ઈમરોઝ અમૃતા પ્રીતમના જીવનનો ત્રીજો પુરુષ. સોળ વર્ષની ઉંમરે અમૃતાનાં લગ્ન પ્રીતમસિંહ સાથે થયાં. પ્રેમવિહોણાં લગ્ન છૂટ્યાં, પણ પ્રીતમસિંહનું નામ સદા સાથે રહ્યું. સાહિર લુધિયાનવી પ્રત્યેનો તીવ્ર પ્રેમ આઘાતો આપતો રહ્યો, પણ ક્યાં ય પહોંચ્યો નહીં. ત્યાર પછી પરિપૂર્ણ આંતરિક શાંતિથી સભર ચાલીસ વર્ષ અમૃતાએ ચિત્રકાર અને કવિ ઈન્દ્રજિત ઈમરોઝ સાથે ગાળ્યાં … એમણે કહ્યું છે, ‘ઈમરોઝને મળ્યા પછી પિતા, ભાઈ, મિત્ર, પતિ – આ તમામ શબ્દોએ જાણે પોતાનો આત્મા શોધી લીધો.’

અમૃતા પ્રીતમ – ઈમરોઝ
વેલેન્ટાઈન ડે આવે અને આપણને રોમાન્સનો મૂડ આવી જાય છે, પણ સાચો અને શક્તિશાળી પ્રેમ કોઈ અવસરનો મોહતાજ નથી હોતો – એ બસ હોય છે, અને એનું હોવું જ દરેક પળને અવસર બનાવી દે છે. વેલેન્ટાઈન ડે નજીક છે ત્યારે યાદ કરીએ આવા પ્રેમને જીવનાર અમૃતા અને ઈમરોઝને.
કાવ્ય, નવલકથા, વાર્તાઓ, લેખો, સંપાદન અને આત્મકથાનાં સો જેટલાં પુસ્તકો લખનાર અમૃતા પ્રીતમ સાહિત્ય અકાદમી અવૉર્ડ મેળવનાર પહેલી સ્ત્રી હતાં. પછી તો જ્ઞાનપીઠ, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ તેમ જ વિદેશોનાં સન્માનો પણ મળ્યાં. એમની એક પંક્તિ છે, ‘હું જિંદગીભર જે વિચારતી અને લખતી રહી એ દેવતાઓને જગાડવાની કોશિશ હતી, એ દેવતાઓને જે માણસની અંદર સૂઈ ગયેલા છે.’
પ્રેમ અમૃતા માટે બ્રાન્ડ-નેમ હતું. ઈમરોઝ એમના જીવનનો ત્રીજો પુરુષ. સોળ વર્ષની ઉંમરે પ્રીતમસિંહ સાથે લગ્ન થયાં, પ્રેમ ન થયો. પ્રેમવિહોણા લગ્ન છૂટ્યાં, પણ પ્રીતમ સિંહનું નામ સદા સાથે રહ્યું. સાહિર લુધિયાનવી પ્રત્યેનો તીવ્ર પ્રેમ આઘાતો આપતો રહ્યો, પણ ક્યાં ય પહોંચ્યો નહીં. ત્યાર પછી જીવનનાં છેલ્લાં ચાલીસ વર્ષ – પરિપૂર્ણ આંતરિક શાંતિથી સભર ચાલીસ વર્ષ અમૃતાએ ચિત્રકાર અને કવિ ઈન્દ્રજિત ઈમરોઝ સાથે ગાળ્યાં. ઈમરોઝ અમૃતાથી દસ વર્ષ નાના હતા. અમૃતાએ ‘શામ કા ફૂલ’ કાવ્યમાં ઈમરોઝ જિંદગીમાં ખૂબ મોડા મળ્યા હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
1957માં અમૃતા-ઈમરોઝ પહેલી વાર મળ્યાં, અમૃતા 48 વર્ષનાં હતાં. ભાગલા પછી અમૃતાનો પરિવાર લાહોરથી દિલ્હી આવીને વસેલો. અમૃતા ઑલ ઇન્ડિયા રેડિયો પર એક પંજાબી કાર્યક્રમ આપતાં. ઈમરોઝ ત્યારે ‘શમા’માં કામ કરતા. અમૃતાને ‘આખરી ખત’ પુસ્તકના કવરપેજ માટે આર્ટિસ્ટની જરૂર હતી, કોઈએ ઈમરોઝને મોકલી આપ્યા. પછી તો ઈમરોઝ અમૃતાના ઘરની બાજુમાં રહેવા આવ્યા. અમૃતાને બસમાં રેડિયો સ્ટેશન જતાં જોઈ ઈમરોઝને તકલીફ થતી. એમની પાસે સાયકલ હતી. પૈસા ભેગા કરી એમણે સ્કૂટર લીધું અને અમૃતાને ઘેરથી ઑલ ઇન્ડિયા રેડિયો સુધી મૂકવા-લાવવા લાગ્યા.
