
રમેશ ઓઝા
અવારનવાર સરકારની મદદે આગળ આવનારા કાઁગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે થોડા દિવસ પહેલાં એક લેખમાં કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે જે અથડામણ ચાલી રહી છે અને ટ્રમ્પે ભારત વિરુદ્ધ જે મોરચો માંડ્યો છે ત્યારે અમેરિકામાં વસતા ભારતીયોએ આગળ આવવું જોઈએ અને ભારતનો કેસ માંડવો જોઈએ. ટૂંકમાં ઇન્ડિયન ડાયસ્પોરાએ ભારતનું લોબિંગ કરવું જોઈએ. તેમણે સવાલ પણ કર્યો કે તેઓ બોલતા કેમ નથી? અમેરિકામાં વસતા કહેવાતા દેશપ્રેમી ભારતીયો મોઢું કેમ નથી ખોલતા એવા સવાલો બે મહિનાથી થઈ રહ્યા છે અને તેમની ઠેકડી પણ ઉડાડવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ પ્રતિસાદ તેઓ નહોતા આપતા, પણ શશી થરૂરે જ્યારે આમ કહ્યું ત્યારે તેમણે બોલવું પડ્યું.
પણ કોણે બોલવામાં અને જરૂર પડે બોલવાની કિંમત ચુકવવામાં મોખરે રહેવું જોઈએ?
વિનાયક દામોદર સાવરકરે વિકસાવેલી કસોટીની થિયરી મુજબ ટકોરાબંધ દેશભક્તિ અને અણિશુદ્ધ રાષ્ટ્રનિષ્ઠા એનામાં જ જોવા મળશે જેની પુણ્યભૂમિ અને જન્મભૂમિ ભારત હોય. જેનો જન્મ ભલે ભારતમાં થયો હોય, પણ જેમને માટે પવિત્રભૂમિ ભારતની બહાર અન્યત્ર હોય એવા લોકો પાસે તમે આવી અપેક્ષા ન રાખી શકો. અર્થાત્ ભારતમાં હિંદુ (જેમાં સીખ અને જૈન આવી ગયા) એક માત્ર પ્રજા છે જેમની જન્મભૂમિ અને પવિત્રભૂમિ ભારત છે એટલે માત્ર તેમની પાસે જ તમે દેશ માટે વફાદારી અને ત્યાગની અપેક્ષા રાખી શકો, બીજા પાસે નહીં, બીજા ક્યારે ય પણ દગો દઈ શકે. જ્યારે હિંદુ અને ભારત પર જોખમ આવશે ત્યારે હિંદુઓ જ પ્રતિસાદ આપશે અને જરૂર પડ્યે બલીદાન પણ આપશે.
હવે સાવરકરે વિકસાવેલી રાષ્ટ્રનિષ્ઠાની કસોટીની એરણ મુજબ તો અમેરિકામાં વસતા ભારતીયોમાંથી તમે માત્ર હિંદુ ભારતીય અમરિકનો પાસેથી જ પ્રતિસાદની અપેક્ષા રાખી શકો. પણ તેઓ તો ચૂપ છે! શશી થરૂરે જ્યારે જાહેરમાં ઊહાપોહ કર્યો ત્યારે હિંદુ અમેરિકન ફાઉન્ડેશન વતી કોઈ સુહાગ શુક્લાએ ખુલાસો કર્યો કે “અમે ભારત સરકારના પ્રવક્તા નથી. લૉબિંગ કરવાનું કામ ભારત સરકારનું છે. Indian Americans do not exist to serve as proxies for the Government of India” સાવરકરની એરણે ખરા ઉતરવા જોઈએ એવા હિંદુ ભારતીયોની આ પ્રતિક્રિયા છે. આ એ જ લોકો છે જેમણે છ વરસ પહેલાં હાઉડી મોદીનો તમાશો યોજ્યો હતો. આ એ લોકો છે જેમણે અમેરિકન હિંદુઓને ટ્રમ્પને મત આપવા સમજાવ્યા હતા. ગણતરી એવી હતી કે જો ટ્રમ્પની સરકાર આવશે તો અમેરિકાની અશ્વેત ગૈર ઈસાઈ વસાહતી પ્રજામાં હિંદુઓ પહેલા ખોળાના બનશે અને જો બધું સમુસૂતરું ઉતર્યું તો ભારત-અમેરિકા વચ્ચે બંધાયેલ મધુર સંબંધોના આર્કિટેક્ટ બનશે. પ્રતિષ્ઠા વધશે, વગ વધશે, દબદબો વધશે, ગૈરહિંદુ ભારતીયો અને બીજા વસાહતીઓ જોતા રહી જશે અને બન્ને દેશમાં આર્થિક તેમ જ અન્ય ફાયદા તો થશે જ થશે. પણ બધું ઊંધું પડ્યું એટલે ફફળતાં બટેટાં ફગાવીને તેઓ હથેળીને ફૂંક મારી રહ્યા છે.
વિસંગતી જુઓ. અમેરિકામાં બેસીને તેઓ કોમવાદી પવૃત્તિ કરે છે. ભારતીય રાજકારણમાં સક્રિય રસ લે છે અને કદાચ ફન્ડિંગ પણ કરે છે. મુસલમાનોને અને પાકિસ્તાનને બદનામ કરે છે. ચીનની વિરુદ્ધ પ્રચાર કરે છે, હાઉડી મોદીનો તમાશો કરે છે, “મોદી મોદી”નો પોકાર કરે છે અને હવે જ્યારે તેમના લાડલા મોદીને તેમની મદદની જરૂર છે ત્યારે કહે છે કે અમે તો અમેરિકાની ધરતીનાં સંતાન છીએ.
હવે બીજી જમાતની વાત. તેઓ હિંદુ છે, હિંદુ હોવા માટે ગર્વ પણ અનુભવે છે, પણ રાષ્ટ્રનિષ્ઠા વિશેની સાવરકરની કસોટીનો વિરોધ કરે છે અને ભેદભાવ વિના માણસની અખંડતામાં અને અખંડ માણસાઈમાં માને છે. જેમ કે આ લખનાર એવા બીજા કરોડો લોકો. હા, એ લોકો જેમને હિન્દુત્વવાદીઓ અને ભક્તો દેશદ્રોહી તરીકે ઓળખાવે છે. તેમણે ‘હિંદુઝ ફોર હ્યુમન રાઈટ્સ’ નામનું સંગઠન રચ્યું છે. એ લોકો ટ્રમ્પની નીતિનો વિરોધ કરે છે. દબાયેલા અવાજમાં કે ગોળગોળ ભાષામાં નહીં, આખા ગામને સંભળાય એ રીતે. હિંદુઝ ફોર હ્યુમન રાઈટ્સના સ્થાપકોમાંના એક સુનીતા વિશ્વનાથનનું અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં બોલાવીને “ચેમ્પિયન ઓફ ચેન્જ” તરીકે ઓળખાવીને સન્માન કર્યું હતું. શ્રદ્ધાવાન હિંદુઓ હિંદુ ધર્મને માણસાઈલક્ષી દૃષ્ટિકોણથી જોતા થાય અને ધર્મના નામે કોઈને પણ અન્યાય ન કરે કે ન્યાયથી વંચિત ન રાખે એ માટે તેમણે ૨૦૧૧ની સાલમાં ‘સાધના’ નામનું સંગઠન સ્થાપ્યું હતું. ઓબામાએ તેમને “ચેમ્પિયન ઓફ ચેન્જ” તરીકે ઓળખાવ્યા એ તેમના આ કામ માટે.
