પૂરેપૂરા ગ્રામલક્ષી પાક્ષિક ‘ગ્રામગર્જના’નો પહેલી જૂનનો અંક ‘ગ્રામસ્વરાજ કેન્દ્રિત પુસ્તક પરિચય વિશેષાંક’ તરીકે બહાર પડ્યો છે. તેના અતિથિ સંપાદક કેતન રૂપેરા છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ નામના એક વિશિષ્ટ માસિકના સંપાદકનું આ વધુ એક નોખું અને નમૂનેદાર કામ છે. અહીં બાવીસ ગ્રામલક્ષી પુસ્તકોનો તેમનાં મુખપૃષ્ઠની નાની છબિ અને પ્રકાશનની માહિતી સાથેનો સરેરાશ બસો શબ્દોમાં લખાયેલો ટૂંકો પરિચય મળે છે. વળી આ વિષય પરનાં અનેક નિવડેલાં પુસ્તકો ટૅબ્લૉઇડ કદનાં શુભેચ્છા-જાહેરખબરો સાથેનાં બાર પાનાંમાં સ્વાભાવિક રીતે જ સમાવી શકાયાં નથી. પણ એટલા માટે વાચકોને તેનાથી સંપૂર્ણ અજાણ રાખી ન શકાય એવી સમજ સાથે મન લલચાવનારાં ચાળીસ પુસ્તકોની નામાવલિઓ છ જગ્યાએ અવકાશપૂરકો તરીકે મૂકવામાં આવી છે. અંકના પહેલાં પાને ‘ગ્રામસ્વરાજ’ પુસ્તકમાંથી બે અંશો સારવીને મૂકેલા છે.
દરેક પુસ્તક વિશે ચુસ્ત રીતે લખાયેલી પરિચય નોંધમાં પુસ્તકના પ્રકાર, વિષય, હાર્દ અને પ્રસ્તુતતાને સમાવવાનું દુષ્કર કામ સંપાદકે સારી રીતે પાર પાડ્યું છે. પાંચ પુસ્તકો વિશેની નોંધ અન્ય અભ્યાસીઓએ આ અંક માટે અથવા આ પૂર્વે લખેલી છે, તે સૌજન્યનોંધ સાથે સમાવેલી છે. સંપાદકે કરેલી પસંદગી વૈવિધ્યપૂર્ણ છે. તેમાં તેમણે ‘કૃષિ, પશુપાલન, પંચાયત અને સહકાર – ગ્રામજીવનનાં આ ચાર સ્વરૂપો અને ગાંધીજીના ગ્રામસ્વરાજના સિદ્ધાંતો’ને નજરમાં રાખ્યા છે. ગ્રામ સ્વરાજ એ વિભાવનાની વૈચારિક છણાવટ કરતાં પુસ્તકો છે, જેમાં ‘ગ્રામ સ્વરાજ’ (મો.ક.ગાંધી), ‘પલટાતાં ગામડાં’ (દિનકર મહેતા), ‘ગ્રામોચિત ટેક્નોલૉજી’ (સં. મહેન્દ્ર ભટ્ટ) અને ‘મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે’ (ઈલા ર. ભટ્ટ) જેવાં પુસ્તકોની વાત મૂકી શકાય. ‘મારું ગામડું’ (બબલભાઈ મહેતા) જેવું સ્વકથન અને ‘માલધારીની વિમાસણ’ (વાસુદેવ વોરા અને અન્ય) જેવો અનુભવકથાનો સંચય પણ છે. આદિવાસીઓની દશા ‘તમે કહો છો તે આઝાદી ક્યાં છે?’ (ઇન્દુકુમાર જાની) અને ‘રવિયા દૂબળાના રખેવાળ ઠાકોરભાઈ દેસાઈ’ (જિતેન્દ્ર દેસાઈ) પુસ્તકોમાં વર્ણવાઈ છે. ‘મહારાજના મુખેથી અને બીજી વાતો’ (મ. જો. પટેલ), ‘શિક્ષકકથાઓ’ (દિલીપ રાણપુરા) અને ‘નોખી માટીના દીવડા’ (સં. ચૈતન્ય ભટ્ટ) અને ‘ગુજરાતના કૃષિતજજ્ઞો’ (સં. રાજેન્દ્ર ખીમાણી, કે. જી. મહેતા) ચરિત્રલક્ષી પુસ્તકો છે. સામાજિક ન્યાય, કોમી એકતા અને આરોગ્ય એ દરેક વિષય પરનું પણ એક એક પુસ્તક છે. સાહિત્યકૃતિઓનું પણ અહીં સ્થાન છે – ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (મનુભાઈ પંચોળી’ દર્શક’), ‘ગ્રામલક્ષ્મી’ (ર.વ. દેસાઈ) અને ‘ઉપરવાસ કથાત્રયી’ (રઘુવીર ચૌધરી).
‘ગ્રામગર્જના’એ ગયાં અઠ્ઠ્યાવીસ વર્ષમાં પચીસેક વાર્ષિક વિશેષાંકો બહાર પાડ્યાં છે, જેની યાદી આ પુસ્તકપરિચય અંકમાં છે. ખાસ અંકોમાંથી અધઝાઝેરા મહાપુરુષો (પૂ. મોટા અને દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદ સહિત)ના જીવન વિશેના છે. બે સદ્ભાવ વાચન વિશેષાંક છે.