ક્યારેક સ્કૂટર પર અમૃતા ઈમરોઝની પીઠ પર કલમ ફેરવતાં. ઈમરોઝને ખબર હતી એ શું લખતાં – એ શબ્દ હતો ‘સાહિર’. ‘તો તમને ખરાબ ન લાગતું?’ ‘ખરાબ શું કામ લાગે, સાહિર અમૃતાનો હતો, અને મારી પીઠ પણ …’ ઈમરોઝ હસતા. અમૃતા કહેતાં, ‘સાહિર આકાશ છે અને ઈમરોઝ ઘરની છત. સાહિર બાબતની મારી નિષ્ફળતાના દર્દને ઈમરોઝે પોતાનું બનાવી દીધું હતું.’ ક્યારેક અમૃતા હસે, ‘હું અને સાહિર મળી ગયા હોત તો તું ન હોત.’ ‘વાહ, કેમ ન હોત? તું સાહિરના ઘરમાં નમાજ પઢતી હોત તો પણ મેં તને શોધી કાઢી હોત’ ઈમરોઝ કહેતા, ‘અમે કોઈ વચન આપ્યાં કે માગ્યાં નથી. નો પ્રોમિસિઝ, નો કમિટમેન્ટ્સ. નો ક્વેશ્ચન્સ, નો આન્સર્સ. પ્રેમ એની મેળે જ પ્રગટ્યો અને પાંગર્યો.’
જો કે ઉંમરના તફાવતથી અમૃતા સભાન હતાં. એક વાર એમણે કહ્યું, ‘જા, જરા દુનિયા ફરી આવ, પછી મારી સાથે રહેવાની વાત કર.’ ઈમરોઝે અમૃતાના કમરામાં ચક્કર માર્યું ને કહ્યું, ‘ફરી આવ્યો. હવે તો મારી સાથે રહીશ ને?’ આ વાત યાદ કરી અમૃતા કહેતાં, ‘આવા માણસનું શું કરવું? હસવું કે રોવું?’ સમયાંતરે તેમણે હૌજ ખાસનું ઘર લીધું અને એમાં સાથે રહેવા લાગ્યા. લગ્નની જરૂર પડી નહીં.
એક વાર કારમાં દિલ્હીથી મુંબઈ જતાં હતાં. પોલિસે એમને રોક્યાં. કોઈ નશીલાં દ્રવ્યો ન મળ્યા એટલે જવા દીધાં. ઈમરોઝ કહે, ‘બિચારો બુદ્ધુ પોલિસમેન. એને તું ન દેખાઈ. આટલી નશીલી ચીજ જોવાનું ચૂકી ગયો!’ અમૃતાનું સૌંદર્ય અને એની કવિતા બંને પર ઈમરોઝ ફિદા હતા, ‘સુંદર શબ્દો એવા જ સુંદર શરીરમાં વસતા હોય એવું ઓછું બને. અમૃતા એવી દુર્લભ ઘટના છે.’
‘પ્રેમની મારી વ્યાખ્યા સાદી છે : પ્રેમ એટલે સહજતા, સ્વયંસ્ફૂરણા. અને જે સહજ છે તે મુશ્કેલ નથી હોતું.’ ઈમરોઝ કહેતા. બંને એક ઘરમાં પણ અલગ અલગ કમરામાં રહેતા. અમૃતા મોડી રાત સુધી લખે. એકાદ વાગે એટલે ઈમરોઝ ચા બનાવી ચૂપચાપ એમના ટેબલ પર મૂકી આવે. ઘરના દાદરને અડતી ભીંતો પર ઈમરોઝે દોરેલાં અમૃતાનાં અલગ-અલગ અંદાઝના ચિત્રો શોભે.
