ગુજરાતી ભાષા અન્તર્ગત (in-built અથવા જન્મજાત) સર્જકતા વિશે મેં અગાઉ કેટલીક વાતો કરેલી.
એવી કે એ પ્રકારની વાતો આપણા સૌના સહભાગી વિચારવિમર્શ માટે આજથી આગળ ચલાવું.
દરેક વ્યક્તિ પોતાના ભાષિક સામર્થ્ય – competence – અનુસાર ભાષિક રજૂઆત – performance – કરતી હોય છે. સામર્થ્ય અને રજૂઆત એકબીજાનાં પૂરક છે, એકબીજામાં સુધારાવધારા કરી આપે. તદનુસાર આપણાં વર્તન ઘડાય છે, આપણાં સાહિત્યસર્જન કે લેખન પણ. એ વિશેની જાગૃતિ વધે અને સઘળાં વર્તન સાવધાનીથી થાય એ આ લેખમાળા પાછળનો આશય છે.
અહીં મિત્રો પાસે ચર્ચાની અપેક્ષા છે. ભાષાવિજ્ઞાનની રીતે વાત કરવા એનું જ્ઞાન જોઈશે. પરન્તુ સાદી સમજની ભૂમિકાએ પણ ચર્ચા કરી શકાય.
આ પ્રયોગો જુઓ —
૧
એણે એકી કરી દીધી.
એ બેકી ગયો છે.
મારા પગ એકી-બેકી રમે છે.
— એકી અને બેકી-માં એક અને બે વિશે વિચારો. દરેકને ‘ઇ’ લાગ્યો તેથી શું પરિણામ આવ્યું? વિચારો.
— એકી કે બેકી પદ એકલું અને એકી-બેકી પદ ભેગાં પ્રયોજાય (જેમ કે પગ સાથે) ત્યારે શું શું સમજાય છે તે વિચારો.
— મારા પગ એકી-બેકી રમે છે – પ્રયોગમાં જે લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ છે તેનું ટૂંકમાં વર્ણન કરી જુઓ અને બીજા આગળ, વિદ્યાર્થી હોય તો તેની આગળ, કરી બતાવો.
૨
આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
— આ વાક્ય ગુજરાતીની રીતનું નથી કે છે? — વિચારો.
— જાણીતી રીતનું આ છે – કાર્યક્રમ શરૂ કરીએ છીએ. — સરખાવો.
— છતાં એ ગુજરાતી વ્યાકરણસમ્મત વાક્ય છે. — તો એને સ્વીકારીશું કે કેમ?
— વાક્યમાં ‘હવે’ છે — એટલે ક્યારે?
— વાક્યમાં કરવું જવું રહેવું અને હોવું ક્રિયા-તત્ત્વો છે.
તો, કાર્યક્રમ શરૂ કરતા કરતા જતા જતા રહેતા રહેતા હોઈશું કે શું? — વિચારો.
= = =
(010525USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર