આ છાશ છે કે ઘેંસ, મને કૈં ખબર નથી,
ખાતો રહું છું ઠેસ, મને કૈં ખબર નથી.
ચેપી છું હું કે રોગ તે જોવા ફર્યો બધે,
તેથી વધ્યા છે કેસ, મને કૈં ખબર નથી.
માવા ને પાન ખાઈને ટેબલ ઉપર થૂંકે,
કોણે કર્યું આ મેસ, મને કૈં ખબર નથી.
દુખ્યા કરે છે પેટ તો માથું કૂટું છું હું,
તેથી હશે આ ગેસ, મને કૈં ખબર નથી.
ચૂંટીને મોકલ્યા પછી ચૂંટી ખણે મને?
તું મોર છે કે લેસ, મને કૈં ખબર નથી.
અક્કલની વાત હોય તો પાછળ પડું જ છું,
આ ચેસ છે કે રેસ, મને કૈં ખબર નથી.
ભોળોભટાક થૈને વિજય તો કરું છતાં,
અક્કલ બડી કે ભેંસ, મને કૈં ખબર નથી.
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


આ લખાય છે ત્યારે ગુરુપૂર્ણિમા છે. ગુરુનું માન ભર્યું સ્થાન એક કાળે હતું તેનું કારણ એ હતું કે ગુરુ વિદ્યાનો વાહક હતો. તેની પાસે વિદ્યાર્થીઓને આપવાના આદર્શો હતા. ગુરુ જ્ઞાન આપતો ને વિદ્યાર્થી તે ગ્રહણ કરીને જીવનને સંસ્કારી ને સમાજોપયોગી બનાવતો. તે પછી તો મનુષ્યે અનેક પ્રકારની પ્રગતિ જ્ઞાન-વિજ્ઞાનને ક્ષેત્રે કરી, પણ ગુરુ અને વિદ્યાર્થીઓનું સ્થાન ઉત્તરોત્તર ઉતરતું ગયું છે. વિદ્યાર્થી વિદ્યાની ‘અર્થી’ ઉપાડી રહ્યો છે ને ગુરુ ‘માસ્તર’ થઈને રહી ગયો છે. બંનેમાં અપવાદો આજે પણ છે જ અને એના પર જ દુનિયા ટકેલી જણાય છે. એ ખરું કે સરકાર અને તંત્રો સુચારુ વ્યવસ્થા અને સંકલન માટે અસ્તિત્વમાં આવ્યાં, પણ થોડા અપવાદોને બાદ કરતાં પ્રજા કલ્યાણનાં કાર્યો ઘટતાં આવ્યાં છે ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર માટે જ સરકાર અને તંત્રો જાણે અસ્તિત્વ ધરાવે છે. એમાં જે ક્ષેત્ર ભ્રષ્ટ હોવું જ ન જોઈએ એ શિક્ષણનાં ક્ષેત્રમાં સૌથી વધુ ગેરવ્યવસ્થા ને ભ્રષ્ટતા જોવાં મળે છે.