વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે આવેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે
અમેરિકાની ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસે’ ‘ધ કાર્ડ-કૅટલોગ…’ નામનો ગ્રન્થ બહાર પાડ્યો છે. એક જબરી સાંસ્કૃતિક ઘટના -જે આજકાલ સમાચારોમાં છે. વૉશિન્ગટન-ડીસીમાં કૅપિટલ હિલ ખાતે ત્રણ બિલ્ડિન્ગમાં પથરાયેલી ‘ધ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી છે. યુનિવર્સલ. કેમકે એમાં વિશ્વભરની ૪૫૦-થી પણ વધુ ભાષાઓનાં ૩૮ મિલિયન પુસ્તકો છે. ૭૦ મિલિયન હસ્તપ્રતો, ૩-થી વધુ મિલિયન રૅકૉર્ડિન્ગ્સ, ૧૪ મિલિયન ફોટોગ્રાફ્સ, ૫-થી વધુ મિલિયન નક્શા. બધું મળીને ૧૬૪ મિલિયન આઇટેમ્સ. અપારની વિવિધતા છે : રાષ્ટ્ર નાતજાત કે ધરમકરમના કશા જ ભેદભાવ વગરના સંખ્યાબંધ વિષયો. પુસ્તકો, ક્રાઉન ડૅમિ વગેરે વિવધ આકારોમાં. દુનિયાના કેટલાય દેશોમાં ચાલતાં સંશોધનોના નમૂના અને સિદ્ધ સંશોધનગ્રન્થો. ૧૮૦૦-માં સ્થપાયેલી આ લાઇબ્રેરી પહેલાં તો ન્યૂ યૉર્કમાં હતી. ૧૮૧૨-ના યુદ્ધમાં બ્રિટીશરોએ લાઇબ્રેરીની ઘણી બધી સામગ્રીનો નાશ કરી નાખેલો. એટલે પ્રૅસિડેન્ટ થૉમસ જેફરસનની અંગત લાઇબ્રેરીનાં બધાં જ પુસ્તકો ખરીદી લઇને એને સ-જીવન કરાયેલી. આજે તો એનું બજેટ $642 મિલિયન છે. પણ એના સર્વપ્રથમ ગ્રન્થપાલ જ્હૉન જે. બેકલિનો પગાર, ધારો તમે, કેટલો હશે ? હન્ડ્રેડ થાઉઝન્ડ્સ ? ના. રોજના બે ડૉલર ! પાછું એણે ‘હાઉસ ઑફ રીપ્રેઝેન્ટેટિવ્સ’-નું કારકુનીકામ પણ કરવાનું !
ગ્રન્થનું આખું શીર્ષક છે, ’ધ કાર્ડ-કૅટલોગ : બુક્સ, કાર્ડ્ઝ, ઍન્ડ લિટરરી ટ્રેઝર્સ’. પ્રકાશન વર્ષ, ૨૦૧૭. હાર્ડ કવર. 7.9 x 1 x 9.4 inches સાઇઝ. ૨૨૪ પેજીસ. મૂલ્ય $22.48. એમાં, દન્તકથારૂપ લાઇબ્રેરી ઑફ અલેક્ઝાન્ડ્રિયા-થી માંડીને ૧૯૭૬-થી શરૂ થયેલી કમ્પ્યૂટરાઇઝ્ડ બુક ઇન્વેન્ટરી ડેટાબેસિસ લગીની તવારીખ છે. લાઇબ્રેરી નામની માનવીય વ્યવસ્થાનો સંક્ષિપ્ત ઇતિહાસ, એનો સર્વસાર.

