
રવીન્દ્ર પારેખ
આજકાલ મીડિયામાં મધ્ય પ્રદેશની સોનમે કરાવેલ પતિની હત્યાની ચર્ચા વધારે છે. એ પહેલાં પણ પત્નીએ પતિની હત્યા કરી હોય કે કરાવી હોય એવાં ઘણાં ઉદાહરણો છે. આવી હત્યાઓમાં પતિનો એક સાધન તરીકે ઉપયોગ થતો હોય છે. કોઈ ઘરમાં પ્રેમી સાથે કુટુંબે લગ્ન ન કરવાં દીધાં એટલે રોષે ભરાયેલી દીકરી કુટુંબે શોધ્યો તે પતિને પરણે છે ને વહેલામાં વહેલી તકે પતિની હત્યા કરીને છુટકારો મેળવવા મથે છે. પરણાવે ત્યાં પરણી જાય એવી દીકરીઓ હવે ખાસ રહી નથી. તેનું કારણ પણ છે. સ્ત્રીઓ હવે શિક્ષિત અને આત્મનિર્ભર થઈ છે, નોકરી-વ્યવસાય કરતી થઈ છે, સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ છે, પણ તેને લગ્નની બાબતે પૂરતી મોકળાશ હજી નથી. હજી ઘણાં કુટુંબો જ્ઞાતિમાં જ દીકરી પરણાવવાના આગ્રહી છે. અન્ય બાબતોમાં દીકરીના આર્થિક, સામાજિક નિર્ણયો સ્વીકારાય છે, પણ લગ્ન તો કુટુંબ ગોઠવે ત્યાં જ કરવાં પડે છે.
આ આગ્રહોને કારણે દીકરી પરણે તો છે, પણ પછી પતિની હત્યા કરીને કુટુંબના નિર્ણય પર ચોકડી મારી દે છે. પત્ની, પતિને ખીણમાં ફેંકાવી દે છે કે પતિને ડ્રમમાં ઠૂંસીને ઉપર સિમેન્ટ રેડી દે છે. એવું ઘણું બને છે. કમાલ તો એ છે કે જે કુટુંબે લગ્નની ફરજ પાડી તે કુટુંબને દીકરી આંગળીયે અડાડતી નથી, પણ જેને પરણે છે તે નિર્દોષ પતિનું નિર્મમતાથી કાસળ કાઢી કે કઢાવી નાખે છે. પ્રેમીનું મહત્ત્વ હવે એટલું છે કે પત્ની, પતિની હત્યા કરવા સુધી પહોંચે છે. હવે તો હત્યા કરવા પત્ની થવા સુધીની વાટ પણ નથી જોવાતી. બે’ક દિવસ પરના સમાચારમાં ઉત્તર પ્રદેશની રામપુરની ગુલફશાં, નિકાહના એક દિવસ પહેલાં જ મંગેતર નિહાલનું, પોતાના પ્રેમી સદામની મદદથી અપહરણ કરાવીને હત્યા કરાવી દે છે. લગ્ન પહેલાં જ ભાવિ પતિને મોતને ઘાટ ઉતારવાનો આ કદાચ પહેલો કિસ્સો છે. હત્યા કરીને, પત્નીના ટુકડા ફેંકી દેવાનું હવે પતિ જ કરે છે, એવું નથી. પત્ની પણ પતિના ટુકડા કરીને ફેંકી આવે છે. આવી ક્રૂરતા અગાઉના અશિક્ષિત સમાજમાં ન હતી. આધુનિક શિક્ષણે કદાચ વ્યક્તિને વધુ નિષ્ઠુર અને ઘાતકી બનાવી છે. તેને પતિ કે પત્નીની હત્યાથી સંતોષ નથી, તે રાક્ષસી નિર્દયતા અને ક્રૂરતાથી પતિ કે પત્નીના અસંખ્ય ટુકડા કરીને નિકાલ કરી નાખે છે.
એવું નથી કે પતિઓ સુધરી ગયા છે. જરા વાંકું પડતાં કે લગ્નેતર સંબંધને કારણે, પત્નીનું ગળું દબાવી દેવાની નવાઈ નથી. હવે પત્ની એની સાથે સ્પર્ધામાં ઊતરી હોય તેમ તે પણ પતિનો નિકાલ કરવા સુધી આવી છે. લગ્ન ન ટકે ને છૂટાછેડા થાય, પતિ-પત્ની અલગ થઈ જાય ને સંતાન મમ્મી પાસે રહે ને પતિને સંતાનને મળવાની છૂટ હોય ને પતિ મળવા માંગે, એ પણ પત્નીને ગમતું હોતું નથી. છૂટાછેડા લીધેલ પતિનું તો એ કૈં બગાડી શકે એમ નથી, એટલે સંતાનને જ તે પતાવી દે છે. બેંગલોરની એક CEOએ ગોવામાં 4 વર્ષના દીકરાનું એટલે જ ગળું દબાવીને મારી નાખેલો, જેથી પતિ દીકરાને મળવા ન પામે. CEO મૃત દીકરાને સૂટકેસમાં ભરીને કારમાં બેંગલોર આવવા નીકળી ત્યારે રસ્તામાં પોલીસે તેને પકડી પાડી હતી. આવું હત્યા પછી પોતે ન પકડાય એટલે અપરાધીઓ કરતા હોય છે. ને ઘણાં કાયદાને એટલો નમાલો ગણે છે કે તેમને લાગે છે કે હત્યા કરીને છટકી શકશે, પણ કાયદો હત્યાનું પગેરું શોધતો આવે જ છે ને વાત સજા સુધી પહોંચે જ છે. બધી પત્નીઓ કે બધા પતિઓ હત્યારા છે, એવું નથી, પણ, પત્નીઓ હત્યામાં પતિથી પણ આગળ નીકળી છે એ ચિંતાનો વિષય છે. આખું જગત હિંસક થઈ ઊઠ્યું હોય એવું વાતાવરણ છે. ક્યાં ય શાંતિ કે આંખ ઠરે એવું બહુ જોવા મળતું ન હોય એવામાં મહારાષ્ટ્રમાં એક ઘટના બને છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ઝવેરીની દુકાનમાં એક વૃદ્ધ પતિ-પત્ની પ્રવેશે છે. આમ તો એ બંને જાલના જિલ્લાના અંભોરા જહાંગીર ગામનાં છે. પતિનું નામ નિવૃત્તિ (93 વર્ષ પહેલાનું નામ પણ કેટલું સૂચક !) શિંદે અને પત્નીનું નામ શાંતાબાઈ ! બંને દેવશયની એકાદશીએ પંઢરપુર પહોંચવા પગપાળા નીકળ્યાં છે. સંભાજીનગરમાં એક ઝવેરાતની દુકાન જોઈને બંને એમાં પ્રવેશે છે. દુકાનનાં માલિક અને કારીગરોને લાગે છે કે તેઓ ભીખ માંગવા કે કોઈ મદદ માટે દુકાનમાં ઘૂસ્યાં છે. બંનેના દીદાર પણ એવા જ છે. વૃદ્ધે પરંપરાગત સફેદ ધોતિયું-ઝભ્ભો અને માથે ટોપી પહેર્યાં છે ને વૃદ્ધાએ લૂગડું-ચોળી પહેર્યાં છે ને માથે મરાઠી સ્ટાઇલનો મસમોટો લાલ ચાંદલો છે. ડગુમગુ વૃદ્ધ નાનીમોટી નોટોનો ઢગલો અને પરચુરણ કાઢીને કાઉન્ટર પર મૂકે છે, તો તેનો સરવાળો 1,120 રૂપિયા થાય છે. આટલા રૂપિયા વૃદ્ધે ભીખ માંગીને ઘણે વખતે ભેગા કર્યા છે. તેને લાંબા સમયથી અફસોસ રહ્યો છે કે પૈસા ન હોવાને કારણે તે પત્ની માટે કૈં કરી શક્યો નથી. દુકાનદારને, પત્નીને બતાવતાં વૃદ્ધ કહે છે મારે આને ભેટ આપવા મંગળસૂત્ર લેવું છે.
સોનાનું તો ક્યાંથી ખરીદે, પણ વૃદ્ધ, ગિલીટ કરેલું મંગળસૂત્ર ખરીદવા દુકાનમાં આવ્યો છે. 93 વર્ષના આ નિવૃત્તિ દાદાની શાંતાબાઈ માટેની લાગણી જોઈને દુકાનનો માલિક ગદગદ થઈ ઊઠ્યો. ભાવવિભોર થયેલા એ દુકાનદારે 20 રૂપિયા આશીર્વાદ તરીકે રાખ્યા ને બાકીના 1100 રૂપિયા પાછા આપ્યા ને મંગળસૂત્ર દાદીના હાથમાં સોંપીને, દાદાદાદીને ખુશ કરી દીધા. આથમતી સાંજનાં અજવાળાં જેવી આ વૃદ્ધ જ્યોતિઓનાં મનમાં કેવો પ્રકાશ ફેલાયો હશે એ તો એ બંને અને દુકાનદાર જાણે, પણ જે નથી જાણતા એમને ય બે ઘરડી જ્યોતિઓ ઝગમગતી-ડગમગતી દેખાશે.
