કાવ્યકૂકીઝ

0
લીંબુ મોંઘું છે. એક લીંબુ બતાવવાનો ભાવ 1 રૂપિયો છે. તેને હાથમાં પકડીને સૂંઘવાના બે રૂપિયા છે.
0
એક ચોર લીંબુ ચોરતા પકડાઈ ગયો તો મકાન માલિકે તેને પોલીસમાં સોંપ્યો. પોલીસે તપાસ કરી તો ચોરે કહ્યું કે તે લીંબુ કેવું હોય તે જોવા જ ઘરમાં ઘૂસ્યો હતો. પોલીસતેને છોડી મૂક્યો ને માલિકને સળિયા પાછળ ધકેલ્યો કારણ તેણે લીંબુનો સંગ્રહ કર્યો હતો.
0
લીંબુને લગતા એક સમાચાર એવા આવ્યા છે કે પતિપત્નીએ છૂટાં પડતી વખતે લીંબુના ભાગ પાડતાં એક લીંબુ વધતાં તે કોણ લે એ બાબતે ઝઘડો કર્યો ને વાત પોલીસમાં પહોંચતાં વધારાનું લીંબુ તેણે રાખી લેવાનું કહ્યું તો પતિપત્નીએ પોતાનો હક એ લીંબુ પર ચાલુ રહે એટલે છૂટાં ન પડવાનું નક્કી કર્યું હતું.
0
એક સોસાયટીમાં બાળકો માટે લીંબુ ચમચીની હરીફાઈ ગોઠવી હતી, પણ લીંબુ મોંઘાં થતાં સ્પર્ધા રદ્દ કરવી પડી હતી.
0
એક લગ્નમાં વરપક્ષનું સન્માન કરવા જાનૈયાઓને નાળિયેર રૂપિયો આપવાનું ઠરાવ્યું હતું, પણ લીંબુના ભાવ વધતાં સન્માન લીંબુથી થાય એવો આગ્રહ જાનૈયાઓએ રાખ્યો હતો.
0
એકના ડબલ કરી આપવાની લાલચમાં એક માણસે સો લીંબુ અજાણ્યાને આપી દેતાં તે લઈને છૂ થઈ ગયો હતો ને પેલો માણસ લીંબુ પાછાં મળશે એ આશાએ રાહ જુએ છે પણ પેલો અજાણ્યો લીંબુ પકડાવી ગયો હતો તે નક્કી હતું.
0
આજકાલ સુધરેલી માતાઓ પોતાનાં સંતાન માંદા પડે તો ભગવાનને 100 લીંબુ ચડાવવાની બાધા લે છે ને કેટલીક માતાઓ લીંબુની લારીનો ફોટો ચડાવીને ભગવાનને પણ લીંબુ પાઇ દે છે.
0
પુરાતત્વ ખાતાંને ખોદકામ કરતાં લીંબુનું ઝાડ મળી આવ્યું છે એને લીંબુ આવે એમ છે તો તે લીંબુની માલિકી કોની ગણાય તે અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જો કે ઝાડની ફરતે ટાઈટ સિક્યુરિટી ગોઠવી દેવાઈ છે જેથી લીંબુને ઊની આંચ ન આવે.
0
પ્રેમિકાઓ હવે લગ્ન કરતાં પહેલાં પ્રેમીની આવક નથી પૂછતી, પણ તે કેટલી લીંબુડી ધરાવે છે એ પૂછે છે.
0
લોકો હવે વિટામિન 'she'ને બદલે, વિટામિન 'c' તરફ વળવા લીંબુ ઉછેર કેન્દ્રમાં જવા લાગ્યા છે.
000
(“સંદેશ”ની મારી હળવી કોલમ)
e.mail : ravindra21111946@gmail.com
![]()


મોટે ભાગે ફિલ્મની શરૂઆતમાં અક્ષય કુમાર, એક જાહેરાતમાં, એના સિગારેટ પીતા મિત્રને કહે છે કે જેટલા પૈસામાં એ સિગારેટ ખરીદે છે એટલામાં તો એની પત્નીને સેનેટરી પેડ ખરીદીને આપી શકે, જેથી ગંદુ કપડું વાપરવાથી થતી બીમારીથી તે બચી શકે. અક્ષય કુમાર તો ‘પેડમેન’માં પણ દેખાયો ને એણે સ્ત્રીઓનાં આરોગ્યની સુરક્ષાનો પ્રચાર પણ કર્યો. સ્વચ્છતા સંદર્ભે તેણે ‘ટોયલેટ : એક પ્રેમકથા’ ફિલ્મ કરી જેમાં ટોયલેટની જરૂરિયાતનું મહત્ત્વ સમજાવ્યું. એટલે એક સારા આરોગ્ય સંવર્ધક તરીકેની અક્ષયની છાપ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે પ્રોડક્ટની મળતી જાહેરાતની ઓફરો અંગે કહ્યું કે જાહેરાત કરવાથી ઘણા પૈસા મળે એમ છે, પણ જે ખોટું છે તે ખોટું જ છે ને તેવી નબળી વસ્તુઓની જાહેરાતોમાં તે નહીં જ પડે. એ અક્ષય કુમાર હવે ‘વિમલ’ની ‘જુબાં કેસરી’ જાહેરાતમાં જોડાયો છે. એ જાહેરાતમાં, શરૂઆતમાં અજય દેવગણ આવતો હતો. એક તરફ અજય નશીલા પદાર્થોથી દૂર રહેવાનું લોકોને કહે છે ને બીજી તરફ પાન મસાલાની જાહેરાત કરવાથી પણ નથી ચૂકતો. તેની સાથે શાહરુખ ખાન પણ જોડાયો ને તે ઓછું હોય તેમ હવે અક્ષય કુમાર ઉમેરાયો છે. આ ત્રણ ત્રણ જણા ‘વિમલ’ની જાહેરાતમાં જોડાય તો લોકો વધારે ખેંચાય ને વસ્તુ વધુ ઊપડે એમ બનવાનું. અક્ષય કુમાર તો અગાઉ સિગારેટની જાહેરાત પણ કરી ચૂક્યો છે. એ સ્વસ્થ ભારતની વાત કરે છે ને એમ કરીને પોતે તો સ્વસ્થ રહે છે પણ, પાન મસાલાની જાહેરાત કરીને ભારત અસ્વસ્થ થાય એવું પણ કરે છે. ‘વિમલ’ની જાહેરાતમાં અક્ષય કુમારથી પત્તો ન લાગે તો બીજા ફિલ્મી કલાકારો પણ જોડાય ને એમ કરતાં આખું ભારત ‘જુબાં કેસરી’ થઈ જાય તો નવાઈ નહીં ! ફિલ્મી કલાકારો એટલો સઘન પ્રચાર કરી રહ્યા છે કે હવેનું બાળક ‘વિમલ’ના સેશે સાથે જન્મે તો આશ્ચર્ય ન થવું જોઇએ.