‘ઓપરેશન સિંદૂર’માં અચાનક સીઝફાયર થતાં લોકો ચોંકી ગયા હતા. હજુ પહેલગામમાં આતંકીઓ પકડાયા ન હતા, ત્યાં સીઝફાયરના નિર્ણયથી મોદીજીની ઈમેજ ધૂળમાં મળી ગઈ હતી. ડેમેજ કંટ્રોલ માટે ‘ઓપરેશન સિંદૂર’ને આગળ કરી ઠેરઠેર અતિ ખર્ચાળ રેલીઓ શરૂ કરી. સિંદૂર વિતરણની જાહેરાતો કરી. 28 મે 2025ના રોજ સિંદૂર વિતરણનો આખો કાર્યક્રમ છાપ્યો. ‘ન્યૂઝ 24 ડિઝિટલે’ પણ સિંદૂર વિતરણની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ કહ્યું કે સરકાર લગ્ન પ્રસંગે સિંદૂર ભેટ આપશે ! સત્તા ટકાવી રાખવા બદમાશો કોઈ પણ હદે જાય છે ! 9 જૂન 2025થી દેશ આખામાં ભા.જ.પ.ના નેતાઓ / કાર્યકરો સિંદૂર લઈને ઘેર ઘેર જવાની ઝૂંબેશ શરૂ કરવાના હતા અને એક મહિના સુધી આ ઝૂંબેશ ચાલવાની હતી.
સોશિયલ મીડિયામાં સિંદૂર વિતરણ સામે જબરજસ્ત વિરોધ થયો. લોકોએ વડા પ્રધાનનાં પત્ની જશોદાબહેનને યાદ કરીને મજાક શરૂ કરી. કોઈએ કહ્યું કે ભા.જ.પ.ના કાર્યકરો સિંદૂર આપવા ઘેર આવે તો રિટર્ન ગિફ્ટમાં બંગડીઓ ભેટમાં આપજો ! કાઁગ્રેસ / આમ આદમી પાસ / મમતા બેનરજીએ ઊહાપોહ કર્યો. લોકોએ સવાલો પૂછવાનું શરૂ કર્યું કે નોટબંધી દરમિયાન પોતાના પૈસા કાઢવા જતા 200 લોકો શહીદ થઈ ગયા હતા, એમની વિધવાઓના સેંથાનું શું? કોવિડ દરમિયાન, 24 કલાક સુધી સ્મશાનમાં મૃતદેહો સળગાવવામાં આવતા હતા, ગંગા ઘાટ મૃતદેહોથી ભરેલા હતા, 40 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા ! તે વિધવાઓના સેંથાનું શું? ત્રણ કાળા કૃષિ કાયદાઓ સામેના આંદોલનમાં શહીદ થયેલા 700 ખેડૂતોની પત્નીઓના સેંથાનું શું? દરરોજ ઘણા ખેડૂતો અને મજૂરો આત્મહત્યા કરી રહ્યા છે, તેમની પત્નીઓના સેંથાનું શું? આર્થિક સંકટ અને બેરોજગારીથી પરેશાન, દેશમાં દર વર્ષે 12,000 લોકો આત્મહત્યા કરે છે, તેમની પત્નીઓના સેંથાનું શું? આ મોંઘવારીમાં, જે મહિલાઓ પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકીને બે ટંકના રોટલાનો મેળ કરી રહી છે, શું તેમના ઘરે પણ સિંદૂર લઈ જાત? કદાચ આવા પ્રશ્નોનો જવાબ મોદીજી પાસે ન હતો એટલે જ સિંદૂર વિતરણમાં સીઝફાયર !
છતાં મોદીજીએ પોતાની તંગડી ઊંચી રાખી છે. તેમના વતી જૂઠાણાંની ફેક્ટરી ચલાવનાર અમિત માલવિયાએ 30 મે 2025ના રોજ સવારે 6.00 વાગ્યે ‘X’ (ટ્વિટર) પર ઘોષણા કરી કે ‘દૈનિક ભાસ્કર’માં પ્રસિદ્ધ થયેલ સમાચાર ‘ફેઈક ન્યૂઝ‘ છે ! ‘દૈનિક ભાસ્કરે’ સમાચારમાં ભાજપના વરિષ્ઠ નેતાનો હવાલો આપ્યો છે. માની લઈએ કે ‘દૈનિક ભાસ્કરે’ ખોટા સમાચાર આપ્યા પણ શું ‘ન્યૂઝ 24 ડિઝિટલ’ પણ ખોટું?
ચાલો શાંતિ થઈ. સિંદૂર વિતરણ કરતાં તેની જાહેરાતમાં કરોડો-કરોડો રૂપિયાનો ધૂમાડો થતો બચ્યો ! ચરિત્રહીન / બળાત્કારી નેતાઓ-કાર્યકરો સિંદૂર લઈ ઘેર આવે તે કોઈ સંસ્કારી માણસ સહન કરી શકે નહીં. વડા પ્રધાનને ભલે ‘ઓપરેશન સિંદૂર’ આટોપી લેવામાં ઉતાવળ કરી પણ ‘સિંદૂર વિતરણ કાર્યક્રમ‘ સીઝફાયર કરી મહિલાઓની મોટી સેવા કરી છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર