
રવીન્દ્ર પારેખ
દુનિયામાં કૈં પણ થાય, આપણને તેની બહુ અસર થતી નથી. એકાદ દુઃખ હોય તો રડીએ, પણ રોજ જ મરે તેનું કેટલુંક રડીએ? કમાઈએ કે કૂટીએ? પહેલાં એ સુખ હતું કે ખબર જ મોડી પડતી. એકાદ છાપું આવે ને એકાદ ખૂન થાય કે ક્યાંક આગ લાગે કે ક્યાંક પાણી ભરાય, તો ચુમાઈને બેસી રહેતાં. હવે તો એટલા સમાચાર ને વિગતો ટેરવે આવી ગયાં છે કે એ જાણી, સમજીને ય ચામડું એવું બહેર મારી જાય છે કે ભેજું સડવા લાગે છે. એટલું બધું મગજ પર ઠોકાતું રહે છે કે તમે ન ઈચ્છો તો પણ તમારે ભાગે એ આવે ને ધીમે ધીમે હાલત એવી થતી જાય કે કોઈ અસર જ ન થાય. કશું પણ બહુ ફીલ થતું જ નથી ને થાય તો પણ કેટલુંક? હવે ખાસ અસર જ ન થાય એટલું બધું ફીલ થાય છે. બને છે જ એટલું બધું કે સવાલ થાય કે કોનું ફીલ કરવું ને કોનું ન કરવું?
જેમ કે વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ બે દિવસ પર મહીસાગરમાં ખાબકી ગયો, તો મીડિયામાં કાગારોળ મચી ગઈ. 110 ફૂટ ઊંચેથી વાહનો ખાબક્યાં ને કેટલાં કે જળસામાધિ લીધી. 4 વર્ષમાં આ 16મો પુલ તૂટ્યો હતો. હવે એમાં કૈં આમ રડારોળ કરવાની જરૂર નથી. પુલ છે ને તૂટે ય ખરો. તૂટવા માટે જ તો હોય છે એ. ગયે વર્ષે જ 1.18 કરોડને ખર્ચે એ રીપેર પણ થયો હતો. એ રીપેર કરનાર એજન્સીની પણ એણે શરમ ન રાખી ને તૂટી પડ્યો. હવે તો એવું છે કે રીપેર થાય કે ન થાય, તૂટવાનો હોય તો પુલ તૂટે જ છે. ત્રણેક વર્ષ પર મોરબીનો નવો જ પુલ ખુલ્લો મુકાતાં તૂટેલો જ ને ! ને 135 લોકોના જીવ ગયેલા તો શું ખાટુંમોળું થયેલું? જો કે, ત્યારે પણ કેટલું બધું લાગી આવેલું? ખુલ્લો મુકાયેલો પુલ જ આમ પાણીમાં ગરક થઇ જાય, એ તો ચાલે જ કેમ? પણ ચાલ્યું. તપાસ સમિતિ રચાઈ, કોઈને છોડવામાં નહીં આવે એવું પણ રિવાજ મુજબ કહેવાયું, કહોવાયું, થોડાક લાખના કટકા પણ હાય સામે સહાયના નંખાયેલા ને બધું ટાઢું પડી ગયેલું. હવે તેનું કેટલુંક રડીએ? એવા તો બીજા સોળસત્તર પુલો તૂટવાનું મૂરત કઢાવીને બેઠા છે. તે એને માટે રડવાનું બચાવવાનું કે નહીં? કે એમ જ આંખો ખાલી કરી દેવાની? ઠીક છે, સોળક જીવ ગંભીરાએ ગંભીર થઈને લઈ લીધા, દુઃખ થાય, જેનું ગયું તેને તો વધારે થાય, પણ આપણે ત્યાં એટલું સારું છે કે કોઈ પણ મરે, સરકાર તરત જ પડખે આવીને ઊભી રહી જાય છે ને મૃતકો માટે કિલો કિલો સંવેદનાઓ પાઠવતી રહે છે. સંવેદના બહુ માપીતોલીને પાઠવાતી હોય છે. કારણ ભવિષ્યમાં એનો સતત ઉપયોગ કરવો પડવાનો છે, તે સૌ મંત્રીઓ જાણતા હોય છે. શું છે કે લાખો કરોડો રૂપિયા ટેક્સના ઉસેટ્યા બાદ, સરકાર એ લઈને બેસી નથી રહેતી. તે મૃતકોને ચાર પાંચ લાખની એવરેજે આપે પણ છે. ગંભીરા પુલ તૂટવાના બનાવમાં પણ મૃતકોને કેન્દ્ર અને રાજ્ય સરકારે થોડાક લાખ વહેંચી પણ આપ્યા. સરકાર એટલેથી જ અટકી નથી ગઈ, ઘાયલોને પચાસ પચાસ હજાર આપવામાંથી પણ નથી ગઈ!
આમાં શું છે કે વિપક્ષો દાખલ પડી જતાં હોય છે. તેમણે પણ સત્તામાં આવવું હોય છે, એટલે સરકારનો કાઢી શકાય એટલો વાંક કાઢતા રહે છે. હકીકત એ છે કે સરકારને પોતાની ખામી દેખાતી નથી ને વિપક્ષને ખામી સિવાય બીજું કૈં દેખાતું નથી.
એટલું સારું છે કે હજી એવા દિવસો આવ્યા નથી કે પુલો, રસ્તાઓ, ખાવાપીવાનું શાસકો માટે જુદું ને વિપક્ષો માટે જુદું, એવું નથી. કાલ ઊઠીને એવું થઈ શકે કે વિપક્ષને માટેનો પુલ કાચોપોચો રખાય ને શાસકો માટેનો મજબૂત ! આમે ય પુલ ન તૂટે તો ય વિપક્ષ તો રાસ રમતો જ રહે છે, તે ભલે પછી પુલ તૂટવાને નામે રાસડા લે, શો ફરક પડે છે? એ તો ભવિષ્યની વાત છે, પણ ગંભીરા પડ્યો તેનું શું? ને એ કૈં વિપક્ષને પાડવા પડ્યો છે એવું તો નથી. પુલ પરથી તો શાસકના વાહનો ય જતાં હતાં ને વિપક્ષના પણ, એટલે કોઈને ડેલિબરેટલી પાડવા પુલ તૂટ્યો છે એવું નથી. એ તો કાગનું બેસવું ને ડાળનું પડવું જ થયું છે. એનાં પર રાજકારણ કોઈ ન કરે તે અપેક્ષિત છે.
એ પણ છે કે આખો પુલ તૂટ્યો નથી, એક નેતાએ વાજબી જ કહ્યું કે બાકીના થાંભલા તો સલામત છે. એક થાંભલો તૂટ્યો તે કહ્યું તો ખરું. બાકીના થાંભલા પરથી જાવને! કોણ રોકે છે?એવું પણ કહી શકાયું હોત કે પુલબુલ કૈં તૂટ્યું નથી. આ તો વિપક્ષે ફેલાવેલી અફવા છે, પણ પ્રમાણિકતા જુઓ કે એવું કહ્યું નથી. એક કેન્દ્રીય મંત્રીને તો આમાં કૈં લાગતું જ નથી. એ તો કહે છે કે અકસ્માતો તો થતા રહે એની એટલી શું ચિંતા કરવાની ! જોયુંને, લોકો જ જાડી ચામડીના છે, એવું નથી. મંત્રીઓને તો ચામડી હોય એ જ ઘણું છે. એમણે તો કેટલું બધું જોવાનું હોય છે. રાજકોટમાં ટી.આર.પી. કાંડ થાય એની આગમાં તાપવાનું, સુરતમાં કોઈ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગે તો તેમાં ઠંડી ઉડાડવાની, વડોદરામાં હરણી કાંડ થાય તો એમાં પલળવાનું, અમદાવાદમાં એરક્રેશ થાય તો એના બ્લેકબોક્સની ચિંતા કરવાની…….ને એવું એવું તો કેટલું? ચામડી બચે તો પણ ક્યાં સુધી?
એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આખો પુલ તૂટ્યો નથી, વચ્ચે 120 ફૂટનું ગાબડું પડ્યું ને થોડાં વાહનો સહિત કેટલાક જીવ પણ નદીમાં ખાબક્યા. એ વાહનો કૈં સરકારે પધરાવ્યા નથી, નથી તો મહીસાગરમાં પાણી સરકારે છોડ્યું કે નાનાંમોટાં એમાં સમાય. બનવા કાળ બન્યું. આટલા ભંગાર પુલ પરથી વર્ષો સુધી અવરજ્વર રહી જ ને ! રીપેર કરવાની અરજીઓ પણ થયેલી, પણ સરકાર જાણતી હતી કે ચાળીસ જ વર્ષ થયા છે, તે એટલામાં કૈં પુલ, ‘ફૂલ’ ન બનાવે. આમ તો એની આવરદા સોની મુકાયેલી, તેમાં હજી 60 વર્ષ તો બાકી હતાં, એટલામાં થોડો કૈં પુલ મરવા પડે? માનો કે કોન્ટ્રાકટરોએ કે એજન્સીએ વધારે હોજરી ભરી હોય, તો પણ 40 વર્ષમાં તેની શોકસભા ભરવી પડે એવું ન હતું, પણ પેલા 16 જણાનું હાર્ડ લક તે 9મીની વહેલી સવારે જ ધબાય નમઃ થઈ ગયા. એવું હોય તો ફરી સંવેદના પાઠવીએ. એમાં ક્યાં કૈં પૈસા પડે છે ! લઈ જાવને જોઈએ એટલી. ને આ કોરી સંવેદના જ નથી, સાથે લ્હાણી પણ છે, સોરી, લ્હાણી નહીં, પણ મદદ. આવી મદદ માટે સરકાર મોખરે રહે છે. પુલ તૂટ્યો નથી કે સહાય શરૂ થઈ નથી ! ઘણી વાર તો કળતર મટે તે પહેલાં વળતર શરૂ થઈ જાય છે. એ તો સારું છે કે મરવાની રાહ જોવાય છે, બાકી ઘણી વાર તો મદદની ઉત્સુકતા જ એવી હોય કે વળતર મળી જાય પછી પેલો ગુજરે.
આવી પરગજુ સરકાર બીજે ક્યાં મળવાની હતી?
એ તો સારું થયું કે એક ગાબડું પડ્યું તો ખબર પડી કે બંધાયેલા લગભગ તમામ પુલો ધંધે લાગી ગયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એમ ઠેર ઠેર બૂમ પડી કે પુલ ડેમ ફૂલ, સોરી, ડેમ પુલ છે. હવે રાતોરાત તો બધાં કૈં ઉતારી ન લેવાયને ! ને આ બધું ગુજરાતમાં જ છે એવું નથી, થોડાં સમય પહેલાં બિહારમાં પુલ તૂટવાની મોસમ ચાલતી હતી, હવે એ ગુજરાતમાં બેઠી છે.
એ એન્જિનિયરિંગની જ કમાલ ગણાય છે. એ કમાલ ન હોય તો પુલ તૂટવાની હારમાળા, હોરરમાળા જેવી સર્જાય નહીં. એન્જિનિયર્સ ન હતા ત્યાં સુધી મીનાક્ષી મંદિર, લાલકિલ્લો, તાજમહાલને વાંધો આવ્યો નથી. હવે એન્જિનિયર્સ, એજન્સીઓ, કોન્ટ્રાકટર્સ વધ્યા છે, એટલે બંધાયા વગર પણ પુલો બને છે, બને છે તો નવા નકકોર તૂટે પણ છે, કેટલાક તો બંધાવાની સાથે જ જર્જરિત થવા લાગે છે. થાય છે શું કે જે પૈસા પુલમાં નાખવાના તે પેટમાં નાખો તો પુલ નહીં, પેટ મજબૂત બને. વારુ, પેટ પકડાય તો પુલ બચે, પણ કોના કોના પેટ પકડો, બધાં જ ધરાયેલા હોય ત્યાં? એ સ્થિતિમાં છે તે પુલો માટે પણ પડશે તેવા દેવાશે – એમ જ રાખવું પડે.
આમાં સલાહ આપનારાઓનો પણ તોટો નથી. કોઈ કહે છે કે મત આપતા પહેલાં વિચાર કરો કે કોને મત આપો છો? એવું હોય તો બીજી સરકાર લાવો. પણ બીજીને લાવીને ય શું? વર્ષો સુધી બીજી સરકાર હતી જ ને ! તેણે ના ઉકાળ્યું એટલે તો હાલની સરકાર લાવ્યા. હવે આ પણ નથી ગમતી તો બીજી કઈ લાવવાની?
એક વાત દુનિયા જાણે છે કે અહીંના હોય કે બહારના, કાગડા તો બધે જ કાળા હોવાના ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જુલાઈ 2025
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય