શબ્દ અને રાજ્યને ઉત્તમ પ્રકારે સંયોજવામાં આપણે પાછા પડ્યા છીએ. સાહિત્યકારોના આદર્શો અને સરકારના કાન વચ્ચે અતૂટ દીવાલ રચાઈ છે …
તાજેતરમાં મૅક્સિકો સિટીના પૅલેસ ઑફ માઈનિન્ગમાં ઝુમ્મરોથી ઝૂમતા ઝળહળતા બૉલરૂમમાં પુસ્તકમેળો યોજાયેલો. રાત હતી. લોકો અને ત્રણ ડઝન પત્રકારો તેમ જ અડધો ડઝન કૅમેરા-ક્રૂઝ સૌ ટાંપીને બેઠા'તા કે ક્યારે આવે … ક્યારે આવે … પણ કોણ? લેખક; નામ છે, પાકો ઈગ્નાસિયો તેઈબો સૅકન્ડ. ત્યાં એમનું અભિવાદન થવાનું હતું.
પાકો ૭૦ વર્ષના છે. મૅક્સિકોના લબ્ધપ્રતિષ્ઠ સરકારી પ્રકાશનગૃહ 'ઈકોનૉમિક કલ્ચર ફણ્ડ' FCE-ના અધ્યક્ષ નિમાયા છે. પ્રકાશનગૃહ ૮૫ વર્ષથી ધમધમે છે. ગૃહે ૬૫ નોબેલપ્રાઈઝ-વિનરોનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. મૅક્સિકોમાં એના ૩૦ અને બીજા દેશોમાં ૧૨-૧૫ બુકસ્ટોર્સ છે. મૅક્સિકનોને વાંચવું બહુ ગમે, રોજના લગભગ ૫ કલાક વાચનમાં ખરચે, પણ કઠિણાઈ એવી કે પુસ્તકોની કિમ્મતો એમને પોસાય નહીં. પાકો ઈચ્છે છે કે પુસ્તકો ભલે પ્રકાશિત થાય પણ લોકોને સસ્તા દરે મળે, એટલે લગી કે માત્ર $2 જેવી મામૂલી કિમ્મતે મળે.
રાજ્ય પ્રજાસત્તાક ખરું પણ પાકો એને 'વાચકસત્તાક' બનાવવા માગે છે. સ્પૅનિશ-ભાષી તમામ દેશોમાં બુકકલ્ચર – ગ્રન્થસંસ્કૃતિ – ઘડવા ઝંખે છે.
પુસ્તકમેળાની અને પાકોના અભિવાદનની વાત કરનારી પત્રકાર માર્ક કૂપર 'ધ નેશન' સામયિકમાં લખે છે, પ ફીટ ૪ ઈન્ચની ઊંચાઈ ધરાવતા પાકો એમના સિગ્નેચર બૅગિ જીન્સમાં આવી પ્હૉંચ્યા. ખુલ્લા વર્ક-શર્ટમાં હતા; નીચે હતું ફૅડેડ ટીશર્ટ જે એમની બીયર બૅલિને – ફાંદને – ઢંકાય એટલી ઢાંકતું'તું. જાણે રૉક-સ્ટાર હોય એવું ભવ્ય એમનું સ્વાગત થયું. જોડે એમના બે કાયમના સંગાથી હતા – રોજ ત્રણ લિટર પીવે છે એ કોકની બૉટલ અને એચ. અપ્મૅન ક્યુબન સિગારનું પીળું પૅક. એમાં એકદમની કડક તમાકુ ઠાંસી હોય છે.
પાકોનો જન્મ સ્પેનમાં, ૧૯૪૯માં. ફ્રાન્સિસ્કો ફ્રાન્કોની સરમુખત્યારીથી ત્રસ્ત પરિવાર ૧૯૫૮માં દેશ છોડીને મૅક્સિકો સિટીમાં વસ્યું હતું. ત્યાં પછી પાકોએ લેખક પત્રકાર અને ઇતિહાસકાર તરીકેની કારકિર્દી વિકસાવેલી. ૧૯૬૮-માં કૉલેજિયન હતા. કહેવાય છે કે એ અરસામાં સરકારે ૨૬ નવલોહિયા કર્મશીલોની હત્યાઓ કરાવેલી અને ઘણાને જેલભેગા કરેલા. ત્યારથી, બધી જ ક્રાન્તિકારી લડતોમાં પાકો પૂરા સક્રિય રહેલા. 'ક્યુબન રીવૉલ્યુશન'-ના મહાન ક્રાન્તિવીર ચે ગ્યેવારાથી પ્રભાવિત થયેલા. ચે-ની એમણે સ્પેનિશમાં દળદાર જીવનકથા લખી છે. એના ૨૮ ભાષાઓમાં અનુવાદ થયા છે. તેઓ પાન્ચો આદિ રાષ્ટ્રીય નેતાઓથી પણ પ્રભાવિત હતા. પાન્ચોની પણ જીવનકથા લખી છે. એની ૧૦ લાખ નકલો છપાઇ છે ને કેટલીયે વેચાઈ છે. પાકોનાં પોતાનાં ૮૦ પુસ્તકો છે. ૧૯૭૬માં એમણે જાસૂસીકથાઓ લખેલી. ૯-ની શ્રેણી કરેલી. ત્યારથી પંકાયા છે, ઈનામોથી પૉંખાયા છે. 'ઈન્ટરનેશનલ ક્રાઈમ રાઈટિન્ગ કૉમ્યુનિટી'-ના સક્રિય સભ્ય છે. લિયોનાર્દો દ વિન્ચી વિશે પણ લખ્યું છે. ૨૯ દેશોમાં પાકોનાં પુસ્તકપ્રકાશનો અને અનેકનાં અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. અનેક ડૉક્યુમૅન્ટરીઝ થઇ છે. મોટા સાહિત્યકાર છે.
FCE-ના અધ્યક્ષ થયા એ ખરું, પણ પાકો એ બધા રાજકીય અને સાહિત્યિક પૂર્વાનુભવોને ભૂલ્યા નથી. એથી લાધેલી સૂઝસમજને તેમ જ એ આદર્શોને વીસરી ગયા નથી. તેમ છતાં, આજે તો તેઓ જે વાસ્તવિક અને શક્ય છે તે જ કરવા માગે છે. કૂપર જણાવે છે કે પાકોના વ્યૂહ ડાબેરી નથી એમ નથી પરન્તુ એમાં વિવિધ આધારસ્રોત ભળ્યા છે, એ સર્વસમાવેશી અને સમુદાર છે, એટલું જ નહીં, બિનસામ્પ્રદાયિક છે – ધાર્મિક કે રાજકીય જૂથબંધીથી મુક્ત છે.
પણ પાકો એક વ્યક્તિમત્તા રૂપે પ્રોવોકેટર છે – ચળવળિયા. ઉશ્કેરે, ચિનગારી ફેલાવે. ભ્રષ્ટાચાર, જૂઠાણાં કે રાજનીતિવિષયક ઉદ્ધતાઇ સામે પોતાની બધી શક્તિઓને કામે લગાડી દે. ઉગ્ર અને આખાબોલા સમીક્ષક છે. ધરમકરમમાં નથી માનતા. મૅક્સિકોની લગભગ બધી જ સંસ્થાઓના ટીકાકાર રહ્યા છે. એમનું હાસ્ય અસલી સૂઝબૂઝથી રંજિત હોય છે. એમના વ્યંગ વિશેષાધિકાર ભોગવતાં મોટાં માથાંઓને ખાસ લક્ષ્ય કરે છે. સાહિત્ય અને રાજકારણ બન્ને બાબતે કર્મઠ પુરવાર થયા છે.
હવે આવા મહાનુભાવ પણ ભારાડી જણની નિમણૂક સરકાર કરે છે – ના, મને ચોખ્ખું કહેવા દો, રાષ્ટ્રના ૫૮મા પ્રમુખ આન્દ્રે લોપેઝ આબ્રેડોર પોતે કરે છે, ચાહીને કરે છે. 'આમ્લો'-ના નામે ઓળખાતા તેઓ, 'માવરિક' છે – એટલે કે, અરૂઢ, મૌલિક, સ્થિતસ્ય સમર્થન નહીં કરનારા, પૂરા વ્યક્તિવાદી. રાજકારણી કોઇ આવા હોય નહીં, પણ આ છે. છેલ્લી ચૂંટણીમાં આમ્લોએ ૫૩% પ્રૅસિડેન્શ્યલ વોટ્સ મેળવેલા. દેશની ત્રણ ત્રણ પીઢ પાર્ટીઓ નામશેષ થઇ ગયેલી. હવે એમના લોકશાહીપરક નેતૃત્વ હેઠળ મૅક્સિકન રાજનીતિ માં નૂતન ઉઘાડનાં મંડાણ થયાં છે.
