જ્યોતિષશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો દેશની વિત્તીય પ્રથાનો પનોતીકાળ ચાલી રહ્યો છે. બૅંકોની મુખ્યત્વે સરકારી બૅંકોની નોન-પર્ફોમિંગ એસેટ્સ (NPAs) નામે ઓળખાતી ખરાબ લોનોની સમસ્યાથી તેનો આરંભ થયો. એ પછી પંજાબ નૅશનલ બૅંકનું કૌભાંડ બહાર આવ્યું એ પ્રશ્ન ચાલતો હતો એ દરમિયાન જેને નોન બૅંન્કિંગ ફાઈનાન્સિયલ સૅક્ટર તરીકે ઓળખવામાં આવે છે તે વિભાગની બે મોટી કંપનીઓએ નાદારી નોંધાવી. એ પ્રશ્ન નાદારી અંગેની કાનૂની પ્રોસિજરમાં ચાલી રહ્યો છે ત્યાં પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બૅંકે નિષ્ફળતા નોંધાવી અને ખાતેદારોના ઉપાડ પર મર્યાદા મૂકાઈ. પોતાની બધી બચત એ બૅંકમાં થાપણરૂપે મૂકનાર કેટલાક થાપણદારો એ આઘાત જીરવી ન શક્યા અને મૃત્યુ પામ્યા. હવે ખાનગી ક્ષેત્રની પાંચમા નંબરની યસ બૅંકનો વારો આવ્યો. અલબત્ત, તેને સ્ટેટ બૅંકના હવાલે કરીને ઉગારી લેવામાં આવી છે. તેની સ્ટેટ બૅંકને જે કિંમત ચુકવવાની થાય તે પ્રત્યક્ષ રીતે સ્ટેટ બૅંક ભોગવશે પણ સ્ટેટ બૅંક સરકારની માલિકીની હોઈ છેવટે નાગરિકો જ એ કિંમત ચુકવશે.
દેશની વિત્તીય પ્રથાનો આ પનોતીકાળ ૨૦૧૨થી શરૂ થયો છે એમ કહી શકાય. એ વર્ષના ડિસેમ્બરમાં સરકારી બૅંકોની ખરાબ લોનો રૂ. ૧.૫૭ લાખ કરોડની હતી જે તેમની કુલ લોનોના ચાર ટકા જેટલી હતી. ૨૦૧૬ના ડિસેમ્બરમાં એ આંકડો વધીને રૂ. ૬.૧૪ લાખ કરોડ પર પહોંચ્યો હતો. બૅંકોના કુલ ધિરાણોમાં ખરાબ લોનોનું પ્રમાણ ૧૧ ટકા પર પહોંચ્યું હતું. આ પ્રશ્નને વિત્તીય પ્રશ્નરૂપે જોવાને બદલે તેને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું. એની શરૂઆત યુ.પી.એ.ના શાસનમાં થઈ છે એમ કહીને મોદી સરકારે જવાબદારી કૉંગ્રેસના માથે નાખી અને એ હકીકત પરત્વે આંખ આડા કાન કરવામાં આવ્યા કે મોદી સરકારના શાસનમાં ખરાબ લોનોનું પ્રમાણ વધીને લગભગ ચાર ગણું થયું છે. વિત્તીય ક્ષેત્રની આ સમસ્યાને રાજકીય સ્વરૂપ આપવામાં આવે છે તેમાં એ અભિપ્રેત હોય છે કે તે રાજકારણીઓ પ્રેરિત કૌભાંડોનું પરિણામ છે અને લોકો પણ સહજ રીતે એ માની લે છે કે શાસકોને સાંકળતાં કૌભાંડો તેને માટે જવાબદારી છે.
