એમ લાગે છે કે આપણે સૌ વૈશ્વિક અરાજકતાના સમયમાં જીવી રહ્યા છીએ. ભારતમાં જ બધું ખાડે ગયું છે, એવું નથી. આખું વિશ્વ ખાડે ગયું હોય એવી સ્થિતિ છે. કોઈ દેશને યુદ્ધ પરવડવું ન જોઈએ, પણ દરેક સમૃદ્ધ દેશ અણુ યુદ્ધનો ભય બતાવીને એક્બીજાને ડરાવી-ધમકાવી રહ્યા છે. એમાં કોઈ નાનકડું છમકલું પણ કરે તો મોટું જોખમ ઊભું થાય એ ભૂલવા જેવું નથી. એક તરફ ભારતમાં બુરખો પહેરવાનો આગ્રહ છે, તો ઇરાનમાં બુરખો ફગાવવા મહિનાથી સ્ત્રીઓ મેદાને પડી છે ને સ્થિતિ વધુ વણસે એવો ભય છે. એ પણ છે કે જેમ જેમ મોકળાશ સ્ત્રીઓ માટે વધતી આવી છે, તેમ તેમ સ્ત્રીઓ તેનો લાભ ઉઠાવતી થઈ છે ને તેની સમાંતરે તેનો લાભ ઉઠાવવાની ટકાવારી પણ વધતી આવે છે. સ્ત્રી મરજી મુજબ જીવનસાથી પસંદ કરી શકે છે, લગ્ન વગર કે લગ્ન કરીને તે ગમતી વ્યક્તિ સાથે રહી શકે છે કે મોટી મોટી કંપનીઓનું સંચાલન પણ તે સફળતાપૂર્વક કરે જ છે, તેને ન ફાવે તો પતિ સાથે છૂટાછેડા લઈ શકે છે કે ફરી લગ્ન કરી શકે છે કે લિવ ઈનમાં પાર્ટનર સાથે બ્રેક અપ કરી શકે છે, પણ બધી સ્ત્રીઓને એવી મોકળાશ મળે જ એવું નથી પણ બનતું ને મોકળાશ મળે તે દરેક મહિલાને માફક આવે જ એનું પણ કશું નક્કી નથી. વક્રતા એ છે કે શિક્ષણ વધ્યું છે, તેમ તેમ શોષણ પણ વધ્યું છે.
લેટ નાઈટ પાર્ટીઓમાં મોડર્ન દેખાવાના ભ્રમમાં તે છેતરાય પણ છે. મોડર્ન હોવાના દેખાડામાં તે નશો કરતી થઈ છે તો તેનો લાભ એવી રીતે પણ ઉઠાવાય છે કે કયો અજાણ્યો પુરુષ તેને ભોગવી ગયો તેની નશામાં હોવાને કારણે તેને ખબર પણ પડતી નથી. એવી સ્થિતિમાં ગર્ભ નિરોધકો વાપરવાનું તો યાદ પણ ક્યાંથી આવે? પરિણામે ગર્ભ રહેવાનું જોખમ વધે ને તે અનિચ્છનીય જ મોટે ભાગે હોય. એ તો ઠીક પણ બળાત્કારના કિસ્સામાં તો કોઈ સ્ત્રી ગર્ભ તો ઈચ્છે જ શું કામ? તેમાં જો સ્ત્રી અપરિણીત હોય તો તે અપવાદરૂપે પણ ગર્ભ કે માતૃત્વ ન જ ઈચ્છે. તે તો એનાથી છુટકારો મેળવવા જ માંગે, પણ એની કાયદો તેને અનુમતિ ન આપે એવું એક તબક્કે હતું. એવામાં કેમ ટકવું એની ભારે મુશ્કેલી તે અનુભવતી હતી. એ રીતે જીવવાનું મુશ્કેલ બનતાં ઘણી સ્ત્રીઓની હાલત કફોડી થઈ જતી હતી ને તકલીફ અસહ્ય થતાં તે બાળકથી છૂટવા કરતાં જિંદગીથી છૂટી જવાનો માર્ગ નાછૂટકે સ્વીકારી લેતી હતી.
એવી સ્ત્રીઓને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતો સાહસિક નિર્ણય 30મી સપ્ટેમ્બર, 2022ને રોજ લીધો છે. સાહસિક નિર્ણય એટલા માટે કારણ, અમેરિકામાં ગર્ભપાતનો નિર્ણય ઉલટાવાયો છે, જ્યારે ભારતમાં ગર્ભપાતનો કાયદો ઘણી સ્ત્રીઓને રાહત આપનારો બની રહે એવા ફેરફારો 1971ના કાયદામાં આવ્યા છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ (એમ.ટી.પી.) 1971, 20 અઠવાડિયાના ગર્ભથી છુટકારો અપરિણીત સ્ત્રીઓને આપે છે, પણ એમાં 2021માં એવો સુધારો આવ્યો કે તબીબી દેખરેખમાં, કેટલાક ખાસ સંજોગોમાં 24 અઠવાડિયાના ગર્ભથી પણ મુક્તિ મેળવી શકાય છે. અગાઉ 24થી વધુ અઠવાડિયાના ગર્ભથી મુક્તિ મેળવી શકાતી ન હતી, પણ નવા કાયદા હેઠળ મેડિકલ બોર્ડની મંજૂરીથી હવે તે પણ શક્ય છે. ટૂંકમાં, એમ.ટી.પી. એક્ટ હેઠળ કોઈ પણ મહિલાને હવે ગર્ભપાતનો અધિકાર મળ્યો છે.
બન્યું એવું કે 25 વર્ષની એક મહિલાને તેનાં સાથીએ લગ્નની ના પાડી દીધી ત્યારે તે ગર્ભવતી હતી. આમ તો તે બાળકને ઇચ્છતી ન હતી એટલે દિલ્હી હાઇકોર્ટ પાસે તેણે ગર્ભપાતની અનુમતિ માંગી, પણ હાઇકોર્ટે મહિલાને ગર્ભપાતની મંજૂરી ન આપી. તે એટલા માટે કે મહિલા અપરિણીત હતી. મહિલાને હાઇકોર્ટનો ચુકાદો માન્ય ન હતો એટલે તેણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો. સુપ્રીમમાં હાઇકોર્ટનો નિર્ણય બદલાયો અને અપરિણીત મહિલાને પણ ગર્ભપાતનો અધિકાર એટલે આપ્યો કે જ્યાં સુધી શરીરની ગર્ભાવસ્થાનો સવાલ છે, ત્યાં સુધી અપરિણીત અને પરિણીત હોવા માત્રથી પરિસ્થિતિમાં કે આરોગ્યની બાબતમાં ઝાઝો તફાવત હોતો નથી.
કેટલીક વિશેષ કેટેગરીમાં એમ.ટી.પી. એક્ટ હેઠળ 24 અઠવાડિયાના ગર્ભ સુધી પરિણીત મહિલાને ગર્ભપાતની મંજૂરી હતી, જ્યારે અપરિણીત મહિલાના કિસ્સામાં એ મુદ્દત 20 અઠવાડિયાની હતી. આ ભેદમાં પણ કોઈ તર્ક ન હતો. અપરિણીત મહિલા માટે ચાર અઠવાડિયાં ઓછાં રાખવાથી, કેટલાક કિસ્સાઓમાં તેને તેથી વધુ સમયનો ગર્ભ હોય તો તેણે ગર્ભપાતથી વંચિત રહેવું પડતું હતું, જ્યારે પરિણીત મહિલાને 24 અઠવાડિયાનાં ગર્ભ સુધી ગર્ભપાતનો હક મળતો હતો. 30મી સપ્ટેમ્બર, 2022ના ચુકાદામાં 20-24નો ભેદ જ કાઢી નાખવામાં આવતા અપરિણીત મહિલા પણ 24 અઠવાડિયાના ગર્ભથી મુક્તિ મેળવી શકે એ છૂટ અપરિણીત મહિલાને મળી. પરિણીત અને અપરિણીતને સમાન ગણવા ‘પતિ’ ને બદલે કાયદામાં સુધારો કરી ‘પાર્ટનર’ શબ્દ મૂકવામાં આવ્યો. આ ફેરફારને લીધે પરિણીત કે અપરિણીત મહિલાને સુરક્ષિત ગર્ભપાતની મંજૂરી શક્ય અને સરળ બની.
કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે પતિ, પત્નીને બળજબરીથી ગર્ભવતી કરે છે, તો તેને મેરિટલ રેપ ગણીને કાયદાએ પત્નીને પણ ગર્ભપાતની મંજૂરી આપી છે. આમ કરીને કાયદાએ સ્ત્રીઓને તેની ઈચ્છા વિરુદ્ધ આવતી ગર્ભાવસ્થા અંગે સ્વતંત્ર નિર્ણય લેવાની અનુકૂળતા કરી આપી છે. એ આ કાયદામાં આવેલો સૌથી મોટો સુધારો છે. સ્ત્રીનો પોતાનાં શરીર પર અધિકાર છે ને ગર્ભ તેની ઈચ્છા વિરુદ્ધ સ્થપાયો હોય તો તે રાખવા કે ન રાખવા અંગેનો નિર્ણય લેવાની તક એમ.ટી.પી. કાયદા દ્વારા તેને આપવામાં આવી છે. એ રીતે આ ઐતિહાસિક ચુકાદો છે. એક તરફ અમેરિકા જેવા એડવાન્સ્ડ લોકશાહી રાષ્ટ્રને ગર્ભપાતના કાયદાની છોછ ન હતી, પણ એ છૂટનો દુરુપયોગ થતાં ગયે વર્ષે ગર્ભપાતનો કાયદો જ રદ્દ કરી દેવાયો છે. એની સામે પણ ત્યાંની મહિલાઓ રસ્તા પર ઊતરી છે. એ વિચારીએ તો ભારતનાં ન્યાયતંત્રે વ્યાપક અને ઉદારમતવાદી વલણ અપનાવ્યું છે ને બંધારણની કલમ 14ને ધ્યાને લઈને પરિણીત અને અપરિણીત મહિલાઓને સમાન ગણી છે. ગર્ભપાત સંદર્ભે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચે જે ભેદ કાયદામાં રખાયો હતો તે દૂર કર્યો છે ને તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર અપાયો છે.
એક બાબત બહુ સ્પષ્ટ છે કે પરિણીત કે અપરિણીત સ્ત્રી ઇચ્છિત બાળકને જન્મ આપવાનું આનંદથી સ્વીકારશે, પણ ન જોઈતા ગર્ભને, ન જોઈતાં સંતાનને, શરીરમાં રાખવાનું ને તેને ઉછેરવાનું દબાણ તેનાં પર ઊભું કરી શકાય નહીં. આ માનવતાની વિરુદ્ધ છે. સમાન અધિકારની વિરુદ્ધ છે. ઘણા સમયથી સ્ત્રીઓને આપણે અનેક પ્રકારનાં દબાણ અને શોષણ હેઠળ રાખી છે. એમાં કાનૂની રાહે કેટલાક સુધારાઓ આવતા સ્ત્રીઓને થોડી મોકળાશ મળે એમ બને. ઘણાંને સ્ત્રીઓ સ્વચ્છંદી બનવાનો ભય લાગે કદાચ, પણ ત્યાં પણ કાયદો, કાયદાની રીતે કામ કરી શકે એમ છે. જોવાનું એ રહે કે કાયદાની છટકબારીઓ શોધીને તેનો દુરુપયોગ ન થાય. કાયદાઓ તો છે જ, પણ વ્યવહારમાં એનો કેવો ને કેટલો દુરુપયોગ થાય છે તે કોઇથી અજાણ્યું નથી. એમાં વાંક કાયદાનો નથી, એનો ગેરલાભ લેવાની વૃત્તિ રાખનાર માનસિક્તાનો છે. એ પણ છે કે આપણે ત્વરિત ન્યાયથી ઘણી બાબતોમાં ઘણા દૂર છીએ. તે એટલો મોંઘો છે કે તેનાં કરતાં અન્યાય વેઠી લેવાનું સહેલું અને સસ્તું પડે. કોઈ રીતે ન્યાય સરળ અને સસ્તો અને ત્વરિત મળે એ સ્થિતિનું નિર્માણ થવું જોઈએ. આજે તો ન્યાય એવે સમયે મળે છે જ્યારે તેની કોઈ લાભદાયી અસર તે મેળવનારને ન રહે. તેને તો એ રીતે પણ અન્યાય જ થાય છે. એ સ્થિતિમાં ગર્ભપાતનો બદલાયેલો કાયદો ખરેખર સ્ત્રીઓનું કેટલું હિત કરી શકશે તે જોવાનું રહે. હા, એટલું છે કે જ્યાં આટલું થયું છે ત્યાં બાકીની ખોટ પણ આવનારો સમય પૂરશે. આશાવાદી થવા સિવાય કોઈનો છૂટકો નથી. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, ઑક્ટોબર 2022
![]()


જો કે એટલા મેસેજિસ ને વીડિયો ફરે છે કે એમાં શુભેચ્છાઓ પહોંચવાની શક્યતાઓ ઓછી જ છે, છતાં સૌને અઢળક અભિનંદનો. દિવાળીનો તહેવાર રાષ્ટ્ર તો ઊજવે જ છે, પણ અમેરિકા જેવા દેશે પણ હવે દિવાળીની રજા જાહેર કરી છે. એ ઉપરાંત ઈંગ્લેંડ ને અન્ય દેશોમાં પણ દિવાળીનો કોઈકને કોઈક રીતે મહિમા છે, એ પરથી પણ દિવાળીનું વૈશ્વિક મહત્ત્વ સમજાય એવું છે. એમ તો ક્રિસમસ પણ ભારત ઊજવે જ છે ને એમાં પણ વર્ષને વિદાય આપવાની અને નવાં વર્ષને આવકારવાની જ વાત છે. બંનેમાં મહિમા તો અજવાળાંનો જ છે. એકમાં દીવો છે, તો એકમાં મીણબત્તી છે. આપે તો બંને પ્રકાશ જ છે. બંને તહેવારોમાં ફટકડાઓ ફૂટે છે, આતશબાજીઓ થાય છે. આ એવો પ્રકાશ છે, જે સૂર્યને વિકલ્પે છે. કરોડો દીવા એક સૂર્યની સામે નિસ્તેજ છે, પણ એ દીવાના આપણે સૌ ઋણી છીએ, કારણ સૂર્ય નથી હોતો, ત્યારે એ ઝગમગે છે. એમ તો લાખો દીવા અયોધ્યામાં પ્રગટ્યા છે, પણ એ આખી આયોધ્યાને અજવાળી નહીં શકે એમ બને, તેથી એવું નથી કે દીવો ન પ્રગટાવવો. ભગવાન રામ લંકાવિજય કરી અયોધ્યા પધાર્યા તેનો મહોત્સવ પ્રજાએ દીવડાં પ્રગટાવીને કર્યો ને જે એ ન પ્રગટાવી શક્યાં એમણે હૈયાનો હરખ પ્રગટાવ્યો. એ અજવાસ હજી ઓછો નથી થયો. એ એટલે પણ મહત્ત્વનો છે, કારણ, ઊર્મિલાનો વિરહવાસ પણ એ નિમિત્તે પૂરો થાય છે. એણે તો લક્ષ્મણ વગર મહેલમાં પણ વનવાસ જ ભોગવ્યો છે.