વાચન વિશેના પ્રસ્તુત અંકની ઉદ્દભવ કથા પ્રેરક છે. સંપાદક ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના વિદ્યાર્થી હતા તે ૨૦૦૩-૦૫ની આ વાત છે. એ વખતના તેમના મુલાકાતી અધ્યાપકોમાં એક ‘ગ્રામગર્જના’ના સ્થાપક તંત્રી અને જાણીતા કોલમિસ્ટ મણિલાલ એમ. પટેલ પણ હતા. જે ગ્રામીણ પત્રકારત્વ ભણાવતા. વર્ષો પછી આ વિદ્યાર્થીને તેમણે પુસ્તક પરિચય વિશેષાંક માટે મદદ કરવાનું સૂચવ્યું. કેતન રૂપેરા ‘સંપાદકીય’માં લખે છે કે ‘… ત્યારે મદદની ભૂમિકાથી આગળ વધતાં સ્વતંત્રપણે આ વિશેષાંકના સંપાદનની ભૂમિકાએ પહોંચવાનું થયું.’ શિક્ષકે વેરેલું કયું બીજ કેવી રીતે અંકુરિત થઈ શકે તેનો આ એક મનભર દાખલો છે!
વચ્ચેનાં વર્ષોમાં ગ્રામીણ પત્રકારત્વ સાથે જોડાઈ રહેતાં ફ્રી લાન્સ જર્નલિસ્ટે ‘જલસેવા’, ’ગ્રામાનિર્માણ’ અને ‘સારા સમાચાર’ જેવી પત્રિકાનું કામ પણ સંભાળ્યું. ‘ગ્રામગર્જના’ના પુસ્તક પરિચય અંક અને ગૂજરાત વિદ્યાપીઠ સાથે તેઓ કેવી લાગણીથી જોડાયેલા છે તે આ શબ્દોમાં જણાઈ આવે છે : વિદ્યાપીઠના ઘણા સ્નાતકો શહેરી વિકાસનો લાભ લઈ લૌકિક દૃષ્ટિએ ‘સફળ’ જીવન જીવવાને બદલે ગામડાંમાં સંઘર્ષ વેઠી, આ અંકના જ એક પુસ્તક ‘સમૂજીવનનો આચાર’માં બબલભાઈ લખે છે તેમ, ગાંધીવિચાર પ્રમાણે પોતે ઘડાવા અને સમાજને ઘડવાનું કામ કરી રહ્યા છે, તેની સરખામણીમાં પત્રકારત્વમાં આમ ઓછું થતું જોવા મળે છે. ત્યારે આ અંકનું સંપાદન, પત્રકારત્વના સઘળા વિદ્યર્થીઓના પ્રતિનિધિ તરીકે પણ ગાંધીની વિદ્યાપીઠનાં સિંધુ ઉપકારનું બિંદુ ઋણ ચૂકવવા જેવું લાગે છે.’
૨૭ જૂન, ૨૦૧૬
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 13
![]()


રવિવારે આવનાર પર્યાવરણદિને ગુજરાતને જળ-જંગલ-જમીન બચાવવા માટે મથનાર કર્મશીલ તૃપ્તિબહેન શાહની ખોટ સાલશે. કુદરતના જીવવૈવિધ્યની જાળવણી ઉપરાંત નારીઅધિકાર, સામાજિક ન્યાય, વિસ્થાપન, સેક્યુલારિઝમ જેવા અનેક મોરચે ચાળીસ વર્ષથી લડતાં રહેનારાં તૃપ્તિબહેનનું છવ્વીસમી મેએ ચોપ્પન વર્ષની ઉંમરે વડોદરામાં ફેફસાંના કૅન્સરથી અવસાન થયું. તેમનાં સ્નેહી નેહા શાહ નોંધે છે કે દોઢ વર્ષ પહેલાં જ્યારે કેન્સરનું નિદાન થયું ત્યારે એક હળવાશની પળે તૃપ્તિબહેને એક મિત્રને કહ્યું હતું કે ‘આપણે કહેતા જ રહ્યા છીએ કે આ પ્રદૂષણયુક્ત પર્યાવરણથી કેન્સરની શક્યતા વધી જાય છે, જુઓ ને આ તો આપણને જ થઈ ગયું !’
માનવામાં ન આવે એવી વાત છે. અત્યારે અમદાવાદમાં ભણતી અનુષ્કા નામની ઓગણીસ વર્ષની અંગ્રેજી કવયિત્રી, હિટલરે યહૂદીઓ માટે ઊભીકરેલી યાતના છાવણીઓનું દોજખ વેઠ્યા પછી ય જીવી ગયેલી બે મહિલાઓને ગયાં મે-જૂનમાં ચેક રિપબ્લિકમાં અલગ-અલગ દિવસે મળી. તેણે તેમની સાથે સમય વિતાવ્યો, તેમનાં સંભારણાં સાંભળ્યાં. કાળના પ્રવાહમાં હવે પછી ભાગ્યે જ કોઈને મળે તેવો આ અનુભવ ગણાય. અનુષ્કાએ તેને સંયત છતાં ય સોંસરી રીતે લખ્યો છે તે વાંચવા મળે છે. [પૂરક લેખ : હેલ્ગાની ડાયરી, લે. નીલા જયંત જોશી, નિરીક્ષક, તા. ૧૬-૪-’૧૬] ‘સાર્થક’ પ્રકાશનના ‘જલસો’ અર્ધવાર્ષિકના છઠ્ઠા અંકના ઉઘાડના ફોટા સાથેના લેખમાં – ‘આવી યાતના વેઠનાર અમે છેલ્લાં હોઈશું’. ‘સાર્થક’ની સાર્થકતા આવી ચીજોમાં છે!