કવયિત્રી ભાગીરથી મહેતા ‘જાહ્નવી’ આ ઉપનામ, વિદૂશી વિમલા ઠકારે આપેલું. કવિ નાથાલાલ દવેનાં બહેન, પદ્મશ્રી મુનિભાઈ મહેતા (વડોદરા) અને સરયૂ મહેતા – પરીખનાં માતા. તેમની યાદમાં ૧૯૯૪થી ‘જાહ્નવી-સ્મૃતિ’ કવયિત્રી સંમેલન શિશુવિહાર, ભાવનગરમાં યોજાય છે.

ભાગીરથીબહેન મહેતા
મારી નજરે મારાં બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતાં. એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત, સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈને મળવાનું હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવયિત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધાં.
બ્રિટિશ હકૂમતમાં, ૧૯૧૭માં, ભાગીરથીનો જન્મ ભુવા નામના ગામમાં થયો હતો. એક વર્ષની બાળકીની મા, કસ્તૂરબહેનનો બે દિવસની માંદગીમાં સ્વર્ગવાસ થયેલો. સંયુક્ત પરિવારમાં બાળકો વચ્ચે સૌથી નાની ભાગીરથી સચવાઈ ગઈ. ભુવાની ધૂળી નિશાળમાં કોઈક સાથે વાંધો પડતાં, “મારે નિશાળે નથી જઉં” તેવી જીદ પકડી.” ‘ચોથી ચોપડી મ્હાંણ ભણી’ એવું એમનાં કાકીમા કહેતાં. છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ, એવા સામાજિક વિચારોના પ્રોત્સાહન સાથે ઘરકામ શીખવામાં પળોટાઈ ગયાં.
ભાગીરથીના પિતા, વૈદ ભાણજી દવેએ બ્રાહ્મણ કુટુંબના લોટ માગવાનાં અને ક્રિયાકાંડ કરવાનાં ચીલાચાલુ વ્યવસાયને તજી, વૈદ તરીકે ભુવા અને આસપાસના ગામોમાં આદરણીય પ્રતિષ્ઠા મેળવી હતી. ભાઈઓને ભાવનગર ભણવા મુક્યાં ત્યારે ભા’દેવાની શેરીમાં દસેક વર્ષની ભાગીરથી રસોઈ અને ઘરકામ કરવા માટે ભાવનગર આવીને રહી. પણ દીકરીને આગળ ભણાવીએ એવો કોઈ વડીલને વિચાર નહીં આવ્યો હોય.
પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “ભાગીરથી, તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” મોટાભાઈ નાથાલાલના વેવિશાળ માટે કોટડા ગામે ગયેલા અને ભાગીરથીનું લગ્ન હરિશંકર મહેતા સાથે નક્કી કરીને આવ્યા. એ વખતે રિવાજોની ક્રૂરતાનો સત્ય અનુભવ થયો. જ્યારે સાસરે ગયાં તો ત્યાંની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાનિ સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.
હરિશંકરભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતાં. ગરીબી અને અપમાનજનક રહેણીકરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. પાંચ વર્ષના મનોમંથન અને ભાઈ નાથાલાલ દવે દ્વારા મળતાં પુસ્તકોના અભ્યાસથી એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનું છે. એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતાં, અઢાર વર્ષની ઉંમરે, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યાં. હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થિનીઓ સાથે શરૂ થતા કર્વે કોલેજના વર્ગમાં ભણવાનું ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતાં હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને …” એ જ બહેનોને લાચાર પરિસ્થિતિ આવતી ત્યારે ભાગીરથીની મદદ લેવા જઉં પડતું.

ભાગીરથીબહેન મહેતા
ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “હવે હું ખાદીનાં જ કપડાં પહેરીશ. મારા માટે રંગબેરંગી મીલનાં કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઉમેરો થયો અને નારાજગીની માત્રા વધતી ગઈ, પણ મોટી ઉંમરે જ્યારે ભાગીરથીના વિચારોને સમજ્યા ત્યારે પિતા-પુત્રીમાં ભલો સુમેળ થયો.
ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું પણ રજાઓમાં કોટડામાં લાજ કાઢી સામાન્ય વહુવારુઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ.ની પરીક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી વધી ગઈ. બાળકને સંભાળતાં બી.એ. થયાં. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરૂ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ. જીવનના દરેક માઠાં અનુભવને, “મારા માટે એ જરૂરી હશે” એમ તટસ્થભાવે સ્વીકારી, સમજી, અંતરંગી બનતા રહ્યાં. આમ જ, ભાવુક ગૃહિણી સાથ સાથ લાગણીઓને શબ્દોનો આકાર આપી કવયિત્રી બની રહ્યાં.
તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કરતાં, લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જ્યેષ્ઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયાં. પણ પછી ઘેર ઘેર ઘુમટા તણાતા બંધ થયાં. એ જ રીતે નાક-કાન વિંધાવવા જ પડે, અને પતિની હયાતીમાં શણગાર પહેરવા જ પડે, એ નિયમો પણ એમણે તોડ્યાં. સમાજમાં ઊંડાં મૂળ ખોતરેલા નિયમો સામે બળવો કરી અને સ્વજનોના ગુસ્સાનું નિશાન બની પોતાના વિચારોમાં અડગ રહ્યાં. તેમની અનન્ય પ્રતિભાની અસાધારણ અને અદ્દભુત અસર અનેક બહેનો, અને ખાસ કરીને ખીલતી કળી સમી વિદ્યાર્થિનીઓ પર જોવા મળી હતી.
ભુવા અને કોટડા ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવાં સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.
ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં, બા સુરેન્દ્રનગરમાં આચાર્યા તરીકે ગયાં અને હું એમની સાથે રહી. મુનિભાઈ આઇ.આઇ.ટી મુંબઈની અગ્રગણ્ય કોલેજમાં ભણતા હતા. સુરેન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરીકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઉપરી અધિકારીઓનું સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યું હતું, એ વૃદ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાન મંત્રી આવી ઉદ્દઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતા હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતા. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણાં ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠ્યાં. મહિનાઓ સુધી સુરેન્દ્રનગરમાં નવા આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.
જીવનમાં બાને પોતાના સિદ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે. પોતાના અને પારકાને પ્રેમથી હિંમત આપતા પણ જોયા છે. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દૃઢતા હતી. મુનિભાઈના લગ્ન શિશુવિહારના માનશંકરભાઈ ભટ્ટની પુત્રી, ઇલા, સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે, પતિના સખ્ત વિરોધ છતાં, સરયૂને બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે, અને પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત.
ગુરુની શોધમાં હંમેશાં વ્યાકુળ રહેતાં. જ્યારે તપસ્વિની વિમલાતાઈને મળ્યાં એ સમયે ભાગીરથીની તપસ્યા પરિપક્વ થયેલી હતી. ભાગીરથીના સમર્પણની સત્યતા જોઈ વિમલાતાઈએ પોતાના નાના સમૂહમાં કવયિત્રી તરીકે સ્વીકાર્યા અને “જાહ્ન્વી” તખલ્લુસ આપ્યું. તે પહેલા ‘અખંડ આનંદ’ વગેરે સામાયિકોમાં કવયિત્રી ભાગીરથીનાં કાવ્યો અને બોધ કથાઓ “સાધના” ઉપનામથી પ્રકાશિત થતાં.
અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે, “જાહ્નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે, જેમા કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. ૧૯૯૪ની સાલથી શરૂ થયેલ ભાગીરથીના સ્નેહનું ઝરણું હજુ પણ અસ્ખલિત વહે છે. આજે બાને યાદ કરતા કલા રસિકોને જોઉં છું ત્યારે, એ દિવસોની યાદ આવે છે જ્યારે કવિતાની રજૂઆત કરવા બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલાં, જાજરમાન બહેન ભાગીરથી, બોલવા ઊભા થતાં ……
ભાગીરથી મહેતાનાં પુસ્તકો શિશુવિહાર, ભાવનગરમાં ઉપલબ્ધ છે : “અભિલાષા”, “સંજીવની”, “ભગવાન બુદ્ધ”, — કાવ્ય સંગ્રહો. “સ્ત્રી સંત રત્નો”, સંત સ્ત્રીઓનાં જીવન ચરિત્ર. તેની ત્રણ આવૃત્તિઓ થઈ. અનુવાદ : “આત્મદીપ”, “સહજ સમાધિ ભલી”, વિમલાતાઈ ઠકારના પ્રવચનોનો “આનંદલહર.” હનુમાનપ્રસાદ પોદાર.
——-
હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા;
આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.
અરવા આ બંધનને અશ્રુની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતાં,
છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુ બિંદુ રહ્યાં સિંચતા.
——– સરયૂ મહેતા-પરીખ
(‘એક ચૂમી’ કાવ્ય)
Austin, Texas. USA
e.mail : saryuparikh@yahoo.com