આપણે બગડી જઈએ એટલા લાડ લડાવનાર માને આપણે થોડા અમસ્તા, નાના નાના લાડ પણ કેમ નહીં લડાવતા હોઈએ? અને મા પણ ગમે તેટલી ઉંમરે એનામાં સંતાનને ઠેકાણે રાખવાની ક્ષમતા છે એ કેમ ભૂલી જતી હશે? મધર્સ ડે પર શોધી કાઢીએ કોલાહલની વચ્ચે ખોવાઈ ગયેલા સુંદર ઝરણાના મધુર કલધ્વનિને …

સોનલ પરીખ
મધર્સ ડે એટલે મા અને માતૃત્વનું મહિમાગાન. દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે, સંબંધો પણ એટલી જ ઝડપથી બદલાઈ રહ્યા છે. નવા પડકારો સતત ઊભા થાય, નવી ક્ષમતાઓ કેળવવાની સતત જરૂર પડે એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ.
પણ માણસનું મન અને એની માગણીઓ અને લાગણીઓ એટલી ઝડપથી બદલાઈ શકે નહીં. મા અને સંતાનના સંબંધો આજે પણ એટલા જ સુંદર અને દેખાતા હોય તે કરતાં ઘણા વધારે મજબૂત હોય છે, પણ જિંદગીના વેગીલા તોફાની પ્રવાહોમાં એ સંબધોનું નિર્મળ વહેણ ઘણીવાર ખોવાઈ જતું દેખાય છે. સંતાનો પોતાના અણસમજ-અહમને બાજુ પર મૂકી શકતાં નથી અને મા સમય સાથે પોતાની બદલાતી ભૂમિકાને સમજવામાં ક્યારેક પાછી પડે છે. પરિપક્વતાનું સ્તર બંને પક્ષે ઓછું કેળવાય છે, અતિપરિચય અવજ્ઞાનું કારણ બને છે, સંબંધોની શક્તિ નબળી પડે છે, યુવાન સંતાનો મા તરફ બેદરકાર બને છે અને વૃદ્ધ થતી જતી મા દીકરાના સંસારને એક ખૂણે પોતાની શાંતિ શોધી લે છે. ધીરે ધીરે એક સુંદર ઝરણાંનો કલધ્વનિ જિંદગીના કોલાહલો વચ્ચે ગુમ થતો જાય છે. મધર્સ ડે કોલાહલની વચ્ચેથી કલરવને શોધી કાઢવાનો દિવસ છે. આજના દિવસે બીજું કઈં ન કરો તો મા પાસે જઈને બેસજો, એટલું પૂછજો, ‘તું કેમ છે મા, મઝામાં તો છે ને? ચાલ, તને ક્યાંક ફરવા લઇ જાઉં.’ ત્યાર પછી એક જાદુ થશે. માના ચહેરાની કરચલીઓમાં કોમળતાનું સુંદર પૂર ઊમટશે અને તમને પણ તમારું ખાલીખમ હૃદય છલકાઈ ઊઠ્યાનો અનુભવ થશે.
હમણાં ‘મૂવીઝ એન્ડ મોમ્સ’ નામનો એક લેખ વાંચ્યો. તેમાં હૉલિવૂડ ફિલ્મોમાં દેખાડાતી માની છબીની વાત હતી. પ્રેક્ષકોને ઈમોશનલ કરવા હોય ત્યારે બોલિવૂડની જેમ હૉલિવૂડની ફેવરિટ ફૉર્મ્યુલા પણ માતા અને સંતાનના સંબંધને કેન્દ્રમાં રાખતી ફિલ્મો બનાવવાની છે. ફરક એટલો છે કે આપણે ત્યાં દેખાડાતી મા સ્ટીરિયોટાઈપ્ડ – વધુ પડતી લાગણીશીલ, આંખમાંથી આંસુ ન ખૂટતા હોય તેવી ત્યાગ અને બલિદાનની દેવી હોય છે ત્યારે પશ્ચિમમાં મા વધારે વાસ્તવિક અને ઘણીવાર મનુષ્યસહજ નબળાઈઓથી ભરેલી હોય છે. એની પાછળ બંનેની જીવનશૈલી અને સંસ્કૃતિમાં રહેલો ફરક છે, અલબત્ત અપવાદ બંને જગ્યાએ હોઈ શકે. આપણે અત્યારે એવાં કોઈ લેખાંજોખાં કરવાના નથી, આપણે તો વાત કરીશું 1996માં બનેલી ફિલ્મ ‘મધર(નો વન મિસઅન્ડરસ્ટેન્ડ્સ યુ બેટર)’ની, જે હતી તો એક કોમેડી ફિલ્મ, પણ તેમાં મા અને સંતાનના સંબંધમાં રહેલા સત્ય અને સત્ત્વને સ્પર્શવાની તાકાત હતી.