14 ઓક્ટોબરે ધીર મોમાયાનાં જુગાડ પ્રોડક્શનની ફિલ્મ ‘છેલ્લો શો’ ભારતમાં રિલીઝ થઈ. જોઈ. એ પહેલાં એ ટ્રાઇબેક ફિલ્મ ફેસ્ટિવલમાં 10 જૂન, 2021ને રોજ રજૂ થઈ ચૂકી છે. તેને પુરસ્કારો પણ મળ્યા છે. આ ફિલ્મ 1998માં આવેલી ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરાડિસો’થી પ્રેરિત હોવાનું કહેવાય છે. એ જે હોય તે, પણ ‘સરસ’, ‘બેસ્ટ’, ક્લાસિક’ જેવા ઘણાં પ્રમાણપત્રોથી આ ફિલ્મ મુઠ્ઠી ઊંચેરી છે. ફિલ્મ ‘ઓસ્કાર’ માટે મોકલાઈ છે એનો સહજ આનંદ દરેક ગુજરાતી અને ભારતીયને હોય જ. ઓસ્કાર મળે તો એ એવોર્ડ વધારે ઊજળો થશે, પણ ધારો કે નથી મળતો તો પણ, ‘છેલ્લો શો’ બધી રીતે ઉત્તમ ફિલ્મ છે. આમ તો ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં અતાલા ગામના વતની નલિન પંડ્યા ઉર્ફે પાન નલિનની, ભાવિન રબારી-સમય દ્વારા બતાવાતી, એમનાં બાળપણની અર્ધ આત્મકથનાત્મક ફિલ્મ છે, પણ એમાં ઘણાંનાં બાળપણનો પડઘો દેખાય એમ બને. એક ‘સમય’ હતો, જ્યારે વડીલો નાટક-સિનેમાને નફરતથી જોતા હતા. ફિલ્મમાં કામ કરનાર તો ખરાબ જ હોય, પણ એ જુએ તે પણ ખરાબ જ થઈ જાય એવી માન્યતાનો એ સમય હતો, એટલે જ કદાચ નાયકનું નામ પણ ફિલ્મમાં ‘સમય’ રખાયું છે. એ સમય દર્શાવવા જ ફિલ્મની શરૂઆતમાં પિતા (મિસ્ટર ત્રિવેદી – દીપેન રાવલ) સામે ચાલીને ચલાલાથી ટ્રેનમાં ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને બતાવવા લઈ જાય છે. તે એટલે કે એ ધાર્મિક ફિલ્મ હતી. તે સમયના વડીલોને ધાર્મિક ફિલ્મ જોવાનો બાધ ન હતો, પણ એ સિવાયની ફિલ્મોની તેમને સખત પરેજી હતી, તે ત્યાં સુધી કે છોકરો ‘એવી’ ફિલ્મ જુએ તો બગડી જાય. (ફિલ્મની પટ્ટી મોટી દેખાય એમ પડદા પર પાડવી, અરીસાથી સૂર્યપ્રકાશ પડદા સુધી પહોંચાડવો, ફિલ્મની પટ્ટી પરનાં પાત્રો પડદા પર ઓળખવા, ઘરનાં વડીલોનો ફિલ્મ અંગેનો આક્રોશ વેઠવો – આ બધું ઘણાં ઘરોમાં સામાન્ય હતું. આ જ હવામાન મારા ઘરનું પણ હતું. ધાર્મિક ફિલ્મ જોવા મારા બાપા અમને બધાંને લઈ જતાં. એમાં દેવી-દેવતાઓ આવતાં તો માથેથી કાળી ટોપી બે હાથમાં ઝાલીને નમસ્કાર પણ કરતા. એ પછી જો હું એકલો ફિલ્મ જોવા જતો, તો મને ચામડાના પટે પટે મારતા. એક ફિલ્મ જોઈને સુપર ટૉકિઝમાંથી નીકળ્યો, એ જ સમયે બાપાએ બસમાંથી પસાર થતાં મને જોઈ લીધો. પછી ઘરે આવીને ફટકારતા એમણે પૂછ્યું, ’કઇ ફિલ્મ હતી?’ મેં કહ્યું, ’મેરા કસૂર કયા હૈ?’ એ પછી વધારે માર્યો, ત્યારે સતત એક જ સવાલ થતો રહેલો, ’મેરા કસૂર કયા હૈ?’ પણ માર ખાઈને પણ ફિલ્મો જોવાનો ચડસ ઓછો ના થયેલો, તે ત્યાં સુધી કે ‘ગુજરાતમિત્ર’માં ‘ફિલ્મલોક’ નામની ફિલ્મોને લગતી કૉલમ પાંચ વર્ષ ચલાવેલી.)
