પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ ૨૨ એપ્રિલ, ૨૦૨૦ના રોજ એક પરિપત્ર બહાર પાડીને એકથી આઠ ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાત કરી છે. આ જાહેરાત બિનશરતી રીતે અગાઉ કરાઈ હતી ને વિદ્યાર્થીના માર્ક કે ગ્રેડ કેવી રીતે નક્કી કરવા તેની માર્ગદર્શિકા પણ વર્તમાનપત્રોમાં જાહેર થઈ છે. તે ખાનગી અને સરકારી તમામ શાળાઓને લાગુ પડે છે.
તેના કેટલાક મુદ્દાઃ (૧) કોઈને નાપાસ જાહેર કરવા નહીં. (૨) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનથી ઉપર ચડાવાયા છે તેવી નોંધ મૂકવી. (૩) વિદ્યાર્થીઓના આગલા સત્રના પરિણામનો આધાર લઈ ૧૬૦ માર્કમાંથી પરિણામ નક્કી કરવું.
આગલાં પરિણામો પરથી ગ્રેડ કે ટકાવારી નક્કી કરીને હોંશિયાર વિદ્યાર્થીને અલગ તારવી શકાશે, એ સારી વાત છે. તેને તેના હકનું પરિણામ મળશે, પણ હકનું પરિણામ મેળવીને આગળ જતા વિદ્યાર્થી પર માસ પ્રમોશનનો ઠપ્પો શું કામ લાગવો જોઈએ? ને તેના લિવિંગ સર્ટિફિકેટ પર માસ પ્રમોશનનો શેરો મારવાનું વધારે અન્યાયી ને અવિચારી પગલું ગણાશે. કારણ તેને માસ પ્રમોશનનો કોઈ લાભ મળ્યો નથી. તેને મળેલા પરિણામ માટેની ક્ષમતા તેણે આગલી પરીક્ષાઓમાં પુરવાર કરી છે. હા, આગલાં પરિણામો પરથી વિદ્યાર્થી નાપાસ થતો હોય કે ઇ-ગ્રેડ મેળવતો હોય તો તેને પ્રમોશન સરકારની હાલ નક્કી કરાયેલી નીતિ પ્રમાણે ભલે માસ પ્રમોશન મળે ને તેના લિવિંગ સર્ટિફિકેટ પર પણ ભલે માસ પ્રમોશનનો શેરો લાગે. શિક્ષણ વિભાગે આ અંગે ફેરવિચારણા કરવી જોઈએ.
જો માસ પ્રમોશન હોય તો માર્કિંગ ન હોય ને માર્કિંગ હોય તો માસ પ્રમોશન ન હોવું જોઈએ. ચોક્કસ સંજોગોમાં માર્કિંગ અનિવાર્ય બનતું હોય, તો માસ પ્રમોશનનો શેરો નાપાસને જ લાગવો જોઈએ. એ સિવાયના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પાસ થયા હોય એ રીતે જ તેમની નોંધ લેવાવી જોઈએ. ૧૯૭૪-૭૫માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન વખતે બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ અપાયેલો, ત્યારે આ માર્કિંગ કે ગ્રેડની ફોર્મ્યુલા લાગુ કરાઈ ન હતી.
e.mail : ravindra21111946@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020
![]()


નોકરી કૂટી કાઢનાર સિનિયર્સ વ્યાજ પર જીવે છે, પણ વ્યાજ અડધો ટકો વધારે મળતું હોવા છતાં તે એટલું ઓછું હોય છે કે એટલામાંથી બૂટ નહીં, પણ બૂટનું બૉક્સ માંડ આવી રહે. એટલું ઓછું હોય તેમ ટી.ડી.એસ. (Tax Deducted at Source) ગજવું કાતરતો જ રહે છે. જી.એસ.ટી.નું ઠેકાણું નથી પડતું ને ટી.ડી.એસ. ઠેકાણે પાડી દે છે. જે ડિપૉઝિટ ચોક્કસ મુદતે પાકતી હોય તેનું વ્યાજ છેલ્લે રકમ ઉપાડીએ ત્યારે મળે, પણ ટી.ડી.એસ. તો દર વર્ષે જ કપાતો જાય. આ તકલીફ સિનિયર્સને તો છે જ, બીજા ખાતેદારોને પણ છે જ. દાખલા તરીકે કોઈ ખાતેદાર પાંચ વર્ષ માટે કોઈ રકમ મૂકે ને તેનું વ્યાજ પાકતી મુદતે મળવાનું હોય તો પણ દર વર્ષે લાગુ પડતો ટી.ડી.એસ. તો કપાતો જ જાય છે. જે વ્યાજ વાપરવા જ નથી મળતું ને જે પાંચ વર્ષને અંતે જ મુદ્દલ સાથે મળવાનું છે, તેનો ટી.ડી.એસ. વચ્ચેથી કાપવાનો અર્થ તો એટલો જ થાય કે સરકારને ખાતેદારમાં વિશ્વાસ નથી. આ ખોટું છે. પાકતી મુદતે ટી.ડી.એસ. સાથે જ કપાય તો શું તકલીફ થાય, તે નથી સમજાતું.