ઉપર કેટલાં ય દંપતી એકબીજાની હત્યામાં સંડોવાયાં જોયાં છે. શિક્ષિતોની, સુધરેલા પ્રેમની આબોહવાનાં એ પ્રતીકો છે. એ તવંગર છે, પણ પ્રેમને મામલે ગરીબ છે. બીજી તરફ 93 વર્ષના આ ગરીબ વડીલને અફસોસ એ છે કે આટલી લાંબી જિંદગીમાં પત્ની માટે એક મંગળસૂત્ર ખરીદી નથી શકાયું. તે પૈસા ભેગા કરે છે ને 1,120 રૂપિયામાં જેવું આવે તેવું મંગળસૂત્ર ખરીદવા તે દુકાનમાં પ્રવેશે છે. વર્ષોનાં અખંડ સ્નેહતપનું ફળ એને મળે છે ને એ 20 રૂપિયામાં પત્ની માટે મંગળસૂત્ર ખરીદી શકે છે.
આ હૃદયસ્પર્શી ક્ષણોનો વીડિયો વાઇરલ થયો છે ને તેને લાખો લોકોએ જોયો છે ને ઢગલો કોમેન્ટ્સ કરી છે. જેમણે એ જોયો છે, તે સૌ 93 વર્ષના વડીલનો, તેની વૃદ્ધ પત્ની માટેનો સ્નેહ, ભીની આંખે જોઈને કોઈ તીરથનો અનુભવ કરતાં હોય, તેમ અભિભૂત છે. જરા એ વિચારવા જેવું છે કે 93 વર્ષની જિંદગીમાં દાદાએ કેટલી વખત દાદી માટે ઈચ્છા કરી હશે કૈં ખરીદવાની ને કેટલી વખત મન માર્યું હશે ને છેક 18 જૂન, 2025ને રોજ એ યોગ આવ્યો ને મંગળસૂત્ર પત્નીનાં ગળામાં પડ્યું ! આજે લાગણીનો આવો લાંબો સિલસિલો અપવાદરૂપેય જોવા મળે તો મળે. આનો આનંદ એટલે પણ બેવડાય છે કે પ્રેમની લાગણી ઘણી વાર આટલે સુધી પહોંચતી જ નથી ને પંઢરપુરની જાત્રા જેવું અભૂતપૂર્વ ઉદાહરણ સામે આવે છે, તો શબ્દો પાંપણે મોતી થઈ ઊઠે છે. આ એવો પ્રેમ છે જે વર્ષો સુધી શબ્દ બન્યો જ નથી. તેનો સ્વર બહાર પડ્યો જ નથી. તે સતત ક્યાંક ઘૂંટાયો છે ને પવિત્ર દર્શનની જેમ પ્રગટ થયો છે.
આ શક્ય બન્યું એક સંવેદનશીલ દુકાનદારની લાગણીશીલ ઉદારતાને પગલે. વીડિયોમાં દાદી, દીકરાની જેમ દુકાનદારને વ્હાલ કરતી પણ દેખાય છે. દુકાનમાં દાખલ થયાં ત્યારે દંપતીને એવી કોઈ ખાતરી ન હતી કે મંગળસૂત્ર મળશે જ ! દુકાનદારે ભિખારી સમજીને આ વૃદ્ધોને હાંકી પણ કાઢ્યા હોત. કદાચ વૃદ્ધના પૈસા પણ પડાવી લીધા હોત, પણ યુવાન દુકાનદાર આ વૃદ્ધની લાગણી સમજી શક્યો. બાકી, યુવાન 93 વર્ષનું મેલુંઘેલું ઘડપણ જોઈને મોં મચકોડે એવી શક્યતા વધુ હતી. એવું કૈં ન થયું ને બધું જ સારું થયું તો કેસરી કંસાર જેવી મીઠાશ આંખે ચડી ! આવું આંખે ચડે છે ત્યારે પાંપણો મંદિરમાં ખૂલતી હોવાનો આનંદ થાય છે. ભડકા જેવી જિંદગીમાં કોઈ ચંદનનો લેપ લઈને આવે તેવું બને ખરું? બને ને એ જ તો બન્યું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જૂન 2025