
રવીન્દ્ર પારેખ
રાજકોટની સિવિલ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં 150 સ્ટ્રેચરને કેસરી રંગે રંગી નાખવાના સમાચાર છે. દર્દીને લઈ જવા વપરાતાં સ્ટ્રેચરને, બે દિવસમાં સફેદ રંગ મારવાને બદલે ભગવો રંગ મારી દેવાયો. કેમ? તો કે, સફેદ કલરનાં સ્ટ્રેચર ગુમ થઈ જતાં હતાં. ગુમ એ રીતે કે દર્દીઓને બીજા વોર્ડમાં લઈ જવાતા હતા, ત્યારે ત્યાંથી સ્ટ્રેચર પાછાં આવતાં ન હતાં. બાકી, હતાં તો હોસ્પિટલમાં જ ! પણ, નર્સિંગ સ્ટાફને એમ લાગ્યું કે સ્ટ્રેચર્સ ગુમ થઈ જાય છે, તો બીજાથી અલગ તરી આવે એટલે, કોઈને પણ પૂછ્યા વગર, કેસરી રંગે રંગી નાખ્યાં ! આમાં બે બાબત રમૂજ પ્રેરે છે. એક તો સ્ટ્રેચરો ગુમ થાય છે એ. દર્દીની દવા ચોરાય કે તેનાં કપડાં ગુમ થાય કે ખોરાક ચોરાય એ સમજાય, પણ સ્ટ્રેચર કોઈ શું કામ લઈ જાય? ને લઈ ગયું છે એટલે? કોઈ ઘરે લઈ ગયું નથી. છે તો હોસ્પિટલમાં જ ! પણ, કોઈ ‘કમલ’નયનીને લાગ્યું હશે કે દેશનું થાય છે તો સ્ટ્રેચર્સનું ભગવાકરણ શું કામ ન થાય? બીજું, કે સફેદ રંગનાં સ્ટ્રેચર ગુમ થાય એટલે કેસરી રંગ લગાવ્યો, તો સવાલ એ થાય કે કેસરી રંગનાં સ્ટ્રેચર ગુમ ન થાય એવું ક્યાંય લખેલું છે? ઓન ધ કોન્ટ્રેરેરી આજના સમયમાં તો કેસરી વધુ ઊપડે એમ બને. ખરેખર તો સફેદ રંગ ગુમ થાય ને કેસરી રંગ ગુમ થતો અટકે એવી મૌલિક શોધ માટે નર્સિંગ સ્ટાફનું સન્માન કરવું જોઇએ.
કોની પ્રેરણાથી ને કોના ખર્ચે તે નથી ખબર, પણ એ કેસરી સ્ટ્રેચરો ફરી સફેદ રંગે રંગાઈ ગયાં. તે એટલે કે લોકોએ વિરોધ કર્યો. કમાલ છેને, કેસરીનોય વિરોધ ! ક્યાંક કોઈ ગુનાહિત ભાવ કેસરિયાં કરવામાં પડેલો હશે કે કેમ, પણ કેસરી સ્ટ્રેચરને ફરી સફેદ કરી દેવાયાં. કાલ ઊઠીને કોઈ કહે કે સ્ટ્રેચર સફેદ નહીં, પણ લીલા રંગે રંગો, તો શું સ્ટ્રેચર્સ લીલાં થઈ જશે? એની વે, અત્યારે તો સ્ટ્રેચર, સ્ટ્રેચર પર હોય તેમ શોકસભાની ગંભીરતા ધારણ કરીને ખૂણો પાળી રહ્યાં છે. જો કે, સ્ટ્રેચરોનો પુન: શ્વેતાવતાર ગળે ન ઊતર્યો. આખો દેશ જ્યારે કેસરિયાં કરી રહ્યો હોય કે શિક્ષણમાં ભગવા ફતવા ફરફરી રહ્યાં હોય ત્યારે, સ્ટ્રેચરને ફરી સફેદ કરવાની જરૂર ન હતી. કદાચ આત્મપ્રેરણાથી કે બીજા કોઈ કારણથી, પણ નર્સિંગ સ્ટાફે સ્ટ્રેચરને કેસરિયાં કરાવી જ દીધાં હતાં, તો એમને પ્રોત્સાહિત કરીને આગળ વધવા દેવા જોઈતા હતા. શક્ય છે કે બીજે દિવસે આખો સ્ટાફ સફેદને બદલે, ભગવા યુનિફોર્મમાં આવ્યો હોત. જરા વિચારો કે આખી હોસ્પિટલ ભગવા રંગી દેખાય તો દર્દીઓમાં પણ કેવો ન જીવવાનો વૈરાગ્ય પ્રગટ થાય ! એમ લાગે છે કે દેશની બધી હોસ્પિટલો ભગવી કરી દેવી જોઈએ, જેથી ભગવાકરણમાં યોગદાન વધે. પેલા નર્સિંગ સ્ટાફને એ સૂઝ્યું નહીં હોય, બાકી, એમણે તો સ્ટ્રેચરની સાથોસાથ જ બધા દર્દીઓને પણ ભગવા રંગે રંગી નાખ્યા હોત. જરા વિચારો કે એ રીતે આખી જનતા જ કેસરિયાં કરતી દેખાય તો વૈરાગ્યનો કેવો ભવ્ય વારસો ભાવિ પેઢી માટે મૂકી જવાય ! એ જ રીતે આઇ.સી.યુ., ઓપરેશન થિયેટર, ઓપરેશન ટેબલ, ઓપરેશનનાં ઓજારો, ડોકટરો, નર્સો, વોર્ડબોય એમ બધાં જ ભગવાં દેખાય તો એ દૃશ્ય કેવું સાત્વિક ને પવિત્ર લાગે ! કોઈને બાટલો ચડાવવાનો હોય તો તે કેસરી, એમાંનું બ્લડ કેસરી, એની નીડલ કેસરી ને એ જેને ચડયો હોય તે દર્દી પણ કેસરી … આ બધું રોમાંચિત કરનારું નથી લાગતું?
– ને હોસ્પિટલ જ શું કામ, આખો દેશ જ ભગવો કરી શકાયને ! ભારત તો વિશ્વગુરુ છે, તે ધારે તો ઘણાં ગુરુ ઘંટાલોને કેસરિયાં કરાવી શકે. તો, તો પૃથ્વી પોતે ‘દિલવાલે’નાં પેલાં ગીતની જેમ ગાઈ શકે, ‘રંગ દે તું મોહે ગેરુઆ …’
આ ભગવાકરણનો તંતુ વિસ્તારવા જેવો છે. આમ તો એ ભગવાનકરણ પણ છે. અલબત્ત ! ‘ભગવાન’માં ‘ન’ સાઇલન્ટ રાખીને જ બધે કેસરી કેસરી થઈ રહ્યું છે. એ પણ છે કે ‘ભગવા’માં ‘ન’કાર જોડીને કેટલાંક ભગવાન થયા છે. જો કે, કોઈ ભગવાન કેસરી નથી. હા, તેના ભક્તો કેસરી ખરા ! સાધુસંતો કેસરી છે, પણ હવે ભગવો રંગ સાધુઓ પૂરતો સીમિત રહ્યો નથી. તે હોસ્પિટલનાં સ્ટ્રેચરથી માંડીને અનેક મંદિરોની ધજાઓ સુધી ચડયો છે. હવે સાધુઓના રંગે રાજકારણ પણ રંગાયું છે એટલે રાજકારણ અને સાધુકારણ લગભગ એક થઈ ગયાં છે. કોઈ રાજકારણી સાધુ થાય એમ નથી, પણ સાધુસાધ્વીઓ તો રાજકારણી થયાં છે ! તે એટલે કે તેમને સમજાઈ ગયું છે કે એકલા ધર્મથી કૈં થતું નથી, તેની સાથે સત્તા હોય તો બુલડોઝર પાસેથી પણ ધાર્યું કામ લઈ શકાય છે. એ ખરું કે સાધુ રહીને સંસારમાં રહી શકાય છે, પણ સંસારી રહીને સાધુ થઈ શકાતું નથી. એવું થઈ શકતું હોત તો ઘણાં સંસારીઓ કેસરિયાં કરીને પરણ્યાં હોત !
કુદરત વિચિત્ર છે એવું કહેવાય છે, પણ એવી વિચિત્ર છે કે તે બધું ભગવું કરવામાં માનતી નથી. કુદરતને હવે દેશ માર્ગદર્શન આપી શકે એમ છે. આમે ય વિશ્વમાં બીજો વિશ્વગુરુ છે જ કોણ? જો કુદરત વિશ્વગુરુને કન્સલ્ટ કરે તો આખું વિશ્વ કેસરી થઈ શકે એમ છે. દેશની, વિશ્વની એકતાનો જે ખ્યાલ વ્યાપેલો છે, તે ભગવા રંગથી કેવો એકાત્મભાવ ઊભો કરી શકે એનો વિચાર કરવા જેવો છે ! કુદરતને સમાનતાનો ખ્યાલ જ ન આવ્યો ને તેણે પર્વતો ઊંચા નીચા રાખ્યા. નદીઓ લાંબીટૂંકી કરી. સમુદ્રો નાના મોટા કર્યા. તેને બદલે એકસરખી ઊંચાઈના પર્વતો, એકસરખી લંબાઇની નદીઓ, એકસરખા કદના સમુદ્રો હોય તો કુદરતી ઐક્ય કેવું ભવ્ય લાગે ! ઉપરથી બધાંનો રંગ પણ કેસરી ! જરા કલ્પના કરો કે નદીનું પાણી કેસરી છે. નળ ચાલુ કરો ને પાણી કેસરી આવે, તો ભાત કેસરી કરવાનો રહે જ નહીં ! દાળ કેસરી. શાક પણ મૂળમાંથી કેસરી જ ઊગે. એટલે કોઈને પણ ગાજર પકડાવી શકાય ! ટૂંકમાં, આખી થાળી જ કેસરી !
આમ તો ફળો કાચાં હોય ત્યારે લીલાં હોય, પણ પાકે તો અંદરથી કેસરી થાય. કેરીનું તો નામ જ કેસર છે, તો એ પણ કેસરી જ હોયને ! પપૈયું કેસરી. નારંગી, નારંગી રંગની. હાફૂસ કેસરી. ફળો પણ સમજે છે કે મોડુંવહેલું કેસરી થયે જ છૂટકો છે. એમાં પ્રોબ્લેમ કેસરનો આવે. બધું જ કેસરી હોય ત્યાં કેસર ઊગીનેય શું કરે? એણે કેસરિયાં જ કરવાં પડે કે બીજું કૈં? સાચું તો એ છે કે કુદરતે બહુ ભૂલો કરી છે. એણે પાન, વૃક્ષ લીલાં રાખ્યાં. કેટલાંક ફૂલો કેસરી કર્યાં, પણ ગુલાબને ગુલાબી રાખ્યું. કરેણ પીળી ને લાલ કરી. એમાં ભારે થાપ ખાધી. બધાં જ ફૂલો ભગવાં હોય તો આખા સંસારમાં એક સાથે સાધુતાનો ને સત્તાનો સાત્ત્વિક અને રાજસી ઠાઠ પ્રવર્તે એવું નથી લાગતું? ખરેખર તો કુદરતે જ બ્રહ્માંડમાં વૈરાગ્યનો ભગવો રંગ પ્રસરાવવો જોઈએ જેથી તેનો વિશ્વમાં અલગથી મહિમા કરવાનો જ ન રહે. આકાશ જ ગેરુઆ રંગે રંગાયેલું હોય તો ભવ્ય લાગે ! ચંદ્ર પણ કેસરિયાળો રંગ લઈને ઊગે તો કેવું રમણીય લાગે ! તેની ચાંદની કેસરી હોય ને તેનાથી નદી, સમુદ્રનાં જળ કેસરી કેસરી ચમકતાં હોય ને રાતનાં વસ્ત્રોમાં કેસરી તારાઓ ટાંકેલા હોય એ દૃશ્ય કલ્પી તો જુઓ ! તમારી આંખો એ કેસરી દૃશ્યને કારણે ગેરૂરંગી હોય કે આંખો ગેરુઆ હોવાને કારણે દૃશ્ય કેસરી થયું એની મૂંઝવણ પણ કેવી કેસરી હોય ! એ કેસરી ગૂંગળામણથી તમારાં આંસુ ટપકે ને તમે પ્રેમીને ખભે માથું મૂકો તો એ, એ વાતે અકળાય કે કેસરી સાબુ ખલાસ થઈ ગયો છે, તો કેસરી વસ્ત્રો એ ધોશે કઇ રીતે? એટલે એ તમારું માથું ઊંચું કરીને તમારાં આંસુ આંગળી પર ઝીલે, તો એને એ ઝીણા બલ્બ જેવા ઝબૂકતાં લાગે એમાં નવાઈ નથી.
– અને સૂર્યને તો કેસરી કરવાની જરૂર જ ક્યાં છે? એ જ તો આખી સૃષ્ટિનું ચાલક બળ છે. એનાં કેસરી કિરણોથી પ્રભાત થાય ને મજા તો એ કે આપણા પડછાયા કેસરી લંબાય. આકાશમાં કેસરી વાદળો ચડી આવે ને કેસરી વીજ વચ્ચે વરસાદ વરસે તો ખુલ્લામાં તેનાં કેસરી છાંટણાં ચામડી કેવી થથરાવે તે કહેવાની જરૂર છે? વૈશ્વિક ભગવાકરણનું સુખ એ હશે કે કોઈના વાળ સફેદ નહીં થાય, એટલે કે કોઈ ઘરડું થાય જ નહીં ! બીજી મજા એ કે આ ભગવાયણ ને કારણે રાખ ચૂલાની હોય કે ચિતાની, કેસરી જ હશે. ચિંતા એક જ રહે કે ચૂલાની રાખ કરતાં ચિતાની રાખ વધે નહીં તો સારું, કારણ જોખમ તો કાયમ લીલુંછમ રહેવાં જ ટેવાયેલું છે ! કેસરી હોય તો પણ, ચિતાની રાખ, આંસુ તો લોહીનાં જ પડાવે છે … ભલેને પછી એ સત્તા પડાવે કે સાધુતા, શો ફરક પડે છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 મે 2023