
રવીન્દ્ર પારેખ
વૃદ્ધો બધી રીતે પરવારી ચૂકેલા હોય છે, એટલે તેમની કુટુંબમાં કે સમાજમાં બહુ ગણના થતી નથી કે જરૂર પણ હોતી નથી, સિવાય કે તેમની કારકિર્દી કે બચત માર્ગદર્શક રહી હોય. પેન્શન આવતું હોય તો વૃદ્ધો સચવાઈ જતાં હોય છે, તે સિવાય તો તેમનો ભાવ ભાગ્યે જ કોઈ પૂછે છે. મોટે ભાગના પેન્શનર્સ તેમની મૂડી બેન્કોમાં વ્યાજે મૂકતા હોય છે ને તેમનો મોટા ભાગનો વ્યવહાર વ્યાજ પર જ ચાલતો હોય છે. પેન્શનર્સ આર્થિક બાબતોમાં બહુ સાહસિક હોતા નથી. તે એટલે કે તેમની બચત ડૂબી જાય તો જીવવાનો આધાર જ ન રહે, એટલે બહુ બચત ન હોય તો પેન્શનર્સ બેંકો સિવાય બીજે રોકાણ કરતા નથી. બેન્કોમાં તેમનું રોકાણ તેમને સલામત લાગે છે ને બહુ લોભ નથી હોતો, એટલે વ્યાજ પર તેમનો કારભાર ચાલ્યા કરે છે.
પણ, હવે ચાલે એમ લાગતું નથી, કારણ બેંકો નાના મોટા ચાર્જિસ કોઈને કોઈ બહાને વધારતી રહે છે. એવી એવી ફાલતુ બાબતે ચાર્જ વસૂલાય છે કે જતે દિવસે બેંકમાં ગ્રાહકોની આવ-જા પર પણ ચાર્જ વસૂલાય તો નવાઈ નહીં. એક તબક્કે બેંકમાં મિનિમમ બેલન્સ માટે ચાર્જ વસૂલાતો હતો. હવે કંઇ રામ વસ્યા તો તે ન વસૂલવાની વાત છે. સરકારે આ પેનલ્ટી ન વસૂલવાની સૂચના આપી છે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં 11 સરકારી બેન્કોએ 9,000 કરોડ મિનિમમ બેલન્સ ન રાખવા માટે ગ્રાહકો પાસેથી ખંખેરી લીધા છે- એવું કાલના જ સમાચાર કહે છે.
એક તરફ ચાર્જિસ વધતા જાય છે ને નાની બચતના વ્યાજ દર ઘટતા આવે છે. જે વ્યાજ પર પેન્શનર્સને ટકવાનું હોય તેમાં કાપ પડતો રહે ને મોંઘવારી વધતી જ જતી હોય તો તેમણે કેમ જીવવું એ ચિંતા તેમનું આયુષ્ય કોતરતી રહે છે. ભારતીય રિઝર્વ બેંક(આર.બી.આઈ.)ના છેલ્લા ફતવા મુજબ જાહેર અને ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકોમાં ઐતિહાસિક સ્તરે વ્યાજ દરોમાં ઘટાડો થયો છે, તે નાગરિકો અને અર્થવ્યવસ્થા સંદર્ભે દુખદ છે. 2011માં કેન્દ્રીય બેન્કે વ્યાજદરો સ્વતંત્ર રીતે નક્કી કરવાની છૂટ આપી ત્યારે એનો હેતુ બજાર આધારિત સ્પર્ધાને ઉત્તેજન આપવાનો હતો. આજે સ્થિતિ એવી છે કે કેટલીક જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોનાં બચત ખાતાના વ્યાજ દર ઘટીને 2.5 ટકા સુધી આવી ગયા છે. આટલા ઓછા વ્યાજ દરો ચિંતા ઉપજાવનારા છે. તે એટલે કે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ગૃહિણીઓ, વડીલો, પેન્શનરો બેન્કોમાં નાની મોટી બચત મૂકે છે, જેથી તેમને વ્યાજની આવકથી થોડોઘણો ટેકો થઈ શકે, પણ વ્યાજ દરોમાં ઘટાડો તે આવકને નહિવત કરી રહ્યો છે, પરિણામે નાના ખાતેદારોમાં ભારે નિરાશા વ્યાપી છે.