ફિલ્મની શરૂઆતમાં સાયન્ટિફિક ફિક્શનનો એક ફ્લોપ લેખક જોન હેન્ડરસન બીજી વાર છૂટાછેડા લઇ રહ્યો છે. ફોર્માલિટીઝ પૂરી થતાં જ માંડ છૂટી હોય એમ પત્ની ચાલી જાય છે. જોન ઘેર જઈને જુએ છે તો પત્નીની કમાણીમાંથી ખરીદાયેલું ફર્નિચર પણ ચાલ્યું ગયું છે. લિવિંગરૂમમાં રહેલી એકમાત્ર ખુરશીને ગોઠવવાની મથામણમાં સાંજ પડી જાય છે ત્યારે જોન અકળાય છે – શું કરું, મારા જ ઘરમાં મને ફાવતું નથી!
અને તે નક્કી કરે છે, મા પાસે ચાલ્યો જાઉં. જો કે તેને મા સાથે પણ કદી બહુ ફાવ્યું નથી.
તે માને ફોન કરે છે. ડિવૉર્સના સમાચાર સાંભળી મા ઠંડકથી કહે છે, ‘એ તો થવાનું જ હતું. મેં તો કહ્યું જ હતું. તારા જેવા અડબંગ સાથે કોઈ લાંબો સમય રહી શકે નહીં. ઠીક, હવે શું કરવાનો છે?’
‘કઈં નહીં. હમણાં તો તારી સાથે રહેવા આવું છું.’
‘મારી સાથે? શું કામ?’ મા ચોંકે છે. પતિના મૃત્યુ પછી અને બે જુવાન દીકરા પરણીને જુદા રહેવા ચાલ્યા ગયા પછી તે પોતાની નવી જિંદગીમાં સરસ ગોઠવાઈ ગઈ છે. પોતાની ઉંમરના એક પુરુષ સાથે ક્યારેક ડેટિંગ પણ કરી લે છે – ને આ આમ અચાનક ચાલીસ વર્ષનો દીકરો હૃદયભંગ થઈ સાથે રહેવા આવવાની વાત કરે છે – શું કરવું?
પણ જોનનું હૃદય ભરાઈ આવ્યું છે. એ ગળગળો થઈને કહે છે, ‘મારાં લગ્ન બે વાર તૂટી ગયાં. હું ગાંડા જેવો થઈ ગયો છું.’
‘ગાંડા જેવો થઈ ગયો છે? મને ખબર નહીં કે તું ગાંડા જેવા થઈ જવાય એટલો સફળ લેખક થઈ ગયો છે.’
‘મજાક નહીં, મા. સફળતા તો પછી, મારાં પુસ્તકો તો કોઈ વાંચતું પણ નથી.’
‘તારી ઢંગધડા વગરની સાયન્સ ફિક્શન કોણ વાંચે? મેં તો કહ્યું જ હતું કે લખવાનું છોડ અને બીજું કઇંક કર. પણ તું અહીં શા માટે આવે છે?’
‘કારણ કે મા, સ્ત્રીઓ સાથેની મારી તકલીફોની શરૂઆત તારાથી જ થઈ છે. હવે તું જ રસ્તો કાઢી આપ.’ અને જોન સમાન લઈને મા સાથે રહેવા આવી જાય છે.
