= = = = આપણા સાહિત્યમાં થતા રહેતા રીવ્યૂઝની એક રસમ ઊડીને આંખે વળગે એવી છે – તે એ કે ઉમદા સાહિત્યમૂલ્ય ધરાવતાં પુસ્તકોનાં રીવ્યૂ કદી કરવા જ નહીં ! અને ઈન્ટરવ્યૂઝ તો કોના કરવા ને કોણ કરે ને શા માટે કરે? એકબીજાની સામે આવવાનું કે સામે પડવાનું જોમ ખતમ થઈ ગયું છે = = = =
'આત્મનેપદી' સુરેશ જોષીએ અન્યોને આપેલી મુલાકાતોનું પુસ્તક છે. એમાં ૭ મુલાકાતો છે. ૧૯૮૭માં મેં એનું સમ્પાદન કર્યું છે. ૧૯૮૬માં, એમનું અવસાન થયું અને આ સમ્પાદન જોવા તેઓ ન રહ્યા એનું મને આજે પણ દુ:ખ છે. દરેક મુલાકાતને શીર્ષક મેં આપેલાં છે. નૉંધવી ગમે એવી હકીકત એ છે કે મને 'આત્મનેપદી' શીર્ષક એમણે પોતે જ સૂચવેલું.
'આત્મનેપદી' સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત વ્યાકરણમાં 'પરસ્મૈપદ' અને 'આત્મનેપદ'-ની જોગવાઈ છે. એ પરથી એવા બે પ્રકારનાં ક્રિયાપદો બને છે. આપણે એમાં ન જઈએ, પણ નૉંધ લઈએ કે 'પરને વિશેનું પદ' તે પરસ્મૈપદ – વર્ડ ફૉર અનધર; અને 'આત્મને વિશેનું – પોતાને વિશેનું – પદ' તે આત્મનેપદ – વર્ડ ફૉર ધ સેલ્ફ. આ પુસ્તકમાં સુરેશભાઈ આત્મની ભૂમિકાએથી પોતા વિશે તેમ જ આપણા સાહિત્ય વિશે વાતો કરે છે. પૂરી પ્રામાણિકતાથી અને સાવધતાથી કરે છે.
પરિણામે, હું આ પુસ્તકને એક સમ્પ્રજ્ઞ સાહિત્યપુરુષના આત્મજ સાહિત્યદર્શનનો નાનો શો પણ બહુમૂલ્ય દસ્તાવેજ ગણું છું.
મેં સમ્પાદકીયમાં લખ્યું છે :
'કારકિર્દીના ઊગમથી આજ દિન સુધી સુરેશ જોષી આપણે ત્યાં વિવાદાસ્પદ રહ્યા છે. કેટલાક પ્રશ્નો એ વિવાદોની પેદાશ છે, તો કેટલાક ઉત્તરો નવા વિવાદો જગવનારા છે' :
આ વાતને આજે ૨૦૨૦ સાથે મૂકીને જોઈએ તો સાવ અવળું જોવા મળે છે. આજે વિવાદ તો કશો છે જ નહીં, વિ સંવાદ પણ નથી. જાણે ગુજરાતી સાહિત્યનું વિચારતન્ત્ર ખોટકાઈ ગયું છે. જાણે વિચારકો સુખનિદ્રામાં પોઢી ગયા છે. જાણે મોવડીઓ ઇતિ સિદ્ધમ્ કહીને ચૂપ થઈ ગયા છે. હું સારો ને સરસ છું, તું સારો ને સરસ છું, આપણે સૌ સારા ને સરસ છીએ – પ્રકારના બનાવટી સંતોષમાં આપણે બધા મ્હાલીએ છીએ. આ ન નભાવી લેવાય એવી આત્મરતિ છે.
