ગાંધીજીએ પોતાના જીવનમાં ત્રણ લડતો લડી. લુઈ ફિશર એ ત્રણ લડતો આમ ગણાવે છે : (1) બ્રિટિશ સામ્રાજ્ય સામે (2) ભારત સામે (3) જાત સામે. ગાંધીજી ત્રણેમાં મહાન યોદ્ધા પુરવાર થયા. એમણે આઝાદી અપાવી, પહેલી લડતના ફળરૂપે; બીજી લડતમાં એમણે ભારતમાં જ્યાં જ્યાં ખરાબીઓ જોઈ, બદીઓ જોઈ ત્યાં લડત આપી, અને સમાજ સુધારા કર્યા, જેના કારણે આપણે એમને રાષ્ટ્રપિતા કહીએ છીએ; અને ત્રીજી લડાઈમાં એમણે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો, સત્યના પ્રયોગો એમણે પોતાની જાત ઉપર કર્યા, જેથી આપણે એમને મહાત્મા કહીએ છીએ.
એ મહાત્માની અસર આજે ક્યાં ક્યાં છે ? ભારત આજે (1968) એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. મને ઘણી વાર ધન્યતા લાગે છે, કે પાકિસ્તાન જેવા ધર્મઆધારિત રાષ્ટ્રની પાસે જ આવેલા આપણા દેશમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે એક મુસ્લિમ વ્યક્તિ છે, આપણી વરિષ્ઠ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એક મુસ્લિમ સજ્જન છે. આ વસ્તુ ગાંધી વિચારધારાને કારણે જ શક્ય થઈ શકે.
ગાંધીજીના અંતેવાસી બનવાનું સૌભાગ્ય મને સાંપડયું નહોતું, કારણ કે અમે એ વખતે બહુ નાનાં હતાં. પરંતુ કાલક્રમે હું એકવાર પંચગનીમાં એમને મળવા ગયો હતો, અને અમારે ઘણી વાતો થઈ હતી. ત્યારે એક બૌદ્ધ સાધુ આવ્યા હતા એમની સાથે પણ ગાંધીજીએ ત્રણેક કલાક ચર્ચા કરી. ત્યાર પછી લૉર્ડ વેવેલનો બ્રોડકાસ્ટ થયો અને બીજા દિવસે પંડિત નેહરુ, મૌલાના આઝાદ, સરદાર, શંકરરાવ દેવ વગેરે છૂટવાના હતા, એવા સમાચાર આવ્યા. કેટલા ય પત્રકારો, કેટલી દોડાદોડ! અને બીજે દિવસે સવારે સરદાર પટેલ, શંકરરાવ દેવ વગેરે બીજા નેતાઓ આવી પહોંચ્યા. આખો દિવસ ધમાલ ધમાલમાં ગયો. ગાંધીજીએ એ દિવસે પેલા બૌદ્ધ સાધુને ફરી બોલાવ્યા હતા. પણ એ આવ્યા ત્યારે વાત તો ન થઈ શકી, ગાંધીજીએ એમને લખેલો એક કાગળ આપ્યો – કોને ખબર એ ધમાલમાં એમણે ક્યારે, કેવી રીતે એ લખ્યો!
મારે ત્યાંથી પાછા ફરવાનું થયું, બાપુજીને મેં જણાવ્યું હતું કે હું સાડા દશની બસમાં જવાનો હતો. દશ-સવા દશે એમણે મને બોલાવ્યો, કહ્યું કે વલ્લભભાઈના ડાહ્યાભાઈ આવ્યા છે, એની સાથે તું મોટરમાં મુંબઈ જજે. બાપુજી ભૂલ્યા નહિ. આશ્રમની દોઢસો વ્યક્તિઓમાંની એક નાની વ્યક્તિ (હું) જવાની છે, એને સાથ શોધી આપ્યો. ખૂબ કામમાં હોવા છતાં આ સાદી, નજીવી વાત ભૂલ્યા નહીં! (જો કે ડાહ્યાભાઈ ભૂલી ગયા, અને મારે તો બસમાં જ જવું પડ્યું!)
‘નિરીક્ષક’ 17-11-1968ના અંકમાંથી.
24 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 343