(ગઈ કાલે – ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ – ઉત્તરાખંડમાં જે આપદા આવી, જેમાં ૧૦૦થી વધારે લોકોનાં મોત થયાં, તેને કુદરતી ન ગણતા સરકારની બેદરકારી ગણવી જોઈએ. કારણ કે અનેક પર્યાવરણવિદોએ પહોળા રસ્તા અને વીજમથકો બાંધવા માટે પહાડો અને જંગલો ન કાપવાની સલાહ આપેલી, તેને કારણે ભૂસ્ખલન, અતિવર્ષા, નદીઓમાં પૂર જેવી શક્યતાઓની આગાહીઓ પણ કરેલી, તેમ છતાં બન્ને પક્ષની સરકારોએ વિકાસના નામે આ કામો ચાલુ રાખ્યાં. સુપ્રીમ કોર્ટના આદેશોને પણ અવગણેલા. તે નિમિત્તે આ લેખ પ્રાસ્તવિક લાગે છે. ક્યાંક તો સરકારની જવાબદેહી નક્કી થાય અને જવાબદાર રાજકારણીઓને સજા થાય. − અનુવાદક)
•••
૨૦૧૯ના જૂન મહિનામાં બિહારના મુઝફ્ફરપુરની શ્રી ક્રિષ્ના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૧૦૦થી વધારે બાળકોનાં આરોગ્યસંભાળની સિસ્ટમની નિષ્ફળતાને કારણે મૃત્યુ થયાં, આ નિમિત્તે મારા મનમાં ત્રણ વિચાર આવ્યા. (આવું જ નજીકનાં વર્ષોમાં યુ.પી., મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ બન્યું.)
પહેલા તો, જેમ સંવિધાનમાં મૂળભૂત ઢાંચા વિષે સિદ્ધાન્તો છે, તેવી રીતે પાયાના (basic) હકો વિષે પણ એટલી જ સ્પષ્ટતા સાથે વ્યાખ્યા થવી જોઈએ એ સમય હવે પાકી ગયો છે. બીજું આ પાયાના હકો પ્રત્યે રાજ્યએ હકારાત્મક દૃષ્ટિ રાખવી પડશે, તે રાજ્ય સામે અવરોધરૂપ (નકારાત્મક હકો) છે, તેમ માનવા કરતાં તે માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડશે તેમ માનવું. ત્રીજું, કાયદાકીય કલમોની અવગણના માટે જેમ કોઈ વ્યક્તિને સજા થઈ શકે છે તેવી જ રીતે સરકારોને પણ નાગરિકોના પાયાના હકોની અવગણના કરવા માટે સજા થવી જોઈએ. આ સજા માટે હવે પછીની ચૂંટણીની રાહ જોયા વગર ત્વરિત સજા થવી જોઈએ. ટૂંકમાં, આ બાબતે નિષ્ફળ ગયેલી સરકારને કાયદાની રૂએ ગુનેગાર ગણવી જોઈએ. નાગરિકોના પાયાના હકોની નિયમસરની અવગણનાને સંવિધાનિક બાબતોની અવગણના સમકક્ષ ગણવી જોઈએ.
તાતી જરૂરિયાત
પણ પાયાના હકો કયા છે? તે અન્ય મૂળભૂત હકો (Fundamental Rights) કરતાં કેવી રીતે જુદા છે? પાયાના હકો પાયાની જરૂરિયાતોમાંથી આવે છે, જેવા કે, શારીરિક સલામતી અથવા જીવન ટકાવી રાખવું કે ગુજરાન કરવું. જરૂરિયાતો ઇચ્છાઓ કરતાં જુદી છે. તમારી ઇચ્છા હોય કે રોજ સવારે તમને ચૉકલેટ મળવી જોઈએ, પણ એ તમારી જરૂરિયાત નથી. તેના વગર કંઈ તમારી ઉપર આકાશ તૂટી પડવાનું નથી. પાયાની જરૂરિયાતો જુદી છે. તેમની અપૂરતી તમારા સ્વાસ્થ્યને મોટુ નુકસાન કરી શકે, તમારું મૃત્યુ પણ લાવી શકે. જો તમને બૅક્ટેરિયાનો ચેપ હોય અને જો તમને ઍન્ટિબાયોટિક ના મળે તો એ તમને બહુ ખરાબ અસર કરી શકે. તો તમારી પર સાચ્ચે જ આકાશ તૂટી પડે. વધારામાં, ઇચ્છાઓ વ્યક્તિગત છે. તમારી ચૉકલેટની ઇચ્છા એ તમારી ભૂલ નથી, પણ તમારી ગેરસમજ છે, કદાચ તમે તમારી પાયાની જરૂરિયાતથી અજાણ છો. તમે એ કહી શકવા સક્ષમ નથી કે ઍન્ટિબાયોટિક તમારી જરૂરિયાત છે, કારણ કે તમારું મન તમને બૅક્ટેરિયા અને વાઇરલ ચેપને સમજી શકતું નથી. આ નક્કી થાય છે કોઈ વાસ્તવિક કસોટીથી.
માનવશરીરોની રચનાને કારણે જરૂરિયાતો બની છે. તે સ્થૂળ આવશ્યકતાઓ છે; તેના વગર કોઈ આગળ વધી ન શકે. તેવી જ રીતે તે અન્ય કોઈ ઉપાયોથી પૂરી ન થઈ શકે. આપણા માટે પાણી, ખોરાક અને હવાની જગ્યા અન્ય કોઈ પદાર્થ ન લઈ શકે.
અલબત્ત, એ વાત સાચી છે કે, પાયાની જરૂરિયાતો અતિ આવશ્યક હોવા છતાં, આપણે માત્ર તેના માટે જીવતા નથી. તે આપણા જીવનને જીવવા જેવું નથી બનાવતી. પણ ખરેખર એવું કશુંક કે જેના માટે આપણે જીવીએ છીએ, તેનો આધાર તો આ પાયાની જરૂરિયાતો પૂરી થાય તેના પર જ છે. જો આપણે સતત તરસ્યા, ભૂખ્યા, બિમાર, ઠંડીમાં કે અસહાય પરિસ્થિતિમાં રહેતાં હોઈએ, ત્યારે આપણે શેના માટે જીવીએ છીએ તે નક્કી કરવા અક્ષમ હોઈશું, જે ઇચ્છીએ છીએ તે પામવાના પ્રયત્નોની તો વાત જ ન આવે. એવા લોકોની સ્થિતિનો વિચાર કરો, જે પાણીની એક ડોલ ભરવા કે નહાવા કે સંડાસ જવા માટે કતારમાં કલાકો સુધી ઊભાં રહેતાં હોય છે. જો પાયાની જરૂરિયાતો અપૂરતી હોય કે તેમાં મોડું થતું હોય, તો લોકો દુ:ખી થતાં હોય છે. આને કારણે તેઓ થોડીક પણ સુઘડ જિંદગી જીવી શકતાં નથી.
જ્યારે પાયાની જરૂરિયાતો પૂરી નથી થતી, ત્યારે આપણે નિર્બળતા અને અસહાયતા અનુભવીએ છીએ. તે વખતે આપણે માનસિક તાપ અનુભવીએ છીએ, કોઈ મદદ કરે તે માટે રડીએ છીએ. આપણે આપણા સમાજ પાસે, ખાસ તો રાજ્ય પાસે પ્રાથમિક ન્યાય મળે તે માટે માટે ફરિયાદ કરીએ. પ્રાથમિક ન્યાય આપવા માટે બીજું કશું કરતાં પહેલાં સરકારે પોતાની ક્ષમતા અનુસાર જે કંઈ હોય તે પાયાની જરૂરિયાત માટે નાગરિકોને આપવું પડે, ખાસ કરીને એવાં લોકોને, જે આપ મેળે તે મેળવી શકતાં નથી. જ્યારે સરકાર પોતાની આ જવાબદારી સ્વીકારતી નથી, ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ.
સલામતી અને જીવન ટકાવી રાખવાની જહેમત
પાયાની જરૂરિયાતોના આ વિચારને સ્પષ્ટ કરવા કયા શબ્દો ઉમેરવા પડે ?
પહેલું, જરૂરિયાત એવી બાબત છે જે આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી છે. તે દૈવી કે કોઈ કૃપા કરવાની બાબત નથી. તો, જરૂરિયાતો એ બાબતોને ઓળખવામાં મદદ કરે છે, જે વ્યક્તિનું જીવન ટકાવી રાખવાની પાયાની બાબત છે. સરકાર આપણને એ પદાર્થો અને સેવાઓ પૂરી પાડે, જે આપણા પાયાના હકો છે અને તે માગવાનો આપણને અધિકાર છે.
બીજું, જ્યારે કોઈ બાબત પાયાના હક તરીકે નક્કી થાય છે, ત્યારે સરકારને તે પૂરી પાડવાની જવાબદારી સોંપે છે. સરકાર તે આપવાની બાહેંધરી આપનાર બને છે. દા.ત., શારીરિક સલામતીનો હક, પહેલો પાયાનો હક, એ સામાજિક બાહેંધરી બને છે, જ્યારે સરકાર તાલીમ પામેલું, વ્યાવસાયિક પોલીસદળ આપે છે. જ્યારે સમાજ અને તેની સરકાર આ નિશ્ચયને નકારે છે, ત્યારે આપણે તેને જવાબદાર માનીએ છીએ. આ પાયાનો હક, તે મોટાં જોખમો, જેવા કે ભૂખમરો, બિમારી અને ચેપીરોગ સામે અસહાય લોકો માટે કવચ છે. ફિલોસૉફર હેન્રી શ્યુ કહે છે કે “આ હક શક્તિહીન લોકો માટે વિટો (કાયદાને નામંજૂર કરવાનો અધિકાર) છે જેને તેઓ તેમને હાનિ પહોંચાડતાં આર્થિક, સામાજિક અને રાજકીય બળો સામે વાપરી શકે છે.”
આ હકો પાયાના એટલા માટે પણ છે કે એક વાર આ હક માન્ય થઈ જાય પછી જ બાકીના તેને અંતર્ગત મહત્ત્વના અન્ય હકો ભોગવી શકાય. વિચારો કે આપણી પાસે સમાજમાં છૂટથી એકઠા થવાનો હક છે, પણ આ હક વાપરવાની શરૂઆત કરતા જ કોઈ એકલદોકલ વ્યક્તિ પર હુમલો કે બળાત્કાર કે હત્યા થવાનો ભય ઊભો થાય છે. આની સામે મોટા ભાગના લોકો પીછેહઠ કરે છે. તેનો સામનો કરવા અસમર્થ છે. શું આ શારીરિક સલામતિ સામે ખતરો નથી, જે સામાન્યપણે ગુંડાઓ, રાજકીય ઠગો અને દમનકારી સરકારોનું હાથવગું સામાન્ય હથિયાર છે ?
બીજો મહત્ત્વનો પાયાનો હક છે લઘુતમ આર્થિક સલામતી અને ગુજરાન ચલાવવાનો. તેમાં સામેલ છે ચોખ્ખી હવા, અપ્રદૂષિત પાણી, આરોગ્યપ્રદ ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ. તેની ગેરહાજરીને કારણે મુઝફ્ફરપુરની કરુણાંતિકા સર્જાઈ. આ બાબત સારી રીતે સાબિત કરે છે કે પ્રાથમિક આરોગ્ય સારવાર પણ અસ્તિત્વ જાળવણીનો પાયાનો હક છે. કુપોષણ અને બિમારી વચ્ચે સીધો જ સંબંધ છે. ડૉ. ટી. જેકોબનો જૂન ૧૯, ૨૦૧૯ના ‘ધ હિંદુસ્તાન’માં લેખ છે કે આ બાયોકૅમિકલ રોગ છે, જેનું કારણ છે લીચી ફળનો આહાર, જે ખાસ કરીને કુપોષિત બાળકોમાં આ રોગ જન્માવે છે. એ તો સામાન્ય જ્ઞાન છે કે અલ્પપોષણ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. આમ રોગ, બેરોજગારી અને ગરીબી વચ્ચેનો સીધો સંબંધ પ્રસ્થાપિત થાય છે.
આ પાયાના હકો સામે રહેલાં આ વિશ્વસનીય જોખમો સામે સરકાર આવા અસહાય લોકોને મદદ કરવા માટે સંસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના કરીને નિવારી શકે, દા.ત., પૂરતાં ડૉક્ટરો, નર્સો, પથારીઓ, મેડિકલ સાધનો અને સઘન સારવારકેંદ્રો, જરૂરી દવાઓ અને તાત્કાલિક સારવારની સગવડતા સાથેની હૉસ્પિટલોની સ્થાપના કરે. આને માટે રાજકીય પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા અનુસાર જરૂરી આયોજનો કરી શકે. જ્યારે સરકાર આ નબળા વર્ગો, જે એ માટે ખર્ચ કરવા સક્ષમ નથી, તેમને પ્રાથમિક આરોગ્યસંભાળ દેવામાં નિષ્ફળ જાય, ત્યારે તે નાગરિકના પાયાના હકને અવગણે છે.
અસહાય, ઉત્તરદાયી
આ બે પાયાના હકો ઉપરાંત હું ત્રીજો હક ઉમેરું છું – જો લોકો પાયાના હકોથી વંચિત રહેતા હોય, તો તેમને પોતાની અસહાયતા અને નિરાશાને જાહેર કરવાની આઝાદીનો હક. અભિવ્યક્તિની આઝાદીના હકનો વ્યાપ બહુ વિશાળ છે અને હું નથી માનતો કે બધા જ પ્રકારની અભિવ્યક્તિને તેમાં સમાવાય, પણ લાગુ પડતા ભાગોને સમાવી શકાય. પોતાની અસહાયતાને જાહેર કરવાના હકમાં સામેલ હોય : સરકાર દ્વારા કરાતાં કામોને ઉમેરી કે બાદ કરીને તેની યાદી નક્કી થાય, તેનું ચોકસાઈપૂર્વક પરીક્ષણ થાય અને પછી સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને આ હકોનું ધ્યાન રાખવા જવાબદાર બનાવાય, જે શારીરિક સલામતી અને જીવન ટકાવી રાખવાના હક વિષયે કામ થાય તે સાથે સંકળાયેલો હોય.
ત્યાર પછી સરકાર તેવી વ્યવસ્થા ગોઠવે, જેથી લોકો પોતાના પાયાના હકો સંતોષાય તેના વિષે માંગણી કરી શકે, જો ન સંતોષાય તો ફરિયાદ કરી શકે, તેમાં જે ખામી રહી હોય કે જેને સરકાર દ્વારા અવગણવામાં આવ્યા હોય, તેની જાણ કરી શકે, અસંવેદન અધિકારીઓ તરફ આંગળી ચીંધી શકે, આ કરવામાં નિષ્ફળ ગયેલી સરકારની કોઈ ભય વગર ટીકા કરી શકે.
આ ત્રણ પાયાના હકોને એક વાક્યમાં કહી શકાય : લઘુતમ સુઘડતા સાથે જીવવાનો હક. આ હકની એક સીમા હોય. સમાજ તેના માટે ઘસાય, તેને પામવા માટે સહિયારો ભવ્ય પુરુષાર્થ કરે. જો કે વધુ સારું જીવન જીવવાની આકાંક્ષાની કોઈ સીમા ન હોઈ શકે. પણ લઘુતમ સુઘડતાની એક હદ નક્કી થાય કે જેની નીચે માનવીના અસ્તિત્વનું સ્તર ન ઊતરે. આ લઘુતમ સીમાની નીચેનું સ્તર ક્યારે ય સ્વીકાર્ય ન હોઈ શકે. મુઝફ્ફરપુરમાં બરાબર આ બાબતે જ બિહારસરકારની અને તે સાથે ભારતસરકારની અસંવેદનશીલતા આપણને થથરાવી મૂકે છે. તેઓ લોકોની પીડાના સીધાં કે આડકતરાં કારણોમાં પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે, એટલા માટે આપણે પૂછવું જોઈએ કે લોકોના પાયાના હકો સંતોષવામાં નિષ્ફળ ગયેલી સરકારને શા માટે તાત્કાલિક અને સખત સજા ન થાય?
લેખક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના, વિકસતા સમાજના અભ્યાસ કેન્દ્રના પ્રોફેસર છે. તેમનો ૨૫ જૂન, ૨૦૧૯નો આ લેખ પ્રાસંગિક જણાતાં ઈન્ટરનેટ પરથી અહીં સાભાર ઉતાર્યો છે.
– મુનિ દવે, અનુવાદક
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 05-06