આવી તો જાય છે, પણ આ તબક્કે તેને માટે મા સાથે રહેવું અને માને માટે દીકરા સાથે રહેવું સહેલું નથી. શરૂઆત અલબત્ત નાનાં નાનાં એડજેસ્ટમેન્ટ્સથી થાય છે, પણ કોઈ વાત પર મા-દીકરો એકમત થઈ શકતાં નથી. મોલમાં જાય છે તો ખરીદવાની દરેક ચીજ પર લાંબી દલીલો થાય છે. મા ફ્રિજ ખોલીને ખાવાનું કાઢે તો દીકરો માની સંઘરવાની રીત પર કટાક્ષ કરે ને મા દીકરાની ખાવાની ટેવોની ટીકા કરે. નાનો દીકરો જેફ અને એની પત્ની ક્યારેક આવે. એમને પાછી જુદી મુશ્કેલીઓ છે. પણ જોનને લાગે છે કે મા જેફને વધારે ચાહે છે. આ બાજુ માની પણ સમસ્યા છે. કોઈ વાર રાત્રિરોકાણ માટે જેને બોલાવતી એ બૉયફ્રેન્ડનું શું કરવું? વ્યક્તિવાદી પશ્ચિમી સમાજમાં કોઈને કોઈ સાથે કેમ ફાવતું નથી એ ફિલ્મમાં સરસ રીતે બતાવાયું છે. ખટપટ, ચડભડ, દલીલો, માથાકૂટ – આ બધામાંથી હાસ્યજનક પ્રસંગો ઊભા થતા જાય છે. પ્રેક્ષકોનાં ખડખડાટ હાસ્ય શમતાં નથી અને આ બાજુ નવેસરથી જાગેલી સ્નેહની સરવાણી માદીકરાનાં અંતર ભીંજવતી જાય છે, ધીરે રહીને બંનેને જોડતી આવે છે. દીકરાના ખોટકાયેલા એંજિનને ક્યાં ધક્કો મારવાની, ક્યાં ઝટકો આપવાની કે ક્યાં રિપેરિંગની જરૂર છે એ જાણતી મા તેને ઠોકી ઠોકીને ઠેકાણે લાવે છે. જોનની ‘જર્ની ઑફ હીલિંગ એન્ડ સેલ્ફ ડિસ્કવરી’ આખરે પૂરી થાય છે.
ફરીથી પોતાની જિંદગી હાથમાં લેવા તૈયાર થયેલો જોન છેવટે ઘેર જવા નીકળે છે ત્યારે મા કહે છે, ‘આઈ લવ યુ.’ જોન કહે છે, ‘આઈ નો, યુ થિંક યુ ડુ …’ બંને હસે છે. ઉષ્માભર્યા આલિંગન સાથે ફિલ્મ પૂરી થાય છે અને આપણને સમજાય છે કે દુનિયાના કોઈપણ ખૂણે રહેતી, ગમે તે પોષાક પહેરતી ને ગમે તે ભાષા બોલતી મા, આખરે મા જ હોય છે. લોહીના સંબંધો ગરમ અને લાલ જ હોય છે અને ખરેખરી મુશ્કેલી પડે ત્યારે ગમે તેવા ભડભાદર દીકરાને કે ગમે તેવી લડાયક દીકરીને મા જ યાદ આવે છે.
સાચું જ છે, મા જેવો મદદગાર મિત્ર બીજો કોઈ નથી. સમૃદ્ધિના નશામાં મા જૂની લાગે, આડી આવવા માંડે; પણ બરબાદીમાં મા જેવો બીજો કોઈ આશ્રય હોતો નથી. ગમે તેવી મુશ્કેલ ઘડી હોય, ગમે તેવી મોટી આફત ખડી હોય, મા ચૂપચાપ પ્રેમ, આધાર અને શાંતિ આપે જ છે. દુનિયાને કોઈપણ ખૂણે પચાસ વર્ષનું થઈ ગયેલું સંતાન મા પાસે આઠદસ વર્ષના બાળક જેવું લાલનપાલન અચૂક પામે જ છે.
આપણે બગડી જઈએ એટલા લાડ લડાવનાર માને આપણે થોડા અમસ્તા, નાના નાના લાડ પણ કેમ નહીં લડાવતા હોઈએ ?
e.mail : sonalparikh1000@gmail.com