સાહિત્યવિષયક આપણા પ્રશ્નો આજે ઘટ્યા નથી, વધ્યા છે, વધી રહ્યા છે, વધવાના છે. એમના સમયના પરિદૃશ્યની સરખી સમીક્ષા કરીને સુરેશભાઈએ દિશાસૂચક ઉત્તર વાળ્યા છે. એવું કામ કરનારો આપણી વચ્ચે આજે કયો સાહિત્યકાર? સામુદાયિક જાડ્ય એવું ઠર્યું છે કે કોઈને વિવાદાસ્પદ કશું લાગતું જ નથી. કોઈને કશો મમત, દાઝ કે બળાપો છે જ નહીં. ચોતરફ ભૅંકાર સુસ્તી સમસમે છે.
એવા દુ:ખદ વર્તમાનમાં 'આત્મનેપદી'-ના પુન:સ્મરણને હું જરૂરી સમજું છું અને તેના પુનર્વાચનને ઘણું ઉપકારક લેખું છે.
સાહિત્યકલાના ઉત્કર્ષ પરત્વે વિવાદાસ્પદ હોવું તે બહુ મોટું મૂલ્ય છે. કેમ કે સાચો સાહિત્યકાર કે કલાકાર સંસ્કૃતિ અને સભ્યતાને હંમેશાં પ્રશ્નો કરે છે. પોતાના ક્ષેત્રમાં પ્રગટેલા નકામા આવિષ્કારો અને આચરણો વિરુદ્ધ ચર્ચાઓ જગવે છે. નિષેધ, ઊહાપોહ અને વિવાદો સુરેશભાઈની તો સમગ્ર કારકિર્દીનો વિશેષ હતો. તેઓ એક કલાકારની હેસિયતે 'ના' પાડનારા – નેસેયર – હતા. ખુદના જીવનકાર્ય વડે એમણે સમજ આપી કે આપણા સમયમાં નિષેધ પોતે જ કેટલું મોટું મૂલ્ય છે. પણ તેઓ નકારવાદી કે સિનિક ન્હૉતા. આ મુલાકાતોમાં એમણે અનેક દુષ્ટ પરિબળોને કારણે દબાઈ ગયેલી સાહિત્યપરક કેટલીયે આશાઓ અને સૂઝબૂઝોને અનાવૃત્ત કરી બતાવી છે. ૧૯૮૪માં સાહિત્ય અકાદમી દિલ્હીના ઍવૉર્ડનો અસ્વીકાર જાહેર કર્યો એ એમની કારકિર્દીની અત્યન્ત વિદ્રોહશીલ ઘટના હતી. એમણે કહેલું 'સાહિત્ય અકાદમીનું વિ સર્જન કરી નાખવું જોઈએ.' એ અંગે એમણે આપેલાં કારણો ખૂબ વાજબી હતાં. એઓ અમને કહેતા કે ધ્યાન રાખો, વિદ્રોહ કરનારની જવાબદારી અનેકગણી હોય છે. સુરેશભાઈએ કરેલા તમામ વિદ્રોહો જવાબદારીના ભાનથી થયેલા છે, એટલું જ નહીં, સાહિત્ય-અધ્યયન તેમ જ સાહિત્યકલાનાં વિવિધ રસાનુભવોની સાત્ત્વિક ભૂમિકાએથી થયેલાં છે. એમાં સાહિત્યશબ્દનાં બહુવિધ સત ઝલમલે છે.
આ પુસ્તક લઈને બેસનારા વાચકને સુરેશભાઈનો એ જ સાચકલો અવાજ ફરીથી સાંભળવા મળશે. પહેલી વાર વાંચનારને એ અવાજનો ભાસ થશે. એમાં રજૂ થયેલાં એમનાં મન્તવ્યો, મન્તવ્યો જ છે, તેમ છતાં, સાહિત્યકલાની ઊંડી નિસબતથી જન્મેલી, એ એવી સમજદારી છે જેની હંમેશાં ખેવના કરવી જોઈએ. એમના સમગ્ર વિશ્વને સમજવા માગે એ વ્યક્તિ માટે પણ આ દસ્તાવેજને હું અનિવાર્ય ગણું છું. સાહિત્યના તત્ત્વાન્વેષી અધ્યેતાને પણ એમાંથી સમુપકારક વિચારદ્રવ્ય મળી શકે એમ છે.
