આમ તો હાઇકોર્ટે આપેલો ચુકાદો માન્ય ન હોય તો તેને સુપ્રીમમાં પડકારી શકાય છે, પણ ક્યાંક તો અટકવાનું હોય છે એટલે સુપ્રીમનો ચુકાદો તો માથે ચડાવવાનો રહે જ છે. કદાચને સુપ્રીમનો ચુકાદો માન્ય ન હોય તો પણ તેને પડકારી શકાતો નથી. તેનો અર્થ એવો પણ નહીં જ કે સુપ્રીમનો ચુકાદો દરેક વખતે યોગ્ય જ હોય. એવું પણ ક્યારેક બને છે કે સુપ્રીમની બેન્ચના બધા જ જજ સર્વાનુમતે નિર્ણય લઈ શકતા નથી ને ત્યારે અલગ પડતા જજના ચુકાદા સિવાયના મતોને આધારે, બહુમતીએ ચુકાદો અપાય છે. ઘણીવાર એવા ચુકાદાઓ પણ આવે છે કે આશ્ચર્ય થાય, આઘાત લાગે, પણ એ સુપ્રીમકોર્ટનો ચુકાદો છે એટલે તેને માન આપવું જ પડે, ભલે પછી એ ચુકાદો કોઈને યોગ્ય લાગે કે ન લાગે.
જેમ કે, સુપ્રીમનો એક ચુકાદો એવો આવ્યો કે થિયેટરમાં બહારથી ખાદ્ય સામગ્રી લઈ જઈ શકાય નહીં ને જરૂર પડે તો થિયેટરમાંથી જ જે તે સામગ્રી ખરીદવાની રહે. થિયેટર માલિકની સત્તા જ ત્યાં ચાલે ને તેનાં નીતિનિયમોને જ પ્રેક્ષકોએ પાળવાના રહે. પ્રેક્ષકોને ઠીક ન લાગે તો તે થિયેટરમાં ન જવા કે જઈને ત્યાંની સામગ્રી ન ખરીદવા માટે મુક્ત છે. આ સુપ્રીમકોર્ટનો ચુકાદો છે એટલે તે દરેકને બંધનકર્તા રહે જ, છતાં સાધારણ માણસને સવાલો તો થાય જ છે. થિયેટરનો માલિક સ્વતંત્ર છે ને તે પોતાના વિસ્તારમાં મન ફાવે તે ભાવ લઈ શકે, તો પ્રેક્ષક પણ સ્વતંત્ર છે, તે પણ ભારતનો જ નાગરિક છે એવું, નહીં? તે થિયેટર માલિકે યાદ નથી રાખવાનું? અલબત્ત ! એ અંગે સુપ્રીમે કોઈ ફોડ પાડ્યો નથી. પ્રેક્ષકને થિયેટર માલિક પોતાની વસ્તુઓ ખરીદવાનું સીધું કે આડકતરું દબાણ ઊભું ન કરી શકે એવું ખરું કે કેમ? એવું દબાણ એટલે ઊભું થાય છે, કારણ, બહારથી વસ્તુઓ ન લાવવાની પ્રેક્ષકોને ફરજ પાડવામાં આવે છે. અહીં એવી દલીલ થઈ શકે કે પ્રેક્ષકોને થિયેટરમાં જવાનું ફરજિયાત નથી, એ બીજે જઈ શકે, પણ બીજે ક્યાં જાય? ત્યાં પણ આવા જ માલિકો હોવાના ને ! એનું પાછું એસોસિએશન હોય, એ ઓછું જ સસ્તું આપવાના હતા ! કાગડા તો કાળા જ હોવાના ને ! એ જો સસ્તું ને સારું આપતાં હોય તો કોઈ બહારથી લાવે જ શું કામ? આ તો સસ્તું લાવવા ન દેવું અને મોંઘું ખરીદવાની ફરજ પાડવી ! આ યોગ્ય છે? એ સાચું કે એ થિયેટર છે, જિમ નથી કે કોઈ હેલ્ધી ફૂડની આશા રાખે, પણ હેલ્ધી ફૂડના ભાવમાં થિયેટરમાં ઓછું હેલ્ધી વેચાતું હોય તો તેને એટલે ચલાવી લેવાનું, કારણ એ થિયેટર માલિકના વિસ્તારમાં વેચાય છે અને તેવું વેચવાનો તેને અધિકાર છે? થિયેટર માલિકની અંગત માલિકીમાં સરકાર મનોરંજન કર વસૂલી શકે, જે આમ તો પ્રેક્ષકોને ખંખેરીને જ વસૂલાય છે, છતાં તે વાજબી ભાવે પોપકોર્ન કે કોલ્ડ ડ્રિંક્સ મળે એવી અપેક્ષા ન રાખી શકે. માન્યું કે પ્રેક્ષકો થિયેટર માલિકને ફરજ ન પાડી શકે, પણ સરકાર તો માલિકને ફરજ પાડી શકે ને? કે એ પણ માલિકના વિસ્તારમાં દખલ ન દઈ શકે? ગુજરાતની અને જમ્મુ કાશ્મીરની હાઇકોર્ટે એવું ઠરાવ્યું પણ ખરું કે પ્રેક્ષકોને તેની ખાદ્ય સામગ્રી કે પાણી થિયેટરમાં લઈ જતાં રોકી શકાય નહીં, પણ સુપ્રીમ કોર્ટે એ ચુકાદાને ઊલટાવીને થિયેટર માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો. હવે એ પ્રેક્ષકોએ જોવાનું છે કે તેમણે થિયેટરમાં જવું કે ન જવું? ડેરીઓ કે લારીઓ ભાવ વધારે તો તેને પડકારી શકાય, પણ થિયેટર માલિક પોપકોર્ન પણ, પિસ્તાના ભાવે વેચે તો તેને પડકારી ન શકાય, કારણ આ વેપલો તે તેનાં થિયેટરમાં કરે છે ને તેવું તે કરી શકે એવું સુપ્રીમે પ્રમાણિત કરેલું છે.
એવી જ રીતે નોટબંધીનું સરકારનું પગલું પણ સુપ્રીમકોર્ટના 5માંથી 4 જજોએ પ્રમાણિત કર્યું. એક જજે સ્પષ્ટપણે જાહેર કર્યું કે સરકારનું નોટબંધીનું પગલું ગેરકાયદેસર હતું. એમનું કહેવું છે કે સરકાર આ રીતે નોટબંધી એટલે કરી શકે નહીં, કારણ કે તેને એવી કોઈ સત્તા નથી. બેન્ચે એમ પણ ઉમેર્યું કે આર્થિક નિર્ણયોને પાછા ન ખેંચી શકાય. એ સમજી શકાય એવું છે, પણ નોટબંધીનો લેવાયેલો નિર્ણય યોગ્ય હતો કે કેમ તે અંગે સ્પષ્ટ નિર્ણય સુપ્રીમ પાસેથી અપેક્ષિત રહે. જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની વડપણ હેઠળની બંધારણીય બેન્ચે ચાર-એક બહુમતીથી ચુકાદો આપતા જણાવ્યું કે નોટબંધીની કેન્દ્રને સત્તા છે ને સરકારે રિઝર્વ બેન્કની ગાઈડ લાઇન્સ મુજબ જ નોટબંધીનો નિર્ણય લીધો છે. નોટબંધીની વિરુદ્ધમાં 58 જેટલી અરજીઓ આવી હતી, એ બધી અરજીઓ સુપ્રીમકોર્ટે ફગાવી દીધી. સરકારે નવ નવેમ્બરે દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં અનેકગણો વધારો થયો હતો ને એ અંગે ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી આર.બી.આઇ. સાથે ચર્ચા કર્યા પછી જ 8 નવેમ્બરે ચલણી નોટોને ડિમોનેટાઇઝ કરવાનો નિર્ણય લીધો હતો. 8 નવેમ્બર, 2016 ને રોજ વડા પ્રધાને રાત્રે બાર વાગ્યાથી 500 અને 1000ની નોટો રદ્દ થવાની જાહેરાત કરી હતી. નોટબંધી દ્વારા સરકારનું લક્ષ્ય કાળું નાણું દૂર કરવાનું, દેશને કેશલેસ બનાવવાનું, નકલી નોટો નાબૂદ કરવાનું, મોટી નોટોની બંધી દ્વારા સંગ્રહખોરી રોકવાનું ને આતંકવાદીઓ, નક્સલીઓની કમર તોડવાનું હતું. એ લક્ષ્યો પાર પડ્યા કે નહીં તે અંગે સુપ્રીમે જાહેર કર્યું કે એ મુદ્દો જ નથી. એ પણ ખરું કે જે હેતુસર નોટબંધી લાગુ કરવામાં આવી હોય તે હેતુ પાર પડ્યા કે નહીં તે જોવા-તપાસવામાં સુપ્રીમે રસ ન દાખવ્યો.
ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમની કલમ 26(2) સરકારને ચોક્કસ મૂલ્યની ચલણી નોટોની કોઈ ચોક્કસ શ્રેણીની નોટ રદ્દ કરવાની સત્તા આપે છે, પણ ચોક્કસ મૂલ્યની નોટોને સંપૂર્ણપણે રદ્દ કરવાની સત્તા આપતી નથી. એ સંદર્ભે જેમનો મત ચાર જસ્ટિસના મતથી અલગ પડે છે તે જજ બી.વી. નાગરત્નનો નિર્ણય વધુ ધ્યાન ખેંચે છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નોટબંધીનો નિર્ણય સરકારનો છે ને રિઝર્વ બેન્કની તો માત્ર ભલામણ જ હતી. આવી ભલામણ કરવાનું પણ સરકાર તરફથી જ કહેવાયું હતું. એ પણ ખરું કે આ મામલે જરૂરી પ્રક્રિયા માટે પૂરતો સમય લેવાયો ન હતો. 7મીએ સરકાર દ્વારા રિઝર્વ બેંકને ભલામણ કરવાનો પત્ર મોકલાયો ને 8મીએ તો નોટબંધીનો નિર્ણય જાહેર પણ થઈ ગયો. જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્વાયત્ત સંસ્થાન હોય તો આ વલણ યોગ્ય નથી જણાતું. ખરેખર તો આ નિર્ણય રિઝર્વ બેન્કનો હોવો જોઈતો હતો, પણ સરકારનો હતો ને સરકારને તો નોટબંધી કરવાની સત્તા જ નથી. જસ્ટિસ નાગરત્નનું કહેવું છે કે આ પગલું સંસદમાં કાયદો બનાવીને લેવાની જરૂર હતી, તેને બદલે ગેઝેટ નોટિફિકેશનથી જ કામ લેવાયું. આર.બી.આઇ. અને સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબોમાં પણ વિરોધાભાસ હોવાનું નાગરત્નને લાગ્યું છે. સરકારનો હેતુ સાચો હોય તો પણ કાયદેસર નથી એવું મહિલા જસ્ટિસ નાગરત્નનું સ્પષ્ટપણે માનવું છે.
સરકાર બચાવમાં કહે છે કે નકલી નોટોમાં, નોટબંધી લાગુ થવાથી ઘટાડો થયો છે, જ્યારે હકીકત એ છે કે 2000ની નોટ ચલણમાં આવી તે સાથે જ પાકિસ્તાનથી 2000ની નકલી નોટો ભારતમાં ઘૂસાડવામાં આવી હતી, એટલું જ નહીં, 2000ની નોટો જ દરોડામાં એટલી પકડાઈ કે નકલી નોટો રોકવા બે હજારની નોટો છાપવાનું માંડ રહ્યું હોય તો નવાઈ નહીં ! એની પણ કમાલ જ છે ને કે 1000ની નોટોનો સંગ્રહ ઘટાડવા તેને ચલણમાંથી નાબૂદ કરી ને 2000ની નોટો છાપવાનું શરૂ કર્યું. હવે 2000ની નોટથી સંગ્રહ વધે કે ઘટે તે પ્રશ્ન જ છે. સરકારનું માનવું છે કે ડિજિટલ ટ્રાન્જેક્શન્સ વધતાં ચલણી નોટોનો વપરાશ ઘટ્યો છે. એ સાચું કે 2016માં 6,952 કરોડનાં ડિજિટલ ટ્રાન્જેક્શન્સની સંખ્યા 1.09 લાખ હતી, જે ઓકટોબર, 2022માં 12 લાખ કરોડ સાથે 730 કરોડની સંખ્યા પર પહોંચી છે. રહી વાત નોટોનાં સર્ક્યુલેશનની, તો નોટબંધી જાહેર થઈ તે 8 નવેમ્બરે 17.94 લાખ કરોડની રોકડ ચલણમાં હતી ને 23 ડિસેમ્બર, 22ને રોજ બજારમાં 32.42 લાખ કરોડની રોકડ ફરતી હતી. મતલબ કે માર્કેટમાં 83 ટકાનો વધારો રોકડમાં થયો છે. જો આ સ્થિતિ હોય તો ચલણી નોટોનો વપરાશ ઘટવાની વાત કેટલી સાચી તે વિચારવાનું રહે.
ટૂંકમાં, જે હેતુથી નોટબંધી કરવામાં આવી એમાં સફળતા ખાસ મળી નથી ને એની નકારાત્મક અસરો એટલી થઈ ને આઘાત પણ એટલો લાગ્યો કે લોકોને તેની કળ વળતાં ઘણો સમય લાગ્યો છે. જો કે, એનાં પરિણામોમાં જવાનું સુપ્રીમકોર્ટે સ્વીકાર્યું નથી. એટલે લોકોએ તો એમ જ માનવાનું રહે કે સરકાર પણ પરિણામની પરવા કર્યા વગર કોઈ પણ નિર્ણય થોપી દે તો તેને લોકશાહી છે એટલે ચુમાઈને પણ લોકોએ માથે ચડાવવાનો રહે ને કોઈ એની સામે ગમે તેટલી અરજીઓ કરે તો પણ એને ફગાવવા સુપ્રીમકોર્ટ ક્યાં નથી? ન્યાયને એટલે જ કદાચ આંધળો કહ્યો હશે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જાન્યુઆરી 2023