= = = = આ આમ જ આવી મળેલા લાંઆબાં વૅકેશનમાં, વી.સી.ઓ., ઍચ.ઓ.ડી.ઓ., પ્રિન્સિપાલો અને ચિન્તાળુ કેળવણીકારો ભેગા બેસીને સમજી લે કે કેવાં કેવાં આયોજનો કરીશું તો ઑનલાઈન ઍજ્યુકેશનને માટેનું ફુલ્લ-પ્રૂફ પ્લેટફૉર્મ જૂનમાં નહીં તો જુલાઈમાં તો તૈયાર જ હશે = = = =
= = = = શિક્ષણ અને કેળવણીના પ્રવાહો આવા કોઈપણ જ્ઞાત કે અજ્ઞાત કારણે એક વાર જો લુપ્ત થઈ જાય છે તો દુખતા અવાજે એટલું જ કહેવું રહે છે કે, અત્ર લુપ્તા સરસ્વતી… = = = =
માસ-પ્રમોશન પછી તમામ વિદ્યાસંકુલોને ૨૦ જૂન સુધીનું વૅકેશન અપાયું. સત્ર લંબાવી દેવાયાં. કારણ એ કે ’કોવિડ-૧૯’-ના પૉઝિટિવ કેસિસ વધી રહ્યા છે. બરાબર છે, આ સિવાય બીજું થઈ પણ શું શકે …
આમ તો, માર્ચથી જૂન સુધીના ચારથી પણ વધુ મહિનામાં, ન શિક્ષણ, ન પરીક્ષણ … બહુ મોટું ગાબડું …
આ સમાચારથી અમુક શિક્ષકોને સારું લાગ્યું હશે. અમુક વિદ્યાર્થીઓને પણ મજા પડી હશે. મા-બાપોને કેવું લાગ્યું હશે, રામ જાણે ! જો કે સન્નિષ્ઠ શિક્ષકો જરૂર દુ:ખી થયા છે. એમને છેલ્લો વર્ગ અને એમાં જે ભણાવ્યું તે યાદ આવે છે. એમની પોતાના વિષયના અનુસન્ધાનની કલ્પના બેસી પડી છે. મહત્ત્વાકાંક્ષી ને સ્વ-વિકાસવાંછું વિદ્યાર્થીઓ પણ પોતાના ભાવિ વિશે વિમાસણમાં મુકાઈ ગયા છે – એમને ચિન્તા સતાવે છે કે બધું રાગે ક્યારે પડશે. એક ખરા શિક્ષક તરીકે મારો પણ જીવ બળે છે કે મહાકાય બોગદા જેવડું આ ગાબડું જે પડ્યું, ક્યારે પુરાશે …

તીવ્ર સવાલ જ એ છે કે આ અણધાર્યા સમયગાળામાં જે શૈક્ષણિક નુક્સાન થયું છે તે શી રીતે ભરપાઈ થવાનું. જો કે, એ પહેલાં, ગમ તો એ પડવી જોઈશે કે કેળવણીમાં નુક્સાન કોને કહેવાય. ભણનાર અને ભણાવનાર જાણે છે કે ભણવાનો જે સમય મળ્યો’તો, તે જો એકવાર ગયો, તો ગયો ! રીવિઝન નામની વ્યવસ્થા છે ખરી. પણ એની પૂર્વશરત એ છે કે પહેલાં વિઝન કરાવાયું હોય. ભલે; કોણ ક્યારે રીવિઝન કરાવશે? કોઈ કોઈ શિક્ષકો તત્પર થશે ખરા, પણ વિદ્યાર્થીનું શું? એ તો ભૂલી ગયો છે કે પોતે છેલ્લો વર્ગ ક્યારે ભરેલો ને કોણે એને શું ભણાવેલું …
શિક્ષણ અને કેળવણીના પ્રવાહો આવા કોઈ પણ જ્ઞાત કે અજ્ઞાત કારણે એક વાર જો લુપ્ત થઈ જાય છે, તો દુખતા અવાજે એટલું જ કહેવું રહે છે કે, અત્ર લુપ્તા સરસ્વતી … આમ તો સરસ્વતી નિરન્તર સમૃદ્ધ થનારી એક માતબર પરમ્પરા છે. પણ એનાં વહી ચૂકેલાં નીરને પાછાં વાળવાનું ભલે અશક્ય નથી પણ કઠિન તો છે જ છે. એ કઠિનાઈના માર્યા તો આપણે માસ-પ્રમોશન આપી દઈએ છીએ, દેસીમાં કહીએ તો, ’ઉપર ચડાવી દઈએ’ છીએ. વિદ્યાર્થી ઉપર ચડ્યો કે નીચે ઊતર્યો એનાં લેખાંજોખાં માંડવાની કશી જરૂર નથી પડતી. શિક્ષણ પણ ઝડપથી નીચલા તળિયે સરકી જતું હોય છે.
આ મુશ્કેલ સમયમાં પ્રકાર પ્રકારનાં જે વીતક વીતી રહ્યાં છે એનાં પૂરા કદનાં વર્ણનો તો થશે ત્યારે થશે. પણ એ પૂરું શક્ય છે કે એ વીતકો પરથી હાલ તો આપણે ઘણાબધા પદાર્થપાઠ તો શીખી જ શકીએ છીએ.
એ દૃષ્ટિદોર અનુસાર, આ પરત્વે મને એ શીખ સૂઝે છે કે શિક્ષણની જમાનાજૂની વ્યવસ્થાને અત્યાધુનિક નવ્ય રૂપ આપીએ. આખે આખી ઍજ્યુકેશન સિસ્ટમને ઑનલાઈન કરી દઈએ.
વાત કંઈ નવી નથી. કેટલીક શાળાઓમાં ને કેટલાંક રાજ્યોમાં અરધુંપરધું યે ઑનલાઇન ઍજ્યુકેશન તો ચાલે જ છે. એ સિસ્ટમથી આવી કોઈ પણ ઇમરજન્સી વખતે હાથ જોડીને બેસી રહેવાનો વારો નહીં આવે. કોઈની પણ દખલપંચક વિના, શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાંને સીધાં જ્ઞાનવાર્તામાં જોડી શકશે. ક્લાસલૅક્ચર્સ ભલે પ્રવર્તમાન પદ્ધતિએ ચાલે પણ આ ઑનલાઈનમાં, હોમવર્ક ઍક્ઝામ ઍસેસમૅન્ટ જેવાં એકોએક પાસાંને કાળજીથી આવરી લઈ શકાશે. વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન કે કમ્પ્યૂટર ન હોય તો એને માટેની જોગવાઈ કરી જ શકાય. એમ કરવાનું રાજ્ય સરકારને અસંભવિત ન લાગવું જોઈએ.
જો કે, એ ખરું કે કેટલીયે શાળાઓ અને કૉલેજો પાસે અપ-ટુ-ડેટ ક્લાસરૂમો નથી, દીવાલોનાં કેટલાંયે વરસોથી ઊખડી ગયેલાં પ્લાસ્ટર્સ ગંદા દાંત બતાવે છે, અરે, કોઈ કોઈ યુનિવર્સિટી-ડિપાર્ટમૅન્ટ્સ પાસે પણ, સખે વાપરી શકાય એવાં ટૉયલેટ્સ પણ નથી, કહે છે, મૉંએ રૂમાલ દાબી રાખવા પડે છે. એવી બધી વરવાઈઓને વરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ વચ્ચે, સ્વાભાવિક છે કે આ ઑનલાઈનનો મામલો તો, અતિ દૂરનો અને દુષ્કર જ ગણાય.
તેમ છતાં, રીપીટ ‘તેમ છતાં’, જો સાફ દાનતથી એને હાથ ધરાય, તો એમ પણ છે કે એ કામ અશક્ય નથી. અને તો, એટલું એ પણ ચૉક્કસ છે કે બધી વરવાઈઓ આ નવ્ય આવિષ્કારની પાછળ આપોઆપ ઢંકાઈ જશે.
આ આમ જ આવી મળેલા લાંઆબાં વૅકેશનમાં, વી.સી.ઓ., ઍચ.ઓ.ડી.ઓ., પ્રિન્સિપાલો અને ચિન્તાળુ કેળવણીકારો ભેગા બેસીને સમજી લે કે કેવાં કેવાં આયોજનો કરીશું તો ઑનલાઈન ઍજ્યુકેશનને માટેનું ફુલ્લ-પ્રૂફ પ્લેટફૉર્મ જૂનમાં નહીં તો જુલાઈમાં તો તૈયાર જ હશે.
આ વાતને વ્યવહારુ કારણોની આડ ધરીને અભરાઇએ મૂકવામાં આવે તો, સમજી રાખો, એ હિમાલયન બ્લન્ડર ઠરશે. ૨૧-મી સદીની આગેકદમ ભાવિ પેઢીઓ આપણને કોઈને માફ નહીં કરે.
સ્વાર્થે કરીને કોઈ પણ નવી વાતને મચડી નાખવાની આવડત તો હર કોઈ ગુજ્જુ બન્ધુમાં છે, પણ એ આડને ઝંઝેડી નાખીને નૂતન માર્ગે ચાલી નીકળનારા નવ્ય ગુજરાતીઓની આવડત ઘણી મોટી ચીજ છે … કેળવણી જગતમાં આપણે એમના આગમનની થોઓડીક રાહ જોઈએ …
= = =
(May 9, 2020 : Ahmedabad)
 ![]()



હવે આનો તો શો ઇલાજ? આપણે આપણા પ્રસન્ન જોશી અને એ.આર. રહેમાનની જોડે જોશભેર ગાઈ લઈએ કે ‘હમ હાર નહીં માનેંગે, હમ સૂરજ હૈ, અન્ધકાર નહીં માનેંગે’ … એમ પણ થાય કે કવિ સુન્દરમ્ -ના કાવ્યનાયકની જેમ ‘ઘણ ઉઠાવ મારી ભુજા ઘણુંક ઘણું ભાંગવું’ કરતાક ને આ આખી પરિસ્થિતિના નાશને માટે મચી પણ પડીએ. પરન્તુ કેસિસ અને ડેથ્સના વધતા આંકડા એ જોશને અને એ ભુજાને નીચે બેસાડી દેવાના …
જો કે એક બીજી વાત વધારે નૉંધપાત્ર છે. તે એ કે આવાં સમય અને સ્થળની અસર આપણા મન પર ઘણી જ થાય છે – મોટે ભાગે તો આપણી જાણ બ્હાર … ચિત્ત સુન્ન થઈ જાય … કંટાળો બેચૅની ચીડ વગેરે જામી પડે … બુદ્ધિ થાકેલી પડી રહે … નવો વિચાર તો જાગે જ નહીં … હોય તે વિચારો ય તાર તાર થવા માંડે … જે કંઈ શાસ્ત્ર ભણ્યાં હોઈએ એ બધાં તકલાદી દીસે … આપણાં બધાં જ આચરણો સાંધાસુધી વિનાનાં વેરવિખેર લાગે. જીવન-તાર બાપડો સ્તબ્ધ ને ચૂપ, ન રણકાર, ન ઝંકૃતિ. સંવેદનશીલ જીવને થાય અને એ કવિ ઉમાશંકરની જેમ કહે પણ ખરો – હું છિન્નભિન્ન છું …
આપણે જોઈએ છીએ કે આજે માનવજાત અને એણે ઊભી કરેલી તમામ સિસ્ટમ્સ પડી ભાંગી છે. રીલિજ્યન પાસે સીધો ઇલાજ નથી. સ્ટેટ મથે છે. સોસાયટી પરેશાન છે. સિવિલિઝેશન નાકામયાબ છે. પણ નિત્શેનું દર્શન એમ સૂચવે છે કે રીલિજ્યન સ્ટેટ સોસાયટી કે સિવિલિઝેશન જો પડી ભાંગ્યા છે તો એને વિશે આપણને પ્રશ્નો થવા જોઈએ. આપણને એનાં પોલાણોની ખબર પડવી જોઈએ. એની વ્યર્થતાઓ અને વિ સંગતતાઓ દેખાઈ જવી જોઈએ. વિચાર અને તેની સર્જક વ્યક્તિ બન્ને હોનારત પુરવાર થવાં જોઈએ. પણ એટલે શું? એટલે એમ કે બસ, ક્રાન્તિકારી પુરવાર થવું.