ગયે અઠવાડિયે મળેલા એક પત્રનો અહીં જાહેર રીતે જવાબ આપવાનું મન થાય છે. વાચકમિત્ર યુવાન છે. કંઈક દુભાયેલા છે, અકળાયેલા છે. લખે છે : ‘તમારી વાતો વાંચીને લાગે છે કે તમે તૃપ્ત છો. સંતોષી છો. જિંદગીથી ખુશ છો. મને તો મારી આસપાસ બધે દુ:ખનું ધુમ્મસ છવાયેલું લાગે છે. આટલી નાની વયમાં જીવન કંટાળજનક લાગે છે. જિંદગી જીવવા જેવી નથી લાગતી. આમ કેમ થતું હશે?’
ઘણા જણને આવી વાતો કરતાં સાંભળું છું. મેં પોતે પણ જીવનમાં ઓછી અકળામણો નથી અનુભવી. વરસો પહેલાં ગોરખપુરમાં ‘નાથ સંપ્રદાય’ના એક સંત મળ્યા હતા. મારી એ વખતની અકળામણ જાણી કહે, ‘બેટા, આનંદનો ખજાનો તો આપણા દિલની સંદૂકમાં જ પડ્યો છે. એને ખોલવાની જીવનકૂંચી સાંપડે તો બસ, આનંદ આનંદ વરતાઈ રહે. દુનિયા આખી પોતાની પાસે જે નથી એનો વલોપાત કરે છે. સરવાળો કરવા જેવું જે ઘણું ઘણું હાથવગું છે એની સામે તો નજર સુધ્ધાં આપણે કરતા નથી. ઈશ્વરે આપણને બે સરસ આંખો, હાથ, પગ, મગજ, તંદુરસ્તી … કેટલું બધું આપ્યું છે! ઘણા અંધ છે, પંગુ છે, પાગલ છે, બીમાર છે. એ બધાને મુકાબલે આપણે કેવા સુખી છીએ. એ રીતે કદી તેં વિચાર્યું છે?’
એમના આ જીવનગણિતમાંથી મને એક નવી દૃષ્ટિ જાણે લાધી ગઈ. શરૂ કર્યો સરવાળાનો પાઠ અને એમણે ગણાવ્યા એવા આનંદના આંકડા ગોઠવવા માંડ્યા. ઘણી બધી અકળામણ ઓસરી ગઈ. આપણી પાસે જે છે, એની આપણને કદર નથી. હમણાંની જ વાત છે. થોડા દિવસ પહેલાં અચાનક મારા જમણા હાથનો અંગૂઠો પાક્યો. અપાર વેદના થાય. લખાય નહીં. મન બેચેન બેચેન. ત્યારે જ મને રોજના સાથી અંગૂઠાની કિંમત સમજાઈ.
1952-53માં ગામદેવી પર હું એક વ્યવસાયી લાયબ્રેરી ચલાવતો હતો. દુકાનમાં રિપેર કામ ચાલતું હતું. અચાનક કડિયાના હાથમાંથી તગારું છૂટી ગયું. ભીની રેતી-સિમેન્ટ ઊડી અને એક મોટું ચોસલું મારી આંખમાં અથડાયું. ડોળો આખો સિમેન્ટથી ભરાઈ ગયો. તરત દવાખાને ગયો. ડૉક્ટર જૂના મીત્ર. કહે, ‘આ તો સારું નથી લાગતું. આમાં મારું કામ નહીં.’ ટેક્સી કરી મને લઈ ગયા, આંખના નિષ્ણાત ડૉક્ટર ‘ડગન’ પાસે. એ ભલા અનુભવી પારસીએ મને ખૂબ હિંમત આપી. બંને આંખો દવાથી સાફ કરી ખૂબ ઝીણવટથી તપાસી. પછી મલમ લગાડી, બંને આંખો પર પાટો બાંધી દીધો. કહે, ‘દીકરા, ગભરાતો નહીં. અત્યારે કંઈ કહી શકતો નથી. ત્રણ દિવસ પછી પાટો ખોલીશું ત્યારે બરાબર સમજ પડશે કે કેટલું નુકસાન થયું છે. ત્રણ દિવસ આંખો બંધ રાખવાની. પાટો બિલકુલ ખોલવાનો નહીં.’
