‘આપણે ક્યાં હતાં અને ક્યાં પહોંચી ગયાં?’ ઉપરના વાક્યના એકથી વધારે અર્થ થાય, પણ જ્યારે તૃપ્તિ પારેખ મહેતા લિખિત ‘દેડિયાપાડાનો વન અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની’ પુસ્તકનું આ શીર્ષકથી શરૂ થતું પહેલું પ્રકરણ વાંચીએ, પછી આગળ વાંચવાનું છોડી ન શકીએ અને વાંચી લીધા પછી એક અજબ સ્તબ્ધ મૌનથી ઘેરાઈ જઈએ ત્યારે એ મૌનમાં આપણને આ શબ્દો જ નહીં, જિંદગી આખી સાવ નવી જ રીતે સમજાવા લાગે. તૃપ્તિબહેન આ પુસ્તકનાં લેખિકા જ નથી, તેઓ આ આખી લડતનાં સૂત્રધાર પણ છે.
દેડિયાપાડા, દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા તાલુકાનું નામ છે. લગભગ આખો તાલુકો શૂલપાણેશ્વરનાં જંગલોથી છવાયેલો છે. વનસ્પતિ અને જીવસૃષ્ટિની બહુલતા વચ્ચે વાસવા અને તાડવી જેવા આદિવાસીઓ અહીં વસે છે.
૧૯૮૦ના દાયકા સુધી દેડિયાપાડા વિસ્તારના આદિવાસીઓની સ્થિતિ ખૂબ દયનીય હતી. એ જમીન પર ચાર-પાંચ પેઢીઓથી વસેલા હતા એ જંગલની જમીનનો કે ઉપજનો પોતાના જીવનનિર્વાહ માટે ઉપયોગ કરવાનો એમને અધિકાર નહોતો. તેઓ પેટ ભરવા થોડી જમીન પર ખેતી કરે, કંદમૂળ કે જંગલી ફળોનો ખાવા માટે ઉપયોગ કરે, વાંસ કે લાકડાનો ઉપયોગ પોતાનું ઘર બનાવવા કરે કે બે પૈસા કમાવા ટીમરુંનાં પાન ભેગાં કરે તો એ જંગલખાતાનો ગુનો બને. સજારૂપે જેલ, ઊભા પાકનો નાશ, હળ-બળદની જપ્તી અને ઢોરમાર મળે. લાંચ રૂપે રોકડ ઉપરાંત મરઘાં કે બકરાં લઈ જાય. તેમનાં ખેતરોને ખોદી નાખી તેમાં સરકારી વૃક્ષો વાવી જાય. આ કારણે કોઈ પેન્ટ-શર્ટ પહેરેલો માણસ દૂરથી પણ દેખાય તો લોકો ઘર છોડી જંગલમાં સંતાઈ જાય.
સરદાર સરોવર બનાવતી વખતે ઘણું જંગલ ડૂબમાં ગયેલું હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ ઊઠ્યો. તેને પરિણામે સરકારે બાજુના જંગલને રીંછોનું અભયારણ્ય જાહેર કરી દીધું. એટલે ત્યાં રસ્તાઓ ન બને, વીજળી ન પહોંચે, ખેતી ન થાય. કિસાન તરીકેના કોઈ લાભ આદિવાસીઓને આમ પણ નહોતા મળતા, હવે જંગલપેદાશો પણ હાથથી ગઈ.
આર્ચ (એક્શન રિસર્ચ ઈન કોમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ) સંસ્થાનાં તૃપ્તિબહેન પારેખ-મહેતા (ફોન : 9427591540) અને એમના સાથીઓએ 1988થી આ આદિવાસી ગામોને માટે લડત ઉપાડી. એક બાજુ અત્યંત ગરીબ, અર્ધભૂખ્યા, અભણ, દબાયેલા, કાયદાઓ અને અધિકારોથી અજાણ, સરકારી માણસો સામે એક અક્ષર પણ ઉચ્ચારવાની હિંમત ન કરે એવા આદિવાસીઓ. બીજી બાજુ નઠોર-અસંવેદનશીલ સરકારી અધિકારીઓ, જંગલખાતા-પોલિસખાતાની બેવડી જોહુકમી, બેદરકાર-સ્વાર્થી રાજકારણીઓ, અટપટા કાયદા, સમજવી અને અમલમાં મૂકવી મુશ્કેલ એવી યોજનાઓ, સરકારી તંત્રની નિષ્ક્રિયતા અથવા અત્યંત ધીમી ગતિ અને ઉપરથી નીચે ખદબદી રહેલો ભ્રષ્ટાચાર. સરકાર પોતાના હિત માટે જંગલને અભયારણ્ય જાહેર કરી દે, અને જરૂર પડે ત્યારે અભયારણ્યનો વિસ્તાર વધારી દે. માંડ ગાડી પાટે ચડે, ત્યાં જે તે સક્રિય અધિકારીની બદલી થઈ જાય અથવા કરાવી દેવામાં આવે. આદિવાસી પોતાના જંગલમાંથી બેચાર વાંસ લે તો ગુનો બને અને સરકાર કાગળની મિલોને બધા વાંસ કાપી જવાની છૂટ આપી પૈસા કમાય. કાયદા હોય કે નવા બને તો વર્ષો સુધી નિયમો ન બને એટલે અમલ ન થાય. સરકારી અને ઔદ્યોગિક કાર્યોમાં અવરોધ ઊભો કરવાના ગુના રૂપે આ કર્મશીલોને જેલ થાય, માર પડે, હત્યાની ધમકી અપાય ને રાષ્ટ્રદ્રોહ જેવા આરોપ મુકાય.

‘દેડિયાપાડાનો વન અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની’ આ લડતની કહાણી છે. આદિવાસીઓ માણસ તરીકેની લઘુતમ જરૂરિયાતો એમની જ મહેનતથી મેળવે એટલા સાદા ને પાયાના અધિકારને માટે એક આઝાદ દેશમાં બત્રીસ-બત્રીસ વર્ષ સુધી લડવું પડે એ કેવી નિરાશ અને ગુસ્સો જગાડે એવી સ્થિતિ છે! કેટલી અખૂટ ધીરજથી, નિષ્ફળતા પચાવવાની કેવી શક્તિથી, લીધેલાં કામોમાં વર્ષો સુધી મંડ્યા રહેવાની કેવી ધગશથી આ લોકોએ રેલીઓ અને ધરણાથી લઈ દરેક કાયદાનો ઊંડાણથી અભ્યાસ કર્યો હશે, અદાલતે ચડ્યા હશે, સરકારી યોજનાઓની આટીઘૂંટીઓ પસાર કરી હશે એ કલ્પવું, સત્યના આ રૂપને પચાવવું આ પુસ્તકમાંથી પસાર થતા જઈએ તેમ વધારે ને વધારે અઘરું બનતું જાય છે.
૩૦ વર્ષો સુધી આર્ચ અને તેવી સંસ્થાઓએ ગુજરાતમાં અને દેશભરમાં આદિવાસીઓના હકો માટે લડત ચલાવી તેને કારણે અને પછીથી સંસદે વન અધિકાર કાયદો બનાવ્યો અને આદિવાસીઓને તેમના અધિકારો મળ્યા. આજે આ આદિવાસીઓ પાસે કાયદેસર પોતાની જમીનો છે. તેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે. જંગલના વાંસ પર તેમનો અધિકાર છે. સરકારની રાહ જોયા વગર તેમણે જાતે રસ્તાઓ બનાવી લીધા છે. શિક્ષણ અને વિકાસની અનેક પ્રવૃત્તિઓ થાય છે. હવે જંગલખાતુ જો તેમના બળદો ઉપાડી જાય તો ૫૦ લોકોનું ટોળુ જઈને છોડાવી લાવે છે. હવે ત્યાંની બનાવેલી ગ્રામસભા વાંસ અને ટીમરુ પાનનાં વેચાણ માટે લાખોના સોદા જાતે કરે છે. હવે તેમના યુવાન છોકરા-છોકરીઓ અંગ્રેજી અને કોમ્પ્યુટર શીખે છે. આ જાગૃતિ કોઈ રાજકીય પક્ષોને ગમતી નથી એટલે બધી બિનસરકારી સંસ્થાઓ (એન.જી.ઓ.) પર દબાણ વધારે છે. ગુજરાતમાં નક્સલવાદ આવ્યો નથી તેનું મુખ્ય કારણ આવી એન.જી.ઓ. છે જે આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય અને તેમના જીવન જીવવાના અધિકારો માટે વરસોથી મથે છે.
છેવાડાના માણસોનો આર્થિક વિકાસ થાય, તેમના હાથમાં પૈસો આવે આવે તેની સાથે શહેરની બદીઓ આવે એવું બને છે. તૃપ્તિબહેન કહે છે, અહીં હજી સુધી એવી કોઈ બદી પ્રવેશી નથી. લોકો પોતાના પૈસા અને શક્તિનો ઉપયોગ જંગલ વ્યવસ્થાપનમાં અને સાચા વિકાસ માટે જ કરે છે.
પણ આ તૃપ્તિબહેન કોણ છે? દેડિયાપાડા ક્યાંથી પહોંચી ગયાં? તૃપ્તિબહેનને લેક્ચરરની અને અંબરીષભાઈને બેંકની નોકરી મળી, ત્યાર પહેલાંની એમની દોસ્તી, સહિયારાં સ્વપ્નો, લગ્ન, જયપ્રકાશ નારાયણની હાકલથી છાત્ર-યુવા સંઘર્ષવાહિનીને અર્પણ કરેલું જીવન, નોકરી છોડીને ગામડામાં કામ, સમાનધર્મી મિત્રો, ‘આર્ચ’ની સ્થાપના અને વિવિધ નક્કર સેવાકાર્યોથી મળેલો આંતરરાષ્ટ્રીય સહકાર – આ બધી વાતો પણ એક સ્વતંત્ર પુસ્તક થઈ શકે તેવી છે.
મજાની વાત એ છે કે આ પુસ્તકમાં એમાંનું કશું નથી. આ પુસ્તક તો દેડિયાપાડાના લોકો માટે જ, એમને સમજાય એવી સહજ-સરળ ભાષામાં, એમની ભાવિ પેઢીઓ આ સંઘર્ષ વિશે જાણે અને પોતે જે સુવિધાઓ મેળવી શક્યા છે તેનું મૂલ્ય સમજે એ હેતુથી, આદિવાસીઓ સાથે એક થઈને લખાયું છે. ‘આપણે આ સ્થિતિમાં હતાં, આપણે આ સહન કર્યું, આપણે આમ સંઘર્ષ કર્યો, આપણે આ મેળવ્યું’ એ રીતે આખું પુસ્તક લખાયું છે. અહીં કોઈ ‘અમે’ કે ‘તમે’ કે ‘આ’ કે ‘તે’ નથી. અહીં ‘આપણે’ છીએ. મારું ચાલે તો એક અવૉર્ડ આ ‘આપણે’ શબ્દ માટે આપું.
સ્વામી વિવેકાનંદે કહેલું, ‘આપણી સંસ્કૃતિએ બીજી જે સિદ્ધિ મેળવી હોય, પણ તેણે દબાયેલાની ડોક મરડી નાખી છે, આપણને ગરીબી અને અસમાનતા વિરુદ્ધ આંધળા કરી મૂક્યા છે.’ આપણાં શહેરોની મોંઘીદાટ અંગ્રેજી સ્કૂલોમાં ભણતો વર્ગ, બધિર સંવેદનતંત્ર કેળવીને પોતાના સોફેસ્ટિકેટેડ ટાપુ પર વસવાને માટે જ જાણે તૈયાર થઈ રહેલો છે. પ્રગતિની દિશા નક્કી કરવાના એમના અધિકારનો સાદર સ્વીકાર, પણ દેશના બાકીના લોકો સાથે એમનો અનુબંધ, અનુસંધાન તો હોવા જોઈએ.
તૃપ્તિબહેન અને એમના પતિ સર્વસ્વ છોડી આદિવાસીઓ-વિસ્થાપિતોના અધિકારો માટે લડતો ચલાવે, જેને પરિણામે સરકાર કાયદા બનાવે અથવા બદલે એટલી અસર ઊભી થાય અને પછી એનો બરાબર અમલ થાય તે માટે પણ એકાદ દાયકો કામ કરી ગામોને તૈયાર કરે એ કેટલી મોટી વાત છે! સમૂહમાધ્યમો આવા લોકોના નક્કર અનુભવો, અથક સંઘર્ષો અને શુભ પરિણામોના ડૉક્યુમેન્ટેશનને દેશના ખૂણેખૂણે પહોંચાડે તો યુવાશક્તિને નવી અને સાચી દિશા મળે.
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી’, 08 ઑગસ્ટ 2021
![]()





દિલીપકુમારનાં જીવન, રોમેન્ટિક સંબંધો અને સિદ્ધિઓ વિશે ઘણું કહેવાઈ ગયું છે – વાત કરીએ ‘અંદાઝ’ ફિલ્મની અને ‘અંદાઝ’ ફિલ્મના દિલીપકુમારની. એ વખતે મેલોડ્રામા અભિનયનું અંગ ગણાતો. ‘અંદાઝ’નો રાજ ક્પૂર ‘આગ’ બનાવી ચૂકેલો અને ‘બરસાત’ બનાવી રહેલો મૅચ્યૉર અભિનેતા હતો, છતાં તેના અભિનયમાં ભારોભાર કૃત્રિમતા અને મેનરિઝમ્સ દેખાય છે. તેની સામે દિલીપકુમારનો સહજ પણ ઊર્જસ્વી અભિનય ખૂબ સુંદર વિરોધાભાસ ઊભો કરે છે. જો કે દિલીપકુમારે પાંચ વર્ષ પહેલાં આવેલી પોતાની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’માં પણ આ જ અભિનયશૈલી અપનાવી હતી. ફિલ્મ ફ્લૉપ થઈ, આત્મવિશ્વાસ ફ્લૉપ ન થયો. રોમેન્ટિક ‘અંદાઝ’ હોય, હીરોઈઝમવાળી ‘આન’ હોય, સોશ્યલ ડ્રામા ‘દાગ’ હોય, ટ્રેજેડી ‘દેવદાસ હોય, ક્લાસિક ‘આઝાદ હોય કે ઍપિક ‘મુગલ-એ-આઝમ’ – દિલીપકુમાર અને એની સહજ-સંયમિત અભિનયશૈલી, સંવાદશૈલી છવાઈ જાય. ‘જ્વાર ભાટા’ બૉમ્બે ટૉકિઝની ફિલ્મ હતી. દિલીપકુમારને શોધવાનું, પહેલી ફિલ્મ આપવાનું અને દિલીપ નામ આપવાનું શ્રેય દેવિકારાણીને જાય છે. ‘જ્વાર ભાટા’ આવી અને ગઈ. પછી ‘જૂગનુ’ આવી. એક દિવસ પૃથ્વીરાજ કપૂરે દિલીપકુમારના પિતાને ‘જૂગનુ’નું હૉર્ડિંગ બતાવ્યું ત્યારે એમને ખબર પડી કે દીકરો ફિલ્મોમાં કામ કરે છે! ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એનો ‘ફર્સ્ટ ખાન’ મળી ગયો હતો.
