
રવીન્દ્ર પારેખ
ભારત પ્રવાસે આવેલા રશિયાના પુતિન રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પવા ગયા તો થોડી રાહત એ વાતે થઈ કે ગાંધીજી હજી આઉટડેટેડ નથી થયા. આજે પણ ગાંધી રોડ કે ગાંધીબાગની હાજરી લગભગ દરેક શહેરમાં છે. એટલું સારું છે કે માર્ગોનાં કે સ્થળનાં નામ બદલવાની ઝુંબેશમાં ગાંધી નામ અત્યાર સુધી તો બદલાયું નથી, પણ તેનો પ્રભાવ ઓસરે તે માટેનાં પ્રયત્નો થતા રહે છે, એટલે સમય જતાં ગાંધી મૂલ્યો કે અર્થો પણ બદલાય તો તેની તૈયારી પણ રાખવાની રહે. વારુ, જ્યાં ગાંધી છે, ત્યાં સાદગી નામની પણ જોવા મળે છે, પણ તેની સત્ય, અહિંસાની વાતોનો ઝાઝો મહિમા રહ્યો નથી. અહિંસાનો ‘અ’ સત્યની આગળ આવી ગયો છે. ગાંધી, સફાઈનો આદર્શ પણ હતા, તે હવે નેતાઓ પૂરતી સીમિત રહી છે. ઘણાં નેતાઓ પ્રસંગોપાત સાફ થયેલા રસ્તાઓ પર ઝાડું મારી લે છે ને એમ ગંદકીને ઊની આંચ નથી આવતી.
થોડા દિવસ પર પાટણના ગાંધીબાગમાંથી દારૂની ખાલી બોટલો ને ગંદકી હાથ લાગવાના સમાચાર હતા, તે પછી સુરતના ગાંધીબાગમાંથી પણ દારૂની ખાલી બોટલો અને ગંદકીના સમાચાર પ્રગટ થયા છે. એ ખરું કે અંગ્રેજોના વખતનો ચોકબજાર વિસ્તારમાં આવેલો ‘રાણીબાગ’ પછી ‘ગાંધીબાગ’ની ઓળખ પામ્યો. એ પછી સુરત આધુનિક થતું ગયું તેમ તેમ ગાંધીજી વધારાના થતા ગયા ને હવે તો બાગની બહાર જ આવી ગયા છે. પ્રસંગોપાત નેતાઓ સૂતરની આંટી ચડાવવા આવે છે, ત્યારે ગાંધીજીને વધુ ‘આંટી ચડે’ છે. એ સિવાય ગાંધીજીએ લાકડીને ટેકે ટકી રહેવા સિવાય બીજો ઈલાજ નથી. આમ તો નામ પૂરતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ વગરનો વિસ્તાર ભાગ્યે જ ક્યાંક હશે. ગાંધીનું મળવું દુર્લભ હશે, પણ દારૂ મળવો દુર્લભ નથી.
ગાંધી કદાચ રમૂજનું, મજાકનું નિમિત્ત હોય એમ બને.
આમ તો ગાંધીબાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દેખરેખ હેઠળ આવે, એટલે જ કદાચ તે અસામાજિકોનો અડ્ડો બની ગયો હશે. 20,000 સ્ક્વેરમીટરમાં ફેલાયેલો બાગ અત્યારે તો કપાઈ કપાઈને અડધો થઈ ગયો છે. સિક્યોરિટી ગાર્ડ હોય, તો પણ તેની હાજરી બહુ વર્તાતી નથી. એક સમયે શહેરીજનોનાં હરવાફરવાનું એ આકર્ષક કેન્દ્ર હતું. અહીં જ દર રવિવારે પોલીસ બેન્ડ વાગતું. નર્મદની પ્રતિમા પાસે 24 ઓગસ્ટને રોજ મેયર સહિત સાહિત્યકારો નર્મદને પુષ્પાંજલિ અર્પણ કરતાં. 1940માં નર્મદની પ્રતિમાનું કનૈયાલાલ મુનશીએ અનાવરણ કરેલું અને અદ્દભુત પ્રવચન આપેલું. તે પછી વર્ષો સુધી નર્મદ જયંતીએ શાળાનાં બાળકો નર્મદ ગીતો ગાતાં … એ બહુ દૂરનો ભૂતકાળ નથી. નર્મદથી માંડીને શહેરનાં કવિઓની પંક્તિઓથી બાગ શોભતો ને બાળકોથી કિલ્લોલતો …