એ ત્રણ દિવસ અને ત્રણ રાત અંધાપામાં કાઢ્યાં. હજાર શંકાઓ મનમાં ઊઠતી, આંખો ખોઈ તો નહીં બેસું? એવો કારમો ભય રૂંવાડે રૂંવાડે છવાઈ ગયો. ત્રણ દિવસમાં તેર ભવનું જ્ઞાન થઈ ગયું. ઈશ્વરની અકળ ગતિનો અને પ્રાર્થના દ્વારા કેવી રાહત મળે છે એનો પરચો મળી ગયો. ચોથે દિવસે પાટો ખૂલ્યો અને પ્રભુકૃપાથી પાછી નરવી દૃષ્ટિ સાંપડી. જોવાની અને જીરવવાની બંને દૃષ્ટિ સાંપડી.
પેલા સંત પુરુષની વાત વધારે સ્પષ્ટ થતી ગઈ. જીવનનું તમામ દુ:ખ હાથમાંના બરફની પેઠે જાણે ઓગળી ગયું. થયું : ‘અરે, જિંદગી કેટલી બધી જીવવા જેવી છે!’ આજે કોઈ અંધને જોઉં છું અને અનુકંપાથી અંતર છલકાઈ જાય છે. એ ગમે તેવો મેલોઘેલો હોય છતાં સ્નેહથી અને સમભાવથી એનો હાથ પકડી એને રસ્તો પાર કરાવવાનું કદી ચૂકતો નથી. બીજાનું દુ:ખ અનુભવવાની આંતર-નજરમાંથી આપણાં નાનાં નાનાં સુખની કદર કરવાની વૃત્તિ કેળવાય છે. એ જ શું ખરી જીવનકૂંચી નથી? એમાંથી આપણાં દુભાયેલાં ભાંડુઓની દુવા સાંપડે છે. અને દુવાની મૂડી તો કેટલી મબલખ છે! એ મૂડી તો આપણને ન્યાલ કરી દે.
થોડા દિવસ પહેલાંની જ વાત છે. અમે થોડા સાહિત્યકાર મિત્રો ફૂટપાથ પર ઊભા વાતો કરતા હતા. ટૂંકી વાર્તા વિશે ચર્ચા ચાલતી હતી. એક ડોસીમા રસ્તો ઓળંગવાની મથામણ કરી રહ્યાં હતાં. જરા આગળ વધે અને મોટરનો અવાજ સાંભળી પાછાં હઠી જાય. ધ્રૂજતી જર્જર કાયા, મોં પર જીવનની યાતનાઓ જેવી અપરંપાર કરચલીઓ, ફાંટ્યાંતૂટ્યાં લૂગડાં ને મોટરની અપાર અવરજવરની અકળામણ. જાણે જીવતી જાગતી કરુણ વાર્તા જોઈ લ્યો. નજર પડી તોયે સૌ વાર્તાની ચર્ચામાં જ મસ્ત હતા! મારું અંતર વલોવાઈ ગયું ડોસીનો હાથ પકડી લીધો. કહ્યું, ‘ચાલ, મા! તને સામે પહોંચાડી દઉં.’ ખૂબ ભરોસાપૂર્વક એણે એની કંગાળ આંગળીઓ મારી હથેલીમાં સોંપી દીધી. રસ્તો પાર થઈ ગયો. એ કહે, ‘બેટા, ત્રણ દિવસથી ભૂખ્યા જેવી છું એટલે કાયા વારંવાર લથડી પડે છે.’ મેં પૂછ્યું, ‘કેટલા પૈસા જોઈએ છે ખાવા માટે?’ એ કહે, ‘પચીસ પૈસા. પંદર પૈસાની ચા અને દસ પૈસાની પાઉંરોટી. દાંત નથી. ચામાં ભીંજવી રોટી ખાઈ લઉં છું. ચા ના મળે તો પાણીથી ચલાવું.’ ખીસામાં હાથ નાખ્યો. હાથમાં અનાયાસ આવી ગઈ પાંચની નોટ. થયું, ડોસીના નસીબની હશે! આપી દીધી. કહ્યું, ‘માડી! વીસ દિવસ સુધી નિરાંતે ખાજે.’ બુઢિયા ગદ્ ગદ થઈ ગઈ. કદાચ કોઈએ એને આટલી રકમ એક સામટી નથી આપી. વાકાં વળી એણે મારા પગ પકડી લીધા. કહે, ‘આ તો પાંચની નોટ છે!’ મેં કહ્યું, ‘તારા નસીબની હશે. લઈ જા.’ એની આંખમાંથી આંસુની ધાર વહી ગઈ. કહે, ‘બેટા ! તેં મારી આંતરડી ઠારી. ઈશ્વર તને આનો અનેકગણો બદલો આપશે.’ મારે માથે દુવાનો હાથ ફેરવી, કપડાંને છેડે નોટ બાંધી એ ચાલી ગઈ. ખૂબ નાનો હતો ત્યારે માને ખોઈ બેઠો છું. જિંદગીભર એનો વસવસો રહ્યો છે. એક દુ:ખી સ્ત્રીએ ‘બેટા’ કહી માથે હાથ ફેરવ્યો ને જાણે પાંચ રૂપિયાના બદલામાં પાંચ કરોડ મળ્યા હોય એવો આનંદ અંતરને અજવાળી ગયો!
એક બીજો પ્રસંગ યાદ આવે છે. ચોપાટીની રેતીમાં ભેળપૂરીવાળા બેસે છે ત્યાં ફરતો હતો. ભીખમંગાની જમાતની એક નાની પાંચ—છ વરસની છોડી ગભરાટમાં રેતીમાં કંઈક ખોળ્યા કરે. ચોધાર આંસુએ રડે, કરગરે કે, ‘મારી આઠ આની પડી ગઈ છે. રેતીમાં જડતી નથી. મહેરબાની કરી કોઈ શોધવા લાગો. નહીં મળે તો મારી અમ્મા મને મારી નાખશે!’ કોઈ એની વાત કાને ના ધરે. કોઈ વળી મજાક કરે, ‘આ લોકો બડા બદમાશ હોય છે. જુઓ કેવો ઢોંગ કરે છે. આવડી અમથી છોડી!’ મને મારી પૌત્રી યાદ આવી ગઈ, એ સાચાંખોટાં આંસુ પાડે ને બે—પાંચ રૂપિયા પલકવારમાં વટાવાઈ જાય છે. છોકરીનાં આંસુ જોઈ મનમાં અજંપો થઈ આવ્યો. ખીસામાંથી આઠ આના કાઢી આપી દીધા. થયું, સાચું બોલે છે કે ઢોંગ કરે છે એનો ન્યાય નથી કરવો. પણ એ વખતે એની આંખમાં જે રાહતનો છૂટકારો દીઠો, આનંદની જે એક ઝલક દીઠી એથી મન તૃપ્ત થઈ ગયું. પાસે એક ભૈયાજી ઊભા હતા. કહે, ‘બાબુજી, તમે ખૂબ સારું કર્યું. છોકરીના નિ:સાસાને પંપાળીને સાચા ધરમનું કામ કર્યું. ભગવાનને ચોપડે એની નોંધ રહેશે.’
આવાં આવાં નાનાં નજીવાં, દિલનો અવાજ સાંભળીને કરેલાં કામો, કેવી શાંતિ બક્ષી જાય છે, આપણા મનને! એટલે પેલા વાચકમિત્રના પત્રના અનુસંધાનમાં લખવાનું થાય છે કે: ‘ભાઈ! જિંદગી ખૂબ જીવવા જેવી છે. દુ:ખનો અનુભવ તો પારસમણિ જેવો છે. એના સ્પર્શે જ તો સુખની કદર કરવાની સૂઝ આપણને સાંપડી શકે છે. દુ:ખ નહીં હોય, તો ઝઝુમશું શેની સામે! એવા ઝંઝાવાતોનો સામનો કરવા માટે દીનદુ:ખિયાની દુવા જેવું અમોઘ શસ્ત્ર બીજું એકેય નથી.’
અને ગોરખપુરના સંતના શબ્દો ફરી યાદ આવે છે : ‘આનંદનો ખજાનો તો આપણા દિલની સંદૂકમાં જ પડ્યો છે. એને ખોલવાની જીવનકૂંચી સાંપડે તો બસ, આનંદ જ આનંદ વરતાઈ રહે!’
(સ્વ. રસિક ઝવેરી લિખિત ‘દિલની વાતો’ ભાગ-1નાં પાનાં : 40થી 45 પરથી સાભાર.. ..ઉ.મ..)
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : સોળમું – અંક : 461- September 13, 2020