
રૂપાલી બર્ક
૮ ઑક્ટોબરે આ કારમા સંઘર્ષનું એક વર્ષ પૂરું થયું. ૨ ઑક્ટોબર ગાંધી જયંતીનો દિવસ. ‘ગાઝા એકોક્તિઓ’ના ત્રીજા હપ્તાના ચાલુ અનુવાદ થકી આ પ્રદેશના હિંસક માહોલની અનુભૂતિ કરી રહી છું અને શાંતિની પ્રાર્થના કરી રહી છું એવામાં એક મિત્રએ ગયા વર્ષે પ્રસિદ્ધ થયેલો નીચે મુકેલો લેખ મોકલ્યો જેનો અનુવાદ અને મારા પ્રિય પૅલૅસ્ટિનયન-અમૅરીકી કવિ ફૅડી જુડાહના હૃદયના તાર ઝંઝોળી નાખે એવા કાવ્યનો અનુવાદ રજૂ કરું છું.
(વિસ્તૃત લેખ indianexpress.com પર વાંચવા મળશે. દૈનિક દ્વારા જ સંક્ષિપ્ત લેખ નીચે મુજબ છે.)
°°°
શા માટે ગાંધીજી પૅલૅસ્ટાઈનમાં યહૂદી રાજ્યની તરફેણમાં નહોતા? / અર્જુન સેનગુપ્તા, નવી દિલ્હી, ઑક્ટૉબર ૧૦, ૨૦૨૪ (‘ઇન્ડિયન ઍક્સપ્રૅસ’)
અનુવાદ : રૂપાલી બર્ક
“જે અર્થમાં ઇંગ્લૅન્ડ અંગ્રેજોનું છે અથવા ફ્રાંસ ફ્રૅંચ પ્રજાનું છે તે રીતે પૅલૅસ્ટાઈન આરબોનું છે,” એમ મહાત્મા ગાંધીએ ‘હરિજન’માં નવેમ્બર ૨૬, ૧૯૩૮ના રોજ લખેલું.
ગાંધીજીનો લેખ, ‘The Jews’ વર્ષોથી ગહન ચર્ચાનો વિષય રહ્યો છે. અમુકે એને ગાંધીજીના ભોળપણનો પુરાવો ગણાવ્યો છે તો બીજાઓેએ પરિણામની પરવાહ કર્યા વિના અહિંસા પરત્વે ગાંધીજીની ઊંડી પ્રતિબદ્ધતા તરીકે એને મુલવ્યો છે.
‘હરિજન’ ગાંધીજીએ શરૂ કરેલું સાપ્તાહિક સામયિક હતું જેમાં વિવિધ વિષયો પર ગાંધીજી એમના વિચારો વ્યક્ત કરતા.
યહૂદીઓ માટેની ગાંધીજીની સહાનુભૂતિ
પોતાના ધર્મને લીધે યહૂદી લોકોની ઐતિહાસિક સતામણી અંગે ગાંધીજી અત્યંત સભાન હતા અને એમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અનુભવતા હતા.
“મારી સહાનુભૂતિ સમગ્રપણે યહૂદીઓ પ્રત્યે છે … તેઓ ખ્રિસ્તી ધર્મના અછૂતો રહ્યા છે. ખ્રિસ્તીઓ દ્વારા એમની સાથેના વ્યવહાર અને હિન્દુઓ દ્વારા અછૂતો સાથેના વ્યવહારમાં ખૂબ સામ્ય છે. બન્ને કિસ્સાઓમાં સામા પક્ષ સાથે અમાનવીય વ્યવહારને વાજબી ઠેરવવા ધાર્મિક સંમતિનું કારણ દર્શાવવામાં આવે છે,” ગાંધીજીએ ‘The Jews’માં લખ્યું છે.
ગાંધીજીએ એમ પણ લખ્યું કે “જર્મનોના હાથે યહૂદીઓની સતામણીનો ઇતિહાસમાં જોટો નથી”, અને તે વખતે (૧૯૩૯માં બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પૂર્વે) ઍડૉલ્ફ હિટલરને પ્રસન્ન કરવાની બ્રિટનની નીતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
“માનવતાના નામમાં અને માનવતા માટે જો કોઈ યુદ્ધને વાજબી ઠેરવવું હોય તો એક આખા સમુદાય વિરુદ્ધ ક્રૂર સતામણીને નિવારવા માટે જર્મની વિરુદ્ધ યુદ્ધ વાજબી ગણાશે,” એમ ગાંધીએ લખ્યું છે.
આરબો માટે ચિંતા
આમ છતાં, મહાત્મા ગાંધીએ પૅલૅસ્ટાઈનમાં ‘ઝાયોનિસ્ટ સ્ટેટ’ની (જેની યોજના બની રહી હતી) તરફેણમાં ન હતા. “આરબો પર યહૂદી આધિપત્ય ખોટું અને અમાનવીય છે. યહૂદીઓને આંશીક કે સંપૂર્ણ પૅલૅસ્ટાઈન પોતાના રાષ્ટ્રીય વતન તરીકે પરત આપવા માટે ગૌરવશાળી આરબોને ઓછા આંકવા માનવતા વિરુદ્ધ ગુનો બને”, ગાંધીજીએ નોંધ્યું છે.
ગાંધીજીનો વિરોધ બે સૈધાંતિક માન્યતાઓ પર આધારિત હતો. પ્રથમ, પૅલૅસ્ટાઈન આરબ પૅલૅસ્ટિનિયનોનું વતન હતું અને બ્રિટને સક્રિય રીતે શક્ય બનાવેલી યહૂદીઓની વસાહત મૂળભૂત રીતે હિંસક હતી.
“ધાર્મિક કૃત્ય (યહૂદીઓનું પૅલૅસ્ટાઈનમાં પાછા ફરવું) બેયોનૅટ કે બોંબની સહાય વિના શક્ય ના બને,” ગાંધીજીએ લખ્યું. એમના મુજબ યહૂદીઓ પૅલૅસ્ટાઈનમાં “આરબોના સદ્ભાવ”થી જ વસાહટ કરી શકે અને તે માટે એમણે “બ્રિટિશ બેયોનૅટ”ને ત્યજવી પડે.
બીજુ, ગાંધીજીને લાગતું કે યહૂદી વતનનો ખ્યાલ વિશ્વમાં અન્ય ઠેકાણે વધુ મહત્ત્વના હકો માટેની એમની લડાઈથી સાવ વિરુદ્ધ હતો.
“જો યહૂદીઓનું પૅલૅસ્ટાઈન સિવાય કોઈ વતન નથી તો શું વિશ્વના અન્ય ભાગોમાં જ્યાં એ વસેલા છે ત્યાંથી એમની હકાલપટ્ટી થાય એ એમને માન્ય હશે?” ગાંધીજીએ લખ્યું અને વધુમાં ઉમેર્યું રાષ્ટ્રીય વતન માટેના યહૂદી દાવાથી “જર્મનો દ્વારા યહૂદીઓની હકાલપટ્ટીને ઊંડુ સમર્થન મળે છે.”
ભારતની વિદેશ નીતિ
મહાત્મા ગાંધીની માફક આરબ દેશોના નેતાઓ અને સામ્રાજયવાદ વિરોધીઓ પૅલૅસ્ટાઈનના બ્રિટિશ વહીવટથી અને ૧૯૧૭ના બૅલફોર ડૅક્લરેશન મુજબ બ્રિટિશ મૅન્ડેટમાં દર્શાવેલ યહૂદીઓને વતનના વચનથી ભયભીત હતા.
બ્રિટિશ લેખક આર્થર કૉસ્લરે, જે પોતે યહૂદી હતા, ડૅક્લરેશન વિશે લખેલું, “એક રાષ્ટ્રે ગંભીરતાપૂર્વક બીજા રાષ્ટ્રને ત્રીજાના દેશનું વચન આપ્યું.”
ગાંધીજીના અભિપ્રાયનો નહેરુ પર ઊંડો પ્રભાવ પડ્યો અને એના લીધે તથા નહેરુની પોતાના સામ્રાજ્યવાદ વિરોધી મતને આભારી દશકો સુધી ભારતની વિદેશ નીતિ ઘડાતી રહી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની નવેમ્બર ૧૯૪૭ની સામાન્ય બેઠકમાં પસાર કરાયેલા ઠરાવ ૧૮૧ (૧૧)નો વિરોધ કર્યો કારણ કે એમાં મૅન્ડૅટરી પૅલૅસ્ટાઈનને યહૂદીઓ અને આરબો વચ્ચે વહેંચવાનું આવતું હતું.
ભારતે ૧૯૫૦માં ઈઝરાયેલને સમર્થન નહોતું આપ્યું. ૧૯૯૨માં પી.વી. નરસિંહમા રાવ વડા પ્રધાન હતા તે દરમ્યાન ભારતે ઈઝરાયેલ સાથે ઔપચારિક રાજનૈતિક સંબંધો સ્થાપ્યા.
*
અનુકરણ / ફૅડી જુડાહ
મૂળ અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક
મારી દીકરી
એની બાયસીકલના હૅન્ડલ વચ્ચે રહેતા
કરોળિયાને હાનિ ના પહોંચાડી
કરોળિયો આપમેળે જતો ના રહ્યો ત્યાં સુધી
બે અઠવાડિયા એણે રાહ જોઈ.
જો તું એનું જાળું ખેંચી કાઢે
તો એને ખ્યાલ આવી જશે કે
આ સ્થળને ઘર કહેવાય નહીં
વળી તને સાયકલ ફેરવવા મળશે
મેં દીકરીને કહ્યું.
દીકરી બોલી, આ જ રીતે
બીજા નિરાશ્રિત બની જાય છે, ખરું ને?
e.mail : rupaleeburke@yahoo.co.in