અંકુરિત થવું, ખીલવું અને ખરી જવું : ઉત્પત્તિ અને લય બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ
દ્રુમા: સપુષ્પા: સલિલં સપદ્મં, સ્ત્રિય: સકામા: પવન: સુગંધિ: ।
સુખા: પ્રદોષા દિવસાશ્ચ રમ્યા:, સર્વં પ્રિયે ચારુતરં વસંતે ।।
(હે પ્રિયે, સર્વનું પ્રિય કરનાર વસંતનાં આગમનથી વૃક્ષો પુષ્પોવાળા બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, સ્ત્રીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે)
આ સુંદર પંક્તિ કાલિદાસના પ્રારંભના સર્જન ઋતુસંહારની છે. સંહાર એટલે સમૂહ. ગીતિકાવ્ય ‘ઋતુસંહાર’ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એમ છ ઋતુઓનું અનુપમ વર્ણન કરતી એક સુંદર કૃતિ છે.
વસંત એટલે શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક દિવસોમાં અને દક્ષિણ ગોળાર્ધમાં સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી વસંત ઋતુ હોય છે. ભારતમાં મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં વસંતઋતુ હોય છે. દિવસના પ્રકાશના વધતા કલાકો, ખુશનુમા આબોહવા, મહોરી ઊઠતી કુદરત, ખીલતાં ફૂલોની શોભા અને સ્ફૂર્તિમય બનતું માનવમન. આવી વસંતઋતુનો ઉત્સવ કેમ ન ઉજવાય? ભારતમાં વસંતપંચમી સૌથી શુભ દિવસોમાંનો એક ગણાય છે. ‘લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલયસમીરે’ જેવી મધુર પંક્તિઓ આપનાર ‘વસંત વિલાસ’ અને અન્ય મધ્યકાલીન ફાગુકાવ્યો વસંતવર્ણન નિમિત્તે જીવનનો ઉલ્લાસ અને શૃંગારરસની નિષ્પત્તિ સાધે છે.
ભારતમાં પણ વસંતનો આટલો મહિમા છે તો યુરોપમાં કાતિલ શિયાળા પછી આવતી હૂંફાળી વસંતઋતુનું અને મહિનાઓ સુધી પથરાયેલી બરફની ચાદરો પીગળ્યાં પછી ખીલતાં ફૂલોનું કેટલું મહત્ત્વ હશે! આ સંદર્ભે પ્રશિષ્ટ કવિ વિલિયમ વર્ડઝવર્થનું કાવ્ય ‘ડેફોડિલ્સ’ યાદ કરવાનું ગમે.

વિલિયમ વર્ડઝ્વર્થ
વર્ડઝવર્થ અને કોલરિજ રોમેન્ટિક કવિતાના જનક ગણાય છે. તેમનાં ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વિલિયમને ત્રણ ભાઈ અને એક બહેન હતાં. પિતા બહાર ફરતા રહેતા. માતા દ્વારા બાળકોને વાંચનની ટેવ કેળવાઈ. વિલિયમ આઠ વર્ષના હતા ત્યારે માતાનું અને ત્યાર પછી પાંચ વર્ષે પિતાનું અવસાન થયેલું. માતાના મૃત્યુ પછી એકની એક બહેન ડોરોથીથી જુદા રહેવાનું થયું. જે પ્રેમ અને હૂંફ તેઓ ઝંખતા હતા તે તેમને પ્રકૃતિએ ભરપેટ પૂરાં પાડ્યાં. એકાંત જ તેમનું કુટુંબ બન્યું, મિત્ર બન્યું.