આ વાતે મને મારો એક વરસોજૂનો બનાવ યાદ આવે છે : ૧૯૮૨ આસપાસની વાત. બનેલું એમ કે યુનિવર્સિટી લાઇબ્રેરીમાંથી મારે એક પુસ્તક જોઇતું’તું. ત્યાં ઘણાં કાર્ડ્ઝ, પણ મને આવડે નહીં એટલે ઘણી વાર પછી એક કાર્ડ પર પુસ્તકનું નામ અને નમ્બર શોધી શકેલો. કાપલી બનાવીને હું ઘોડો શોધતો રહ્યો -જે પર મને જોઇતું પુસ્તક અસવાર હતું. બહુ વાર લાગી. હું બેઝમૅન્ટમાં ગયો. બાજુમાં એક મદદનીશભાઇ ફરતો’તો. મેં એને કહ્યું, આ જોઇએ છે, ઘોડો બતાવશો ? મેં કાપલી એના હાથમાં મૂકી. એ લઇને એ જેમજેમ આમતેમ ભમતો થયો તેમતેમ હું પણ એની પાછળ ને પાછળ આમ ને તેમ ભમતો રહ્યો. કંટાળીને મેં પૂછ્યું -કેટલે છે ? તો કશો ઉત્તર નહીં. અમારી ઘોડશોધ ચાલુ રહી. પછી ઘોડો મળ્યો, પણ એ તો તરત ચાલી જવા લાગ્યો ! મેં કહ્યું, અરે પણ, પુસ્તક શોધવામાં મદદ તો કરો ! તો પણ એ ચૂપ ચાલતો રહ્યો, કશો ઉત્તર નહીં. મેં ઘણાં પુસ્તક ઉથલાવ્યાં, પણ નિષ્ફળતા જ મળી. કેમકે ઘોર અવ્યવસ્થા હતી. મને થાય, યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં મદદનીશ વ્યક્તિ યુનિવર્સિટી-ટીચરને મદદ કદાચ ન કરે પણ મૂંગાની જેમ કશો ઊથલો જ ન આપે એ તે શી વાત છે ! મેં દયનીય વદને જોયું તો એ બીજા ઘોડાઓ પરની ધૂળ ઉડાડતો’તો. એની નિકટતમ જઇ મેં કહ્યું -પ્લીઝ, નથી મળતું, મદદ કરોને. ડોકું નકારમાં હલાવતો એ નિ:શબ્દ ત્યાંથી પણ ચાલી ગયો.
એ દિવસોમાં મને આવી સિસ્ટમલેસ સિસ્ટમ માટે ગુસ્સો બહુ આવે -હશે મારી ઉમ્મર ૪૨. એટલે, હું સીધો પ્હૉંચ્યો મુખ્ય ગ્રન્થપાલ પાસે. વીતકકથા કથી. તો એ હસે ! મેં પૂછ્યું : હસો છો શું ? તો કહે : સુમનસર, એ તો મૌની છે, એની વાઇફ મરી ગઇ એ પછી એણે ચિરકાલીન મૌન ધારણ કર્યું છે : મેં કહ્યું : તો પછી એને દૂધેશ્વર-સ્મશાન પાસેના કોઇ મન્દિરમાં મૂકી આવોને, લાઇબ્રેરીમાં શું કામ રાખ્યો છે ! લાઇબ્રેરીમાં મૌન વાચકોએ રાખવાનું હોય, મદદનીશોએ નહીં ! : તો પણ એ હસતા રહ્યા. પછી કહે, કંઇ ન કરી શકાય, ટ્રેડ-યુનિયન…મેં કહ્યું, ભલે, બાય. હું મનોમન બબડેલો કે અહીંથી જલ્દીથી નહીં નીકળી જઉં તો મગજ મારું વધારે ફરી જશે. સાચું ન લાગે, પણ એ પછી એ યુનિવર્સિટી-લાઇબ્રેરીમાં હું જવલ્લે જ ગયો છું. આ ગમખ્વાર બનાવ સાથે આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ અને તેના આ ‘કાર્ડ-કૅટલોગ’-ની કશી સરખામણી કરાય ? કશીપણ તુલનાત્મક ચેષ્ટા કરનારો પાગલ જ હોઇ શકે !
હું એમ કહેતો’તો કે ‘કાર્ડ-કૅટલોગ’-માં ફોટોગ્રાફ્સ ચિત્રો પુસ્તકોની પહેલી આવૃત્તિ વખતનાં ટાઇટલ પેજીસ અને મૂળ કાર્ડ્ઝની ૨૦૦થી પણ વધુ રંગીન છબિઓ વગેરે અઢળક સામગ્રી નવેસર નિર્મિત કરીને મૂકી છે. આ લાઇબ્રેરી સાથેના મારા એક અનુબન્ધની વાત ઉમેરું. મિત્ર કિશોર જાદવના સૂચનથી મેં મારી ‘નવ્ય વિવેચન પછી—‘ પુસ્તિકાની (૧૯૭૭) કેટલીક નકલો આ ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’-ને મોકલી આપેલી. એટલે, ૧૯૯૨-માં પહેલી વાર અમેરિકા જવાનું થયું ત્યારે મારે અને પત્ની રશ્મીતાએ જોવું’તું કે લાઇબ્રેરીવાળાઓએ મારી એ પુસ્તિકાને ક્યાં રાખી છે. જાણે દીકરીને માબાપ એના સાસરે પહેલી વાર જોવા-મળવા ગયાં હોય. પણ કમનસીબે અમારે લાઇબ્રેરીનાં માત્રબહારથી દર્શન કરીને સંતોષ માનવો પડેલો. બાકી, સાહિત્યરસિકોને અહીં શેક્સપીયરના ‘ફર્સ્ટ ફોલિયો’-થી માંડીને ‘યુલિસિસ’ જોવા મળે. નૅથેનિયલ હૉથર્નના ‘સ્કારલેટ લેટર’-ની પહેલી આવૃત્તિ જોવા મળે. ‘હકલબરી ફિન’-ની પહેલી આવૃત્તિ મળે, જેમાં એના વિખ્યાત લેખક માર્ક ટ્વેઇનના હસ્તાક્ષરમાં લખાયેલી નોંધ વાંચવા મળે. કોઇપણ વીગત મેળવીને સાહિત્યરસિકો રાજી રાજી થઇ જાય એવું આ માતબર પ્રકાશન છે. જોકે, આ સમગ્રના મૂળમાં શબ્દ નામનું માનવીય સત છે. શબ્દના ય મૂળમાં વસતા હૃદયભાવો છે. મનુષ્યની જ્ઞાનપિપાસા છે. એટલે, આ ધરખમ દસ્તાવેજનું જેટલું મૂલ્ય કરીએ, ઓછું છે.