પાકોએ ઍક્શન-પ્લાન બનાવ્યો છે. તદનુસાર સમગ્ર રાષ્ટ્રમાં ત્રણ માસમાં ૭૦થી વધુ પુસ્તકમેળા અને પુસ્તકપ્રદર્શનો થયાં છે. બુક-બસો શરૂ કરી છે. પોતે અન્તરાલોમાં પ્હૉંચી જાય છે. એમની પહેલી જ શ્રેણીનાં ૪ લાખ પુસ્તકો $2-ના કે તેથી પણ ઓછા દરે વેચાણ માટે મુકાયાં છે. એ શ્રેણીમાં એરિયલ ડોર્ફમાનથી માંડીને મિશેલ ફૂકો જેવા મહાન લેખકો પણ છે. પાકોએ બીજા દેશના પ્રકાશકો સાથે કરાર કર્યા છે કે તેઓ મૅક્સિકોમાં પોતાનાં પુસ્તકો અરધા ભાવે વેચશે. જણાવે છે કે લેખક ગમે તે દેશનો હોય, સ્ત્રી હોય કે પુરુષ, અમને માત્ર રસ છે સારાં પુસ્તકોમાં. કદી અમે પોલિટિકલ પૅમ્ફલેટ્સમાં નથી પડવાના. લેનિન કે ત્રૉત્સ્કીનાં ડાયડેક્ટિક પૅમ્ફલેટ્સની પણ અમને જરૂર નથી. FCE-ના પૂર્વકાલીન વડાએ લાગવગિયાઓનાં અને મારાં-તારાંનાં ગમે તેવાં પુસ્તકો છાપવા દીધેલાં. ભેગા મળી બધા રળી શકે એવી મૉંઘી મૉંઘી કિમ્મતો રાખેલી. પાકો કહે છે – એવાં બધાં પુસ્તકોથી ભંડાર ભરાઈ ગયો છે. હું એ ભંડારની અને એ મિલીભગતની સાફસૂફી કરીને રહીશ.
આમ્લોએ કરેલી પાકોની નિમણૂક પાછળ રાજકારણી શાણપણ છે. તેઓ સમજે છે કે મૅક્સિકોમાં લેખકોનો પત્રકારોનો અને પુસ્તકોનો મહિમા અનેરો છે. મૅક્સિકન સમાજમાં શબ્દ જુદી જ ભૂમિકા ભજવે છે. લેખકોને લોકો રાષ્ટ્રના ગૌરવનો મૂળ સ્રોત માને છે. જો કે, આમ્લોએ એ પણ જોયું છે કે લેખકો અને પત્રકારોને સામાવાળાઓ 'ટાર્ગેટ' બનાવતા હોય છે – દાઢમાં ઘાલીને બેઠા હોય. ગયા દાયકામાં અનેકાનેક લેખકોને ધમકીઓ અપાયેલી કે – તમારા ધંધારોજગાર છિનવી લેવાશે. ૭૦થી વધુ પત્રકારોની હત્યાઓ થયેલી.
એવી દુર્ઘટનાઓથી ખૅદાનમૅદાન પાર્શ્વભૂ પર આમ્લો ખડા છે. લોકશાહીની પુન:સ્થાપના એમનો સંકલ્પ છે. ગરીબોને સર્વસહાય અર્થે તેઓ નિશ્ચલ છે. પણ એમનો એ પ્રગતિવાદ પાકો જેવા ખૂંખાર સાહિત્યકારના સાથમાં લિટમસ ટેસ્ટ પુરવાર થશે કે કેમ એ મોટો સવાલ છે. પાકો કેટલી મૉકળાશ દાખવશે એ પણ સવાલ છે.
પરન્તુ, પ્રજાની વાચનભૂખ સંતોષાય, સાહિત્યકારો અને અન્ય લેખકોનાં માન-આદર વિકસે, એ માટે રાજ્યે આવા ખુદ્દાર સાહિત્યકારનો સહકાર મેળવવાની જે કોશિશ કરી છે, એ આ આખી વારતાનું સારરૂપ સત્ય છે.
પાકો અને આમ્લોના દાખલાથી મારે એ રેખાન્કિત કરવું છે કે શબ્દ અને રાજ્યને ઉત્તમ પ્રકારે સંયોજવામાં આપણે પાછા પડ્યા છીએ. સાહિત્યકારોના આદર્શો અને સરકારના કાન વચ્ચે અતૂટ દીવાલ રચાઈ છે. પ્રજા અજાણ છે અને સાહિત્ય ડૂસકાં ભરે છે.
= = =
[શનિવાર તારીખ ૪/૫/૧૯-ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં પ્રેસના સૌજન્યથી મૂક્થો છે]
https://www.facebook.com/suman.shah.94/posts/2472100606154171