સ્વિસ મનોશાસ્ત્રી કાર્લ ગુસ્ટાફ યુંગે સામૂહિક અચેતન(કલેક્ટિવ અનકોન્સિયર્સ)ની ધારણા આપી હતી. યુંગના કહેવા પ્રમાણે સ્મૃિતઓના સંસ્કાર માણસને વારસામાં મળે છે. માણસનો સામાજિક અને સાંસ્કૃિતક વિકાસ એને સામૂહિક અચેતન મારફતે મળેલા સંસ્કાર ઉપર નિર્ભર હોય છે. યુંગે કહ્યું હતું કે આ સામૂહિક અચેતન જ માનવજાતિનો ઇતિહાસ છે. એની શરૂઆત જ માનવજાતિના આરંભથી થઇ હતી અને એ દરેક વ્યક્તિમાં આગળ વધતો રહે છે.
યુંગથી ય પહેલાં, અમેરિકન નિબંધકાર અને કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સને સકળ માનસ(યુનિવર્સલ માઇન્ડ)ની વાત કરીને ઇતિહાસની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે, ‘ઇતિહાસ જેવું કંઈ હોતું નથી. જે હોય છે તે માત્ર જીવનચરિત હોય છે.’ સામાન્ય રીતે ઇતિહાસનો અર્થ સમાજ કે દેશની મહત્ત્વપૂર્ણ, વિશિષ્ઠ અને સાર્વજનિક ક્ષેત્રની ઘટનાઓનું કાળક્રમ પ્રમાણે લખાયેલું વિવરણ એવો થાય છે. હકીકતો અને પ્રસંગોનું ક્ષમાનુસાર દસ્તાવેજીકરણ એટલે ઇતિહાસ એવી આપણી સાદી સમજ છે.
ઇમર્સને કહ્યું કે, ‘ઇતિહાસ એ યુનિવર્સલ માઇન્ડનો રેકોર્ડ છે અને પ્રત્યેક વ્યક્તિગત અનુભવોમાં એ યુનિવર્સલ માઇન્ડની છબી હોય છે.’ મતલબ કે તમે જ્યારે કોઇ એક વ્યક્તિનું જીવનચરિત વાંચો છો ત્યારે એમાં તમને યુનિવર્સલ માઇન્ડની ઝલક જોવા મળે છે. આ યુનિવર્સલ માઇન્ડ વાચકમાં પણ ધબકતું હોવાથી એ જીવનચરિતમાં વાચકને પોતાની વાત પણ જાણવા મળતી હોય છે. એટલા માટે, ઇમર્સને કહ્યું હતું તે પ્રમાણે, જીવનચરિતોનું વાંચન એ ઇતિહાસનું જ વાંચન છે. આપણે જ્યારે ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે તારીખ અને તવારીખ જ વાંચતા નથી, આપણે ઇતિહાસની વ્યક્તિના અનુભવો વાંચીએ છીએ.
ઇમર્સને 19મી સદીના અમેરિકાને ધ્યાનમાં રાખીને ઇતિહાસને કોરા દસ્તાવેજને બદલે ઐતિહાસિક શખ્સીયતોના જીવન સાથે જોડીને વ્યાખ્યાઇત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં આ રીતે ઇતિહાસ લખાતો નથી. ભારતમાં આજેય ઐતિહાસિક પાત્રોને બદલે ઐતિહાસિક પ્રસંગોના પ્રિઝમમાંથી ભૂતકાળને જોવામાં આવે છે.
ભારતમાં સાહિત્યના એક પ્રકાર તરીકે જીવનચરિત્ર અને આત્મચરિત્રનો વિકાસ થયો નથી એનું કારણ એ છે કે પંડિતો અને વિદ્વાનો એને સામાજિક ઇતિહાસના ગંભીર અધ્યયનનો વિરોધી પ્રકાર ગણે છે. જેને કથાત્મક ઇતિહાસ કહે છે તે ભારતમાં ગાયબ છે. આ જ કારણથી ભારતમાં આઝાદી પહેલાંના શાસકોનું અપ-ટુ-ડેટ અને ફર્સ્ટ ક્લાસ જીવનચરિત્ર લખાયું નથી.