એ હવે ભેંકાર ભાસે છે. મેટ્રોએ તેને બાનમાં લીધો છે ને દિવસે પણ ત્યાં જવાનું મન થાય એવું વાતાવરણ નથી. એનો લાભ અસામાજિકોએ લીધો છે. કેટલાંક તત્ત્વોએ ગાંધી અને દારૂ વચ્ચે છેટું રહેવા દીધું નથી. ગાંધીની સફાઈની વાતો પર અહીં ગંદકી ફરી વળી છે. એ તો હવે 2 ઓક્ટોબરે મેયર કે અન્ય નેતાઓ આંટી ચડાવવા ગાંધી પાસે ફરકે ને ત્યારે સફાઈ થાય તો થાય ! ન થાય ત્યાં સુધી ગાંધીએ અને બાગે કચરા અને પ્રદૂષણ વચ્ચે રહેવાનું નક્કી છે. આમ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બાગની જાળવણી કરવાની છે, પણ તેના પદાધિકારીઓ પોતાની જાળવણીમાં ને એવોર્ડ્સ સમેટવામાં વ્યસ્ત હોય તો ગાંધીએ જ બાગની જાળવણી કરવાની રહે ને હવે ગાંધી જ આઉટ ડેટેડ મનાતા હોય, તો બાગ કેટલોક તાજગીપૂર્ણ રહે?
બાગ વાસી થયો હોય તો પણ તે વિકાસશીલ છે. તેમાં દારૂની બોટલો ઉપરાંત હવે ડ્રગ્સની સિરિંજ પણ મળી આવે છે. એ પરથી સમજી શકાય એમ છે કે બાગ હવે કેવા લોકોના હાથમાં છે. બાગની મુલાકાતે હવે ઓછા જ જાય છે, પણ જે જાય છે તે એવા આક્ષેપો કરે છે કે સાંજ થતાંની સાથે જ બાગમાં અસામાજિક તત્ત્વો વધવા માંડે છે ને પછી દારૂ અને નશીલા પદાર્થોનું સેવન થાય છે. પાલિકા તેનું ‘બાલિકા’પણું નહીં છોડે તો આવનારા સમયમાં ગાંધીબાગ નહીં, પણ ‘ગાંધી, ભાગ !’ એવું સંભળાય એમ બને. ગાંધીબાગમાં પાલિકા તંત્ર અને પોલીસ જડબેસલાક રીતે સક્રિય નહિ થાય તો આગળ જતાં તે તેનું રહ્યું સહ્યું ગૌરવ પણ ગુમાવશે. અત્યારે પણ તે હાથથી ગયો જ છે, તે સાથે જ અઠવા લાઈન્સની ચોપાટી પણ તૂટીફૂટીને વિખેરાઈ ગઈ છે. તે મેટ્રો સ્ટેશન તરીકે ડેવલપ થાય તે સાથે જ કમર્શિયલ સેન્ટર બનવાનું જોખમ પણ છે જ ! એ જે હોય તે, પણ તે હવે ચોપાટી તરીકે નહીં દેખાય એમ લાગે છે. કોર્પોરેશન ગાંધીબાગ જેવા માટે ઉદાસીન છે, તો ચોપાટી માટે ધંધાદારી વલણ ધરાવે છે. આ બંનેમાં સામાન્ય નાગરિકો માટેનાં આનંદપ્રમોદનાં બે મુખ્ય મથકો લગભગ મટી ગયાં છે.
ગુજરાતના ડેપ્યુટી સી.એમ. સુરતના છે ને દારૂ અને ડ્રગ્સને મુદ્દે પોલીસની કામગીરીની સરાહના કરતા કહેતા રહે છે. તાજેતરમાં જ તેમણે સૌથી વધુ ડ્રગ્સ પોલીસે ગુજરાતમાં પકડ્યું છે એવું વડગામમાં કહ્યું છે. ડેપ્યુટી સી.એમ.ને પોલીસ આટલી સજાગ લાગે તેનો આનંદ જ હોય, પણ સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું હોય તો સવાલ એ થાય કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં ઊતરે છે કોની મહેરબાનીથી? એટલું સારું છે કે ડેપ્યુટી સી.એમ.ને પોલીસ પર ભરોસો છે ને તે અવિરત કામગીરી કરે છે ને કરશે એવો તેમનો વિશ્વાસ પણ અવિરત ટકે તેમ ધારીએ, તે સાથે જ ડેપ્યુટી સી.એમ. અંગત રસ લઈને ગાંધીબાગની તળિયાઝાટક સફાઈ કરાવે તે પણ ઇચ્છીએ. બાય ધ વે, તંત્રોની વાત નીકળી જ છે તો જરા આડ વાત કરીને પણ, એક વાત લાગતા વળગતાઓનાં ધ્યાન પર લાવવાનું જરૂરી લાગે છે.
