= = = = સુરેશ જોષી નામના સાહિત્યવિચારથી આપણને કલાતત્ત્વની જે કેળવણી મળી એ આપણા સમયમાં પ્રગટેલો સૌથી મોટો ઉપકારક સંજોગ છે = = = =
= = = = ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘સર્જક વ્યક્તિ વિરુદ્ધ સાહિત્યસંસ્થા’ – ‘Writer VS Institution’-નો જે ભાવ દૃઢ કરાયો છે તે વાસ્તવમાં તો ન હોવો ઘટે કેમ કે સંસ્થાઓ પોતાની મર્યાદાઓમાં રહીને સાહિત્યોપકારક ઘણું કરી શકે, અને તે થયું છે, કેટલીયે સંસ્થાઓ કરી રહી છે. પણ એ વિરોધવચનનો દુરુપયોગ થયો છે અને સુરેશ જોષી સમી કેટલીયે શક્તિશાળી વ્યક્તિઓ એનો ભોગ બની છે. એમના વિચારોને તરછોડાયા છે, એમની વગોવણીઓ કરાઈ છે ! = = = = =
તારીખ ૩ ડિસેમ્બરના મારા ‘સિદ્ધાન્તવિવેચક સુરેશ જોષી વિશે બે વાત’ લેખના પ્રતિભાવોમાં અનેક મિત્રો ભળ્યા છે, એનો આનન્દ છે.
‘કૉમન સૅન્સ’ શીર્ષકથી ચાલતા બ્લૉગમાં તત્ત્વચિન્તનની સરસ વાતો રજૂ કરતા મારા મિત્ર કર્દમ આચાર્યે, કલાકારે સેવેલા કે ધારણ કરેલા કે કરવા જોઈતા સત્ય વિશે સરસ પ્રશ્ન કર્યો, જેનો મેં લાઉડ થિન્કિન્ગની રીતે પ્રતિભાવ આપ્યો છે, કૉમેન્ટ્સમાં હજી છે.
એક બીજા સન્મિત્રને મેં મારો એ લેખ મોકલેલો. તો એમણે મને લખ્યું કે ‘એમની (સુરેશ જોષીની) અદ્વિતીયતા સિદ્ધ કરવાને બદલે એમની ઉપકારકતાને બિરદાવવી અને એ માટે એમની સાહિત્યમીમાંસાનો તટસ્થ અને ઝીણવટભર્યો અભ્યાસ કરવો …’ વગેરે.
એમને મેં સમુચિત ઉત્તર વાળ્યો છે.
પણ સુરેશ જોષીની અદ્વિતીયતા અને ઉપકારકતા વિશે મને જે વિચારો સૂઝ્યા છે એ અહીં મૂક્યા છે :
‘ન તુ અપૂર્વ કિંચિત્’ જેવા વિનમ્ર વચનથી સુરેશભાઈએ પ્રારમ્ભ કર્યો છે. અને છેવટ લગી પૂર્વના કે પશ્ચિમના જે તે પૂર્વસૂરિને નામોલ્લેખ સાથે ટાંક્યા છે. એટલે કે, એ વ્યક્તિ પોતે જ પોતાને અપૂર્વ કે અદ્વિતીય નથી ગણતી.
પણ પોતાના સાહિત્યવિચારને કે કલાતત્ત્વને સમજવાની અને પોતાનાં લેખનો વડે આપણને સમજાવવાની એમની જે રીતિ છે, તે નિ:શંક અપૂર્વ છે.
મારા એ લેખમાં એ વાત મેં "મને આ ક્ષણે એમને વિશેના મારા શોધગ્રન્થ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ના ઉપસંહારનું છેલ્લું પાનું દેખાય છે…" એ ફકરામાં મૂકી છે. એનું પુરાવર્તન કરવાની જરૂર નથી. (એ લેખમાં જુઓ, એ ફકરો છઠ્ઠો છે.)
પણ એ પાનાને અન્તે, એ ફકરા પછી, થીસીસના અન્તે, મેં એક યાદી વીગતવાર આપી છે કે સુરેશ જોષીનો સાહિત્યવિચાર કોના કોના વડે પ્રેરાયો, પુષ્ટ થયો, અને સુધર્યો. એ આ પ્રમાણે છે :
રૂપવિભાવ, વસ્તુનું નિગરણ – ઑર્તેગા વડે; કૃતિ સ્વયંસિદ્ધ સૃષ્ટિ – ઍરિસ્ટોટલ, સુસાન લૅન્ગર, વાલેરી વડે; કલાની પ્રાતિભાસિક સત્તા – રસસમ્પ્રદાય, સુસાન લૅન્ગર, વાલેરી, બૉદ્લેર વડે; અસમ્બદ્ધ અને કપોલકલ્પિત – કામૂ, કાફ્કા, રવીન્દ્રનાથ વડે; પ્રિમિટિવિઝમ અને ઍન્ટિઇન્ટેલૅક્ચ્યાલિઝમ – રિલ્કે, વાલેરી, યુન્ગ વડે; કલામાં ટૅકનિક – માર્ક શોરર વડે; કલાસર્જન પ્રક્રિયા છે – પૉલ ક્લી વડે; કૃતિ ઇર્રીડ્યુસિબલ મિનિમમ છે – માલ્કમ બ્રૅડબરી વડે; માનવીય પરિસ્થિતિનાં અસ્તિત્વપરક આકલનો – દોસ્તોએવસ્કી, કિર્કેગાર્દ, સાર્ત્ર, કાફ્કા, કામૂ વડે; કલા પ્રતીકધર્મી છે – બૉદ્લેર, વાલેરી અને ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિઓ વડે; સર્જકભાષા – કુન્તક, આનન્દવર્ધન, વાલેરી વડે; શુદ્ધ કવિતા અને અતિવાસ્તવવાદી અકુણ્ઠિત સાહસ – ડાલિ, વાલેરી વડે; કલા સવાઈ સત્ય છે – રવીન્દ્રનાથ, આયોનેસ્કો વડે. વગેરે વગેરે.
એમને પશ્ચિમવાદી ગણનારાઓએ પૂર્વપશ્ચિમથી મુક્ત આ સુભગ સિદ્ધાન્ત-સાયુજ્ય નથી જોયું કેમ કે વાંચ્યું નથી …
એમની રીતિ અપૂર્વ છે ને એમાં વિશ્વભરના આટલા બધા સાહિત્યકારોનું વિચારદ્રવ્ય ભળ્યું છે એ કેટલી મોટી વાત છે. એ અર્થમાં સુરેશ જોષી કોઈ વ્યક્તિ નથી પણ બુલંદ સાહિત્યવિચાર છે, વળી એ વિચાર પૂરો થઈ ગયેલો નથી, નિરન્તર ચાલુ રહેનારો છે. એની એ લાક્ષણિકતા પણ એ જ દર્શાવે છે કે કશું અહીં અદ્વિતીય કે સમ્પૂર્ણ નથી. તેમ છતાં આપણી સર્જનાત્મક પરિસ્થિતિને મદદ કરનાર એમના સમો કોઈ સાહિત્યવિચારપુરુષ વીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજદિન સુધી સંભવ્યો નથી એ મારું સુદૃઢ મન્તવ્ય છે. એમને એવા મદદગાર ન ગણનારને શું કહીશું? એ કાં તો નિર્દોષ હશે અથવા તો સુબુધ પણ દમ્ભી હશે !
આ હું કહું છું એટલે તો ખરું જ છે પણ ૧૯૫૭થી માંડીને ૨૦૨૦ લગીમાં ગુજરાતી સાહિત્યજગતમાં જે સર્જનો થયાં, વિવેચનો થયાં, પરમ્પરા સામે જે સંઘર્ષો થયા ને જે ઉન્મેષો પ્રગટ્યા, એ સર્વ ઘટનાઓનો સાચ્ચો ઇતિ-હ-આસ વાંચી શકનારી કોઈપણ વ્યક્તિ પણ કહેશે, અવશ્ય કહેશે.
ફરિયાદો કરનારા ગુજરાતી સાહિત્યકારોની સરેરાશ વિશેષતા એ છે કે વગર વાંચ્યે બોલવું. મારો સવાલ છે કે કેટલાયે સુરેશ જોષીનું સાદ્યન્ત સઘન વાચન કર્યું છે -? કેટલાએ એમને વિશેનાં સંશોધનો કે લેખનો વાંચ્યાં છે? કશા તોલમોલ વિના બોલવું એ અવિવેક નથી તો શું છે? કરુણતા એ છે કે આ બેઢંગ પ્રવૃત્તિથી મહાન ગણાતા સાહિત્યકારો પણ મુક્ત નથી, અરે, કેટલાક તો એ પ્રવૃત્તિના જનકો છે !
એમની સાહિત્યમીમાંસાનો વસ્તુલક્ષી ધોરણનો અભ્યાસ કેટલાએ કર્યો છે? એથી આપણી સર્જનાત્મક પરિસ્થતિ પર જે ઉપકાર થયો છે એ કંઈ દીવો ધરીને બતાવવું પડે એવું થોડું છે? તમે નામ લો એ સર્જકમાં હું એ તત્ત્વ બતાવી દઈ શકું, જે એમના વિચારજગતમાં ન હોય. એ સાહિત્યવિચારપુરુષ સૌ સર્જકો, વાચકો અને ભાવકોના સાહિત્યિક અનુભવની ચીજ રહી છે. દરેકના આગવાં મત-માન્યતાઓ ઉપરાન્તની ચીજ છે એ. અરે, એ તો ગુજરાતી સાહિત્યસમાજના ‘કલેક્ટિવ અન્કૉન્શયસ’ -માં ઊતરી ગયેલી હકીકત છે.
પણ આ સત્ય સ્વીકારવાની કેટલાકોની તૈયારી નથી. એ અસ્વીકારની પશ્ચાદભૂમાં સુરેશભાઈના થયેલા ભરપૂર સ્વીકારથી આઘાત, ઈર્ષા, સ્વકીર્તિનાશનો ડર છે. એની નુક્તેચિની કરવાની કશી જરૂર નથી. જાગ્રત સૌ જાણે છે.
સુરેશ જોષી નામના સાહિત્યવિચારથી આપણને કલાતત્ત્વની જે કેળવણી મળી એ આપણા સમયમાં પ્રગટેલો સૌથી મોટો ઉપકારક સંજોગ છે. અને એ કંઈ એમનાથી નથી, એમના ધોરણે તો એ માત્ર કિંચિત્ છે, સર્વ સંજ્ઞાતા પૂર્વસૂરિઓના સ્મરણે સંભવ્યો છે અને તેઓના વિચારોના રસાયને રસાયેલો છે.
એક વાત સાંભળવાજોગ છે : ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘સર્જક વ્યક્તિ વિરુદ્ધ સાહિત્યસંસ્થા’ -‘Writer VS Institution’-નો જે ભાવ દૃઢ કરાયો છે તે વાસ્તવમાં તો ન હોવો ઘટે કેમ કે સંસ્થાઓ પોતાની મર્યાદાઓમાં રહીને સાહિત્યોપકારક ઘણું કરી શકે, અને તે થયું છે, કેટલીયે સંસ્થાઓ કરી રહી છે.
પણ એ વિરોધવચનનો અપપ્રયોગ થયો છે અને સુરેશ જોષી સમી કેટલીયે શક્તિશાળી વ્યક્તિઓ એનો ભોગ બની છે. એમના વિચારોને તરછોડાયા છે, એમની વગોવણીઓ કરાઈ છે ! અને એની સામે, દેશનાં ને પ્રદેશનાં ઇનામ-ઍવૉર્ડ વિજેતાઓને તથા સરકારી કે લોકશાહીય અધ્યક્ષ કે પ્રમુખ જેવાં પદોને મહિમાવન્ત ગણવાનો ચાલ ઊભો થયો છે.
આ વિરોધવચનનો જો આવનારા સમયમાં સમીક્ષાપૂર્વક નાશ નહીં કરાય તો એ આપોઆપ નાશ પામશે એ વાત નક્કી છે. એટલા માટે, કે આવનારી પેઢીઓને એની કશી તમા હશે નહીં કેમ કે ઇનામવિજેતાઓ ને પદધારકો એવા તોરતરીકાથી અને એવા દરજ્જાના આવી ગયા હશે કે તમા રાખવાની જરૂર જ નહીં પડે.
= = =
(December 4, 2020: USA)
 ![]()


એ સાચું છે કે આ ઍપિસોડ વિવેચક સુરેશ જોષી વિશે છે, એમણે ચર્ચેલા સિદ્ધાન્તો વિશે છે. પણ મારે ઉમેરવું છે કે સૌ પહેલાં સુરેશ જોષી કલામર્મજ્ઞ છે, connoisseur. મર્મજ્ઞનો અર્થ એ કે કલાનાં શાસ્ત્રોને કે સિદ્ધાન્તોને જાણે જરૂર, પણ છેવટે તો તેમાં છુપાયેલા મર્મને પકડે. કલાના આત્માને જાણે. એટલે, જુઓ કે સાહિત્યકલાના વિકાસ માટે હંમેશાં એમણે ચિત્ર વગેરે લલિત કલાઓની હિમાયત કરી છે. ‘ક્ષિતિજ’ વગેરે સામયિકોની સામગ્રી તપાસીશું તો આ વાતની ખાતરી થશે.
પરન્તુ આપણે જોયું છે કે સુરેશભાઈના સાહિત્યવિચારમાં પૂર્વ અને પશ્ચિમની પ્રાચીન, અર્વાચીન કે આધુનિક વિચારધારાઓનું એક અનુપમ સાયુજ્ય રચાયું છે, અને તે એમની પોતાની રીતે રચાયું છે. સુરેશભાઈ વિશે અપૂર્વ તો એમની એ લાક્ષણિક રીતિ છે.
મને બૅકેટ યાદ આવે છે. મેં એમના સમા કોઈ ભાષામરમીને જાણ્યો નથી. એ માણસે ભાષાને ન છૂટકે વાપરી. ક્હૅતા કે શબ્દો તો બધું અંદાજે કહી શકે છે, તન્તોતન્ત કશું નહીં. ‘વેઇટિન્ગ ફૉર ગોદો’-માં પાત્રો બોલે છે એથી અનેકગણું કરે છે. ‘ઍક્ટ વિધાઉટ વર્ડ્ઝ’-માં તો શીર્ષક સૂચવે છે એમ ક્રિયા જ ક્રિયા છે, શબ્દો નથી.