ઘટનાત્મક ઇતિહાસની મુશ્કેલી એ છે કે તમે કઇ ઘટનાને હકીકત તરીકે સ્વીકારો છો તેના ઉપર ઇતિહાસનું સ્વરૂપ નિર્ભર હોય છે. દાખલા તરીકે બે દિવસ પછી આપણે આઝાદીનાં ગાન ગાઇશું. આપણો ભૂતકાળ કેટલો મહાન હતો અને ભવિષ્ય કેટલુ઼ં ઉજ્જ્વળ છે, એના અહેસાસમાં આપણે ગદ્્ગદિત થઇશું. આપણે આપણી મહાન સિદ્ધિઓનું લિસ્ટ વાંચીને અાપણી કામયાબી ઉપર ગર્વ અનુભવીશું. ફેર ઇનફ. આ બધું કરવું જોઇએ, પરંતુ સાથે હકીકત એ પણ છે કે ભારત જેને ઇતિહાસ ગણે છે તેને પાકિસ્તાન ઇતિહાસ નથી ગણતું અને ભારતમાં ય ‘ઇતિહાસ માર્ક્સવાદીઓ અને સામ્યવાદીઓએ લખેલો છે’ એવું કહીને ઇતિહાસને ફરી લખવાની ઝુંબેશ શરૂ થઇ છે.
ઘટનાત્મક ઇતિહાસને બદલે કથાત્મક ઇતિહાસ વધુ અધિકૃત, ઠોસ અને જીવંત હોય છે તેવા ખયાલ સાથે જ ઇતિહાસકાર સુનીલ ખિલનાનીએ ‘ઇન્કાર્નેશન્સ: ઇન્ડિયા ઇન 50 લાઇવ્સ’ નામનું એક પુસ્તક ગયા વર્ષે લખ્યું હતું. આ પુસ્તકમાં ગૌતમ બુદ્ધના આધ્યાત્મવાદથી લઈને ધીરુભાઈના મૂડીવાદની એવી અલગ અલગ કહાનીઓ, જે ખાલી વાર્તાવૈભવ જ નથી, પણ 2,500 વર્ષના ભારતીય ઇતિહાસની કલેક્ટિવ અનકોન્સિયસ પણ છે.
ખિલનાની એની પ્રસ્તાવનામાં લખે છે, ‘આશ્ચર્યની વાત છે કે ભારતીય ઇતિહાસ જનશૂન્ય છે. એમાં રાજવંશો છે, યુગો છે, ધર્મ સંપ્રદાયો છે અને જાતિઓ છે, પણ શખ્સીયતો નથી.’ શખ્સીયતોની બીજી મુસીબત એ પણ છે કે ક્યાં તો એ એક અંતિમ ઉપર ચોકસાઇ-ચકાસણી બહાર ઈશ્વર બની ગઇ છે અથવા તો બીજા અંતિમ ઉપર, અક્ષમ્ય અસુર બની ગઇ છે.
ખિલનાનીએ આ પુસ્તકમાં દક્ષિણ એશિયાની એવી 50 શખ્સીયતોની સામાજિક-ધાર્મિક-રાજકીય કથાઓ માંડી છે, જે ભારતને ભારત બનાવે છે. એમાં રાજાઓ, સુલતાનો, રાજકુમારો, રાજકારણીઓ, ગણિતજ્ઞો, ઓરિએન્ટલિસ્ટ, ચિકિત્સકો, સ્વાતંત્રય સેનાનીઓ, ક્રિકેટરો, વિચારકો, કલાકારો અને કવિઓનો કેલિડોસ્કોપ છે.
અેમાં બુદ્ધ અને અકબર અને ગાંધી જેવી સુપરિચિત શખ્સીયતો છે જ, સાથે અનોખી અજ્ઞાત વ્યક્તિઓ પણ છે. તમે 12મી સદીના કન્નડ કવિ અને સમાજ સુધારક બસવન્નાનું નામ સાંભળ્યું છે? ભારતના કવિઓ, લેખકો અને નાટ્યકારોની પેઢી દર પેઢી હિન્દુ ધર્મની કુરીતિઓ અને જાતિ વ્યવસ્થાના આ વિરોધી સુધારક બસવાથી પ્રભાવિત થઈ છે. ખિલનાની આ બસવાના પ્રદાનની વાત કરે છે.
એમાં ઝારખંડમાં ભગવાન તરીકે પૂજાતા આદિવાસી જનનાયક બિરસા મુંડા(1875-1900)ની વાત છે. અંગ્રેજો સામે લડનારાઓની તો ઘણી કથાઓ છે. પરંતુ 1897થી 1900 વચ્ચે 400 આદિવાસી સૈનિકોએ તીર-કામઠાં લઇને અંગ્રેજોના નાકમાં દમ કરી નાખ્યો હતો. તેનો સરદાર આ બિરસા હતો જે આજે ભુલાઇ ગયો છે.
તમને 1983માં અમદાવાદમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી ક્રિકેટ મેચ યાદ છે? સુનિલ ખિલનાનીએ આ મેચ જોઇ હતી, અને એ પણ જોયું હતું કે કેવી રીતે ફિલ્ડિંગ કરવા આવેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઉપર કેળાં ફેક્યાં હતાં અને કેવી રીતે સ્ટેડિયમ ‘હબસી … હબસી’ના નારાથી ભરાઇ ગયું હતું.
એને યાદ કરીને ખિલનાની લખે છે કે આ હબસી શબ્દ ભલે અરબી-ફારસી અબેસિયન ઉપરથી આવ્યો હોય, પણ ભારતમાં એનો એક ગુમનામ ઇતિહાસ છે તે આજે ભુલાઇ ગયો છે. 16મી અને 17મી સુદીમાં આફ્રિકન ગુલામો માત્ર પશ્ચિમના જગતમાં જ ગયા હતા એવું નથી. આફ્રિકન હબસીઓ ભારતમાં દખ્ખણના પહાડોમાં જામેલા ખાનગી-સાર્વજનિક સૈન્યોમાં ભરતી થવા માટે પણ ‘નિકાસ’ થયા હતા.
સુનિલ ખિલનાની આવી જ રીતે દાસ બનીને દખ્ખણના નિઝામશાહના રાજ્યમાં આવેલા મલિક અંબરનો ઇતિહાસ યાદ કરે છે. ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું તે પહેલાં દક્ષિણમાં મુઘલ શાસન માટે અભિશાપ બનનાર આ હબસી ગુલામ મલિક અંબર પણ ખોવાઇ ગયો છે. બચપણમાં બગદાદ અને ત્યાંથી નિઝામ પ્રથમના મંત્રી ચંગેઝ ખાનની પનાહમાં આ મલિક અંબર એક ચતુર વ્યૂહરચનાકાર, કાર્યકુશળ અને સાહસિક સચિવ તરીકે ઊભર્યો હતો. 1601માં પહેલીવાર એના નામનો સિક્કો ગુંજ્યો હતો. જ્યારે એણે મુઘલ સેનાને દોલતાબાદમાં હરાવી હતી. મુઘલોને આ શિકસ્તને કારણે જ મલિક મરાઠાઓનો ‘સૈન્ય ગુરુ’ બની ગયો હતો.
આજે ભારતમાં ઇતિહાસને બદલવાની કે ફરીથી લખવાની કોશિશ થઇ રહી છે ત્યારે સુનિલ ખિલનાનીએ પેશ કરેલાં આવાં અનેક ચરિત્રો આપણને એ વિચારવા પ્રેરે છે કે આપણને ખબર છે ખરી કે ભારતની સાર્વજનિક ચેતનામાં કેટ-કેટલા નામી-અનામી લોકોની જિંદગી વસેલી છે?
15મી ઑગસ્ટ નજીકમાં જ છે. ક્યાંકથી મળે તો આ ‘ચેતનાની ચોપડી’ વાંચવા જેવી છે. વાંચજો.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 14 અૉગસ્ટ 2017
 ![]()



ઝાંસી, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પંકજ મિશ્રા અંગ્રેજીમાં લખતા લેખકોમાં મોટું નામ છે. એ લંડન-અમેરિકાના અનેક પત્ર-પત્રિકાઓમાં નિયમિત લખે છે. આ વર્ષની શરૂઆતમાં એમણે દુનિયાના અલગ અલગ દેશોમાં જોર પકડી રહેલી કૌમપરસ્તી, અલગતાવાદ અને અંધ રાષ્ટ્રવાદની હલચલ ઉપર એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે ‘એજ ઑફ એંગર’ (ક્રોધનો કાળ).