એક
– તો પછીથી ખાલી કરો
આ ઘર, નગર, શહેર ને પૃથ્વી
સવર્ણપુરના નગરવાસીઓ,
ને ચાલી નીકળો
મંગળ કે ગુરુ પર.
ગામનો છેડો કે પછી ગટરની અંદરનો વિસ્તાર
માત્ર અમારો નથી,
આ બ્રહ્માંડના અગણિત નક્ષત્રો અમારાં પણ છે.
આ નિહારિકાઓ
એના સૂર્યો અમારાં છે.
જેની ઊર્જાથી જ તમે જીવો છો.
અમે તો આદિકાળનો પ્રકાશ છીએ.
આ સૃષ્ટિની બધી ય લપકારા મારતી જ્વાળાઓ તો
અમને તમે કરેલાં અપમાનોની
પ્રતિશોધ છે.
તમે ધારો તો ત્યજી શકો છો
તમારું કહેવાતું માળખું,
તે તો તમારું માત્ર કંકાલ છે.
ચલો હટો
આ પૃથ્વી અમારી છે, કારણ કે
અમે જ, માત્ર અમે જ, આ ધૂળનો પર્યાય છીએ.
બે
તમે બદલી કાઢો છો
તમારો રસ્તો, અમને જોઈને
ત્યારે તમને ખબર હોતી નથી કે
રસ્તાઓ વિમૂખ થઈ જાય છે તમારાથી
અને તમને લઈ જાય છે
તમારી અંદરના એક સ્મશાન ભણી.
તમે હંમેશાં
તિરસ્કારો છો અમારા અસ્તિત્વને,
જેમ તમારું જીવન તરછોડે છે તમને
જીવતે જીવ.
તમે કાલે નહીં હોવ
તો ય તમે કોઈના નામ આગળપાછળ
છુપાઈને અમારો સતત ઉપહાસ કરશો.
તમે હંમેશાં નિકંદન કાઢો છો
તમારા નામની આગળપાછળના શબ્દોનું.
શબ્દો અને અર્થોના શણગાર સજીધજી
તમે મ્હાલો છો રાતદિવસ
પણ સમજી લેજો, એક પળ માટે
અમે હટવાના નથી
તસુભર.
તમારા અસ્તિત્વ કરતાં અમારું વધુ નક્કર છે.
આ ધરતીનો ઉદ્ભવ થયો
એટલો જૂનો અમારો ઇતિહાસ છે.
ત્રણ
અમારા પડછાયાનો ય
તમને વાંધો છે,
તો ભૂંસી નાખો કાયમને માટે
તમારો ય પડછાયો.
તમારા દેવ-દેવતાઓ પડછાયા વગરના છે,
એ માણસ પણ નથી.
અમે તો બહિષ્કાર કર્યો છે
જેમને-જેમને નથી કોઈ પડછાયો.
બહુબહુ તો તમારે એક ઘર છે
પણ તમે તમારી માન્યતાઓના પાંજરામાં કેદ છો
ને તમે એક હિંસક પ્રાણી છો.
આટઆટલી સદીઓ પછી પણ
તમે સમજતા નથી કે
તમે સજીવતત્ત્વથી ઘણે દૂર છો.
જ્યારે તમે હોતા નથી ત્યારે
તમારો વેરણછેરણ પારા જેવો પડછાયો
તમારો વંશવેલો અંગીકાર કરે છે.
તમે અહીં રહી જાઓ છો એમનો પડછાયો બની
અમને રંજાડતા.
તમારી પાસે માત્ર નામ જ માણસનું છે.
ચાર
તમે અમારાં કપડાં કાઢીને
જાહેરમાં ફટકારો છો, ત્યારે
વાસ્તવમાં તમે છતે કપડે નાગા છો
અને આ સૃષ્ટિમાં સૌથી વધુ ખતરનાક પ્રાણી છો,
તમે આખી માણસ જાતને માથે
કલંક છો.
તમે જ્યારે જન્મો છો, ત્યારે
તમારી માને ખબર હોતી નથી કે
તમે માણસ થતાં-થતાં હેવાન બની જવાના છો
નહીં તો કોઈ પણ મા તમારા જેવા હિંસક વરુને
જન્મ ના આપે.
આ ધરતીને ય ખબર ન હતી કે તમે
એની ઉપરનો અતિ તુચ્છ એક પદાર્થ છો,
છતાં તમને એણે હવા, પાણી, તેજ આપ્યાં,
તમને ધાવણ અને ધાન આપ્યાં,
તમે છતાં તેના ઉપર એક સડેલું ફ્ળ છો.
તમે નહિ હોવ તો કોઈને કશો ફેર નહિ પડે,
એક માત્ર અમને પડશે,
કારણ કે અમારા આદિમ ઘા ઉપર મીઠું ભભરાવતા એક માત્ર તમે
અમને સદા જાગતા રાખો છો !
તમારા કરતાં તો મરેલાં ઢોર સારાં
એ મૂક પ્રાણીઓ અમારી વેદના જાણે છે.
તમારા જુલમોથી હવે એક વાત સમજાઈ છે કે
કોઈ પણ હાડપીંજર કરતાં તમે વધુ ભયાનક છો.
E-mail : rajendrapatel.ceo@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 12