કાર્ડ્ઝ કે સૂચિ જેવાં સાધનો અધ્યેતાઓ માટે ઉપયોગી, કહો કે અનિવાર્ય, છતાં મારા જેવાઓ જાતે કાર્ડ કે સૂચિ બનાવતાં કંટાળે છે. એમ કે, જાણકાર ત્રાહિત વ્યક્તિ પણ કરી શકે એવું સાદું કામ છે. વળી, આ ઇન્ટરનેટયુગમાં કોઇપણ વીગત કે યથેચ્છ માહિતી સ્માર્ટફોન પર મિનિટોમાં મેળવી શકાય છે. ‘ગૂગલ’ મહારાજ પાસે કંઇપણ માગો, વાત વાતમાં કેટલુંય ધરી દે છે. એવાં એવાં કારણોથી ‘કાર્ડ-કૅટલોગ’-ની ટીકા કરનારા પણ નીકળી આવ્યા છે. કહે છે, આ તો અમસ્તો ભભકો છે ! એટલે લગી કે લાઇબ્રેરીઓ પણ એઓને હવે અનિવાર્ય નથી લાગતી. બિનજરૂરી લાગે છે. પરન્તુ એ લોકો વીસરી જાય છે કે માઉસ ને ક્લિક્-ના સથવારે ઉપાડી શકાતું કંઇપણ આવા કૅટલોગોમાં, વિવિધ ડિક્ષનરીઓમાં, અને લાઇબ્રેરીઓનાં લાખ્ખો પુસ્તકોમાં સૈકાઓથી સંઘરાયેલું છે ! એ ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત. જોકે આ બધાંની નીચે સૂતેલો સવાલ એ છે કે -લાઇબ્રેરી મહાન હોય કે સામાન્ય, કાર્ડ-કૅટલોગ હોય કે ન હોય, સ્માર્ટ ફોન હોય કે ન હોય, પુસ્તક મેળવીને તમારે એનું કરવું છે શું ? ખરેખર વાંચવું છે ? … દરેકે જાતને પૂછવું …
===
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 29 જુલાઈ 2017
![]()


ભાષા-સાહિત્યના સૌ હિતૈષીઓ – પ્રૌઢો અને વયસ્ક સમકાલિકો – અવારનવાર ગુજરાતી ભાષાની ચિન્તા કરતા રહ્યા છે. જોડણી, લિપ્યન્તરણ, પારિભાષિક શબ્દો, પરભાષાના અનૂદિત શબ્દો, વગેરેમાં સુધારાવધારા માટે એમના તરફથી અંગત ભૂમિકાનાં વિવિધ મત-મન્તવ્યો મળતાં રહ્યાં છે, પણ હજી લગી કશી બહુસ્વીકૃત એકવાક્યતા પર પહોંચી શકાયું નથી. તાજેતરમાં હેમન્ત દવેએ ‘સૌથી સારો – કે સૌથી ઓછો ખરાબ – ગુજરાતી શબ્દકોશ કયો ?’ શીર્ષક હેઠળ પૂરા ખન્તથી કોશવિષયક અધ્યયનલેખ કર્યો છે. (જુઓ ‘નિરીક્ષક’, ૧ જૂન ૨૦૧૭). હું માનું છું કે એથી કોશસુધારની વળીને એક માતબર અને સંગીન તક જન્મી છે. હેમન્ત દવે ઉપરાન્ત ઊર્મિ દેસાઇ, યોગેન્દ્ર વ્યાસ, બાબુ સુથાર અને અન્ય તદ્વિદોના નેજા હેઠળ ગૂજરાત વિદ્યાપીઠ, અન્ય યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવ-દિવસીય ૨-૩ કાર્યશાળાઓ કરીને જોડણીવિષયક એક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.
