને અનુકૂળ નથી; માટે તું તારે ઘરે અને હું મારે ઘરે ! વાહ ભાઈ, વાહ ! કેવી બેફિકરાઈ ! જાણે જીવન તો એક રમત છે ! એ છોકરાએ તો બીજે લગ્ન કરી લીધાં; પણ છોકરીની હાલત ખરાબ છે.
મને એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. હું અમદાવાદ કામ કરતી હતી ત્યારે એક શીખાઉ છોકરી મારી સાથે હતી. એક દિવસ તેણે તેના બૉયફ્રેન્ડ વિશે વાત કરી અને મને પૂછ્યું કે તમારો બોયફ્રેન્ડ કોણ છે ? મેં જવાબમાં ‘ના’ કહી. ત્યારે તેણે મને કહ્યું કે ‘મૅડમ, આજના જમાનામાં તો બૉયફ્રેન્ડ ના હોવો એ શરમજનક બાબત છે ! બૉયફ્રેન્ડ ના હોય તો લોકો એમ કહે કે તમારામાં કંઈક ખૂટે છે !’ બી.ઈ.ના છેલ્લા વર્ષમાં ભણતી એ છોકરીએ મને કહ્યું કે ‘બૉયફ્રેન્ડ ના હોય તો હું મારા ગ્રુપમાં રહી જ ન શકું. એ લોકો મને બોલાવે જ નહીં !’ – હું ફરી એકવાર કહેવા માગું છું કે આ કોઈ સામાન્ય ઘરનાં છોકરા-છોકરીઓની વાત નથી. આ બધા જ કહેવાતા સંસ્કારી કુટુમ્બોમાંથી આવે છે !
હું જાણું છું કે વ્યક્તિ પ્રેમ, હૂંફ કે કાળજી વગર રહી નથી શકતો. માણસ, માણસનો ભૂખ્યો હોય છે. હું એ પણ સમજી શકું છું કે બદલાતા જમાના સાથે, કૉલેજમાં અભ્યાસ કરતાં પરિપક્વ યુવક-યુવતીઓ ‘લગ્ન કરીને’ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગે તો તે આવકારદાયક છે. પરન્તુ જ્યારે લગ્ન સંસ્થાનો જ સદન્તર છેદ ઊડાડીને જવાબદારી વગરના મુક્ત સહજીવનની વાત આવે છે, ત્યારે તે ક્યારે ય સ્વીકાર્ય નથી બની શકતી. એ પ્રકારના સહજીવનમાં ક્યારેક તો દેહાકર્ષણ જ કામ કરતું હોય છે અને પછી જ્યારે ઢોળ ઊતરી જાય છે, ત્યારે ઉજ્જડ વગડા સિવાય કશું જ હાથમાં હોતું નથી.
પશ્ચિમના લોકોને આપણી લગ્ન સંસ્થા માટે ભારે માન છે અને કંઈક અંશે તેઓ તેને ધીમે ધીમે અપનાવવાની કોશિશ પણ કરી રહ્યાં છે અને આપણે ! .. આ કોનું અનુકરણ કરી રહ્યાં છે તે ખુદને પૂછવું રહ્યું. આ બધી બાબતો માટે કોર્ટને નહીં; માણસે પોતાના હાર્ટને પૂછીને આગળ વધવું જોઈએ. લગ્નસંસ્થા ભારતીય સંસ્કૃિતનો પાયો છે. મહાન આત્માઓને અવતરવાનો રાજમાર્ગ છે. સમાજને પુષ્ટ કરવા માટે ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. લગ્નસંસ્થામાં એકબીજાને આજીવન સુખ-દુ:ખમાં સાથ આપવાનું વચન હોય છે જ્યારે ‘લીવ-ઈન’માં તો – ‘સુખમાં સાંભરે સોની’ જેવી હાલત છે. ખરાબ સમયમાં કહેવાતા પ્રેમનું એક ક્ષણમાં બાષ્પીભવન થઈ જાય છે ! લગ્નજીવનમાં દમ્પતી પરિવાર સાથે આનન્દથી સમય વ્યતિત કરે છે, જ્યારે ‘લીવ-ઈન’ ક્યારેક સમય પસાર કરવાનું સાધન બની રહે છે. સ્વાભાવિક રીતે જ લગ્ન બાદ પત્નીનો, પતિની સમ્પત્તિ પર કાનૂની અધિકાર રહે છે, જ્યારે ‘લીવ-ઈન’માં જો કોઈ કાયદો ઘડાય તો પણ; એ ફક્ત કાગળનો વાઘ જ બની રહેવાનો. દામ્પત્યજીવનમાં કોઈ મતભેદ ઊભા થાય તો, દમ્પતીને પોતાના કુટુમ્બ અને સમાજનો સાથ મળે છે અને એક પ્રકારની માનસિક મદદ મળી રહે છે. જ્યારે ‘લીવ-ઈન’ એટલે લટકતી તલવાર! એમાં કોઈ કોઈની મદદે આવીને ઊભું રહેતું નથી. પોતાનાં સન્તાનોના સ્વસ્થ શારીરિક અને માનસિક વિકાસ માટે લગ્નસંસ્થાનો કોઈ વિકલ્પ નથી; કારણ કે સમ્બન્ધો વગરનું સહજીવન પાયાવિહોણું હોઈને ક્યો વિકાસ આપી શકશે ?
કેથરિનના શબ્દો મારા મનમાં વારંવાર ગૂંજે છે કે ‘મારો બીજો જન્મ હું ભારતમાં ઈચ્છું છું….’. આપણી પાસે જે હોય તેની આપણે ક્યારે કદર કરતાં શીખીશું? મોટા શહેરોમાં રહીને મલ્ટિનેશનલ કંપનીઓમાં તગડી કમાણી કરતા આજના યુવાવર્ગને, તેમાં ય ખાસ કરીને યુવતીઓને, મારી એટલી જ વિનન્તિ છે કે તેઓ પોતાનાં જીવન–મૂલ્યોને સાચવીને પોતના ક્ષેત્રમાં પ્રગતિ કરે; કારણ કે આખરે ‘શીલ’ નામની પણ કોઈ વસ્તુ આ જગતમાં છે. સહજીવન તો સમ્બન્ધોના તાણાવાણાથી જ શોભે. આથી જ દાદા ધર્માધિકારીએ કહ્યું છે કે :
સહજીવનમાં સાથે રહેવાની ઈચ્છા છે,
સંગતિમાં જીવનનો આનંદ ને સુગંધ છે.
બાગમાં દરેક ફૂલની ખુશબો હોય છે,
તેમ દરેક વ્યક્તિનીયે સૌરભ હોય છે.
સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે,
પુરુષનાયે સાંનિધ્યમાં વિશેષ સૌરભ છે.
તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે,
સહજીવનની પ્રેરણા નૈસર્ગિક છે.
પણ, સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃિતક છે,
જેઓ એકમેકના જીવનને સમ્પન્ન કરે છે,
સુરભિત કરે છે, એમનું સહજીવન
ચરિતાર્થ થાય છે, આનંન્દમય થાય છે…
મારી પૃચ્છાના જવાબમાં લેખિકાબહેન હીરલ શાહ કહે છે : ‘ઉત્તમકાકા, આ લેખ મેં ૨૦૧૦માં લખેલો. આજે હું લંડનમાં છું. પરણી છું. મારાં બે સંતાન પણ છે. મારી આજુબાજુ અને સમગ્ર પશ્ચિમવિશ્વમાં આ ‘સમ્બન્ધ વિનાના સહજીવન’(લીવ ઈન રિલેશનશીપ)નો વ્યવહાર વાયરાની જેમ વ્યાપેલો જોઉં છું. ભારત એમાં બકાત નથી. દરેક રીતિરિવાજના જેમ કેટલાક ફાયદા હોય, તેમ ગેરફાયદા પણ હોય જ. મારા વિચારોમાં આમૂલ પરિવર્તન તો નથી આવ્યું; પણ આ બદલાતા જમાનાની તાસીરને અને આવા રિવાજોનેયે, ઉદારતાથી જોવાની નજર જરૂર સાંપડી છે.’ – ઉત્તમ ગજ્જર
સર્જક-સમ્પર્ક : 17, Scott Close; Emmer Green, Reading, RG4 8NY, UK
e.mail – hiral.shah.91@gmail.com
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 369 –March 05, 2017
અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com