વિશ્વની ૧૦ કે ૫ સર્વથા ઉત્તમ નવલકથાઓમાં “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ને કદીપણ ભૂલી શકાશે નહીં.
એના જગવિખ્યાત લેખકનું નામ છે, ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, ૧૯૨૭-૨૦૧૪.
સ્પૅનિશમાં લખાયેલી આ નવલનું ૧૯૬૭માં બુએનો ઍરિસથી પહેલવહેલું પ્રકાશન થયું ત્યારથી અને ૧૯૭૦માં થયેલા અંગ્રેજી અનુવાદ પછી દુનિયાની ૪૯ ભાષાઓમાં એના અનુવાદ થયા છે, ૫૦ મિલિયન નકલો વેચાઈ છે. એના મહિમાની વાતો અપાર છે, હાલ અટકું.
મને ગમતી થોડીક નવલોમાં આ નવલ અગ્ર સ્થાને છે. એ વિશે મેં એકથી વધારે વાર વ્યાખ્યાન કર્યાં છે. મને થયું કે ગુજરાતીમાં એનો અનુવાદ કરવો જોઈએ, પણ પરમિશનના કેટલાક પ્રશ્નો અતિ કઠિન હોય છે. એટલે, મન મનાવ્યું કે કંઇ નહીં તો, ભાવાનુવાદની રીતેભાતે અને ક્યારેક કિંચિત્ ટિપ્પણી સાથે, સાર તો આપું.
દરેક પ્રકરણનો સાર આપીશ પણ એક એક કરીને. નથી કહી શકતો કે કેટલી નિયમિતતા જાળવી શકીશ, પણ પ્રયન્ત જરૂર કરીશ.
સૌ મિત્રોને જોડાવા નિમન્ત્રણ છે. આ નવલ વાંચવી માણવી અને એમ એની સાથે જોડાવું એ જીવનનો લ્હાવો છે …

પ્રકરણ : ૧ :
એ સમયે માકોન્ડો ૨૦ ઘરનું ગામ હતું. કાચી ઇંટોનાં ઘર. માકોન્ડોની દુનિયા નવી છે, કેટલીયે વસ્તુઓ હજી નામ વિનાની છે.
કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા માકોન્ડોની મળી આવ્યું એ વરસોને યાદ કરી રહ્યો છે. ત્યારે આ એકલાઅટૂલા સ્વપ્નિલ ગામમાં જિપ્સીઓ આવતા અને જાતભાતની ટૅક્નોલૉજિકલ માર્વેલ્સ લઇ આવતા. એ બધું એને યાદ આવે છે.
બ્વેન્દ્યા પરિવારની એકથી વધુ પેઢીઓની આ કથા ફ્લૅશબૅકથી શરૂ થાય છે.
મેલ્કીઆદિસ જિપ્સીઓનો મુખિયા છે. હોસે આર્કાદિયો બ્વેન્દ્યા માકોન્ડોનો સ્થાપક છે. એની જિજ્ઞાસાવૃત્તિને પહેલેથી ધરવ નહીં તે મેલ્કીઆદિસે આપેલાં જાદુઇ ઉપકરણોનું એને વળગણ થઇ ગયું છે. મેલ્કીઆદિસની પ્રેરણાથી, કહો કે ચડવણીથી, કર્નલ વિજ્ઞાનનાં અધ્યયન શરૂ કરે છે અને એમાં ઊંડો ઊતરતો જાય છે. એટલે લગી કે એની સાવ વ્યવહારુ પત્ની ઉર્સુલા ઇગોરાન હેરાન થઇ જાય છે. આમેય ઉર્સુલા સાવ વ્યવહારુ બાઈ હતી.
હોસે બીજી ધાતુઓમાંથી સોનું બનાવી લેવાય એવો એક કીમિયો શોધી કાઢે છે – વૈજ્ઞાનિક ભાસે એવો નુસખો. જ્ઞાનપિપાસુ અધ્યયનરત હોસેને પ્રગતિનું ઘૅલું લાગે છે અને બને છે એવું કે એ બહુ જલ્દીથી એકાન્તમાં ધકેલાઇ જાય છે – જ્ઞાનની શોધમાં ખોવાયેલો – અન્ય મનુષ્યોથી દૂર …
પણ એ માત્ર એકાન્વાસી વિજ્ઞાની નથી. ઊલટું, એ એક નેતા છે. બહારની દુનિયાના સમ્પર્ક વિહોણી સૂમસામ જગ્યાએ ગામ રચાય એ માટે એણે ઘણી કાળજી કરી છે, ઘણો શ્રમ કર્યો છે. એટલે તો માકોન્ડો યુવાનોથી હર્યુભર્યું એક સરસ રમણીય ગામ બની આવ્યું છે. અરે, માકોન્ડોમાં હજી કોઇ મર્યું નથી !
જ્ઞાન અને પ્રગતિની ધૂનને કારણે હોસેને થાય છે કે માકોન્ડોને બહારની દુનિયા સાથે, સભ્ય સમાજ સાથે, જોડું. ઉત્તર દિશામાં એ એક અભિયાન શરૂ કરે છે. કેમ કે એને ખબર હતી કે પશ્ચિમમાં અને દક્ષિણમાં કળણ જ કળણ છે અને પૂર્વમાં પહાડો છે. પણ પછી માંડી વાળે છે. કેમ કે એણે જોયું કે માકોન્ડો પાણીથી ઘેરાયેલું છે અને બાકીની દુનિયા માટે મુશ્કેલ છે. પત્ની ઉર્સુલાએ એને રોકેલો પણ ખરો.
છેવટે હોસે નિર્ણય કરે છે કે બધું ધ્યાન સન્તાનોમાં આપવું. એક દીકરો છે, ઔરેલિયાનો – જે પાછળથી કર્નલ હોસે ઔરેલિયાનો બ્વેન્દ્યા નામે ઓળખાય છે. એ બાળક હતો તોપણ ભેદી અને અતડો દેખાતો’તો.
જિપ્સીઓ પાછા આવે છે ને સૌને જણાવે છે કે મેલ્કીઆદિસનું અવસાન થયું છે. બીજો દીકરો છે, જહોસે આર્કાદિયો – બાપ જેવો જ સમર્થ. સમાચાર સાંભળી હોસે દુ:ખી થાય છે પણ નવતાઓને વિશેનું એનું કુતૂહલ એ-નું-એ રહે છે.
જિપ્સીઓ જ્યારે એને બરફ બતાવે છે ત્યારે એ બોલી ઊઠે છે કે બરફ દુનિયાની મહાનતમ શોધ છે !
(હવે પછી, પ્રકરણ : ૨)
(August 11, 2022 : USA)
Pic Courtesy : Behance
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


અમે વાણિયા, નાણાંનું અને નાણાના હિસાબકિતાબનું મૂલ્ય બહુ સમજીએ. પિતાજી નાનપણથી જ ઘડિયા ગોખાવે. મને એકડે એકથી સો, પછી એકા અગિયારા એકવીસા અને થોડાક એકત્રીસા પણ આવડતા’તા; પા અડધા પૉણા ને થોડાક ઊઠા પણ આવડતા’તા. ઘડિયા જ્યાંથી બાકી હોય ત્યાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં ગગડાવી જવાની ટેવ પાડવામાં આવેલી, તેનું પરિણામ.
વીસમી સદીના ઍબ્સર્ડ થીએટરમાં અને સવિશેષે ફ્રૅન્ચ આવાં ગાર્દ થીએટરમાં નાટ્યકાર યુજિન આયોનેસ્કો (૧૯૦૯-૧૯૯૪) જગવિખ્યાત નામ છે. એમના એક નાટકનું
નાનપણમાં હું ડરપોક હતો. મોટેરાં રાતે રાતે ભૂતપ્રેતની વાતો ખાસ કરે. મારી કલ્પના ચગતી હશે એટલે ડર ન્હૉતો લાગતો, ઠીકઠીક મજા આવતી’તી, પણ ચોરોની વાતો નીકળે એટલે હું બીતો, વિચારમાં પડી જતો. મને થતું, મધરાત પછી પાછલે બારણેથી ઘૂસશે તો …
જેમ સાધુ પોતાના પવિત્ર જીવન માટે ઇશ્વરને પાર્થના કરતો હોય છે.