વિચરતા વિચારો …
આપણી આસપાસનાં સ્ત્રી-પુરુષ બધાં આપણને વિવેકી બનવાનું કહેતાં હોય છે. આપણે પણ એમને વિવેકી બનવાનું કહેતાં હોઈએ છીએ.
આ વિવેક, છે શું? વિવેક એક જીવનમૂલ્ય છે.
સામે કોઇ મળે તો સ્મિત આપવું, કેમ છો કે મજામાં છો એમ પૂછવું એ વિવેક છે. પણ સ્મિતને ઠેકાણે મૉં સખત રાખીને રાહ જોવી કે સામાવાળો શું કરે છે; મને જો, કેમ છો પૂછે; તો જ ઊભા રહેવું; એમાં ને એમાં તો બેત્રણ ડગલાં ચાલી જવાયું હોય છે. મૂલ્ય બાપડું વ્હીલું પડી જાય છે. કેટલીક એવી વ્યક્તિઓ ફોન માટે એવું કરે છે. રિન્ગ થવા દઈને મૂકી દે. એમ કરનારને એમ કે ‘મિસ્ડ્ કૉલ’-માં જોશે એટલે, એ કરશે. એ – પેલો કે પેલી – એમ હઠ રાખે છે કે એને જો વાત કરવી જ હતી તો રિન્ગ મારીને મૂકી કેમ દીધો, કરશે ફરી ! કશા મોટા ખરચા વિના અને જરા જેટલીયે ઝંઝટ વિના વિવેક-મૂલ્યને સાચવી આપનારું સાધન ફોન બચારું ચૂપ રહી જાય છે.
કોઇ પણ વ્યક્તિ સામે મળી હોય, ગમે એટલી કે સાવ જ અપરિચિત હોય, એને કશાપણ કારણ કે હેતુ વિના નાનકડું પણ સ્માઈલ આપવું એ વિવેક છે. અમેરિકામાં તો આ વિવેક એક રસમ છે. મતલબ એ છે કે મારી સામે મને એક જીવતું-જાગતું માણસ મળ્યું છે એને મેં સલામ ભરી, એના અસ્તિત્વનો હું સાક્ષી બન્યો. આ કોઇ નાનીસૂની વાત નથી. જીવન એથી રૂડું ને જીવવા-જોગ લાગે છે. કારણસર કે હેતુસર તો એકબીજાંને સૌ મળે છે. પણ એવાં મળવાં બધી જ વખતે સુખદ નથી હોતાં બલકે ઘણે ભાગે દુ:ખદાયી નીવડે છે. પણ કારણ વગરનું કે હેતુ વગરનું સ્મિત આપવાનું ઘણાને જરા પણ ફાવતું નથી. બબડે છે – પાછો એ જ કાં મળ્યો, દા’ડો બગડવાનો …
મને ટૅક્નોલૉજીની માનવજાતને સૌથી મોટી દૅણ જો કોઈ સમજાઈ હોય તો તે ફોન છે. હું તો એને મન અને હૃદય ગણું છું. ફોન ન આવે તો મન બરફ બની જાય છે. હૃદય બેસી જવા ધીમું પડી જાય છે. ફોન તો મનુષ્ય-જીવનમાં સરજાયેલાં અંતરોના વિનાશ માટે છે. એ ભૌગોલિક અંતરો તો નષ્ટ કરે જ છે – તમે ભારતમાં હોવ કે હું આમેરિકામાં. પણ એક સાચી મીઠાસભર્યો ફોન રીસામણાં જેવાં ભાવાત્મક અંતરોને પણ થોડી જ વારમાં દૂર કરી દે છે. એટલું જ નહીં, ઐતિહાસિક અન્તરોને પણ પળભરમાં ભૂંસી નાખે છે. જેમ કે, તમને છોડી ગયેલી વ્યક્તિનો વરસો પછી ફોન આવે તો વાત કરવામાં વાક્યરચનાનાં ઠેકાણાં નથી રહેતાં – કર્તા કર્મ ક્રિયાપદ આમતેમ થઈ જાય છે – આઈ મીન, આહ્લાદના માર્યા ઘાંઘા થઈ જવાય છે. મજા તો એ છે કે વાત પૂરી થયા પછી પણ એ ઘંટડી સંભળાયા કરે છે.
સ્માર્ટ ફોન તો વળી દૃશ્યો પણ સરજે છે. જાણે સામસામે જ બેઠાં છીએ. અરે, ખરેખરનાં સામસામે બેઠેલાં વચ્ચે પણ ન હોય એટલી બધી નિકટતા સરજાય છે. એને ભલે ઍક્ચ્યુઅલ નહીં પણ વર્ચ્યુઅલ ગણીએ. મને એનો વાંધો નથી. ફોનમાત્રને અને સ્માર્ટ ફોનને પોતાનાં કામ કરવા દઈએ. આપણે ‘સ્માર્ટ’ ન બનીએ, એ મૂલ્ય છે.
વિવેક સાચવવાનાં બીજાં પણ અનેક ઠેકાણાં છે, પણ એની વાત કોઈ બીજી વાર.
માનવ-સંસ્કૃતિની સફળતામાં વિવેક એક મોટું સાધન મનાય છે. પરન્તુ જો વ્યક્તિના જીવનમાં વિવેક સ્થિર થાય તો સંસ્કૃતિ ભલે સફળ થાય કે નિષ્ફળ જાય, આઈ ડોન્ટ કૅઅર …
= = =
(તારીખ ૯ સપ્ટેમ્બર ૨૦૧૯, યુ.ઍસ.એ.)