
સ્વામી વિવેકાનંદ
આપણે સ્વામી વિવેકાનંદને વિશ્વમાં પ્રથમ વાર સનાતન ધર્મ – સંસ્કૃતિનો ધ્વજ લહેરાવનાર પ્રખર સંન્યાસી અને રાષ્ટ્રની યુવાશક્તિના જ્વલંત પ્રતીક તરીકે ઓળખીએ છીએ. અનેક મહાનુભાવોએ એમના અંગે ખૂબ જ ઉચ્ચ અભિપ્રાયો દર્શાવ્યા છે. શિકાગોના એમના વ્યાખ્યાનની ખ્યાતિ આજે પણ એટલી જ અકબંધ છે ત્યારે સ્વામી વિવેકાનંદના રાષ્ટ્રવાદી અને પ્રગતિશીલ દૃષ્ટિવંત વિચારોએ દેશ-વિદેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કેવો પ્રભાવ પાથર્યો હતો એની થોડી વાત કરવી જોઈએ.
સ્વામી વિવેકાનંદ જ્યારે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા જાપાનથી અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે તેમનો મેળાપ જમશેદજી તાતા સાથે થયો હતો. જમશેદજી તાતા પણ અમેરિકામાં યોજાયેલા કોલમ્બિયન ઉદ્યોગ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. સ્વામીજી, પ્રગતિશીલ વિચારોથી, શિક્ષણ, વિજ્ઞાન – ટેકનોલોજી અને ઉદ્યોગોના દેશમાં આગમનથી જ દેશનું દળદર ફિટશે એમ માનતા તેથી તેમણે જમશેદજી તાતાને જણાવ્યું કે તેઓ માત્ર વેપાર જ નહીં, દેશમાં જ ઉદ્યોગ સ્થાપવાનું વિચારે અને એનાથી પણ આગળ વધીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દેશમાં જ એનું શિક્ષણ-સંશોધન થઈ શકે એવી વ્યવસ્થા માટે કોઈ સંસ્થાની જરૂર હોવાનું પણ જણાવ્યું.
જમશેદજી તાતાએ ભારતમાં આવી એ માટે પ્રયત્નો શરૂ કર્યા પણ બ્રિટિશરો ભારતમાં આવી કોઈ સંશોધન સંસ્થા સ્થપાય એવું ઇચ્છતા ન હતા એટલે કાર્ય પ્રગતિમાં આવતું નહીં. અંતે જમશેદજી તાતાએ ખુદ એક પત્ર પાઠવી સ્વામી વિવેકાનંદ પાસે મદદ માગી. પોતાના પ્રતિનિધિને પણ મળવા મોકલ્યા. એટલે સ્વામીજીએ ભગિની નિવેદિતાને આ કાર્યમાં જોડી દીધાં. સ્વામીજીએ ‘પ્રબુદ્ધ ભારત’માં એક વિસ્તૃત લેખ લખી સૌને મદદરૂપ થવા અનુરોધ કર્યો. બેંગ્લોરનાં મહારાણીને પત્ર લખી આ માટે જમીન પણ મેળવી આપવામાં મદદ કરી. ભગિની નિવેદિતાએ અમેરિકા અને બ્રિટનમાંથી પણ દબાણ ઊભું કર્યું અને ઈ.સ. ૧૯૦૯માં બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની સ્થાપના થઈ. જો કે કમનસીબી એ રહી કે આ સંસ્થાની સ્થાપના માટે પ્રેરણા કરનારા સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૯૦૨માં મહાસમાધિને પામી ગયા અને જમશેદજી તાતાનું ઈ.સ. ૧૯૦૪માં જ નિધન થઈ ગયું. આ સંસ્થાની ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને સંશોધનમાં કેટલી મોટી ભૂમિકા રહેલી છે એ આજે કોઈથી અજાણ્યું નથી.