'આત્મનેપદી' પ્રકાશિત દસ્તાવેજ છે પણ ઉમેરું કે ઘણો કીમતી દસ્તાવેજ છે. એમાં આપણને સુરેશભાઈએ પોતાને અંગે બીજાઓને થયેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. એમની સામે થયેલી અને ઘડીભર ખરી લાગેલી ફરિયાદોનાં નિરાકરણ અને નિવારણ કર્યાં છે. એક વાત ખાસ નૉંધવી જોઈએ કે આ સૌ મુલાકાતકારોએ સુરેશભાઈ પ્રત્યેની શ્રદ્ધાથી અને સાહિત્યપ્રીતિથી એમને પ્રશ્નો કર્યા છે. હા, સુરેશભાઈ કશા ગુનેગાર હોય એમ કોઈ મુલાકાતકાર એમની જડતી લેતા લાગે છે. તો કોઈ વળી એમની વિચારધારાની સામે પડવાની કોશિશ કરતા લાગે છે.
અહીં એક વીગત એ ઊપસે છે કે વગદારોનાં જૂથ, વહાલાદવલાં ને નાના-મોટાના વ્હૅરાઆંતરાથી જન્મેલા સાહિત્યિક રાજકારણે આપણી પ્રગતિને રૂંધી છે. આ સ્થિતિને વિશેનો સુરેશભાઇનો આક્રોશ આ મુલાકાતોમાં અવારનવાર જોવા મળશે. જુઓ, સાહિત્યિક સિદ્ધિ કે સફળતા કે પ્રશંસા કે ઇનામ-ઍવૉર્ડ જેવી અનેક સંલગ્ન માનસિકતાઓ પર સુરેશભાઈએ આ મુલાકાતોમાં ભારે પ્રહારો કર્યા છે. એ પ્રહારોથી ઘણી જાગૃતિ આવેલી. સમજાઈ ગયેલું કે ગુજરાતી લિટરરી કલ્ચર કેટલું તો પછાત છે, રુગ્ણ છે. એવા પ્રહારોની આજે પણ એટલી જ જરૂરત વરતાય છે. ખાસ તો એટલા માટે એ કલ્ચર અને કલ્ચરની વાતો કરનારા પોતે જ પોકળ ભાસી રહ્યા છે. નવોદિતોને અહીં ઊહાપોહને માટેની ઘણી પ્રેરણાઓ અને શીખ મળી શકે એમ છે, નીવડેલાઓને આત્મપરીક્ષણની તકો મળી શકે એમ છે. એવાં એવાં કારણોથી પણ આ પુસ્તક આકર્ષક અને રસપ્રદ બન્યું છે. જેમ વાચક એમનું 'જનાન્તિકે' ન વાંચે તે ન ચાલે એમ 'આત્મનેપદી' ન વાંચે તે પણ ન ચાલે.
મુદ્દો તો એ છે કે કોઈ લેખક પોતાની માતૃભાષાના સાહિત્યકારો સમક્ષ આ રીતે પોતાની સૃષ્ટિ વિશે પોતાનાં અન્તર-મનને ખોલે અને આન્તરપ્રકાશ પાથરે તેનું ચૉક્કસ મહત્ત્વ છે. અનેક મુલાકાતોમાં એમના આન્તરપ્રકાશને પામી શકાય છે. કરવાનું એ રહે છે કે એમની સચ્ચાઈને પ્રમાણીએ, એમણે કરેલી સ્પષ્ટતાઓની અને એકરારોની નૉંધ લઈએ અને ખાસ તો એ કે એમની વાતો કેવાંક સાહિત્યમૂલ્યો ચીંધે છે તેની કાળજીપૂર્વક નૉંધ લઈએ. સુજ્ઞોએ જોયું છે કે એ મૂલ્યો ઉચ્ચોચ્ચ છે, સર્વકાલીન છે, સાર્વત્રિક છે, અને સર્વથા ધ્યાનાર્હ છે.