એ ભૂલી જવામાં આવે છે કે બૅંકોનું સરકારીકરણ ખરાબ લોનોનો પ્રશ્ન ૨૦૧૨માં ઊભો થયો ત્યારે ચાર દસકા જૂની ઘટના હતી. ભારતમાં ૧૯૫૦ પહેલાંનો બૅંકોનો ઇતિહાસ અનેક બૅંકોની નિષ્ફળતાથી ભરેલો છે. દૂરના ભૂતકાળમાં જવાની પણ જરૂર નથી. અમેરિકાની ૨૦૦૮ની વિત્તીય કટોકટી નજીકના જ ભૂતકાળમાં ઘટેલી ઘટના છે. અમેરિકામાં બૅંકો ખાનગી માલિકીની જ છે. અને તે સરકારી નિયંત્રણોથી મુક્ત છે. તેથી શાસકો પ્રેરિત કૌભાંડોથી પણ સર્વથા મુક્ત છે, છતાં ત્યાં સરકારને સાતસો જેટલી બૅંકોને સરકારે મૂડીની સહાય પૂરી પાડીને કટોકટીમાંથી બહાર કાઢવી પડી હતી. (અમેરિકામાં આપણા દેશ જેવી શાખાઓ ધરાવતી બૅંકોની પ્રથા ન હોવાથી બૅંકોની સંખ્યા ઘણી મોટી છે.) એ પૂર્વે ૧૯૯૭-૯૮ના વર્ષમાં પૂર્વે એશિયાના કેટલાક દેશોમાં બૅંકોની કટોકટી સર્જાઈ હતી. મુદ્દો એ છે કે દેશની બૅંકો સહિતની વિત્તીય પ્રથામાં કટોકટી કે પ્રશ્નો ઊભા થવા માટે કૌભાંડ સિવાયનાં કારણો પણ હોઈ શકે. વળી, બૅંકો અને તે સિવાયની વિત્તીય સંસ્થાઓ ખાનગી માલિકીની હોય તો પણ કટોકટી સર્જાઈ શકે.
દેશમાં બૅંકો અને ઈત્તર વિત્તીય સંસ્થાઓમાં જે ખરાબ લોનો અને તેમાંથી ઉદ્ભવતા જે પ્રશ્નો ઊભા થયા છે તેનાં મૂળમાં ૨૦૦૩થી ૨૦૧૧ સુધીનાં વર્ષોમાં જે અસામાન્ય તેજીની સ્થિતિ સર્જાઈ હતી તે રહેલી છે. એ વર્ષોમાં, ખાસ કરીને ૨૦૦૪-૦૫થી ૨૦૦૮-૦૯નાં વર્ષોમાં જી.ડી.પી.નો વાર્ષિક વૃદ્ધિદર લગભગ નવ ટકા જેટલો હતો અને ૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪નાં વર્ષોમાં તે લગભગ સાડાસાત ટકા હતો. મૂડીરોકાણો ૩૫-૩૬ ટકા જેટલાં હતા અને દેશની નિકાસો ૧૮થી ૨૨ ટકાના દરે વધી હતી. આ અસામાન્ય તેજીના વાતાવરણમાં ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો આશાવાદી બનીને મોટા પ્રોજેક્ટ બૅંકો પાસેથી લોનો લઈને હાથ ધરે અને બૅંકોને તેમાં ઝાઝું જોખમ લાગે નહીં તેથી લોનો આપે તે સહજ છે પણ દેશના અર્થતંત્રમાં એ અસાધારણ તેજી પછી મંદી ન આવી હોવા છતાં સાપેક્ષ રીતે સ્લો ડાઉનની સ્થિતિ સર્જાઈ. હાથ ધરાયેલા કેટલાક પ્રોજેક્ટ એક યા બીજા કારણે પૂરા ન કરી શકાયા અને તેથી મૂડીરોકાણોમાં ઘટાડો થયો. કેટલાંક વર્ષોથી મૂડીરોકાણો ૩૦ ટકા કે તેનાથી ઓછાં થાય છે. ૨૦૧૩ પછી નિકાસો લગભગ સ્થગિત અવસ્થા આવી ગઈ છે. આમ છતાં, મોદી સરકારે ૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮નાં વર્ષોમાં જી.ડી.પી.ની વૃદ્ધિ સાડાસાત ટકાના દરે થઈ રહી હોવાના આંકડા પ્રગટ કર્યા. પણ પાઘડીનો વળ છેડે આવ્યો હોય તેમ છેલ્લા ત્રણેક ક્વાર્ટરથી જી.ડી.પી.નો વૃદ્ધિદર પાંચ ટકાથી નીચે ચાલ્યો ગયો છે. આ સ્થિતિમાં જે આશાવાદી ગણતરીઓથી લોનો અપાઈ હોય અને લેવાઈ હોય તે ફળીભૂત ન થાય અને લોનોની ચુકવણીનો પ્રશ્ન ઊભો થાય તે સહજ છે. આ એક સાર્વત્રિક અને સામાન્ય ઘટના છે.
સરકારી બૅંકોનું ખાનગીકરણ કરવાની હિમાયત બજારવાદી અર્થશાસ્ત્રીઓ કરતા રહે છે. આ સૂચનના ગુણદોષની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે. પણ મોટા ભાગની બૅંકો સરકારી છે તેમાંથી ઉદ્ભવેલા લાભનો ટૂંકમાં નિર્દેશ કરીને આ ચર્ચા પૂરી કરીશું. એક, બૅંકોની ખરાબ લોનોનો પ્રશ્ન હોવા છતાં બૅંકો સરકારી હોવાથી લોકોનો વિશ્વાસ ટકી રહ્યો. તેમાંની કેટલીક બૅંકોની ખરાબ લોનોનું પ્રમાણ ૧૮ ટકા જેટલું મોટું હોવા છતાં લોકોએ પોતાની થાપણો ઉપાડી લેવા માટે જે તે બૅંક પર દરોડા ન પાડ્યા. અલબત્ત, લોકોને સરકારી બૅંકો પર જે વિશ્વાસ છે તેનો કોઈ કાનૂની આધાર નથી. બીજું, સબસિડીના વિકલ્પે લાભાર્થીને એના ખાતામાં સીધી ચુકવણી કરવાની જે હિમાયત કરવામાં આવે છે અને કેટલાક દાખલાઓમાં એવી જે ચૂકવણી કરવામાં આવે છે તે બૅંકોના રાષ્ટ્રીયકરણ વિના શક્ય ન બન્યું હોત. બૅંકોનું રાષ્ટ્રીયકરણ થવાથી દેશના ગ્રામવિસ્તારોમાં બૅંકોની સવલત પ્રાપ્ય બની છે.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 04
![]()


સરકારનું અંદાજપત્ર એક વાર્ષિક રૂટિન બાબત છે, પરંતુ ભારતમાં તે એક ઉત્તેજના અને ઉત્સુકતાની બાબત બનતી આવી છે. એનાં કારણોની ચર્ચામાં નહિ જઈએ પણ બજેટનું મહત્ત્વ શું છે તે આપણે સમજી લઈએ. બજેટ દ્વારા બે ઉદ્દેશો પાર પાડવાનું લક્ષ્ય રાખવામાં આવે છે. એક અર્થશાસ્ત્રમાં જો કોઈ પ્રશ્નો ઊભા થયા હોય તો તે અંગે ભરવા જેવાં અને ભરી શકાય તેવાં પગલાં ભરવાં. બીજું, સરકારનાં રૂટિન કાર્યો અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં વિકાસ અને કલ્યાણનાં કાર્યો માટે નાણાકીય સાધનોનો પ્રબંધ કરવો. તેથી બજેટના આરંભમાં નાણાપ્રધાન દ્વારા જે વ્યાખ્યાન કરવામાં આવે છે તેમાં દેશના અર્થતંત્રની સમીક્ષા કરવામાં આવે છે અને વર્ષ દરમિયાનની પોતાની કામગીરીનો હેવાલ આપવામાં આવે છે. આગલા વર્ષે રજૂ કરવામાં આવેલા અંદાજપત્રના સંદર્ભમાં એ હેવાલ આપવામાં આવે છે અને એના અનુસંધાનમાં નવા વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે.
ભારતના અર્થતંત્રમાં અત્યારે વાતચીતની ભાષામાં મંદી અને થોડા શાસ્ત્રીય સ્વરૂપની ભાષામાં ‘સ્લોડાઉન’ ચાલે છે. ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે તેને ‘ગ્રેટ સ્લોડાઉન’ તરીકે વર્ણવ્યું અને ઉમેર્યું કે ભારતનું અર્થતંત્ર અત્યારે ‘આઈ.સી.યુ.’માં છે, મતલબ કે કટોકટીભરી સ્થિતિમાં છે. અની સામે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પાનગરિયાનો મત છે. તેમના મત પ્રમાણે ભારતના અર્થતંત્રમાં અત્યારે જે સ્થિતિ પ્રવર્તે છે, તે કોઈ રીતે અપૂર્વ કે અસામાન્ય નથી. ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પછી જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં આવી મોટી ગણી શકાય એવી વધઘટ થતી રહી છે. ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર કાયમ માટે નીચી સપાટી પર ઊતરી ગયો છે એમ માનવાની જરૂર નથી. બૅંકોની ખરાબ લોનોના પ્રશ્ન ઉકેલાઈ જતાં બૅંકોની ધિરાણ આપવાની ક્ષમતામાં વધારો થશે અને ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર પૂર્વવત્ ઊંચી સપાટી પર પહોંચી જશે.