જો કે, વડીલોના આ વારસા કે વાંક સાથે ગુજરાતીભાષી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓનું ખાસ કશું જોડાણ રહ્યું નથી. તેમ છતાં, મને લાગે છે કે કશા પણ ભાષા-સુધાર માટે એઓને લઇને શુભારમ્ભ કરીએ તો લેખે લાગે, કેમ કે પાકા ઘડે કાંઠા નથી ચડવાના. જોગાનુજોગ, હું આજે ‘સ્પૅલિન્ગ બી’ની વાત કરવાનો ’તો. હવે કરું. અમેરિકામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અંગ્રેજી શબ્દોની જોડણી, ઉચ્ચારો, વ્યાખ્યા, વ્યુત્પત્તિ વગેરેની જે મહા સ્પર્ધામાં ભાગ લે છે, એનું નામ ‘સ્પૅલિન્ગ બી’ છે. ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ સંસ્થા આ સ્પર્ધા યોજે છે. ભાગ લેનારને ‘સ્પૅલર’ કહે છે. ભાષાનિષ્ણાતોએ જોયું છે કે છેલ્લા દસકથી ઇન્ડિયન-અમેરિકન છોકરા-છોકરીઓએ ‘સ્પૅલિન્ગ બી’ કૉમ્પિટિશનમાં નામ કાઢ્યું છે બલકે સ્પર્ધાને સાર્થક ઠેરવી છે. છેલ્લા વર્ષના ૧૦ ટૉપર્સમાં ૭ સ્પૅલર્સ ઇન્ડિયન હતા. ફ્રેસ્નો, કૅલિફોર્નિયાની માત્ર ૧૨ વર્ષની છોકરી અનન્યા વિનય ૨૦૧૭-ની ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ બની છે. નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીનાં નૃવંશવિજ્ઞાની શાલિની શંકર આ ‘સ્પૅલિન્ગ કલ્ચર’ વિશે પુસ્તક લખી રહ્યાં છે. લોક એમને મજાકમાં પૂછતું હોય છે કે ઇન્ડિયન બ્રેઇનમાં એવું તે કયું જન્મજાત તત્ત્વ છે જે આ સ્પર્ધા સાથે સુસંગત થઇ સ્પર્ધકને વિજય લગી પહોંચાડે છે ? કશો ‘સ્પૅલિન્ગ જિન’ છે એમાં ? સંસ્થાનાં ડાયરેક્ટર પૅઇજ કિમ્બલ એમ કહે છે કે આ દેશમાં (અમેરિકામાં) સાઉથ એશિયન્સ વધુ ને વધુ ઇન્ટિગ્રેટ થતાં રહે છે, સ-ફળ થવા પરિશ્રમ કરે છે, એ પરિબળનો આ સફળતામાં મોટો હિસ્સો છે.
પણ્ડિતયુગના આપણા સુખ્યાત સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સ્મૃિતમાં ગયા બુધવારે [27 અૅપ્રિલ 2016] ભારત સરકાર દ્વારા ટપાલ-ટિકિટ બહાર પડી છે. ગુજરાતમાં, દેશમાં તેમ જ ઇન્ગ્લૅન્ડ-અમેરિકામાં વસતી ગુજરાતી પ્રજાને અને સૌ ગુજરાતી સાહિત્યકારોને તેમ જ ભાષા-સાહિત્યપ્રેમીઓને ગર્વ થાય એવી ઘટના. ભારત સરકારના ‘સંચાર અને સૂચના પ્રાદ્યોગિકી મન્ત્રાલય’-ના ટપાલ વિભાગ અને ‘રમતગમત યુવા ને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ વિભાગ’ તથા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમન્ત્રીશ્રી આનંદીબહેનના હસ્તે ટિકિટનું લોકાર્પણ થયું. સમારમ્ભમાં રાજ્યકલ્યાણ મન્ત્રીશ્રી (ર. ગ.) નાનુભાઈ વાનાણી, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ -ગુજરાત સર્કલ લૅફ. કર્નલ ડી. કે. એસ. ચૌહાણ, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, ઉપરાન્ત, ગુજરાતી હિન્દી સંસ્કૃત તેમ જ ઉર્દૂના અનેક ગણમાન્ય સાહિત્યકારો ઉપસ્થિત હતા. સમારમ્ભમાં જાણે ગોવર્ધનરામ સ્વયં હાજર હતા – કેમ કે હસિત મહેતા નડિયાદથી ગોવર્ધનરામ પ્હૅરતા એ લાલ પાઘડી લાવેલા. પાંચ રૂપિયાની આ ટિકિટ પર ગોવર્ધનરામની છબિ અને બાજુમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા’ વગેરે પુસ્તકો બતાવ્યાં છે. ટિકિટ અને તેના લોકાર્પણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને બન્નેને હાર્દિક અભિનન્દન ઘટે છે.