વિશ્વ સાહિત્યની, સવિશેષે પશ્ચિમના સાહિત્યની, એક વિશેષતા એ છે કે ત્યાં બે પ્રવૃત્તિ નિરન્તર ચાલતી હોય છે : રીવ્યૂઝ અને ઇન્ટરવ્યૂઝ. રીવ્યૂ કરનારો એ લેખકની સૃષ્ટિ વિશે સાફ સાફ કહે અને ઇન્ટરવ્યૂ આપનારો પોતાની સૃષ્ટિ વિશે સાફ સાફ કહે. સામયિકોમાં, રેડીઓ અને ટી.વી. પર તેમ જ હવે ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ વગેરે ચૅનલ્સ પર ઇન્ટરવ્યૂ એક કાયમી ફીચર રૂપે સ્થિર થઈ ગયું છે.
આપણા સાહિત્યમાં થતા રહેતા રીવ્યૂઝની એક રસમ ઊડીને આંખે વળગે એવી છે – તે એ કે ઉમદા સાહિત્યમૂલ્ય ધરાવતાં પુસ્તકોનાં રીવ્યૂ કદી કરવા જ નહીં ! અને ઈન્ટરવ્યૂઝ તો કોના કરવા ને કોણ કરે ને શા માટે કરે? એકબીજાની સામે આવવાનું કે સામે પડવાનું જોમ ખતમ થઈ ગયું છે.
પણ વિદેશમાં થતા રહેતા એ ઇન્ટરવ્યૂઝમાં મેં જોયું છે કે એમાંના કેટલાક તો બચાવનામું લાગે એવા નિ:સામાન્ય હોય છે. એમાં વ્યક્તિ પોતાની સિદ્ધિઓને આગળ કરતી હોય છે અને મર્યાદાઓને છાવરતી હોય છે. પણ હું સ્પષ્ટપણે કહી શકું છું કે 'આત્મનેપદી'-માં સુરેશભાઈએ પોતાની સિદ્ધિઓ વિશે ઘણી નમ્રતા દાખવી છે, એટલું જ નહીં, ઊલટું, સાહિત્યિક સિદ્ધિ નામની સમજ સામે એમણે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. હું એમ કહું કે સિદ્ધિમાં તેઓ માનતા જ નથી.

બધી મુલાકાતોમાંથી પસાર થનારને લાગશે કે સુરેશભાઈ તત્સમવૃત્તિને વરેલા નથી, સ્થિતસ્ય સમર્થનમ્ કરનારા નથી. આપણાથી તેઓ જુદું જ વિચારે છે. જેમ કે, સર્જનમાં તેઓ સંતોષમાં નથી માનતા. કહ્યું છે – મારી કૃતિઓથી મને સંતોષ નથી … કેમ કે મને સંતોષ થાય એવી રચના હું હજી કરી શક્યો નથી. સંખ્યાબંધ (૭૦-૮૦) ટૂંકીવાર્તાઓ લખી છે છતાં માત્ર ૧૮-ને જ પ્રકાશનયોગ્ય ગણી છે. જેમ કે, લખાવટ આવડી જાય, લઢણ બેસી જાય, એ જાતની હથોટીથી સાવધ થવા કહે છે. જેમ કે, વાચકને મુશ્કેલ પડશે, એની સાથેના સમ્બન્ધો બગડી જશે એ બીકે એની દયા ખાવામાં નથી માનતા. એ નિમિત્તે કલાકૃતિની ઊણપને નભાવી લેનારા માનવતાવાદમાં નથી માનતા.
