ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ અને હલાલા નામની લગ્નપદ્ધતિની બદીઓ ભારતીય મુસ્લિમ મહિલાઓ પરનો અત્યાચાર છે. આ ત્રણેય પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ પર ત્રીસમી માર્ચે ભારતની સર્વોચ્ચ અદાલત સુનાવણી હાથ ધરવાની છે. ટ્રિપલ તલાકનો ભોગ બનનાર મુખ્ય અરજદાર ઉત્તરાખંડનાં શાયરાબાનો છે. સમાજશાસ્ત્રમાં એમ.એ. થયેલાં પાંત્રીસ વર્ષનાં શાયરાએ અલાહાબાદમાં પતિની મારઝૂડ ઉપરાંત દસ ગર્ભપાત વેઠ્યાં છે. ભારતીય મુસ્લિમ મહિલા-આંદોલન નામના ખૂબ નોંધપાત્ર મહિલા સંગઠને ટ્રિપલ તલાકની સામે ઝુંબેશ ચલાવી છે. આંદોલન ઉપરાંત દેશના પ્રગતિશીલ મુસ્લિમ અને બિનમુસ્લિમ નાગરિકો વ્યક્તિગત કે સામૂહિક સ્વરૂપે ટ્રિપલ તલાક નાબૂદીને ટેકો આપી રહ્યા છે. ભારત સરકારે ટ્રિપલ તલાકને અયોગ્ય ગણતું સોગંધનામું કર્યું છે. તેમાં બહુપત્નીત્વ અને ટ્રિપલ તલાક અંગે જણાવેલી બહુ મહત્ત્વની બાબતો આ મુજબ છે : આ રિવાજોને કારણે મુસ્લિમ સ્ત્રીઓ સામાજિક અને આર્થિક રીતે જોખમ હેઠળ જીવે છે; જેન્ડર જસ્ટીસ, ભેદભાવ નાબૂદી, માનવગૌરવ અને સમાનતાના સંદર્ભમાં આ રિવાજોની પુનર્વિચારણા કરવી જોઈએ; ધર્મ-સંસ્કૃિતની બહુલતા અને વૈવિધ્યની જાળવણીના ખ્યાલો સ્ત્રીઓને સમાન અધિકારો ન આપવા માટેનું બહાનું ન બની શકે; સ્ત્રીઓને સામાજિક, આર્થિક અથવા લાગણીના સ્તરે આરક્ષિત રાખતી અથવા પુરુષોના તુક્કાને આધીન રાખતા કોઈ પણ રિવાજો બંધારણના લેટર અને સ્પિરિટ સાથે બંધબેસતા નથી. તેમને ધર્મના આવશ્યક કે અંતર્ગત ભાગ ગણી શકાય નહીં. ટ્રિપલ તલાકની કુપ્રથા વિશે ત્રીજી એપ્રિલ ૨૦૧૬ના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક લેખને અહીં મૂક્યો છે.
•
સુપ્રીમ કોર્ટે શાયરાબાનો નામની મુસ્લિમ મહિલાની અરજીનો સ્વીકાર કરીને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં એક પગલું આગળ ભર્યું છે. આ અરજી મુજબ બહુપત્નીત્વ અને મૌખિક ટ્રિપલ તલાક, એટલે કે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા લઈ લેવાની પ્રથા, મૂળભૂત માનવઅધિકારોનો ભંગ થતો હોવાથી ગેરબંધારણીય ઠરે છે. ભારતીય રાજકારણે હંમેશાં મુસ્લિમ મહિલાઓ માટેના ન્યાયને તહસનહસ કર્યો છે. પણ સુપ્રીમ કોર્ટને મુસ્લિમ મતબૅંકને રીઝવવાની જરૂર ન હોવાથી આ બાબતે બિલકુલ તટસ્થ રહી શકે છે. અલબત્ત, મુલ્લાઓ આ બાબતે રાતાપીળા થઈ ગયા છે. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કમાલ ફારૂકી કહે છે, ‘આ તો ધાર્મિક બાબતોમાં સરકારની સીધી દખલગીરી છે, કારણ કે શરિયાનો ધાર્મિક કાયદો કુરાન અને હદીથ(હદીસ)ને આધારે રચાયેલો છે, અને ઇસ્લામની ન્યાયસંહિતા બહુ મજબૂત છે. એટલે, આ બાબત ધાર્મિક સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારો વિરુદ્ધની ગણી શકાય.’