વર્ડઝવર્થને ‘વૉકિંગ ટૂર’ લઇ સુંદર પ્રાકૃતિક સ્થાનો પર જવાનું ગમતું. 1790માં આ રીતે એક મિત્ર સાથે ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીનો પગપાળા પ્રવાસ કર્યો. લગભગ ત્રણ વર્ષ સુધી વર્ડ્ઝવર્થને ન હતું પોતાનું ઘર કે ન હતી કોઈ સ્થાયી આમદાની. રિવોલ્યુશનરી ફ્રાન્સના તેઓ ચાહક હતા, પણ એમનો એ ભ્રમ પણ ભાંગી ચૂક્યો હતો. જીવનમાં ઘોર નિરાશા વ્યાપી હતી. આ સમયે વિલિયમ ગૉડવિનના ‘પૉલિટિકલ જસ્ટિસ’ નામના પુસ્તકના વિચારોએ તેમના મનને ઘેરી લીધું.
વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને રૉબર્ટ સધે ‘લેક પોએટ્સ’ તરીકે જાણીતા છે. 1799ના ડિસેમ્બરમાં ડોરોથી અને વર્ડ્ઝવર્થ લેક ડિસ્ટ્રિક્ટમાં આવ્યાં અને ગ્રાસમિયરના ‘ડવ કૉટેજ’માં સ્થાયી થયાં. વિલિયમે ડોરોથીની પ્રિય સખી મેરી હચિન્સસન સાથે લગ્ન કર્યું. ‘ડવ કૉટેજ’માં વર્ડ્ઝવર્થનાં ત્રણ બાળકોનો જન્મ થયો હતો. આજે આ કોટેજમાં વર્ડઝવર્થ મ્યુઝિયમ છે.
કવિનો ઉત્તમ સર્જનકાળનો દશકો 1796થી 1806નો હતો. ‘ડેફોડિલ્સ’ કાવ્ય 1802માં રચાયેલું. છ પંક્તિનો એક એવા ચાર અંતરામાં લખાયેલું આ કાવ્ય કલ્પનાની નહીં, ‘એક્ચુઅલ વિઝ્યુલઆઇઝેશન’ની નીપજ છે. તે વખતે તેઓ બહેન ડોરોથી સાથે લેક ડિસ્ટ્રિક્ટના ઉલ્સવોટરમાં ફરી રહ્યા હતા. સામે દૂર દૂર સુધી કુદરતની શાંત શોભા વિસ્તરેલી હતી. જલાશયના શાંત પાણીમાં પહાડોનાં શિખર ડોકાઈ રહ્યાં હતાં. કિનારા પર લાંબે સુધી ફેલાયેલો ડેફોડિલ્સ ફૂલોનો પહોળો પટ્ટો હતો. સુંદર પીળા રંગનાં, સૂર્યનાં કિરણોમાં ચમકતાં અને પવનની લહેરોમાં નૃત્ય કરતાં હજારો ડેફોડિલ્સ ખૂબ આકર્ષક દૃશ્ય સર્જતાં હતાં.
ડેફોડિલને ટ્રમ્પેટ નાર્સીસસ પણ કહેવામાં આવે છે. આ ફૂલો ઉત્તર યુરોપના વતની છે અને ત્યાં તેમ જ ઉત્તર અમેરિકામાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. જો કે આ ફૂલોનો ઉલ્લેખ અમુક ઈરાનિયન કાવ્યોમાં પણ અને ઈ.સ. પૂર્વેની રચનાઓમાં પણ મળે છે. ખૂલેલી છ પાંખડી અને વચ્ચે ઘંટડીના આકારની ઝીણી ઝાલરવાળી ગોળ પાંખડી ધરાવતાં મૂળ પીળા રંગના આ ફૂલો હવે સફેદ, ગુલાબી અથવા નારંગી રંગના પણ જોવા મળે છે. 14થી 16 ઈંચના સુંદર છોડની ટોચે આ ફૂલો ખીલે છે.