સર્જનપ્રક્રિયાને તેઓ સાદીસરળ નહીં પણ પરમ ગુહ્ય વસ્તુ ગણે છે. પણ તેમાં રોમાન્ટિક બનીને આત્મરતિમાં સરી પડવાનો ભય પણ જુએ છે. લીલામાં માને છે, પણ સાધનાને જરૂરી લેખે છે. જણાવે છે કે પ્રકૃતિ ફૂલ જેવા પરિણામને જ બહાર પ્રગટ કરે છે, નહીં કે એ પાછળની પ્રક્રિયાને. આપણને એમણી સમગ્ર સૃષ્ટિ પરથી અંદાજ આવે છે કે સાહિત્યને તેઓ પ્રોડક્ટ નથી ગણતા પણ એને સદા ચાલનારો એક પ્રોસેસ કહે છે. એમનો સર્જકજીવ હંમેશાં પ્રક્રિયામાં પરોવાયેલો રહ્યો છે. અને તેથી આપણે જોઈ શકીએ છીએ કે એમનામાં પ્રયોગને વિશેનું સાહસ છે, ખાંખત છે, અને સફળતાને વિશે તેઓ ઉદાસીન છે. લખાવટ લઢણ કે હથોટી વિશે સાવધ રહેવા કહે છે. પૂર્ણતામાં પણ નથી માનતા. સર્જનને સમ્પન્ન કરવા વિશે આપણને હોય એવી એમને ઉતાવળ નથી હોતી પણ એમનામાં અપાર ધૈર્ય છે, તિતિક્ષા છે. એટલે તેઓ નિરાંતજીવ થવામાં કે ઠરીઠામ થવામાં પણ નથી માનતા. એક મુલાકાતમાં કહ્યું છે કે : આપણને એવું લાગવા માંડે કે ચાલો, આમાં હવે ઠરીઠામ થયા, આ મને ફાવી ગયું, તો એની સામે મને વાંધો છે : એને તેઓ સાર્ત્રના શબ્દોમાં 'ઍબ્સ્યોલ્યુટ ફેઇલ્યૉર ઑફ સક્સેસ' કહે છે.
મર્યાદાઓ વિશે ખૂલીને વાત કરી છે. કેમ કે આત્મપરીક્ષણ કરીને મર્યાદાઓ જોવી એ એમની કાયમની રસમ રહી છે. પોતાનાં લેખનોને રદબાતલ કરવાની એમની તૈયારી વિરલ છે. જાણીતું છે કે પહેલા કાવ્યસંગ્રહ 'ઉપજાતિ'-ને એમણે જાતે રદ્દ જાહેર કરેલો અને 'છિન્નપત્ર'-ને મુસદ્દો કહેલો. એક મુલાકાતમાં કહે છે : 'વાતાયન'ના અન્તમાં સંયમ રાખ્યો હોત તો વધારે સારું થાત : અન્યત્ર કહે છે : કવિતા મને બહુ ફાવી છે એમ હું નહીં કહું : એક સ્થાને એનો સરસ ખુલાસો મળે છે. એમણે જણાવ્યું છે કે નાનપણથી પોતાને વાચનનો જબરો શોખ હતો. કૉલેજકાળમાં બંગાળી શીખેલા. ટાગોર વાંચેલા. સંસ્કૃત જાણતા હતા એટલે વેદોપનિષદોનો પરિચય મેળવેલો. કરાંચીમાં અધ્યાપક થયા એ અરસામાં કૉન્ટિનેન્ટલ લિટરેચર વાંચેલું. પણ એ સઘળી અધ્યયન-સમ્પદાને પરિણામે લેખન અને સર્જનને વિશેનાં એમનાં ધોરણો ઊંચાંથી ઊંચાં થવા લાગેલાં. કહે છે : આ બધાએ મારામાં અમુક ધોરણો જન્માવ્યાં જે વડે મારાં કાવ્યો માપતાં મને સમજાયું કે તેમાં ક્યાં ય રચનાગત સિદ્ધાન્ત યા શિસ્ત ન્હૉતાં, માત્ર લાગણીવેડા હતા અને આવેગો જ હતા, તેથી મેં એનો નાશ કર્યો.
