
સંજય ભાવે
ગયાં પચીસ-ત્રીસ વર્ષમાં બહુ ઓછી રમઝાન ઇદ એવી ગઈ હશે કે જે મેં મનાવી નહીં હોય. દરેક ઇદ પર હું, મારી પત્ની અને અનુકૂળતા મુજબ મારી દીકરી મારા મિત્રોને ત્યાં ઇદ મુબારક કરવા ગયાં છીએ.
પેટ ભરીને શિર ખુરમો માણીએ છીએ. એ શિર ખુરમાથી આ સમાજમાં, દેશમાં અમારી લાગણીઓ સંકોરાઈ છે, સમજ વિકસી છે, અને સહુથી વધુ તો ભાઈબંધોનો પ્રેમ મળ્યો છે !
રમઝાન ઇદ મારા માટે – ભાઈબંધો સાથે ગલ્લા પર થતી દરેક લાંબી બેઠકની જેમ (કે દિવાળીના આકાશકંદિલની જેમ) મારી પૅશનનો, મારા દિલનો – મામલો રહ્યો છે.
આ મિત્રો એટલે ખાનપુર – મિરજાપુરમાં રહેતા મારા ખાસમખાસ મિત્ર નયીમ કાદરી અને તેનો મોટો ભાઈ મોઇન કાદરી.
ઘણું કરીને 1984-85ના વર્ષથી અમે ખાનપુર દરવાજાની સામેના ફિરદૌસ ફ્લૅટના પાંચમા માળે આવેલા ઘરે જતાં. એ વખતે આ બિરાદરો પરણેલા ન હતાં, અને અલબત્ત હું પણ નહીં.
તેમના મમ્મી-પપ્પા હતાં, બહેન હતી અને ભરેલું ઘર. એમ ને એમ પણ અમે ત્યાં જતા. બહુ દિવસે હું દેખાયો ન હોઉં તો નયીમના મમ્મી એને પૂછે : ‘અરે વો ભાવે બૌત દિન સે નહીં દિખ્ખા !’
અને આવું તે અમારા ગ્રુપના બધા મિત્રો માટે પૂછતાં રહેતાં. અમારું ગ્રુપ એટલે દર્શન, દીપક, નયીમ, નિલેશ, મોઈન, ભાવે અને અમને બધાને ઝાટકો દઈને પંદરેક વર્ષ પહેલાં હંમેશ માટે ચાલી નિકળેલો વિજય.
ઇદ પર હું જઉં તે પહેલાં પણ નયીમનાં મમ્મીએ આવું પૂછ્યું જ હોય. ઇદ પર મુબારકબાદી પછી શિર ખુરમા, સમોસા અને પ્લેટ ભરીને વાનગીઓ આવતી. તે પછી ફિરદૌસથી સહેજ દૂરના ગલ્લે નયીમના પૈસે ચા-સિગરેટ.
વર્ષોથી હું રમજાનથી રમજાન સુધી શિર ખુરમાની રાહ જોતો હોઉં છું. ઈદનો ચાંદ દેખાયો એવા સમાચાર આવે એટલે આપણો રોજો ચાલુ. એ રોજો બીજા દિવસે નયીમ-મોઈનને ત્યાં ખોલવાનો.
ઇદની રજા હોય, એટલે એ દિવસના કંઈ આયોજનની વાત આવે ત્યારે હું કહી દઉં : ‘નહીં ફાવે યાર, મારે તો ઇદ છે !’ કોઈક્ને કુતૂહલ થાય, કોઈકને મૂંઝવણ અને કોઈકને અકળામણ.
વર્ષો વીત્યાં. નયીમ-મોઇનનાં મમ્મી-પપ્પા ચાલ્યાં ગયાં, ને મારાં પણ. જિંદગીના ક્રમમાં નયીમના પરિવારને દૂર જવાનું થયું. મોઇન પણ કેટલાંક વર્ષ પરદેશ હતો.
પણ આ બધાની વચ્ચે કાદરી પરિવારમાં અમારી ઇદ અવિરત ઉજવાતી, અને તે મોઇનના ઘરે. એનાં પત્ની શબાનાભાભી અને દીકરી મેહેરિન બધાં વર્ષો અમદાવાદમાં જ ખાનપુરના ઘરે છે. શબાના વર્ષોથી (અને હવે તો મેહેરિન પણ) બૅન્કમાં નોકરી કરે છે.
દર વર્ષે શબાનાના હાથનો – દેવો માટે ય દોહ્યલો હોય તેવો – શિર ખુરમો, અને તેની સાથે સુંદર સુંવાળી સૅન્ડવિચ અને સમોસા માણીને ધરાતાં નથી.