ભારતીયો વિજ્ઞાનના ક્ષેત્રમાં, સંશોધનના ક્ષેત્રમાં આગળ આવે એ એમનું એક સ્વપ્ન રહ્યું હતું. તેઓ આવી પ્રગતિ જોઈ રાજી થતા હતા. જ્યારે તેઓ પેરિસની યાત્રાએ હતા ત્યારે ત્યાં યોજાયેલી ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑફ ફિઝિક્સમાં થતાં પ્રવચનો સાંભળવા પણ ગયા હતા. એમાં જગદીશચંદ્ર બોઝે રજૂ કરેલા સંશોધનપત્રથી અને કોઈ ભારતીયએ વિશ્વમાં વિદ્વાનો સમક્ષ ભારતીય ચિંતન અને વિજ્ઞાનને મૂર્તરૂપે રજૂ કરતા એમના વક્તવ્યથી ખૂબ ગૌરવાન્વિત થયા હતા. પછી તો તેમણે જગદીશચંદ્ર બોઝને તેમના સંશોધનની પેટન્ટ માટે પણ અનુરોધ કર્યો હતો અને જ્યારે જગદીશચંદ્ર બોઝે એ માટે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે સિસ્ટર નિવેદિતા અને એમના એક અનુયાયી સારા ઓલે બુલને આ કામ સોંપી, અરજી કરાવી ઈ.સ. ૧૯૦૪માં પ્રથમ સેમિકન્ડક્ટર સેલ અને ફોટોવોલેટિક સેલ માટે અમેરિકામાં પેટન્ટ મેળવી હતી. સ્વામી વિવેકાનંદને ભારતીય વિજ્ઞાન અને વિજ્ઞાનીઓના કામની કેટલી કદર અને ચિંતા હતી એ આમાં જોઈ શકાય છે. સિસ્ટર નિવેદિતા તો જગદીશચંદ્ર બોઝના કૌટુંબક મિત્ર પણ બની રહ્યાં હતાં.
અમેરિકા અને યુરોપમાં પણ સ્વામી વિવેકાનંદનાં પ્રવચનોની ખ્યાતિ જબરદસ્ત ફેલાઈ હતી અને એનાથી પ્રભાવિત થનારાઓમાં ત્યાંનો પ્રબુદ્ધ વર્ગ ઉપરાંત અનેક વિજ્ઞાનીઓ પણ હતા. આધુનિક મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના એક દિગ્ગજ મનોવિજ્ઞાની ન્યૂયોર્કની હાર્વર્ડ યુનિવર્સિટીના વિલિયમ જેમ્સ પણ એમાંના એક હતા. આ યુનિવર્સિટીમાં સ્વામીજીએ ભારતીય મનોવિજ્ઞાનના મૂળગ્રંથ જેવા પતંજલિ યોગદર્શનના વર્ગો ચલાવ્યા હતા. જેના ફળ સ્વરૂપે રાજયોગ નામનું પુસ્તક મળ્યું હતું.
સ્વામી વિવેકાનંદ વિજ્ઞાનજગતના તત્કાલીન પ્રવાહોથી પણ વાકેફ હતા. જેમ કે ઉત્ક્રાંતિ અંગેની ચાર્લ્સ ડાર્વિનની થિયરી બાબતે પણ તેમનો પોતાનો મત હતો. તેઓ ડાર્વિનની થિયરીમાં કંઈક ખૂટે છે એમ માનતા. સ્વામી વિવેકાનંદની વિદ્વત્તાથી પ્રભાવિત હાર્વર્ડ અને કોલંબિયા યુનિવર્સિટીએ તો તેમને ત્યાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક આપવાની પણ તૈયારી દર્શાવી દીધી હતી. એ રીતે લોર્ડ કેલ્વિન અને હોમ્લહોલ્ટઝ જેવા પ્રખર વિજ્ઞાનીઓ પણ સ્વામીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. જો કે વિજ્ઞાનીઓમાં સૌથી ઘેરો પ્રભાવ જાણીતા ભૌતિકશાસ્ત્રી નિકોલા ટેસ્લા પર પડ્યો હતો. તેમણે અલ્ટરનેટિવ કરન્ટ અને ટેસ્લા કોઈલની શોધ કરી ડંકો વગાડી દીધો હતો. નિકોલા ટેસ્લાની સ્વામીજી સાથેની મુલાકાત સારા બનહાર્ટ નામની વિખ્યાત અભિનેત્રીના આમંત્રણને કારણે થઈ હતી. ત્યાં ટેસ્લા સાથે તેમની વાતચીત દરમિયાન નિકોલા ટેસ્લાએ સ્વામીજી પાસે અદ્વૈત તત્ત્વજ્ઞાન અને વેદાંતની વાતોનો પરિચય મેળવ્યો. આકાશ, પ્રાણ અને બ્રહ્મ જેવી વેદાંતની વિભાવનાઓથી પ્રથમ વાર જ પરિચિત થયાં અને તેઓ જે દિશામાં શોધ કરી રહ્યાં હતાં એની ભૂમિકા પશ્ચિમ નહીં પરંતુ હિંદુ અને બૌદ્ધ તત્ત્વજ્ઞાન સાથે સમાનતા ધરાવતી જણાઈ.
એનાથી ટેસ્લા ઘણાં પ્રભાવિત થયાં. સ્વામી વિવેકાનંદે તેમને સાંખ્યદર્શનમાં દ્રવ્ય અને ઊર્જાની એકરૂપતા કેવી રીતે વ્યક્ત થાય છે એ પણ સમજાવ્યું. એ મુજબ નિકોલા ટેસ્લાને એવી પ્રતીતિ થઈ કે તેઓ આ બાબત ગણિતીય સૂત્રોની મદદથી સ્થાપિત કરી શકે એમ છે. જો નિકોલા ટેસ્લા એ કરી શકે તેમાં સ્વામી વિવેકાનંદને ખૂબ રસ અને ઉત્સુકતા હતી. કારણ કે આ રીતે ભારતીય તત્ત્વજ્ઞાન અને વેદાંતને આધુનિક વિજ્ઞાનનો આધાર પ્રાપ્ત થઈ શકે એમ હતો. અલબત્ત, નિકોલા ટેસ્લા દ્રવ્ય અને ઊર્જા એ જુદા નથી, સર્વોચ્ચ ચેતનામાંથી નિષ્પન્ન થાય છે એવી વેદાંતના તત્ત્વજ્ઞાનને ગણિતીય પરિભાષામાં વ્યક્ત કરી શક્યાં નહીં, પરંતુ ૧૦ વર્ષ બાદ માત્ર ૨૬ વર્ષના ઓલ ટાઈમ જીનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ઈ.સ. ૧૯૦૫માં એમના વિખ્યાત સાપેક્ષવાદના સિદ્ધાંતના વિખ્યાત સૂત્રમાં એ પ્રતિપાદિત કર્યું, ત્યારે ટેસ્લા તો વિદ્યમાન હતાં પણ સ્વામી વિવેકાનંદ સમાધિસ્થ થઈ ચૂક્યા હતા. જો તેમણે જીવતે જીવ આઇન્સ્ટાઇનનું આ સંશોધન – સમીકરણ જાણ્યું હોત તો તેમનો રાજીપો કંઈક અલગ જ હોત. નોંધવા જેવું એ છે કે સ્વામી વિવેકાનંદ અને ટેસ્લા દ્રવ્ય-ઊર્જાની અવિનાશિતા અને એકરૂપતાની ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન માંડ ૧૬ વર્ષના તરુણ હતા !
આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદે આધુનિક વિજ્ઞાન પર ત્યારે અને ત્યાર પછી ક્વોન્ટમ થિયરી, પાર્ટિકલ ફિઝિક્સ, સ્ટ્રીંગ થિયરી એમ આજ સુધી કેવો ઘેરો પ્રભાવ પાથર્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. સ્વામી વિવેકાનંદે વેદાંત અને ભારતીય દર્શનોની વાતો પહેલાં જ વિદેશની ધરતી સુધી પહોંચાડી દીધી હતી એટલે ત્યારબાદ પાશ્ચાત્ય વિજ્ઞાનની વિભાવનાઓના ચિંતનમાં ભારતીય તત્ત્વજ્ઞાન અને દર્શનની ઝલક આજ સુધી વર્તાતી જોવા મળે છે, એમ કહેવામાં કશું ખોટું ન હોઈ શકે. સ્વામી વિવેકાનંદ વિજ્ઞાનનું ધ્યેય અને હેતુ વિશ્વવાસ્તવમાં દેખાતી વિવિધતામાં એકતાને શોધવાનો છે એમ માનતા. આજે પણ વિજ્ઞાનની દરેક શાખા પોતપોતાના ક્ષેત્રમાં એ જ દિશામાં આગળ વધતી જણાય છે.
પ્રગટ : “જન્મભૂમિ પ્રવાસી”; ૧૨-૧-૨૦૨૫
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 21-22