આ પુસ્તકમાં કેટલાં ય સ્થાને આપણને મૂલ્યવાન નવ્ય વિચારો જોવા મળે છે. એમણે સાહિત્યકારની પ્રતિબદ્ધતા વિશે કે પ્રકાશનમાં રાખવા જોઈતા વિવેક જેવા અનેક વાનાં વિશે માર્ગદર્શક વિચારો રજૂ કર્યા છે. બે એકનો ખાસ નિર્દેશ કરું : સર્જન અને વિવેચન ભિન્ન છે એ ખયાલ આપણે ત્યાં વર્ષોથી જામી પડેલો છે – આ સર્જક છે ! આ તો વિવેચક છે ! સર્જક મોટો ગણાય ! વિવેચક વિવેચક જ રહે, સર્જક ન થઈ શકે ! વગેરે. સુરેશભાઇએ બન્ને પ્રવૃત્તિઓને અભિન્ન ગણી છે. હું એ વિવરણમાં નથી જતો. સાહિત્યના ઇતિહાસ વિશે જુદું જ કહ્યું છે. વૈયક્તિક સર્જકતા પોતાના આવિષ્કાર માટે સાહિત્યસ્વરૂપ સાથે મથે છે એ મુકાબલાને ઇતિહાસકારે ધ્યાનમાં લેવો જોઇએ. તો એને એ સાહિત્યસ્વરૂપના વિકાસનો ખયાલ આવે. દાખલા તરીકે, મારી સર્જકતા ટૂંકીવાર્તા સાથે પાનું પાડે છે ત્યારે ટૂંકીવાર્તાના સાહિત્યસ્વરૂપના વિકાસની શક્યતા ઊભી થાય છે. એમનું મન્તવ્ય છે કે ઇતિહાસકારે રેડિમેડ જજમૅન્ટથી ન ચાલવું જોઈએ, ઇતિહાસકારે પોતે જજ બનવું પડે. તો, એ પ્રકારે ઇતિહાસકારનો ધર્મ પણ બની આવે.
આને બચાવનામું નહીં કહી શકાય, આ તો છે એમના સ્વત્વનો ઉઘાડ, એમના આત્મત્વનો વિલાસ. એક મુલાકાતનું શીર્ષક છે, 'વૉઇસ ઑફ સુરેશ જોષી'. એ વૉઇસ ગુજરાતી સાહિત્યવિશ્વમાં રૅઅર છે, સ્પેશ્યલ છે. આપણને સમજાય છે કે સુરેશભાઈ રેલોલ-ના માણસ નથી. એમની વાણીમાં આપણને એક સાચકલા સારસ્વતનાં દર્શન થાય છે. સુરેશભાઈ અહંમન્ય નથી પણ પોતાને વિશે મગરૂર જરૂર છે. સર્જનને સાહસ ગણે છે અને તેને વિશેની એમનામાં યુયુત્સા છે અને નિષ્ઠા તો ઘણી છે. એક મુલાકાતમાં કહ્યું કે : મેં હજી હથિયાર હેઠાં નથી મૂક્યાં : ગુસ્સો નથી દાખવતા એમ નથી પણ પોતાના તિક્ત અને ધારદાર શબ્દને વ્યંગભરી રમૂજમાં રૂપાન્તરિત કરી જાણે છે. નિત્યજાગ્રત છે, સ્થિતપ્રજ્ઞ લાગે – કેમ કે પોતાની કોઈ વાતે ખુશ નથી થઈ જતા કે દુભાઈ નથી જતા.
આજે તો આપણે ત્યાં, કોઈએ નાનકડું ગતકડું કાઢ્યું હોય તે ય કવિ છું કહેતો છાતી ફુલાવીને ઘૂમે છે. અછાન્દસને નામે નિબન્ધ-જેવું ચીતરી પાડ્યું હોય તેને પણ આપણે આપણો કેટલો મોટો અછાન્દસકાર છે કહીને પોરસાવ્યા કરીએ છીએ. સુરેશભાઈની જાગૃતિની જેટલી સ્પૃહા કરીએ એટલી ઓછી.