કોવિડનાં બે વર્ષોની ઇદ બહુ વસમી લાગી હતી, મળી જ નહોતાં શક્યા ને !
2021ની દિવાળીમાં શબાનાભાભી અને મોઇન દર વર્ષની જેમ સાલમુબારક કરવા મારે ત્યાં આવ્યાં, ત્યારે મોટું ડોલચું ભરીને શિર ખુરમો લઈને આવ્યાં હતાં. એક વર્ષે ધોળકાનો અમારો અઝીઝ ત્રણ-ચાર લિટર શિરકુરમો લઈને તેના મમ્મી-પપ્પા સાથે કૉલેજ આવ્યો હતો !
નયીમ-રફત પણ દિવાળી પર આવે. બે-ત્રણ વર્ષ તો નયીમનાં મમ્મી-પપ્પા સહિત એમનો આખો પરિવાર સ્કુટરો લઈને દિવાળી પર અમારે ત્યાં આવ્યો હતો.
મોઇનના ઘરેથી નયીમના મિરઝાપુરના ઘરે જવાનું. ત્યાં વળી રફતભાભીના હાથની જુદી લિજ્જતની સેવઈ, કચોરી અને સમોસા.
રફત-નયીમ બંને વરિષ્ટ પત્રકાર. એટલે ઇદ પર એમને ત્યાં વળી વર્ષોમાં ભાગ્યે જ મળનારા સિનિયર પત્રકારો મળે. એટલા બધા લોકો આવતાં હોય કે પહેલાં આવેલાંએ જગ્યા ખાલી કરવી પડે.
ગયાં દસેક વર્ષથી અમારી ઇદની સફરમાં શહેનાઝ અને સઇદખાન ઉમેરાયા. શહેનાઝ વકીલ અને સઇદ પત્રકાર. તેમને ત્યાં ય કર્મશીલો, યુવા પત્રકારો મળી જાય. એ વળી જુદો જ મેળાવડો.
નયીમની અને મારી દોસ્તી, હકીકતમાં તો કૉલેજ કાળના અમારા ગ્રુપની આટલાં વર્ષો પછી પણ જળવાયેલી, દર મહિને એકાદ-બે વાર મળવાની મૈત્રી તો અલગ લેખનો વિષય છે.
નયીમ સાથેની મૈત્રીનાં વર્ષોમાં સાબરમતી-તાપી-થેમ્સનાં કેટલાં ય પાણી વહી ગયાં. અમારાં સંતાનો ય મોટા થઈ ગયા. આસમાની-સુલતાની, ખાસ તો સુલતાનીઓ આવી.
રથયાત્રાઓ, અનામત, બાબરી, ગોધરા, બૉમ્બ ધડાકા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લિન્ચિન્ગ, પુલવામા, 370, સી.એ.એ. – એન.આર.સી. … શું નથી થયું ?
એમાં નયીમ-મોઈન અને એમના પરિવારો સલામત રહ્યાં એ મારા માટે એક બહુ મોટી, બહુ જ મોટી ખુશકિસ્મતી છે.
અમારા રિશ્તામાં અમને ક્યારે ય અમારો ધર્મ યાદ આવ્યો જ નથી (મને આમ તો કોઈ પણ સંબંધમાં એ મૅટર કરતો નથી). ધર્મની વાત જ અમે કરતા નથી.
ધર્મના વિચાર વિના અમારું ચાલ્યું છે, બલકે એનો વિચાર નહીં કરવાને કારણે જ સરસ ચાલ્યું છે. એવું બધાંનું ચાલો … બધાં દિવાળી અને ઇદ મનાવતા રહો …
23 એપ્રિલ 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
 


 ‘એક અનોખો રાજવી’ પુસ્તક ગરાસદાર સ્વાતંત્ર્યસૈનિક દરબાર ગોપાળદાસ દેસાઈ(1887-1851)ના, રાજમોહન ગાંધીએ લખેલા વિસ્તૃત જીવનચરિત્ર The Prince of Gujarat : The Extraordinary Story of the Prince Darbar Gopaldas Desai (2014)નો અમેરિકા-સ્થિત અશોક મેઘાણીએ કરેલ ખૂબ વાચનીય અનુવાદ છે.
‘એક અનોખો રાજવી’ પુસ્તક ગરાસદાર સ્વાતંત્ર્યસૈનિક દરબાર ગોપાળદાસ દેસાઈ(1887-1851)ના, રાજમોહન ગાંધીએ લખેલા વિસ્તૃત જીવનચરિત્ર The Prince of Gujarat : The Extraordinary Story of the Prince Darbar Gopaldas Desai (2014)નો અમેરિકા-સ્થિત અશોક મેઘાણીએ કરેલ ખૂબ વાચનીય અનુવાદ છે.