નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો, અલૌકિક પ્રણયની કદર કોણ કરશે?
સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર કોણ કરશે?
સમજવો નથી સાર કૈં જિંદગીનો કે સમજીને સુખથી બસર કોણ કરશે?
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની તો, મૃગજળની સામે નજર કોણ કરશે?
નથી કોઈ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાં ય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે?
પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે?
નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે?
– ‘શૂન્ય’ પાલનપુરી
આદરણીય મનહર ઉધાસે ગાયેલી ગઝલોમાં આ ગઝલ બહુ જાણીતી નથી પણ, મને બહુ જ ગમતીલી છે. અનેક વખત એ સાંભળી અને માણી છે. એનું ગઝલાવલોકન કરવાનો ઉમળકો ઘણા વખતથી અલપઝલપ આવન જાવન કરતો હતો. એ ઉમળકાની અભિવ્યક્તિ આ રહી –
જિંદાદિલીથી જીવન સફર કરવાની આ વાત મને બહુ ગમે છે. આપણાં જીવન દર્શનો, માર્ગ દર્શકોના ઉપદેશો સંતોષ રાખવાની, ઇચ્છાઓથી પર થઈ જવાની વાત આપણા મનમાં હથોડાની જેમ ઝીંકે રાખે છે. પણ અહીં અસંતોષનો મહિમા કવિએ ગાયો છે.
‘રચનાત્મક અસંતોષ‘
કદાચ આ જ કારણે પશ્ચિમી વિચારધારાની સરખામણીમાં આપણે જુદા પડીએ છીએ. કદાચ, પશ્ચિમના જગતે કરેલ અભૂતપૂર્વ પ્રગતિ અને વિકાસના મૂળમાં પણ આ ‘અસંતોષ’ છે. જેટ વેગે આગળ ધસી રહેલા વિશ્વમાં આપણે વિશ્વની સાથે રહેવું હોય તો આ અસંતોષ મને જરૂરી લાગે છે.
વૈજ્ઞાનિક અને તકનિકી બાબતો જ નહીં પણ આપણી સમાજ વ્યવસ્થામાં પણ સંતોષના અતિરેકે ઘણી ખરાબીઓ ઊભી કરી છે – એવું મારું માનવું છે. ‘ચાલશે, ફાવશે, ભાવશે’ મનોવૃત્તિમાં પરિવર્તન જરૂરી છે.
માણસના અંગત જીવનમાં પણ સંતોષના અતિરેકે ભલે શાંતિ આપી હોય, આવી ચપટીક ઝંખના મને જરૂરી લાગે છે. ખાસ કરીને નિવૃત્ત જીવનમાં આપણે ત્યાં પલાયનવાદી વિચારધારાએ ઘણું અહિત કર્યું છે. સર્જનનો નાનકડો આનંદ જીવનમાં એક અવનવું પરિમાણ ઊભું કરી દે છે.
બહુ જ ગમતો આ શેર દોહરાવું –
નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાં ય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે?
‘પેટ ચોળીને પીડા ઊભી કરવાની’ આ વાત ભલે લોકભોગ્ય ન હોય; એ રીતે સફર કરવાનો આનંદ તો જેણે માણ્યો હોય તે જ જાણે.
મનહર ઉધાસે ગાયેલ એ ગઝલ પહેલાં તેમણે આ મુક્તક પણ તેમની આગવી શૈલીથી યથોચિત ઉમેર્યું છે.
ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર.
કાંસકીને જો કે, એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
એ મુક્તકની કલ્પના પર તો આપણે વારી જ જઈએ; પણ એનો સંદેશ ‘ચીરે ચીરા થઈ જવાની, ઝેર પણ પચાવી જવાની’ વાત આ જ જીવન દૃષ્ટિને દોહરાવે છે.
આખી ગઝલ અને એ મુક્તક અહીં માણો –
https://www.youtube.com/watch?v=9yv0LclNDUY
e.mail : surpad2017@gmail.com