આ મુલાકાતોમાંથી મારે માટે એમની જે છબિ ઊપસી છે, તે કંઈક આવી છે : એક સાહિત્યજ્ઞ તરીકે સુરેશભાઈ સ્પષ્ટભાષી, નિશ્ચલ પણ નિખાલસ વ્યક્તિ છે. એમના ઉદ્ગારો જુઓ : મારી સમજ પૂરેપૂરી વિકસેલી હોવાનો મારો દાવો નથી : મારે મન એનું મહત્ત્વ નથી : એવું હું નથી માનતો : હું બધી શક્યતાઓનાં દ્વાર ખુલ્લાં રાખીને ચાલતો હોઉં છું : મને એ વાતોનો ઉત્સાહ નથી : ઘણું થઈ શકે પણ એમાં મને રસ નથી : હું કોઈ મધુદર્શી સમન્વયકાર નથી : એની સામે મારો વાંધો છે : મેં કોઈ ચૉકો જમાવ્યો નથી : વગેરે.
સાથોસાથ, સુરેશભાઈ કોઈ વેદાભ્યાસજડ પણ્ડિત નથી પરન્તુ ઋજુહૃદયી ઉમદા મનુષ્ય છે. પાંદડું હાલે ને આ માણસ નિસ્સમયમાં ચાલી ગયો હોય. નિબિડ નિસ્તબ્ધતા છવાઈ ગઈ હોય ને પોતે નિશ્ચિહ્ન થઈ ગયા હોય, સુદૂરમાં ચાલી ગયા હોય, પાછા ફરે ત્યારે પોતે જ પોતાને ઓળખી શકે નહીં. એમણે જાત અને જીવન જોડેનું એવું પરાયાપણું અનુભવ્યું છે. મને એક વાર કહેલું કે – રોજ મારી જાતને હું લખી લખીને પામું છું. મારા સંદર્ભને ઓળખી શકું છું, મારી મર્યાદાઓને સતત જાણતો રહું છું. એક મુલાકાતમાં કહ્યું છે કે સતત એક સૂર, મારે જો પ્રગટ કરવાનો હોય, તો એ આ વિષાદનો કે વેદનાનો સૂર છે. અન્યત્ર કહ્યું કે : જીવન વિશે હું કશું પામી ગયો નથી : એક બીજી મુલાકાતમાં કહ્યું કે : પોતાને હંમેશાં યાદ આવે છે, એક જાતનું હિઝરાયા કરવાનું, સોરાયા કરવાનું, ઝૂરવાનું : તેમ છતાં એમની ઝંખના તો સેતુ અને સાયુજ્યની જ હતી. અહમ્ ઑગળી જાય ને વ્યાપી જવાય એ એમની મૂળ મનીષા હતી.
પુસ્તકમાંથી આ વખતે હું પસાર થયો ને કંઈક જુદું બન્યું. મને ગોવર્ધનરામે લખેલું 'સાક્ષરજીવન' યાદ આવી ગયું. એમાં એમણે સાક્ષરજીવનના આદર્શો અને સાક્ષરના ધર્મકર્મ વિશે વિસ્તારથી ગ્રન્થ ભરીને વાત કરી છે. પણ ગોવર્ધનરામની એ સમગ્ર વાત સર્વસામાન્ય છે, શાસ્ત્રતરફી છે. એટલે, કદાચ એને પરસ્મૈપદી કહેવાની લાલચ થઈ આવે છે. જ્યારે, સુરેશભાઈની વાત વૈયક્તિક છે, અનુભવતરફી છે, પૂરેપૂરી આત્મનેપદી છે. એમાંથી ઊપસતા તમામ વિચારોને સરસ રીતે ગૂંથી શકાય તો સુરેશ જોષીએ કલ્પેલા સાહિત્યકારનું જીવન શું હોવું જોઈએ એની લગીર ઝાંખી થાય. એમના દૃષ્ટાન્તે આપણને સાહિત્યદર્શનની એક નાનકડી નિરૂપણા મળી શકે. અસ્તુ.
(August 16-17-18, 2020: Ahmedabad)
![]()


સંશોધન વિશે બોલવું અને સંશોધન કરવું – એ બે વાતોમાં, બોલવું સહેલું છે. સંશોધન કરવું જ મુશ્કેલ છે. તમે બધાં એ મુશ્કેલ કાર્યમાં લાગી ગયાં છો એ સારી વાત છે, એમાં સફળતા માટે તમને સૌને આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.
સંશોધન પ્રકાશિત થાય છે, પુસ્તક રૂપે, ત્યારે સંતોષ એ ગ્રન્થના અર્પણમાં ઠરતો હોય છે – જાણે, માતાના ખૉળામાં નવજાત બાળક ! હું હંમેશાં મારાં પુસ્તકોનાં અર્પણ લખતી વખતે પ્રસન્ન હોઉં છું. જો કે જેને અર્પણ કર્યું હોય એ ભાઈ કે બે’ન મને ભાગ્યે જ કશો પ્રતિભાવ પાઠવે છે. પુસ્તક ભેટ આપું ત્યારે ય મને શંકા બલકે ખાતરી હોય કે નહીં વાંચે, વાંચશે તો કશું પણ કહેશે નહીં. મારા લેખોનાં ‘બહુ સરસ છે’, ‘ખૂબ જ મજા આવી’ જેવાં મૌખિક વખાણ બહુ જ સાંભળવા મળે છે, કેટલાં તો મને ‘લાઇક્સ’ મળે છે, પણ મને ખબર હોય છે કે વાતમાં કેટલો માલ છે. પણ તમને કહું? કશું જ ન બોલતા પેલા અઠંગ દમ્ભી મુનિઓ કરતાં આ બધાં વખાણકારો ને ‘લાઇક’વાળાં ઘણાં સારાં – ટહુકો કરી હાજરી તો પુરાવે છે …
વાર્તામાં ‘સન્નિધીકરણ’-નો વિશેષ મને એ રીતે જ જડી આવેલો. સુરશ જોષી ‘કલ્પનનિષ્ઠ’ સાહિત્યકાર છે એ સાર પર પણ હું એ રીતે જ પ્હૉંચેલો. આ બન્ને શોધ-વસ્તુઓ પર મારો વાચક તર્કપુર:સર વિચારે તો એમાં એને કશું ન સ્વીકારવા જેવું નહીં લાગે, બલકે એ એને વધાવી લેશે, ને એ પ્રકારે સુરેશ જોષીની સર્જકતાને વિશેનું એ જ્ઞાન પ્રસરશે. હા, ત્યારે એ ભાઈ મારું નામ ન લે અને બધું પોતે શોધી કાઢ્યું છે એમ ઠઠાડે, તો એમ થવાનો પૂરો સંભવ છે. રાજકોટની એક સભામાં એમ બનેલું. સુરેશ જોષી વિશે એ વક્તાશ્રી મારું જ બધું, લગભગ મારા જ શબ્દોમાં, બોલ્યે જતા’તા, એમને ખબર ન્હૉતી કે સભામાં હું હાજર હતો.

બીજી વાત : પહેલા સંગ્રહનું શીર્ષક ‘જનાન્તિકે’ રાખ્યું છે, એ સમજવા જેવું છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નટો દ્વારા થતા એક ઉચ્ચારણને જનાન્તિકે કહ્યું છે. બે પાત્રો ત્રીજા પાત્રની હાજરીમાં કાનમાં વાત કરે છે. ત્રીજું પાત્ર ન સાંભળવાનો ડૉળ કરે છે. આ વાતને સુરેશભાઈએ પોતાની રીતે વિકસાવી છે, કહે છે