પંડિત જવાહરલાલ નેહરુ ભારતના પ્રથમ વડા પ્રધાન હતા. તાજા તાજા જન્મેલા એક નવજાત દેશના ભાવિની જે સુરમ્ય કલ્પનાઓ તેમણે કરી હતી તે પૈકી આઈ.આઈ.ટી. (અને આઈ.આઈ.એસસી.) મહત્ત્વની હતી. આ સંસ્થાઓનું સ્તર નીચું ઉતાર્યા વગર, દેશભરમાંથી જે યુવાધન તૈયાર થાય છે તેનો વિશ્વભરમાં ડંકો વાગે છે. આ સંસ્થાઓમાંથી સર્વોત્તમ વિજ્ઞાનીઓ અને ટૅકનોલૉજી તથા એન્જિનિયરિંગના સ્નાતકો બહાર પડે છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો અત્યંત દોહ્યલો છે. જરા પણ અતિશયોક્તિ વગર કહી શકાય કે અમેરિકાની હાર્વર્ડ અથવા એમ.આઈ.ટી. જેવામાં પ્રવેશ મેળવવો તે આના કરતાં સહેલું છે. ઈન્ફોસિસના સ્થાપક પૈકીના એક નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે માર પુત્રને ભારતની આઈ.આઈ.ટી.માં પ્રવેશ નહીં મળે તેમ લાગતાં તેને અમેરિકામાં સારી યુનિવર્સિટીમાં ભણવા મૂક્યો હતો. અમેરિકાની સારી યુનિવર્સિટીમાં પ્રવેશ પણ ભારતની આઈ.આઈ.ટી.માં નહીં તે બાબત અનેક મુદ્દા ઉપર પ્રકાશ ફેંકે છે.
(૧) સૌ પ્રથમ તો વાત ખાનગી અને સરકારીની. ખાનગી સંસ્થાઓમાં જ બધું સરસ છે અને સરકારી તે બધું ખરાબ એવી એક દુર્ગંધ સ્થાપિત હિતોએ ફેલાવી રાખી છે. ખાનગી પ્રાથમિક શાળા, ખાનગી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા કે કૉલેજ સારાં પણ સરકારી અથવા અનુદાનિત ખોટાં એવી હવા જમાવી દેવામાં આવી છે. એવું જ યુનિવર્સિટીઓનું, ખાનગી યુનિવર્સિટીઓ સારી પણ અનુદાનિત ખોટી એવી હવા પણ દેશમાં વ્યાપક છે. આ વાતને એટલે સુધી આગળ ખેંચવામાં આવી છે કે દૂરદર્શન, બી.એસ.એન.એલ./ એમ.ટી.એન.એલ., સિવિલ હૉસ્પિટલ, એસ.ટી. બસો, એર ઇન્ડિયા, બધું જ નકામું પણ ખાનગી ટી.વી. ચેનલો, ખાનગી દવાખાનાં, ખાનગી બસો વગેરે જ સારાં ગણાય છે. આવા સૌ લૌકો માટે ઈસરો, આઈ.આઈ.ટી. કે આઈ.આઈ.એસસી. દ્વારા પ્રતીતિજનક પ્રત્યુત્તર સાંપડે છે. પરંતુ તે જોવા, સમજવા કે સંભાળવાની આ ખાનગીકરણના ભક્તોની કોઈ જ તૈયારી નથી.
(૨) આ બનાવની બીજી ફલશ્રુતિ એ છે કે ભારતનું વિશાળ બુદ્ધિધન સમગ્ર જગતમાં છવાઈ ગયું છે. આ બુદ્ધિધન જગતના ચોકમાં પોતાનાં આવડત અને હોંશિયારીના ‘લોહા માનતે હૈં!’
પરંતુ આ સંસ્થાઓમાં વર્ષે માંડ સાડા ત્રણ હજાર ‘સર્વોત્તમો’નો જ સમાવેશ થઈ શકે છે, આ સંખ્યા વધે તેવા પ્રયાસો કરવાની સૂઝબૂઝ આ બજારવાદી સરકારો ગુમાવી બેઠી છે.
(૩) આ બુદ્ધિધનના લગભગ પંચાણુ ટકા વિદેશમાં અને ખાસ તો અમેરિકામાં ઢસડાઈ જાય છે. નેહરુની કલ્પના અને ઇરાદો એ હતો કે આવા તેજસ્વી યુવાનો વડે આ દેશ ટેક્નિકલ ક્ષેત્રે મોટી હરણફાળ ભરશે. પકોડા તળીને રોજગારી મેળવવાનાં સપનાં પંડિત નેહરુનાં નહોતાં! પણ તે પછીની સરકારોએ આ બ્રેઈન ડ્રેઈન રોકવાના ખાસ પ્રયાસો જ કર્યા નહીં.
આ તેજસ્વી યુવા વર્ગને રોકી ન શકાયો તેે માટે દેશનું એકંદર બિસ્માર વાતાવરણ પણ ઓછું જવાબદાર નથી. ભારતીય સમાજમાં વિકાસલક્ષિતા અને આધુનિકતાને સ્થાને પછાતપણું અને પરંપરાવાદ વધુ વિસ્તરેલા છે. તેના થોડાક નમૂના જુઓઃ
• ગણપતિને હાથીનું મસ્તક બેસાડ્યું તે બતાવે છે કે અમારે ત્યાં ‘અગલે જમાનેમેં’ પ્લાસ્ટિક સર્જરીની જાણકારી હતી.
• શ્રીલંકાથી અયોધ્યા સુધીની પુષ્પક વિમાનમાં સફર થઈ તે દર્શાવે છે કે અમારી પાસે ‘અગલ જમાને મેં’ નોનસ્ટોપ ફ્લાઈટ કરી શકે તેવાં વિમાનો હતાં.
• મહાભારતમાં અર્જુનને કહેવાતી ગીતા સહિતના તમામ બનાવો સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવતો તે દર્શાવે છે કે ‘અગલ જમાને મેં’ ટેલિકાસ્ટ કરવાની અમારી આવડત હતી. (કુરૂક્ષેત્રમાં ઓબીવાન કયા સ્થળે ઊભી હશે?)
આ ઉપરાંત રોકેટ, અગ્નાસ્ર, અણુબોંબ વગેરે અમારી પાસે ‘અગલે જમાને મેં’ હતા. અમે આયુર્વેદ, જ્યોતિષ, મંત્રશક્તિ, તંત્ર વગેરેના ભારે જ્ઞાતા હતા!
આવા દાવા કરનારા દેશને પોતાના જ સમર્થ અને તેજસ્વી બુદ્ધિધનને સાચવવાની ફાવટ નથી. વળી, આ બધા મૌખિક દાવાની સાથે કોઈ પુરાતત્ત્વના આધારો પણ રજૂ કરવાની ત્રેવડ દેશ પાસે નથી. ખરેખર તો બન્યું છે એવું કે સમાજ એક અત્યંત પછાત પણ ખૂબ વાચાળ અને બિન-પાયાદાર વાતો હાંકનારાઓથી એવો ઘેરાઈ ગયો છે કે જે લોકો વિદેશમાં રહીને ભણીને દેશ સેવાની ભાવનાથી પ્રેરાઈને પાછા આવવા માંગે તેને પણ દેશ સાચવી શકતો નથી.
• ૧૯૬૬-૬૭માં ડી.એન.એ.ના શોધક હરગોવિંદ ખુરાના ભારત આવવા માંગતા હતા ત્યારે સરકારે તેમને રૂ. ૧૬૫/-ની નોકરી ઓફર કરેલી! તેમને નોબલ ઇનામ મળ્યું એટલે આપણે ‘અમારા ભારતીય’ કહેતા દોડ્યા પણ ત્યાં સુધીમાં તો ડૉ. ખુરાનાએ અમેરિકન નાગરિકત્વ સ્વીકારી લીધું હતું.
• રઘુરામ રાજનની સેવાઓ ચાલુ રખાઈ હોત તો નોટબંધી જેવી કરુણાંતિકા ભજવાઈ ન હોત!
• ભારત રત્ન અને નોબલ ઇનામ વિજેતા પ્રા. અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીમાં ચૅરમેનપદે પુનસ્થાપિત ન થવા દેવા માટેના સહેતુક અને સફળ પગલાં ભરાયાં. પ્રો. સેન આ સ્થાને છેલ્લાં નવ વર્ષથી હતા અને તેમને ૨૦૧૬માં દૂર કરવા માટેનાં પરોક્ષ પગલાં લેવાયાં!
એક તરફ પંડિત નેહરુના પ્રયાસોથી સ્થપાયેલી અને વિશ્વભરમાં ઉત્તરોત્તર માનવશક્તિ મોકલનાર સંસ્થાઓને આ દેશમાં હવે ખાનગીકરણના નામે અને કરકસર જેવા ઉદ્દેશોથી ઉત્તમને નિષ્પ્રાણ બનાવનારી ચેષ્ટાઓ આચરાઈ રહી છે.
બીજી એક બાબતઃ તાજેતરમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તા. ૨૧-૪-૧૮નો રિતીકા ચોપરાનો અહેવાલ જણાવે છે કે દેશભરની વિવિધ એન્જિનિયરિંગ કૉલેજોમાંથી ૧.૩૬ લાખ જેટલી સીટોની બાદબાકી કરવા વાસ્તેની પેરવીઓ હાથ ધરાઈ રહી છે. હજુ ગયે મહિને જ ગુજરાતની શિક્ષણની ત્રણેક કૉલેજોમાં પૂરતો સ્ટાફ ન હોવાથી તેને બંધ કરવાની સૂચના અપાઈ હતી. હવે સમગ્ર દેશમાંથી અનેક પ્રકારના શિક્ષણ ઉપર આ આઘાત આવવામાં છે. આ આખી રચના અને વિગત સ્પષ્ટ કરતાં પહેલાં, સામ પિત્રોડાના વડપણ હેઠળના જૂથે અને તે જ અરસામાં યશપાલ કમિટિએ વ્યક્ત કરેલા વિચારોની ભાળ મેળવીએ. ખાસા ચિંતન અને દેશના યુવાધનના શિક્ષણની ખેવના પછી આ બંનેએ જણાવેલું કે દેશમાં ઉચ્ચ શિક્ષણનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (જી.આર.ઈ.), વધારીને લગભગ ત્રીસ ટકાએ પહોંચાડવો. આ માટે સામ પિત્રોડાના નોલેજ કમિશને દેશમાં પંદરસો નવી યુનિવર્સિટીઓ સ્થાપવાની ભલામણ કરેલી.
સમગ્ર દેશની માનસિકતા ઉચ્ચ શિક્ષણને વધુ વિસ્તૃત, સમાવેશક અને વધુ ને વધુ ગુણવત્તાસભર બનાવવાની હતી. તે પરિસ્થિતિમાંથી હવે સંખ્યાબંધ કૉલેજો બંધ થઈ રહી છે અને તેમાં ગુણવત્તા બહુ ઊંચી હતી તેવું પણ નથી. ખરેખર તો અસંખ્ય ખાનગી સંસ્થાઓને એન્જિનિયરિંગ સહિતની કૉલેજો ખોલવામાં પુષ્કળ નફો દેખાયો. તેમણે ઉચ્ચ શિક્ષણનો એક ધંધો શરૂ કર્યો. આ બધા સમયે સરકારને કશું જ કહેવા કે કરવાપણું લાગ્યું નહીં! આવાં બધાં ખાનગી પ્રતિષ્ઠાનો ધન એકત્ર કરતાં રહ્યાં, ન શિક્ષણની ગુણવત્તા સુધારી અને ન સરકારને જાગવાપણું લાગ્યું!
દેશમાં ઉચ્ચ શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓના લગભગ ૭૦ ટકા વિવિધ પ્રકારના એન્જિનિયરિંગમાં ભણે છે. આ માટે માતા-પિતા પુષ્કળ ખર્ચા કરે છે અને ઉજાગરા વેઠે છે. આઈ.આઈ.ટી. જેવામાં પ્રવેશ માટે તો વિદ્યાર્થીઓ લગભગ ચૌદ-પંદર વર્ષથી એટલે કે આઠમા ધોરણથી શરૂઆત કરી દે છે. ટ્યુશન વર્ગો અને અન્ય સગવડોનો બજારુ ઢબે ઉપયોગ વ્યાપક છે. આઠમા ધોરણથી બારમા ધોરણ સુધીની સખત મહેનત પછી આઈ.આઈ.ટી.માં જવા માટે માંડ સાડા ત્રણ હજાર વિદ્યાર્થી સફળ થાય છે. તે પછીના ક્રમે આવનારી અન્ય હજાર-પંદરસો કૉલેજો પણ ઉત્તમ જ હોવાની. પણ સરકારને આ દિશામાં આગળ વધવાપણું લાગતું જ નથી. ૨૦૧૭-૧૮થી અગાઉનાં પાંચ વર્ષોથી અડધો અડધથી વધુ ખાલી રહેતી બેઠકો ધરાવતી સંસ્થાઓમાં એ.આઈ.સી.ટી.ઈ.એ બેઠક કાપ મૂક્યો છે પણ ગુણવત્તા સુધાર કરવા ધાર્યું નથી.
એકંદરે પરિસ્થિતિ એ છે કે એન્જિનિયિરંગ ભણેલા માટે હવે નોકરીઓ નથી. આથી આ ભણતર તરફ જવાનું બંધ થવા માંડ્યું છે. દેશમાં જ્યાં ડેમોગ્રાફિક ડિવિડંડની ચર્ચા ચાલતી હતી ત્યાં હવે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરનાં પડઘમ શરૂ થવામાં છે. વિચારોને ખુલ્લું મેદાન આપનારી જે.એન.યુ. કે ટીસ જેવી સંસ્થાઓને સરકાર ઇરાદાપૂર્વક આર્થિક ભીંસમાં લઈ રહી છે.
સર્વત્ર ફેલાઈ રહેલો આ યુવારોષ દેશને કઈ સ્થિતિએ લાવી મૂકશે?
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2018; પૃ. 02-04