બંને એકબીજાને ખૂબ પત્રો લખતાં. એક પત્રમાં અમૃતાએ લખ્યું છે, ‘મારા પ્રિય, માણસોનાં હૃદયમાં એકસરખી પીડા વસે છે. પૃથ્વીના કોઈ પણ ખૂણે વસતા માણસના અંતરના તાર એના જ વજનથી તૂટતાં હોય છે. જીવનની આ ઠંડી સાંજે હું પ્રતીક્ષતી હોઉં છું તારા પત્રોના હૂંફાળા સૂર્યપ્રકાશને …’ ‘ઈમરોઝનો પ્રેમ એક વરદાન છે. તેને મળ્યા પછી પિતા, ભાઈ, મિત્ર, પતિ – આ તમામ શબ્દોએ જાણે પોતાનો આત્મા શોધી લીધો.’ એક વાર ઈમરોઝ બહારગામ હતા. અમૃતાએ લખ્યું, ‘તું જેટલા શ્વાસ મૂકીને ગયો હતો, લાગે છે એ ખલાસ થઈ ગયા છે.’
એક ઈન્ટરવ્યૂમાં ઈમરોઝે કહ્યું છે, ‘અંતિમ માંદગીમાં અમૃતા રોજ મને ઝેર લાવી આપવાનું કહેતી. હું પેઈન કિલર લાવી આપતો. એ ચાલી ગઈ ત્યારે હું રડ્યો નહીં. મૃત્યુ એ એની પીડાનો અંત હતો.’ મૃત્યુ પહેલા અમૃતાએ ઈમરોઝ માટે કાવ્ય લખ્યું છે, ‘મૈં તુઝે ફિર મિલૂંગી’ આજે આ કાવ્ય પ્રેમનું શાશ્વત્ પ્રતીક બની ગયું છે. ઈમરોઝ કવિ નહોતા. અમૃતાના મૃત્યુ પછી એમણે અમૃતાને સંબોધીને કાવ્યો લખવા માંડ્યાં. કોઈએ કહ્યું, ‘અમૃતા તો આ કાવ્યો કદી નહીં સાંભળી શકે. તમને દુ:ખ નથી થતું?’ ‘મને લાગે છે કે એ જ્યાં પણ છે, આ શબ્દો એને પહોંચે જ છે.’ અને કહ્યું, ‘એણે શરીર છોડ્યું છે, સાથ નહીં …’ ઈમરોઝે અમૃતા માટે કદી ભૂતકાળ નહોતો વાપર્યો.
 સમાજની દરેક સીમા તોડતો, આંખમાં આંસુ અને હોઠ પર સ્મિત એકસાથે લાવી દેતો આ પ્રેમ આપણને વિચારતા કરી દે કે આ બંને કઈ દુનિયાના માણસો છે! ઉમા ત્રિલોકે પુસ્તક લખ્યું છે, ‘અમૃતા ઈમરોઝ’. ભદ્રાયુ વચ્છરાજાનીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે. પ્રસ્તાવનામાં ઉમા લખે છે, ‘આ બંને વિશે લખવા માટે જે ઊંચાઈ જોઈએ, એમના સંબંધને સમજવા અને આલેખવા જે સર્જનાત્મક કૌશલ જોઈએ તે કદાચ મારામાં નથી. અમૃતા અને ઈમરોઝ સાથે મારી દસ વર્ષની ઘનિષ્ઠ મૈત્રી એ જ કદાચ મારી એકમાત્ર લાયકાત છે.’ અને ભદ્રાયુભાઈ લખે છે, ‘અમૃતા-ઈમરોઝની લિવ-ઈન નહીં, લવ-ઈન રિલેશનશીપ છે.’
સમાજની દરેક સીમા તોડતો, આંખમાં આંસુ અને હોઠ પર સ્મિત એકસાથે લાવી દેતો આ પ્રેમ આપણને વિચારતા કરી દે કે આ બંને કઈ દુનિયાના માણસો છે! ઉમા ત્રિલોકે પુસ્તક લખ્યું છે, ‘અમૃતા ઈમરોઝ’. ભદ્રાયુ વચ્છરાજાનીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે. પ્રસ્તાવનામાં ઉમા લખે છે, ‘આ બંને વિશે લખવા માટે જે ઊંચાઈ જોઈએ, એમના સંબંધને સમજવા અને આલેખવા જે સર્જનાત્મક કૌશલ જોઈએ તે કદાચ મારામાં નથી. અમૃતા અને ઈમરોઝ સાથે મારી દસ વર્ષની ઘનિષ્ઠ મૈત્રી એ જ કદાચ મારી એકમાત્ર લાયકાત છે.’ અને ભદ્રાયુભાઈ લખે છે, ‘અમૃતા-ઈમરોઝની લિવ-ઈન નહીં, લવ-ઈન રિલેશનશીપ છે.’
ઉમાએ પુસ્તકમાં એક વાત લખી છે, ‘અમૃતાને વીસ વર્ષ સુધી લગભગ રોજ એક સ્વપ્ન આવતું. એક ઘર, એક તરફ જંગલ, બીજી તરફ સમુદ્ર, બારી પાસે ચિત્ર દોરતો એક પુરુષ. એ પુરુષનો ચહેરો કદી ન દેખાતો. ઈમરોઝને જોઈ અમૃતા તરત ઓળખી ગયાં કે આ એ જ પુરુષ છે. અને પછી એ સ્વપ્ન એમને કદી ન આવ્યું.’ પીડા અમૃતાનો પ્રિય વિષય હતી. ‘એક દર્દ હતું, જે મેં સિગરેટની જેમ પી લીધું; થોડી કવિતાઓ છે જે મેં સિગરેટની રાખની જેમ ખંખેરી છે.’ ‘મે ધ પેઈન લિવ ફૉરએવર’ ‘ખુલ્લા કદરૂપા જખમ પર સ્વપ્નનો એક ટુકડો લગાડું છું’
અમૃતા પ્રીતમ લખે છે, ‘મારી શૈયા તૈયાર છે, પણ જોડા અને ખમીસની જેમ તું તારું શરીર પણ ઊતારી લે; ત્યાં મૂડા પર મૂકી દે. કોઈ ખાસ વાત નથી – આ પોતપોતાના દેશનો રિવાજ છે.’ અને ઈમરોઝ કહે છે, ‘અમૃતાની કઈ વાત મને સૌથી વધારે પસંદ છે? તેનું હોવું.’ આ શબ્દોમાં રહેલા ઊંડાણને સમજવાનું ગજું હોય તો પ્રેમનું નામ લેવું, નહીં તો મઝા કરવી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ફેબ્રુઆરી 2023
 



 આપણે ત્યાં લગ્ન ગમે તેટલાં વિચિત્ર કે શોષણખોર હોય; પતિપત્ની, કુટુંબ કે સમાજ સવાલ ઉઠાવ્યા વિના બધું ચલાવે જાય છે. પણ લગ્નબાહ્ય સંબંધ ગમે તેટલો જેન્યૂઈન હોય, તેના પર બીજા બધા તો સવાલ ઊઠાવે જ છે, પણ એ ધરાવનારના મનમાં પણ ક્યારેક સવાલો ઊઠે છે; અને કોઈક તબક્કે સમાજ કે કાયદાની ઓથ વગરનો આવો સંબંધ નબળો પડે, ગેરસમજ–અણસમજનો શિકાર બને કે માનવસહજ નિર્બળતાનો ભોગ બને એમ પણ બને છે. આવા નાજુક વિષય આજથી સાડાપાંચ દાયકા પહેલા બનેલી ફિલ્મ ‘ગાઈડ’ અને એના સર્જક વિજય આનંદને ઓળખીએ …
આપણે ત્યાં લગ્ન ગમે તેટલાં વિચિત્ર કે શોષણખોર હોય; પતિપત્ની, કુટુંબ કે સમાજ સવાલ ઉઠાવ્યા વિના બધું ચલાવે જાય છે. પણ લગ્નબાહ્ય સંબંધ ગમે તેટલો જેન્યૂઈન હોય, તેના પર બીજા બધા તો સવાલ ઊઠાવે જ છે, પણ એ ધરાવનારના મનમાં પણ ક્યારેક સવાલો ઊઠે છે; અને કોઈક તબક્કે સમાજ કે કાયદાની ઓથ વગરનો આવો સંબંધ નબળો પડે, ગેરસમજ–અણસમજનો શિકાર બને કે માનવસહજ નિર્બળતાનો ભોગ બને એમ પણ બને છે. આવા નાજુક વિષય આજથી સાડાપાંચ દાયકા પહેલા બનેલી ફિલ્મ ‘ગાઈડ’ અને એના સર્જક વિજય આનંદને ઓળખીએ …