એ સાચું છે કે રિઝર્વ બેંક પ્રમાણે ફેબ્રુઆરી, 2025 મુજબ રેપોરેટમાં બેઝિક પોઈન્ટના ઘટાડા સંદર્ભે બેન્કોએ લોનના દરોમાં ફેરફાર કર્યા છે ને તેથી લોન સસ્તી પણ થઇ છે, દેશના વિકાસ માટે લોન સસ્તી કરવામાં આવે એ જરૂરી પણ છે, પણ તેની સામે બચત પર જીવનારા નાના લોકોને ઓછા વ્યાજને કારણે ઘણું વેઠવાનું આવ્યું છે. આ મામલે વિચાર થવો જોઈએ એવી એક સાર્વત્રિક માંગ પણ નાના ખાતેદારોમાં ઊઠી છે. આ માંગ નજર અંદાજ કરવામાં અર્થવ્યવસ્થા ખોરવાવાનો ભય પણ છે. ભય એટલે કે વ્યાજ ઓછું જ મળવાનું હોય તો નાના ખાતેદારો વધુ આવકના લોભમાં એવી જગ્યાએ રોકાણ કરવા લલચાય જ્યાં આવક તો ઠીક, મૂડી પર પણ જોખમ રહે. એ સ્થિતિમાં બેંકો તો ડિપોઝીટ ગુમાવે જ છે, તો એ ઈચ્છવા જેવું ખરું? વારુ, છેલ્લાં સપ્ટેમ્બર કવાર્ટરમાં પણ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી, મતલબ કે વ્યાજદરો વધ્યા નથી, એ સ્થિતિમાં વધુ ડિપોઝીટ બેન્કોમાંથી ઊપડે એ શક્યતાઓ પણ છે જ. આ સ્થિતિ કોઈ પણ રીતે બેંકો માટે ઉત્સાહવર્ધક નથી ને બચતકારો માટે તો જોખમ વધારનારી જ છે. કોણ જાણે કેમ પણ ડિપોઝીટમાં રસ જ ન હોય એ રીતે બેંકો વર્તે છે, તો સવાલ એ થાય કે ઓછા વ્યાજની લોન આપ આપ કરતી બેંકોને ડિપોઝીટ વગર ચાલે એવો કોઈ કીમિયો હાથ લાગ્યો છે? વળી લોન તો માંડવાળ કરવાનું પણ આજકાલ વધ્યું છે, ત્યારે બેંકોને ટકવાનો આધાર કયો છે તે નથી સમજાતું.
આશ્ચર્ય ઉપજાવનારા સમાચાર એ પણ છે કે બેન્કિંગ ક્ષેત્રમાં આજથી શરૂ થતા ઓગસ્ટથી ડી.એ.માં પેન્શનર્સ માટે (કદાચ) એકાદ સ્લેબનો ઘટાડો થયો છે અને કમ સે કમ આ ઘટાડો ફેબ્રુઆરી, 2026 સુધી તો રહેવાનો જ છે. (એ પછી પણ ચાલુ રહે તો નવાઈ નહીં !) છે ને કમાલ, ક્યાં ય મોંઘવારી ઘટવાનો અણસાર નથી, પણ પેન્શનર્સને મોંઘવારી નડતી ન હોય તેમ ડી.એ.માં ઘટાડો જાહેર થયો છે. આ ઘટાડો છ મહિના સુધી તો લાગુ રહેશે જ ને એ છ મહિનામાં મોંઘવારી વધે તો પણ આ ઘટાડો ચાલુ જ રહે એ આ ડી.એ.ની વિશેષતા છે. એ કેવળ શરમજનક છે કે ભ્રષ્ટાચારમાં આખો દેશ વગોવાઇ રહ્યો છે ને તે ઘટાડવાનો ઉપાય થતો નથી, પણ બેન્કર્સનું ડી.એ. ઘટાડીને, વ્યાજદરો ઘટાડીને સાધારણ માણસોની યાતના વધારવાનું ગૌરવ લેવાતું જ રહે છે.
એક સમયે નિવૃત્ત વ્યક્તિનો વીમો, કંપનીઓ ઉતારતી ન હતી. હવે એવું થયું છે કે નિવૃત્ત બેંક કર્મચારીઓનો ગ્રૂપ હેલ્થ ઇન્સ્યુરન્સ (મેડિક્લેઇમ) ઊતરે છે. એમાં ઘણાં જોડાય છે, કારણ આજકાલ માંદા પડવાનું ભયંકર રીતે મોંઘું છે. એ વખતે આરોગ્ય વીમો હોય તો રાહત રહે. પણ, દર વર્ષે પ્રીમિયમમાં એટલો વધારો થાય છે કે પ્રીમિયમ ભરવા લોન લેવી પડે. ઘણાંના તો બબ્બે મહિનાના પેન્શન જ મેડિક્લેઇમ લેવામાં ખતમ થઇ જાય છે. શોષણના એવા એવા પ્રકારો વધી રહ્યા છે કે સાધારણ માણસ એનાથી બચી શકે એમ જ નથી.
છેલ્લે, એક વાત બેંક રિટાયર્ડ સ્ટાફનાં પેન્શન અપડેશનની. આર.બી.આઈ. મુજબ પેન્શન સ્કિમ 1993માં સાઈન થઈ. એ પછી કોઇ પેન્શન અપડેટ થયું નથી. બીજી તરફ રિઝર્વ બેંકે બે વખત પેન્શન અપડેટ કર્યાની વાત છે, પણ એનો લાભ એ જ લાઈન પર અન્ય બેન્કોને મળવો જોઈએ તે જુલાઈ, 2025 સુધી નથી જ મળ્યો એ હકીકત છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ’ એસોશિએશને (AIBOA) 5 જુલાઈ, 2022ને રોજ બધાં યુનિટોને/સ્ટેટ કમિટીઝને પત્ર લખીને જાણ કરી, જેનો વિષય હતો, ‘અપડેશન ઓફ પેન્શન ઓન ધ લાઈન્સ ઓફ આર.બી.આઈ. બ્રૂક્સ નો ડિલે’. સીધી વાત એ છે કે બેંક પેન્શનર્સનું અપડેશન આર.બી.આઈ.ની ગાઈડલાઈન્સ મુજબ થવું જોઈએ. થવું જ જોઈએ. પેન્શન રેગ્યુલેશન એકટ પણ એના પર આધારિત છે. પત્રનો બીજો મુદ્દો એ છે કે પેન્શનર્સને કેટેગરાઈઝ ન કરવામાં આવે. આ વન ટાઈમ સેટલમેન્ટ હોવું જોઈએ. અન્ય સેટલમેન્ટ્સ વખતો વખત થતાં રહે છે, પણ રિટાયર્ડ સ્ટાફનું પેન્શન અપડેશન થતું નથી. જો રિઝર્વ બેંક રિટાયરીઝને બબ્બે વખત પેન્શન અપડેશનનો લાભ મળ્યો હોય તો એની જ અન્ય બેન્કોના નિવૃત્તોને એ લાભથી વંચિત રાખવાનું કારણ શું છે એનો ખુલાસો થવો જોઈએ. કેન્દ્રીય બેન્કનું અન્ય બેંકો સાથેનું ભેદભાવ ભરેલું આ વલણ અકળ છે.
એ સાચું કે નિવૃત્ત બેન્કર્સ પાસેથી સરકારને કોઈ લાભ નથી, નથી એમના મતનું એવું કંઇ મૂલ્ય ને ઘણાં તો ગુજરી પણ ગયાં હોય. એ રીતે આ નિવૃત્તો સ્પેન્ટફોર્સથી વિશેષ કંઇ નથી, એટલે એ તરફ સરકારનું કે રિઝર્વ બેન્કનું બહુ ધ્યાન ન જાય એ સમજી શકાય એવું છે. મેડિક્લેઈમનું પ્રીમિયમ ઘટાડવા સંદર્ભે કે પેન્શન અપડેશન સંદર્ભે સંબંધિત મંત્રીઓ સુધી વખતોવખત રજૂઆત થઇ છે, પણ પરિણામ આવતું નથી. આ એવા કથળી રહેલા નિવૃત્તો છે કે તે સભા ભરીને કે સરઘસ-રેલી કાઢીને કે બુલંદ સૂત્રો પોકારીને વિરોધ કરી શકે એમ નથી. એ લાચારીનો લાભ લેવાતો હોય એવું લાગે છે.
આ સ્થતિ સુધરવી જોઈએ ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑગસ્ટ 2025