કોર્પોરેશન દારૂના અડ્ડા તો પકડે કે ન પકડે, પણ વરાછાના ધારાસભ્યની દબાણ હટાવ ફરિયાદને માન આપીને તેણે કામગીરી હાથ ધરી છે. જો કે, ધારાસભ્યે તો ગેરકાયદે પ્રવૃત્તિઓ અને માથાભારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો, પણ સુરતના વરાછા વિસ્તારમાં રસ્તા પર શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓને શનિવારે બળજબરીએ હટાવવાનું કામ શરૂ થયું. લારીઓ ખસેડાઈ. શાકભાજી, લીંબુ રસ્તે ફેંકાયાં અને રડતી મહિલાઓ ધારાસભ્ય પાસે પહોંચી. મહિલાઓનો આક્રોશ જોઈ ધારાસભ્યે સ્પષ્ટ કર્યું કે એક સમસ્યા ઉકેલવા જતાં કોઈને અન્યાય ન થવો જોઈએ. વૃદ્ધાઓનું કહેવું હતું કે અમે કોઈને નડતાં નથી, અમે દારૂ વેચતાં નથી. અમારી પાસેથી કંઇ મળતું નથી, તો અમારો સામાન ઉઠાવી જાય છે. અમે માંડ સો પચાસ રૂપિયા કમાઈએ છીએ, તે અમારો વાંક છે?
વૃદ્ધાઓની કરમની કઠણાઈ તો ત્યાં આવી કે તેમણે અધિકારીઓની ઉદ્ધતાઈનો સામનો કરવાનો આવ્યો. એક વૃદ્ધાએ પોતાનો સામાન છોડાવવા સાહેબને હાથ જોડીને કહ્યું કે હું તમારી માની ઉંમરની છું. મારી લાચારી સમજો, તો સાહેબે કહ્યું કે મારા બાપને એક તો છે, બીજી બાયડીની જરૂર નથી. નિર્લજ્જતાની આ અવધિ છે. તંત્રોની આટલી બેશરમી અને નાલાયકી અસહ્ય છે. તંત્રોની કામગીરીને વખાણતા મંત્રીશ્રી આ મામલે ધ્યાન આપે એવી સહેજે અપેક્ષા રહે. પેલી વૃદ્ધાએ કહ્યું તેમ પોતે સાહેબની માની ઉંમરની છે. માની ઉંમરની-નો અર્થ મા નહીં, એટલી સમજ તો અધિકારી પાસેથી અપેક્ષિત હોય. એટલી સમજ ન દાખવે તો ધૂળ નાખી, પણ સાહેબને કોઈ અધિકાર નથી પહોંચતો કે તે એમ કહે કે મારા બાપની એક બાયડી છે જ, બીજીની જરૂર નથી. વૃદ્ધા બાપની બાયડી બનવા નહોતી ગઈ. માની ઉંમરની પોતાને ગણાવી, ત્યારે અપેક્ષા તો તેની એટલી જ હતી કે તેની ઉંમરની મર્યાદા સચવાય, તેને બદલે સાહેબે સાવ હીન કક્ષાની વાત કરીને પેલી 60-65ની વૃદ્ધાનું જાહેરમાં અપમાન કર્યું. એક તરફ સિનિયર્સને માન-સન્માન આપવાની વાતો ચાલે છે, મહિલા સશક્તીકરણના ગરબા લેવાય છે ને બીજી તરફ અધિકારીઓ વૃદ્ધ સ્ત્રીઓને પૂરી નાલાયકીથી અપમાનિત કરે છે તે દુ:ખદ છે.
