= = = = ગુજરાતી ભાષા-સાહિત્યમાં રવીન્દ્રનાથને ઉપલબ્ધ કરાવવાના જે કંઈ પ્રયાસો થયા છે તેમાં 'રવીન્દ્ર દર્શન' ગુટકાએ અને સંલગ્ન ‘વિશ્વમાનવે’ પણ પાયાનાં પૂરણ કર્યાં હતાં = = = =
= = = = રવીન્દ્રસૃષ્ટિમાં નારી એના પ્રકૃતિગત સ્વરૂપે વ્યક્ત થઈ છે. મનુષ્યજીવનના એક દુર્નિવાર અને અવિનાભાવી ઘટક તરીકે નારીનું જે મૂલ્ય છે, તેને પોતાની સર્જકતાના દ્રાવણમાં ઑગાળીને એમણે નવેસરથી અજવાળી આપ્યું છે = = = =
ચાલો, રવીન્દ્રનાથ પાસે જઈએ, આજે એમનો જન્મદિવસ છે.
છેલ્લા દોઢ-બે માસથી સ્વાભાવિકપણે જ આપણે ભગવાનને બહુ યાદ કરીએ છીએ. ભગવાને મોકલેલા કોરાના વિશે એને-ને-એને શું કામ પૂછવું? પૂછવું તો શી રીતે પૂછવું? કેમ કે એનું સરનામું કોઈ પાસે નથી. ભગવાનના દૂતો જો કોઈ હોય તો એમને પૂછી શકાય. પણ એ ય મહિમાવન્તો ક્યાં છે આપણા નસીબે, આપણી વચ્ચે?
રવીન્દ્રનાથે એમના ‘પ્રશ્ન’ નામના એક કાવ્યમાં ભગવાનને ઠીક પ્રકારનો ઠપકો આપ્યો છે. એટલું જ નહીં, દેવદૂતોને પાછા વળાવ્યા છે.
કેમ કે, કવિએ અને એમના આ કાવ્યનાયકે જોયું છે ને કાવ્યમાં કહ્યું પણ છે કે આ સંસારમાં અસહાય વ્યક્તિઓ પર પ્રહારો થયા છે, હિંસાઓ થઈ છે. જોયું છે ને કહ્યું છે કે પ્રતિકારહીન પ્રબળ અપરાધી સામે ન્યાયની વાણી મૂંગી મૂંગી રડતી રહેતી હોય છે. જોયું છે ને કહ્યું છે કે ઘોર યાતનાને કારણે તરુણ બાળક પાગલ બની ગયું હોય ને પથ્થરે માથું કૂટી મરી ગયું હોય.
આમ, હિંસા અન્યાય અને યાતનાની વાતે નાયકનો કણ્ઠ રુદ્ધ છે. વાંસળી એની ગીતવિહોણી છે. એણે ભગવાનને પૂછ્યું છે : જેણે વાયુ તારો બનાવ્યો ઝૅરી, હોલવ્યો તારો દીવો, કરી છે તેં શું ક્ષમા એમને, વર્ષાવ્યો છે પ્રેમ-ઝરો? : એટલે નાયકે ભગવાનને કહી દીધું કે –
ભગવાન ! યુગે યુગે તેં વારંવાર પાઠવ્યા તારા દૂત
દયાહીન આ સંસારે
ઉપદેશ દઈ ગયા એ સૌ : ‘સૌને ક્ષમા કરો’.
કહી ગયા : ‘સૌ પર પ્રેમ રાખો, ધોઈ નાખો અંતર-દ્વેષ-વિષ’.
પૂજનીય એ સૌ, સ્મરણીય બધા યે
તો યે બ્હારને દ્વારેથી
આજે દુર્દિને પાછા વળાવ્યા મેં એમને
કરીને વ્યર્થ નમસ્કાર.
કોરોનાની પ્રબળતા અને રાજસત્તા જેવાં માનવીય તન્ત્રોની નિર્બળતા વચ્ચે આ મુશ્કેલ સમયમાં કશા પરિણામે નહીં પ્હૉંચાડનારો જ્યારે ગજગ્રાહ સંભવ્યો છે, ત્યારે માનવજાત અસમંજસમાં પડી ગઈ છે કે કયા ભગવાનને કે તેના કયા દૂતને શું કહેવું અને કહેવું તો કેવી રીતે કહેવું …
જો કે આજે ચિત્તમાં મારા રવીન્દ્રસૃષ્ટિના મારી કારકિર્દીમાં થયેલા પ્રવેશ અને તે પછીના અનુબન્ધનાં કેટલાંક સ્મરણો ઊભર્યાં છે. મારે એની વાતો અહીં ખાસ ઉમેરવી છે.