હિંદુઝ ફોર હ્યુમન રાઈટ્સના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટ શાર્વ્યા તડેપલ્લી સુહાગ શુક્લાના ચૂપ રહેવા વિશેના બચાવ પર બોલતા કહ્યું હતું કે અમે અમેરિકન નાગરિક છીએ, ભારત સરકારના પ્રવક્તા નથી એ ખરું, પણ રોજીરોટીની તલાશમાં અમેરિકામાં આવેલા ભારતીયો સાથે જ્યારે અન્યાય થતો હોય, તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હોય કે તેમને આવતા અટકાવવામાં આવતા હોય ત્યારે બોલવાની ફરજ ખરી કે નહીં? બોલવા માટેનું અમારી પાસે વિશેષ કારણ એ પણ છે કે બોલી શકવા જેટલા અમે સદ્ધર છીએ. “because of our privilege and positionality in US.”
હવે privilege and positionalityની તુલના કરો તો ગાંધી, આંબેડકર, માર્ક્સના અનુયાયીઓ કરતાં સાવરકરના અનુયાયીઓ એ ચીજ અનેકગણી વધુ ધરાવે છે. હકીકતમાં કોઈ તુલના જ ન થઈ શકે. અબજો ડોલરમાં તેઓ આળોટે છે, રાજકીય સંપર્કો ધરાવે છે, ફન્ડિંગ કરે છે અને પોતાનાં હિતમાં લૉબિંગ પણ કરે છે. અમેરિકન રાજકારણીઓને તેઓ મંદિરમાં પણ લઈ આવે છે અને તેમની પાસે આરતી પણ ઉતરાવે છે. બોલવા માટે તેમની પાસે વધુ કારણ છે. સાવરકરની ફિલસૂફી પણ તેમની પાસે છે અને પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પણ તેમની પાસે છે. આ લોકોની તો તેમની સામે કોઈ હેસિયત નથી. ઉચ્ચશિક્ષિત છે, પ્રોફેશનલ છે અને પ્રમાણમાં ઠીકઠીક કમાઈ લે છે, બસ.
હવે તમે કહેશો કે આ લોકોને ગુમાવવાનું શું છે? એમને બોલવું પોસાય કારણ કે ગુમાવવા માટે તેમની પાસે ખાસ કશું નથી.
વાત તો સાચી. પણ અહીં વળી એક કસોટીની એરણ વાપરવી પડશે જે કાર્લ માર્ક્સ આપીને ગયો છે. તેણે કહ્યું છે કે માણસની બધી ઓળખો તકલાદી છે, માત્ર એક જ ઓળખ ટકાઉ અને નિર્ણાયક છે અને એ છે વર્ગની ઓળખ. રહિત અને સહિત. જેની પાસે છે એ હજુ વધુ મેળવવા સંબંધોના સમીકરણો બદલતો રહેશે, પછી તે ગમે તે હોય. તે પોતાનું હિત જાળવવા દુ:શ્મન સાથે દોસ્તી કરશે અને દોસ્ત સાથે વિશ્વાસઘાત કરશે. તે પરાયાને બાથમાં લેશે અને પોતાનાને લાત મારશે.
વિડંબના જુઓ! સાવરકરના હિંદુ અમેરિકન અનુયાયીઓ આજ કાર્લ માર્ક્સને અનુસરી રહ્યા છે. સાવરકરે આની કલ્પના નહોતી કરી, પણ માર્કસે કરેલી.
તો બોલે કોણ? એ જેની અંદર અંતરાત્મા હોય, લાગણીની ભીનાશ હોય અને જીગર હોય. આ પણ એક ઓળખ છે. માણસાઈની ઓળખ. સૌથી વધુ ટકાઉ ઓળખ. ક્યારે ય દગો નહીં દેનારી ઓળખ! હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સવાળા બોલી રહ્યા છે. એટલા માટે નહીં તેમણે ખાસ ગુમાવવાનું નથી, પણ એટલા માટે કે તેઓ માણસાઈની ઓળખ ધરાવે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઑક્ટોબર 2025
![]()


અને પછી જે હાલ થયા એ તમારામાંથી કેટલાક વાચકોએ જોયું હશે. પરસેવો છૂટી ગયો. એટલે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. આ યુગ મોનિટરીંગનો છે. જવાબદાર જગ્યાએ બિરાજમાન લોકો શું બોલે છે અને કરે છે એની રજેરજ વિગતોની ચકાસણી કરવામાં આવે છે અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી પહેલા વરસે એક સંસ્થાએ તેમની કથની અને કરણીમાં જે અંતર હતું એની તારીખવાર વિગતો આપતો લગભગ ત્રણસો પાનાંનો અહેવાલ તૈયાર કર્યો હતો. બીજા વરસે તેમણે એવો અહેવાલ આપવાનું બંધ કર્યું, કારણ કે એક કરતાં વધુ ખંડ પ્રકાશિત કરવા પડે અને ઉત્તરોત્તર તેમાં વધારો થતો જાય. પણ દસ્તાવેજીકરણ અનેક લોકો જડબેસલાક કરે છે કે જેથી આવનારી પેઢીને ખબર પડે કે એક સમયે દેશમાં શું બન્યું હતું! વર્તમાનથી તો બચી શકાય, ઇતિહાસથી કેમ બચવું? બધું જ અંકે કરવામાં આવી રહ્યું છે.
જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે, એટલે કે ૧૯૨૫માં, દેશ ગાંધીજીની મુઠ્ઠીમાં આવી ગયો હતો અને ગાંધીજીની મુઠ્ઠીમાંથી દેશને (હિંદુઓને) છોડાવવા માટે જ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં સુધી ગાંધી અને તેનું દર્શન હિંદુઓને પ્રભાવિત કરે છે ત્યાં સુધી હિંદુઓની સર્વોપરિતા સ્થાપિત કરવી શક્ય નથી એ તેમને સમજાઈ ગયું હતું. હિંદુઓને ગાંધીજીની મુઠ્ઠીમાંથી છોડાવવા જોઈએ. ત્રણ હિંદુ નેતા હતા જેમની છબી હિંદુ હોવાની અને હિંદુઓ માટે બોલતા હોવાની હતી. એક લોકમાન્ય તિલક જેમનું ૧૯૨૦માં અવસાન થયું. બીજા લાલા લાજપત રાય જેમનું ૧૯૨૮માં અવસાન થયું. ત્રીજા મદનમોહન માલવિયા. તેઓ ૧૯૪૬ સુધી હયાત હતા, પરંતુ તેમની છબી હિદુ મવાળની હતી અને તેમની ગાંધીભક્તિ અપાર હતી. ટૂંકમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારે તેઓ ઈચ્છતા હતા એ રીતે આગ્રહપૂર્વક હિંદુની વાત કરનાર કોઈ રાષ્ટ્રીય નેતા નહોતો. એટલે તો લાલા લાજપત રાયના આવસાન પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને તેમના રાજકીય માર્ગદર્શક ડૉ. બી.એસ. મુંજે અરવિંદ ઘોષને યોગમાર્ગ છોડીને પાછા રાજકારણમાં પ્રવેશવા અને હિંદુઓનું નેતૃત્વ કરવા વિનંતી લઈને ખાસ પોંડીચેરી ગયા હતા. મહર્ષિ અરવિંદે ના પાડી દીધી હતી. (જો કે કેટલાક લોકોના મતે મહર્ષિ અરવિંદે રાજકારણમાં પાછા ફરવા કેટલોક સમય વિચાર કર્યો હતો.)
ખૈર, ગાંધીજીને નેસ્તનાબૂદ કરવાનો, તેમને અપ્રાસંગિક બનાવવાનો, તેમને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાનો સંઘને પૂરો અધિકાર છે. સંઘને પોતાનું દર્શન અને દૃષ્ટિકોણ માંડવાનો, તેને લોકો પહોંચાડવાનો અને લોકોને તેને અનુકