સવાલ : શું ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકાર પશ્ચિમથી પ્રભાવિત છે?
વિચારીએ :
ભરત-પ્રણીત રસને કે ઍરિસ્ટોટલ-પ્રણીત અનુકરણને સમજવા છતાં તે-તે-ના પ્રયોગ કે પ્રમાણ માટે ગુજરાતી સાહિત્યકારે પોતાના સાહિત્યને તરડ્યું-મરડ્યું નથી.
એ વાયકા છે કે એ પશ્ચિમથી પ્રભાવિત છે. સાચું એ છે કે એથી એ, માત્ર જ્ઞાત છે, માહિતગાર છે. એને એમ જોવાથી, હકીકતે, એની એવી પ્રશંસનીય જિજ્ઞાસાવૃત્તિની મશ્કરી થાય છે, પોતાનાં વડે થાય છે.
એનાં પરમ્પરાનુસરણો કે એની પ્રયોગશીલતાઓ એની પોતાની છે. મારી દૃષ્ટિએ ગુજરાતી વિવેચન-સાહિત્યની કશી ‘દિશાભૂલ’ (towards wrong direction) થઇ નથી. ખરેખર તો એ અભિપ્રાય તપાસ માગે છે. નર્મદથી વિચારાતા રહેલા સૈદ્ધાન્તિક સમ્પ્રત્યયોનો ઇતિહાસ તપાસનારને જણાશે કે તે કેટલા તો તદ્ભવ સ્વરૂપના છે, અને તત્સમ નથી.
સુધારકયુગથી માંડીને આજ પર્યન્તનાં પ્રત્યક્ષ વિવેચન-લેખનોનું કાળજીથી અધ્યયન કરનારને સમજાશે કે તે એની આગવી રીતનું છે. તેમાં, ગુજરાતી પ્રજાકીય માનસિકતા આવશ્યક વસ્તુલક્ષીતાની લગીર દુશ્મન જરૂર ભાસે છે, પણ પશ્ચિમમાંથી લાધેલા એકેય સાહિત્યિક વાદનું તેમાં સીધું અનુસરણ નથી. અપવાદો બતાવી શકાય, છતાં, આ વાત નવલરામથી માંડીને સુરેશ જોષી કે તે પછીના પ્રત્યક્ષના કોઇ પણ ગણમાન્ય વિવેચકને લાગુ પડે છે.
લેખક-જીવનને ગોવર્ધનરામે સાક્ષર-જીવન કહીને તેનો એક સર્વગ્રાહી ખયાલ રજૂ કર્યો તેમાં પણ એવી પોતીકી ભાત છે. એ ચિન્ત્ય વાત છે કે એ એક ઉચ્ચગ્રાહી આદર્શ છે. એવું ભાવક કે વાચક વિશે નથી વિચારાયું તે મોટી ખોટ છે. છતાં, એ અંગે ભરત અને ઍરિસ્ટોટલ-પ્રણીત બન્ને મહા-કીર્તનોમાંથી જ્યારે જે કંઇ ઠીક વરતાયું તેનો આછોપાતળો વિચાર પણ થયો છે. તેમ છતાં, ચિન્તા તો પોતાના આગવા લેખનની અને તેના જરૂરી ભાવનની જ રખાઇ છે :
આ નિરીક્ષણ એટલે લગી સાચું ભાસે છે કે આપણા દરેક લેખકે જાણે પોતાનો વાચક કલ્પી-કલ્પીને ન લખ્યું હોય ! જાણે દરેકના મનમાં વોલ્ફગૅન્ગ ઇઝરે (૧૯૨૬-૨૦૦૭) વર્ણવેલો ઇમ્પ્લાઇડ રીડર, વિવક્ષિત વાચક, નક્કી ન હોય !

Pic courtesy : YouTube.
દરેક યુગમાંથી એકાદા દૃષ્ટાન્તને અમસ્તુ જ યાદ કરીએ :
રણછોડભાઇ ઉદયરામે વિધવા બાઇ લલિતાનાં દુ:ખ દર્શાવતું નાટક લખ્યું ત્યારે એમને ખબર હતી કે પોતે કોને અને શા માટે સમ્બોધે છે.
ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’ લખ્યું ત્યારે એમનો આશય સુસ્પષ્ટ હતો, ને કેમ એમ હતો, તે જાણીતી વાત છે.
ગાંધીજીએ કોશિયાને સમજાય તેવું સાહિત્ય માગ્યું તે તે જ રૂપે શક્ય નહોતું, છતાં, સુન્દરમે કોયા ભગતની કડવી વાણી લખી ત્યારે, કે ઉમાશંકરે ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે એમ ભાખ્યું ત્યારે, સાહિત્યના પ્રૉમિસને એ સ્તરે લઇ જવાનો ઇરાદો સાફ હતો.
સુરેશ જોષીએ આપણા સાહિત્યિક વાચકમાં વિશ્વ-સાહિત્યની આરત ઉગાડી ને ત્યારે એમને ખબર હતી કે પોતે શું કરી રહ્યા છે.
જોસેફ મૅક્વાનને જાણ હતી કે પોતે કોની વ્યથાનાં વીતક કોને કહી રહ્યા છે.
વગેરે.
= = =
(April 4, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()



મનોવિજ્ઞાની કાર્લ યુન્ગે (1875-1961) મનુષ્યવ્યક્તિઓના અ-ચેતનની નિરૂપણા કરેલી – કલેક્ટિવ અન્કૉન્સ્યસ. એક સર્વસામાન્ય સ્વરૂપનું સામુદાયિક અ-ચેતન.
વૉલ્ટર બૅન્જામિને (1892-1940) ૧૯૩૬માં પ્રકાશિત એમના સુખ્યાત પુસ્તક “ધ વર્ક ઑફ આર્ટ ઇન ધી એજ ઑફ મિકેનિકલ રીપ્રોડક્શન”-માં દર્શાવ્યું કે આ યન્ત્રયુગમાં કલાનું કામ શું હોઈ શકે અને તેને કઇ રીતે મૂલવી શકાય. કલાકારોએ અને તેના સમીક્ષકોએ જોવું જોઈશે કે કલા કઇ ઐતિહાસિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે. એમણે કલાના ક્રાન્તિ સરજી આપનારા સામર્થ્યની વાત કરી છે. દર્શાવ્યું છે કે રાજ્યે સરજેલી વાસ્તવિકતાઓ સામે કલા કેવી કેવી ક્રાન્તિકારી માગણીઓ – રીવૉલ્યુશનરી ડીમાન્ડ્સ – મૂકી શકે.
જેમ્સન પોસ્ટમૉડર્ન કલ્ચરમાં ‘ડેપ્થલેસનેસ’ જુએ છે. આજનું કલ્ચર એમને છીછરું લાગ્યું છે. પોસ્ટમૉડર્નિઝમમાં એમણે લેટ કૅપિટાલિઝમનું – ઔદ્યાગિક યુગ પછીના કૅપિટાલિઝમનું – કલ્ચરલ લૉજિક જોયું છે. મૂડીવાદે ઊભા કરેલા પૅંતરાઓથી, એણે રચેલી જુક્તિઓથી, મનુષ્યોની જીવન જીવવાની રીતભાત બદલાઈ ગઈ છે. ખાસ તો એમણે સર્જનાત્મક કૃતિઓની ગર્ભિતે રહેલા રાજકીય પરિમાણને લક્ષમાં લીધાં છે.