કવિ કહે છે, ‘વેલ્સની ટેકરીઓ ઉપર તરતા વાદળની જેમ હું એક્લવાયો ફરતો હતો ત્યાં અચાનક દેખાયાં આનંદભર્યાં, મારું સ્વાગત કરતાં હોય એવાં હજારો સોનેરી ડેફોડિલ્સ પુષ્પો. જલાશયની બાજુમાં વૃક્ષોની ઘટાની નીચે ઝૂમતાં, પ્રસન્ન નર્તન કરતાં ડેફોડિલ્સની એ દીર્ઘ પહોળી પંક્તિ એવી લાગતી હતી જાણે આકાશગંગાના તેજસ્વી તારાઓ. દસેક હજારને હું માંડ મારી આંખોમાં સમાવી શક્યો છું, પણ એ સુદીર્ઘ પુષ્પપંથનો કોઈ અંત નથી. બાજુના જલાશયની ચમકતી લહેરોનું તેજ પણ ડેફોડિલ્સને કારણે જાણે વધી ગયું છે. હું કવિ – શું કરી શકું, આ ધન્ય મૈત્રીપૂર્ણ દૃશ્યથી ચકિત થાઉં છું, આનંદિત થાઉં છું અને જોયા કરું છું – બસ, જોયા જ કરું છું. ખરેખર શું પામ્યો તે કહી શકતો નથી. પણ ઘણીવાર, જ્યારે હું ઉદાસ હોઉં છું, એક ખાલીપણું મને ઘેરી વળ્યું હોય છે એવાં સમયે મારી અંદરની આંખો સામે એક ઝબકારની જેમ એ સુંદર દૃશ્ય ચમકી જાય છે. મસ્તીમાં ડોલતાં એ ડેફોડિલ્સ જોતાં મારું એકાંત વરદાન જેવું બની જાય છે ને મારું હૃદય હળવું અને પ્રસન્ન થઈ ડેફોડિલ્સની સાથે નાચી ઊઠે છે.’
વર્ડઝવર્થની સૌથી વધુ વિવેચન-પ્રશંસા પામેલી કૃતિ એ તેમનું દીર્ઘકાવ્ય ‘ધ પ્રિલ્યુડ’ છે. આ કાવ્ય પર તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન કામ કર્યું હતું અને તે મરણોત્તર પ્રકાશિત થયું હતું. પણ વર્ડઝવર્થની સૌથી જાણીતી અને સૌથી વધુ વંચાયેલી કૃતિ એ તેમનું 24 પંક્તિનું સાદું કાવ્ય ‘ડેફોડિલ્સ’ છે. સૌંદર્યની એક ક્ષણ કેવી રીતે શાશ્વત બની જાય છે તેની અનુભૂતિ આ કાવ્ય આપે છે. જીવન પણ આવું જ નથી? ભંગુરતા અને અમરત્વ, ક્ષણ અને શાશ્વત એમાં સાથે સાથે નથી વસતાં? રોબર્ટ હેરિક નામના કવિએ એક કાવ્ય લખ્યું છે જેમાં તે ડેફોડિલ્સને સંબોધીને કહે છે કે તમે આટલાં ઉતાવળાં કેમ છો? હજી તો બપોર પણ નથી પડી અને કરમાવા કેમ લાગ્યાં છો? કમ સે કમ સાંજ પડે ત્યાં સુધી તો રોકાવું હતું તો સાંધ્યપ્રાર્થના કરીને અમે પણ તમારી સાથે જ આવત … દેખીતું છે કે આ જીવનના મધ્યાહન અને સાંજની વાત છે. પન્ના નાયક કહે છે, ‘વાસંતી સવારે પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય ત્યારે બારીમાંથી પ્રવેશી કુમળો તડકો આંખ બંધ કરી દે એમ જ નીરવ પગલે આવે મૃત્યુ’ અને મકરંદ દવે કહે છે, ‘એક ખૂણે આ આયખું નાનું, કેવું વીતી જાય મજાનું, કોઇનું નહીં ફરિયાદી ને કોઇનું નહીં કાજી, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.’ જીવન અને મરણ બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – વસંત પર લખાયેલાં અનેક કાવ્યો એની સાક્ષી પૂરે છે.
‘ડેફોડિલ્સ’ની પંક્તિથી જ વિરમીએ : ‘ધે ફ્લેશ ઓન ધેટ ઇનવર્ડ આઈ વિચ ઈઝ ધ બ્લિસ ઑફ સોલિટ્યૂડ’ અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ફેબ્રુઆરી 2025