ફિલ્મો ડિજિટલ બની, તે પહેલાં તેની કચકડાની રીલ આવતી. ફિલ્મની શરૂઆતમાં પ્રમાણપત્ર આવતું, જેમાં તેને અપાતાં સર્ટિફિકેટની તારીખ ઉપરાંત રીલની સંખ્યા કેટલી છે, તે જોવાનું પણ આકર્ષણ રહેતું. ‘છેલ્લો શો’ નવેક વર્ષનાં સમયની ‘ફિલ્મ જિજીવિષા’ની કથા છે. આમ તો સમય અને તેનાં મિત્રો સિંહની ટોળીમાંથી કયો ઊભો થશે એની શરતો મારે છે, દીવાસળીના ખોખાં પરનાં ચિત્રો પરથી વાર્તાઓ જોડે છે. આવાં નિર્દોષ બાળપણ વચ્ચે બાપુજીએ પહેલી વખત ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને નજીકનાં શહેરમાં લઈ જઈને બતાવી (લેખક-દિગ્દર્શક પાન નલિનનાં બાળપણની પણ એ જ પહેલી ફિલ્મ) ત્યારથી ફિલ્મનું સમયને ભારે ખેંચાણ ઉપડ્યું. પાછલી ભીંતનાં નાનકડાં બાકોરામાંથી પ્રકાશનો ધૂળિયો પટો સામેના પડદા પર પડે ને એમાંથી મહાકાળી પ્રગટ થાય તેનું ભયમિશ્રિત કુતૂહલ, સમયને સ્કૂલમાંથી ભાગીને ફિલ્મ જોવા ખેંચી લાવે છે, પણ રોજ તો તેને મફતમાં કોણ ફિલ્મ જોવા દે? એનો પણ એ તોડ કાઢે છે. માએ કરી આપેલો ‘ડબ્બો’ પ્રોજેકશનિસ્ટ ફઝલ(ભાવેશ શ્રીમાળી)ને આપે છે ને એ આંગળાં ચાટીને જમતો રહે છે ને બદલામાં પ્રોજેક્શન રૂમમાંથી સમયને ફિલ્મ જોવા દે છે.
સમય બીજી રીતે પણ પરચો બતાવે છે. રેલવે બ્રોડગેજ થવાની છે ને ચલાલા સ્ટેશન પર હવે ટ્રેનો થોભવાની નથી, પસાર જ થવાની છે. આ સુધરેલા વિકાસમાં મિસ્ટર ત્રિવેદીનો ચાનો સ્ટોલ બંધ થવાની નોબત આવે છે. કમાલ એ છે કે રેલવે વિકસે છે ને કુટુંબો સંકોચાય છે. પ્રોજેકશનિસ્ટ ફઝલ, ફાજલ પડી જાય છે. ફિલ્મની રીલ્સની આ ટોળકી ચોરીઓ કરતી હતી ને એ ચોરી પકડાઈ જતાં ટોળીએ જેલની હવા ખાવી પડે છે. ફિલ્મની ચોરી બહુ કળાત્મક રીતે પકડાય છે. ચોરીને લવાતું રીલ હાથમાંથી છટકીને ગબડવા લાગે છે ને રીલની ચોરીની તપાસ કરતાં પોલીસોના પગમાં આવીને પડે છે. રીલની પેટીની પેટીઓ નકામી થઈ જાય છે. પ્રોજેક્ટરોની ધાતુઓ યંત્રોમાં કચડાઈને ધગધગતો સોનેરી રસ બને છે ને જે તે ધાતુના ચમચા ખણખણવા લાગે છે. એક દૃશ્ય કચકડાની પટ્ટીઓનું એવું ફિલ્માવાયું છે કે ઊંચેથી જુઓ તો નીચે લાખો કાળા નાગ એક્બીજામાં ગૂંથાતાં લાગે. નીચે એટલાં બધાં ગૂંચળાં છે કે એનો છેડો ના જડે. સમયને વૈચારિક રીતે એમાં ઉપરથી નીચે કૂદતો બતાવાયો છે. સમયની તો એ કચકડામાં થતી આત્મહત્યા જ છે. કારણ એ પછી ફિલ્મની પટ્ટીઓ નથી રહેતી. એ પણ મશીનોમાં પ્રોસેસ થઈને, ચમકતાં રંગોની, જુદાં જુદાં માપની, જુદાં જુદાં ખોખાંઓમાં ગોઠવાયેલી બંગડીઓ થઈ ઊઠે છે. એમાં કોઈ બચ્ચન છે, કોઈ સલમાન છે, કોઈ શાહરુખ છે, કોઈ રજનીકાંત છે … આખું ફિલ્મી કચકડું બંગડીઓમાં વર્તુળાઈ ગયું !