અમદાવાદ ગાંધી આશ્રમમાં હું બાપુનો ઇન્ટરવ્યુ લેવા ગયો. બાપુ ત્યાં પોતાની કુટિરમાં બેઠા બેઠા ચરખો કાંતી રહ્યા હતા. મેં કહ્યું, "બાપુ, નમસ્કાર!"
બાપુએ સહજભાવે કહ્યું, "નમસ્કાર, આવ બેટા, આવ!"
મેં કહ્યું, “બાપુ, એક પાંચ સવાલનો ઇન્ટરવ્યુ કરવો છે, આપ રજા આપો તો."
બાપુએ તરત જ ઉત્તર આપ્યો, "પહેલો સવાલ પૂછો."
મેં પણ વિલંબ વિના પૂછી લીધું, "બાપુ આજે તમારો 150મો જન્મદિન છે આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, શું કહેશો?
બાપુ બોલ્યા, "દેશમાં સરકાર મારા જન્મદિન પર પૈસા વાપરવાના આયોજન કરી રહી છે એનાથી મને સૌથી વધુ દુ:ખ છે … આ પૈસો લોકોના પરસેવાનો ખરો કે નહીં? એનાથી મારી વાહવાહી થાય એવું મને ન જ ગમે, સ્વાભાવિક છે. દુનિયા મારી સાદાઈ અને કરકસર તરફ આકર્ષાઇ છે એવા સમાચાર મળે રાખે છે, પણ મારું ભારત મારા જીવન સંદેશનું જાણે શિર્ષાસન કરી રહી છે."
મેં બીજો સવાલ પૂછ્યો, “બાપુ, તમારા હત્યારા નથૂરામ ગોડસેનાં મંદિરો, સંસ્થા અને ભક્તો બનેલા છે, વર્તમાનમાં તમારાં પૂતળાંને મારવાના કાર્યક્રમો જાહેરમાં થાય છે, આ પ્રવૃતિ વિશે બે શબ્દો કહેશો?"
બાપુએ બોખા સ્મિત સાથે કહ્યું," બિચારો નથૂરામ ગોડસે! મને કોઈ આશ્ચર્ય નથી કારણ કે એ બિચારો તો એક રમકડું માત્ર હતો. એના પર દયા ઉપજે, મારી હત્યા પહેલાં પણ આ લોકો અને સંસ્થા મને મારવાના ચાર વાર નિષ્ફળ પ્રયત્નો કરી ચૂક્યા હતા, ત્યારે હું બચતો રહ્યો પાંચમી વખતે એ સફળ રહ્યો. પણ એક વાતનો રંજ રહી ગયો કે મારે આવા મોતે મરીને અમર નહોતું થવું પણ એ કામ એ કરતો ગયો. અને રહી વાત મારાં પૂતળાંને ગોળી મારવાના કાર્યક્રમોની, તો તું એનો મને સંપર્ક કરાવી આપે તો હું એમને જરૂર સમજાવી શકું તેમ છું."
મારો ત્રીજો સવાલ, "વર્તમાન ભારતમાં સ્વચ્છતાનો આપનો સંદેશ પૂરા ભારતમાં ગૂંજી રહ્યો છે એ વિશે કંઈક કહેશો."
બાપુએ જણાવ્યું, "સ્વચ્છતાના કામની જવાબદારી દરેકે વ્યક્તિગત રીતે ઉપાડી લેવી જોઈએ, એમ હું માનું છું. આખી જિંદગી મેં એ યજ્ઞ કર્યો હતો, પણ આપણી કેળવણીમાં કચાશ રહી ગઈ છે એ માનવું જોઈશે. કારણ કે આપણે એને બૂરું કામ માનીને એને એક ચોક્કસ વર્ગ પર ઢોળી દીધું છે, જે દર્શાવે છે કે સડો આપણા દિમાગમાં છે. સરકારનું તો સમજ્યા, એમને એમની સત્તા માટે આખો ગાંધી પોસાય એમ નથી, એટલે ખપ પૂરતા અમુક સિદ્ધાંતો પર દળે રાખે છે એ એમનું કામ છે."
ચોથો સવાલ," બાપુ, વર્તમાન રાજકારણ પર કાંઈક ટિપ્પણી?
બાપુએ લાંબો નિસાસો નાખીને કહ્યું, "સબકો સન્મતિ દે ભગવાન! પ્રતિશોધની આગ ભારતના હાર્દરૂપ સત્ત્વને ખતમ કરી નાખશે. આ દેશ એની એ જ ઓળખ સાથે આઝાદ થયો હતો કે વિવિધતામાં એકતા છે. એને ડૂચા દેવાથી હિન્દુસ્તાનનો દેવ કોપી ઊઠશે."
પાંચમો સવાલ, "હિન્દુસ્તાનના ભવિષ્ય માટે શું સંદેશ આપશો?"
બાપુ એક ક્ષણના વિલંબ વિના કહેવા લાગ્યા, "મારાં સ્વપ્નનું સ્વરાજ પહેલાં પણ નહોતું અને અત્યારે તો કેમ કરીને રાજીપો વ્યકત કરું? જ્યાં શિક્ષણના નામે વેપાર, સ્વસ્થતાની સેવા પોતે દમ ભરી રહી છે અને પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતી પ્રજા એ હિન્દુસ્તાન માટે અભિશાપ છે … ખાલી વસ્તી વધે જાય છે. આ વસ્તીના હાથમાં કામ આપવું પડે એના કૌવતનો ઉપયોગ સરકાર કરી શકતી નથી, ત્યારે પ્રજા દુ:ખી થાય. હવે અમે ભગાડેલા અંગ્રેજોની જગ્યા મૂડીવાદીઓ લઈ લે, એ સ્વરાજ સાથે ખુલ્લો બળાત્કાર છે."
આભાર, બાપુ! આપે આજે સમય આપીને મને ઇન્ટરવ્યુનો લાભ આપ્યો એ બદલ ફરીથી આભાર.
બાપુ ફરી મારી સામે બોખું હાસ્ય વેરીને ચરખો કાંતવા માંડયા!
બાપુના ચરણોમાં વંદન સાથે 150મી જન્મજયંતિ નિમિત્તે આપ સહુને અભિનંદન!