ગાંધીબાગની જેમ જ ગાંધી મૂલ્યોનો પણ હ્રાસ થઇ રહ્યો છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે, એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ડિસેમ્બર 2025
![]()



પરિષદના જ મુખપત્ર ‘પરબ’ના ઓક્ટોબર, 2025ના અંકમાં ચંદ્રકાંત ટોપીવાળાનો એક પત્ર પ્રગટ થયો છે. એમાં તેમણે ‘છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાત ક્ષેત્રે નોબેલ ગણાતા ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અપાતો અટકી ગયો છે’, એવું યાદ અપાવતાં ઉમેર્યું છે, ‘૨૦૧૬માં છેલ્લે કુમારપાળ દેસાઈએ નાટ્યાત્મક રીતે લીધેલા રણજિતરામ ચંદ્રક પછી આ ચંદ્રક અદૃશ્ય થઇ ગયો છે.’ આ વિધાન સૂચક છે. રણજિતરામ ચંદ્રક ગુજરાત વિદ્યાસભા તરફથી અપાય છે. 2015 પછી રણજિતરામ અને ચંદ્રકનો હેતુ પૂરો થઈ ગયો હોય તેમ ચંદ્રક અપાવો બંધ થઈ ગયો છે. ગુજરાતના નીવડેલાં સર્જકોનું એ રીતે સન્માન થતું અટકી જાય તે ચિંત્ય છે. એવું નથી કે ગુજરાતમાં 2015 પછી સર્જકો નથી થયા. 2025 સુધીના બીજા દસેક સર્જકો ચંદ્રકથી પોંખી શકાયા હોત, પણ કમનસીબે તેવું થયું નથી. 2015 સુધીમાં દર વર્ષે 1928થી માંડીને 88 સર્જકોને રણજિતરામ ચંદ્રક એનાયત થયો હોય ને પછી 10 વર્ષ સુધી એક પણ ચંદ્રક જાહેર જ ન થાય, એ કેવું? વારુ, ગુજરાત સાહિત્ય સભા તરફથી ચંદ્રક ન આપવા પાછળનાં કોઈ કારણો પણ જાહેર થયાં નથી, એ બાબત સંસ્થા વિષે અને ચંદ્રક વિષે અનેક તર્કવિતર્ક કરવા પ્રેરે છે. ટોપીવાળાના પત્રમાં અપાયેલી વિગતમાં એવું જણાવાયું છે કે, ‘વિશ્વકોશ આ નવી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.’ એ પરથી પણ વિશ્વકોશે ચંદ્રક ન આપવા પાછળનાં કારણોનો ખુલાસો કરવો જોઈએ. 88 ચંદ્રકો જાહેર થયા પછી એવું તે શું થયું કે એકાએક ચંદ્રકો જાહેર કરવાનું બંધ થયું?
સમય સર ચંદ્રકો અને પારિતોષિકો જાહેર કરવાની ઉદાસીનતા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓમાં જગજાહેર છે. ‘કુમાર ચંદ્રક’, કુમાર ટ્રસ્ટ, અમદાવાદ તરફથી 1944થી અપાય છે. એમાં પણ 2016 પછી ચંદ્રક જાહેર થયો હોય તો તેની વિગતો વિકિપીડિયા પર નથી. બને કે વિગતો અપડેટ કરવાની રહી ગઈ હોય, પણ એક કિસ્સો ડો. મહેબૂબ દેસાઈનો, તેમના જ બ્લોગ પર વાંચવામાં આવ્યો. તે વખતના ‘કુમાર’ના તંત્રી ડો. ધીરુ પરીખની પ્રેરણાથી મહેબૂબ દેસાઈએ ‘કુમાર’માં ગાંધીજીને અપાયેલાં માનપત્રોની શ્રેણી શરૂ કરી. ત્રણેક વર્ષ ચાલેલી એ શ્રેણી, પછી પુસ્તક આકારે પ્રગટ થઈ ને એ પુસ્તકને 2019નો ‘કુમાર’ ચંદ્રક જાહેર થયો. તેની જાહેરાત ‘કુમાર’ના 1118ના અંકમાં એપ્રિલ, 2021માં કરવામાં આવી. એ વાતના ઉલ્લેખ સાથે બ્લોગમાં જ મહેબૂબ દેસાઈ લખે છે, ‘આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી ‘કુમાર’ ચંદ્રક મળ્યો છે, ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે.’ એ અંગે ખાતરી કરવા ડો. દેસાઈને મોબાઈલ પર પૂછ્યું, તો તેમણે રોકડું કર્યું કે એ ચંદ્રક અપાયો જ નથી. ‘કુમાર’ની આ ઉદાસીનતા બધી રીતે શરમજનક છે.