૧૯૬૧, રવીન્દ્રનાથનું જન્મશતાબ્દી વર્ષ. હું જુનિયર બી.એ.માં હતો. કૉલેજમાં ત્રિ-દિવસીય રવીન્દ્રોત્સવ યોજાયેલો. એમાં રવીન્દ્ર-સંગીત અને તેમાં કાવ્યગાનનો કાર્યક્રમ પણ હતો. ત્યારે હું ઠીક ઠીક સારું ગાઈ શકતો’તો. અમે ચારપાંચ જણાં રવીન્દ્રનાથનાં જુદાં જુદાં ગીત ગાતાં’તાં પણ એક જે ખૂબ યાદ રહી ગયું છે, તેના બોલ છે – બાદલ મેઘે બાદલ બાજે …
અમે ગાતાં હતાં બાદલ મેઘે .. અને બરાબર એ જ વખતે બન્યું એવું કે આખી સભા કૉલેજની બારીઓ બહારના આકાશે જોવા લાગી. સૌએ જોયું તો ઘનશ્યામ વાદળ ગગડેલાં ને જોતજોતાંમાં જોરદાર વરસાદ શરૂ થયેલો. જૂન-જુલાઈના એ સમયે અમારા ગાયને જ જાણે વર્ષાઋતુને ધરતી પર બોલાવી લીધેલી … એ (સાંજ અને) રાત મારા માટે કેટલીક સુખદ રાતોમાંની એક છે.
એ જ વર્ષમાં, ભોગીલાલ ગાંધીએ એમના ‘વિશ્વમાનવ’ સામયિકનો ‘રવીન્દ્ર દર્શન’ નામે વિશેષાંક પ્રકાશિત કરેલો. અંકનું ક્રાઉન સાઈઝમાં પુસ્તક પણ કર્યું હતું. એના પહેલા જ મુખપૃષ્ઠ પર છાપેલું – ‘કિંમત રૂપીઆ આઠ’. ૫૪૬ પૃષ્ઠનું એ પુસ્તક ત્યારે પણ મને બહુ જ સસ્તું લાગેલું. હું અને રશ્મીતા એને વ્હાલમાં ‘ગુટકો’ કહેતાં …
બાદલ મેઘે બાદલ બાજે-ની ધૂન તે દિવસથી મનમાં રમ્યા કરતી’તી, તે મને લગની લાગેલી કે બંગાળી શીખું, શીખું જ … પુસ્તકો લાવીને પ્રયાસ ચાલુ કરેલો, પણ વ્યર્થ ! મેં રશ્મીતાને કહેલું – તું બંગાળી શીખી લે. એને ગમેલું અને મને યાદ છે, કૅમ્પસના ઘરેથી બસમાં એ ગુજરાત વિદ્યાપીઠમાં શરૂ થયેલા બંગાળીના ક્લાસમાં પ્રેમથી શીખવા જતી. પણ દીકરાઓની કારકિર્દીના ઘડતર કાજે એણે જેમ પીઍચ.ડી. પૂરું કરવાનું જતું કર્યું એમ બંગાળી શીખવાનું પણ સાવ જ છોડી દીધું …
મારું બધું કામ એ ગુટકાથી નભી જતું. પણ હું જીવ વાર્તાનો હોઈશ તે સૌ પહેલો પૂરી ગમ્ભીરતાતી રવીન્દ્રનાથની ટૂંકીવાર્તાઓમાં પરોવાયો. મેં લેખ પણ કર્યો, ‘રવીન્દ્ર-નવલિકા’. મને રવીન્દ્ર-ચન્દ્રક પણ અપાયો. પંચધાતુના ચન્દ્રક પર રવીન્દ્રનાથની છબિ ઉપસાવી છે. મને અપાયેલા ચન્દ્રકોમાં સર્વથા સુન્દર એ સ્તો છે !
પણ મારો રવીન્દ્રપ્રેમ વિકસ્યો તે ગુરુ સુરેશ જોષીના કારણે. એમને વાંચું તેમ રવીન્દ્રનાથને પણ વાંચું. ગુરુ પર ‘ટાગોરવેડા’-નો આક્ષેપ થયો છતાં હંમેશાં લાગ્યું કે ના, સુરેશભાઈ સંસ્કૃત શિષ્ટ સાહિત્ય અને સમગ્ર ભારતીય પરમ્પરાથી સાવધાનપણે પ્રભાવિત છે, રવીન્દ્રનાથથી પણ, તે છતાં, સુરેશભાઈ સુરેશભાઈ છે. ભોગીલાલ ગાંધી-સમ્પાદિત એ ગુટકામાં લેખકો અને અનુવાદકોમાં ભોગીભાઈ ઉપરાન્ત ઉમાશંકર જોશી, સુન્દરમ્, સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જયંતિલાલ આચાર્ય, કે.જી. સુબ્રહ્મણ્યન્, નગીનદાસ પારેખ, નારાયણ દેસાઈ, રમણલાલ સોની અને સુભદ્રા ગાંધી તો છે જ પણ સુરેશભાઈનાં લેખનો-અનુવાદો એમાં સર્વાધિક છે.
હજી હમણાં, ૨૦૧૯માં, વિપુલ કલ્યાણી અને તેમના પરિવારના આર્થિક સહયોગથી અને ગુજરાતી લૅક્સિકનના વ્યવસ્થાતન્ત્રની મદદથી ‘વિશ્વમાનવ’ સમગ્રની પ્રકાશ ન. શાહના સમ્પાદન હેઠળ, ડિજિટલ આવૃત્તિ પ્રકાશિત થઈ છે, એમાં આ વ્હાલો ગુટકો પણ સમાવિષ્ટ છે. ‘નિરીક્ષક’-માં પ્રકાશભાઈએ એ વિશે ઉપકારકપણે દીર્ઘ એવો લેખ પણ કરેલો.
મારે ખાસ કહેવું છે કે ગુજરાતી ભાષા-સાહિત્યમાં રવીન્દ્રનાથને ઉપલબ્ધ કરાવવાના જે કંઈ પ્રયાસો થયા છે તેમાં આ ગુટકાએ અને સંલગ્ન ‘વિશ્વમાનવે’ પણ પાયાનાં પૂરણ કર્યાં હતાં.
કઈ સાલ તે યાદ નથી. પણ મુમ્બઈ, ચર્ચગેટ પરની ઈન્ડિયન મર્ચન્ટ ચૅમ્બર, તેના હૉલમાં, કાલિદાસ શેક્સપીયર અને રવીન્દ્રનાથ સંદર્ભે એક ત્રિ-દિવસીય પરિસંવાદ થયેલો. એમાં મેં ‘રવીન્દ્રસૃષ્ટિમાં નારી’ વિષયે વ્યાખ્યાન આપેલું. ત્યારે બધો સમય રવીન્દ્રનાથની નવલકથાઓ સિવાયનું કશું જ વાંચેલું નહીં. વ્યાખ્યાનમાં મેં એ સૂરને સ્થિર કરેલો કે રવીન્દ્રસૃષ્ટિમાં નારી એના પ્રકૃતિગત સ્વરૂપે વ્યક્ત થઈ છે. મનુષ્યજીવનના એક દુર્નિવાર અને અવિનાભાવી ઘટક તરીકે નારીનું જે મૂલ્ય છે, તેને પોતાની સર્જકતાના દ્રાવણમાં ઑગાળીને એમણે નવેસરથી અજવાળી આપ્યું છે.
વ્યાખ્યાનમાં મેં દર્શાવેલું કે એમની સૃષ્ટિમાં નારીનાં મને ચાર સ્વરૂપો જોવા મળ્યાં છે : પ્રિયા કે પ્રેયસી સ્વરૂપ : ’ચૉખેર બાલિ’-ની વિનોદિની. ‘ઘરે-બાહિરે’-ની વિમલા. બીજું સતી-લક્ષ્મી સ્વરૂપ. તે પ્રિયા પ્રેયસી પત્ની કે માતા હોઈ શકે. એમનાં મોટા ભાગનાં નારી-પાત્રો સતી-લક્ષ્મીનો સંસ્કાર ધરાવતાં હોય છે પણ પછી ઘણાંમાં એ સંસ્કાર છિન્ન થઈને લુપ્ત થઈ જાય છે. આ સ્વરૂપની ઉત્ફુલ્લ રમણા તો જોગાજોગ’-ની કુમુદિનીમાં અનુભવાય છે. ત્રીજું છે, ભગવતી-અમ્બા સ્વરૂપ. લગભગ બધી રચનાઓમાં માતાઓ લગભગ આ સ્વરૂપે છે, પણ ’ગોરા’-ની આનન્દમયી તો એવી વિશુદ્ધ માતા છે. પોતે નહીં જણેલાં એવાં ગોરા-વિનયને કે સુચરિતા-લલિતાને એ, અનર્ગળ વાત્સલ્ય અને પ્રેમ બહુ સહજ ભાવે અર્પી શકી છે. ચૉથું છે, આધુનિકા સ્વરૂપ. નવ યુગનો સીધો પ્રભાવ ‘ગોરા’-ની વરદા સુન્દરી પર છે. જો કે, કવિ આધુનિક પ્રભાવોનું નારીમાં જે સુગઠિત સ્વરૂપ ઝંખતા હતા તેનું ઉત્તમ પ્રતીક તો સુચરિતા જ છે. વ્યાખ્યાનનું મેં લેખરૂપે મારા પુસ્તક ‘કથાપદ’-માં પ્રકાશન કર્યું છે. એ લેખ ૩૨ પેજનો છે એટલું એમાં પ્રવેશતાં પહેલાં ધ્યાનમાં રાખવું.
કોરોનાવાયરસને કારણે સંખ્યાબંધ મૉત જે થયાં છે એ સ્ત્રી-પુરુષોમાં, કહેવાય છે કે, પુરુષોની સંખ્યા મોટી છે. એ કારણે, એટલે કે એ નર્યા દુ:ખદ કરુણ અકસ્માતે, વિધવા થયેલી સ્ત્રીઓમાં નારીનાં આ બધાં જ સ્વરૂપો હશે એમ માનવું જરાયે ખોટું નથી – કોઈ કોઈની પ્રિયા કે પ્રેયસી હશે – કોઈ કોઈની સતી-લક્ષ્મી હશે – કોઈ કોઈની ભગવતી-અમ્બા કે કોઇ કોઈની આધુનિકા હશે … એ સૌ માટે જેટલી દિલસોજી વ્યક્ત કરીએ એટલી ઓછી છે ….
(May 7, 2020 : Ahmedabad)