માફ કરજો ફારૂકીસાહેબ! આપણા બંધારણમાં સ્પષ્ટપણે લખેલું છે કે ધાર્મિક સ્વાતંત્ર્ય કોઈ પણ સંજોગોમાં મૂળભૂત અધિકારોની ઉપરવટ જઈ શકે નહીં તેમ જ પરંપરાગત ધાર્મિક પ્રથાઓમાં સુધારાને અટકાવી શકે નહીં. શરિયા કાનૂન તો સ્ત્રીઓને વ્યભિચાર માટે પથ્થરો મારીમારીને મારી નાખવાની પરવાનગી આપે છે, પણ આપણો સેક્યુલર કહેતાં ધર્મનિરપેક્ષ કાયદો તેની મનાઈ ફરમાવે છે. શરિયા ચોરની આંગળીઓ અને હાથ વાઢી લેવાનું જરૂરી ગણતો હોય, પણ સેક્યુલર કાયદો તેની મંજૂરી આપતો નથી. શરિયા ઉધાર પર લીધેલી રકમ પર વ્યાજબંધી ફરમાવે છે, પણ લોન આપનાર કે લેનાર મુસ્લિમોને ચુકવણા પરના વ્યાજના કાયદાઓ પાળવા પડે છે.
અત્યારે ધાર્મિક લઘુમતીઓને લગ્ન અને વારસાઈ જેવી બાબતોમાં પર્સનલ લૉને અનુસરવાની છૂટ છે. જવાહરલાલ નેહરુએ હિંમત કરીને હિંદુ પર્સનલ લૉમાં સુધારા કરાવ્યા હતા અને બહુપત્નીત્વ જેવી પ્રથા ફગાવી દેવા ઉપરાંત સ્ત્રીઓને મિલકત, છૂટાછેડા તેમ જ પુનર્લગ્નના અધિકાર અપાવ્યા હતા. કમનસીબે મુસ્લિમો માટે આવા સુધારાની બાબતમાં તેઓ ઢીલા પડ્યા અને તેમણે મુસ્લિમ સ્ત્રીઓને શોષણ અને તાબેદારીની એની એ જ હાલતમાં રહેવા દીધી.
બંધારણના માર્ગદર્શક સિદ્ધાંત મુજબ સરકાર આખા દેશના નાગરિકો માટે સમાન નાગરિકધારો નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે. આવો ધારો ક્યારે ય અમલમાં લાવવામાં આવ્યો નથી. મુસ્લિમ રૂઢિચુસ્તો મરણિયા બનીને એનો વિરોધ કરે છે. ધાર્મિક વિરોધો ઉપરાંત તેમના કહેવા મુજબ આવો નાગરિક ધારો તો હિંદુદમનનું એક સ્વરૂપ બની જશે.
કેટલાક પ્રબુદ્ધ મુસ્લિમો ઇસ્લામિક પર્સનલ લૉને આધુનિક બનાવવાની હિમાયત કરી રહ્યા છે, પણ બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષોને ખબર છે કે મુસ્લિમ મતો પર રૂઢિવાદીઓની પકડ છે. આ રૂઢિવાદીઓને રીઝવવા માટે પક્ષો એમ કહે છે કે સુધારાની પ્રક્રિયામાં મુસ્લિમોએ જ પહેલ કરવી જોઈએ. આ પ્રક્રિયામાં બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો તો મુસ્લિમ મહિલાઓને વરુઓને હવાલે છોડી રહ્યા છે. ફક્ત ભાજપ જ એવો એકમાત્ર રાજકીય પક્ષ છે કે સમાન નાગરિક ધારાનું સમર્થન કરી રહ્યો છે પણ એની તીવ્ર મુસ્લિમ વિરોધી લાગણીઓ જોતાં એવો વહેમ રહે છે કે ભાજપને સ્ત્રીઓ પરના અત્યાચારનો અંત આણવા કરતાં મુસ્લિમોને ફટકારવામાં વધુ રસ છે.
‘તીન તલાક’ પ્રથા પુરુષને ત્રણ વાર તલાક શબ્દ ઉચ્ચારીને પોતાની પત્નીથી છૂટાછેડા લેવાની મંજૂરી આપે છે. એટલે પત્ની હંમેશાં પુરુષની દયા પર જીવે છે. મારાં મર્હૂમ પત્ની શહેનાઝ અને હું ભારતમાં પ્રવાસ કરતાં. શહેનાઝ મુસ્લિમ મહિલાઓ સાથે અવારનવાર વાત કરતાં. એ મહિલાઓ પાસેથી હંમેશાં એવું સાંભળવા મળતું કે એમને થતો સૌથી મોટો અન્યાય એટલે લટકતી તલવાર જેવી તીન તલાક પ્રથા. શાયરાબાનોએ સુપ્રીમમાં દાખલ કરેલ અરજીમાં પણ આ જ ડરને વ્યક્ત કર્યો છે, ‘મુસ્લિમ સ્ત્રીઓના હાથ બંધાયેલા છે અને માથે ગુલોટિનના ફળાની જેમ તીન તલાકની તલવાર લટકે છે કે જે અબાધિત સત્તા ધરાવતા તેમના પતિઓની મરજી મુજબ ગમે ત્યારે તેમને માથે પડે.’
કુલ મુસ્લિમ વસ્તીમાં પચાસ ટકા સ્ત્રીઓ છે, પણ પુરુષોના દબાણને કારણે તેમનો પોતાનો કોઈ અવાજ નથી. જે રાજકારણીઓ એવું કહેતાં હોય કે મુસ્લિમો પર્સનલ લૉમાં સુધારા ઇચ્છતાં નથી, એ રાજકારણીઓ ફક્ત મુસ્લિમ પુરુષોને જ ગણતરીમાં લઈ રહ્યા છે, મુસ્લિમ મહિલાઓને નહીં. જ્યારે આવા અત્યાચારી મુસ્લિમ કાનૂન સ્ત્રીઓને પુરુષોના પગ નીચે દબાવી રાખે છે ત્યારે સ્ત્રીઓ એમની જરૂરિયાતો વ્યક્ત કરી શકતી નથી અને હુકમને તાબે જ રહે છે. રૂઢિચુસ્ત મુસ્લિમો પહેલેથી જ સ્ત્રીશિક્ષણનો વિરોધ કરતા રહ્યા છે, જેથી સ્ત્રી નિર્બળ રહે અને અન્યાય સામે પોતાની રીતે અવાજ ન ઉઠાવે.
જો મુસ્લિમ મહિલાઓમાં ગુપ્ત જનમત લેવામાં આવે, તો તેઓ ચોક્કસ બહુપત્નીત્વ અને તીન તલાક વિરુદ્ધ મતદાન કરે. પણ તેમને તક આપવામાં આવતી નથી. એટલે મુસ્લિમ મહિલાઓ બળ વિનાની અને તાબેદારી હેઠળની રહે છે. આ શરમજનક અપરાધમાં સાર્વત્રિક અધિકારોની વાત કરતા આપણા સેક્યુલર પક્ષો પણ સામેલ છે.
સ્ત્રીઓની સ્થિતિનો અભ્યાસ કરવા ૨૦૧૨માં નિમાયેલી સમિતિએ તીન તલાક અને બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. સ્ત્રી અને બાળકને ભરણપોષણ અંગે વધુ કડક જોગવાઈઓ પર પણ સમિતિએ ભાર મૂક્યો છે (અત્યારે તો ત્યક્તાને તે ‘અપવિત્ર’ હોવાના ઓઠા હેઠળ ભરણપોષણથી વંચિત રાખી શકાય છે). સુપ્રીમ કોર્ટે આ સમિતિનો અહેવાલ જોવો જોઈએ.
સમાન નાગરિક ધારો હિંદુઓ દ્વારા મુસ્લિમો પરના દમનમાં પરિણમશે, એવો પ્રચાર ભૂલી જાઓ. ગોવા, દેશનું એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં કોઈ પણ ધર્મના પર્સનલ લૉને માન્ય ગણવામાં આવતા નથી. ત્યાં પોર્ચુગીઝ સંસ્થાનવાદી કાનૂનો આધારિત સમાન નાગરિક ધારો અમલમાં છે. તેમાં કેટલાક અપવાદ છે, જે મુસ્લિમોને લાગુ પડતા નથી. પોર્ચુગીઝ શાસનમાંથી ગોવાની મુક્તિ બાદ ત્યાંના મુલ્લાઓએ મુસ્લિમ પર્સનલ લૉ દાખલ કરવાની કોશિશ કરી હતી, પણ તેને ગોવા મુસ્લિમ વિમેન્સ ઍસોસિયેશન અને મુસ્લિમ યુવા કર્મશીલોએ નિષ્ફળ બનાવી. ગોવાની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૮.૩% છે અને તેઓ સમૃદ્ધ છે. સમાન નાગરિક ધારાથી કંઈ મુસ્લિમોનું દમન નથી થયું કે નથી એમને બળજબરીથી હિંદુ બનાવાયા.
જો ગોવાનું ઉદાહરણ નજર સામે રાખીએ તો સમાન નાગરિક ધારો હિંદુઓના મુસ્લિમો પરના દમનમાં પરિણમશે, એવો ભય વજૂદ વિનાનો છે, એ વાત સામે આવશે. સુપ્રીમ કોર્ટે બધા રાજકીય પક્ષોને ગોવાનો રાહ ચીંધવો જોઈએ.
[અનુવાદ : ઈશાન ભાવસાર]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 15 અને 14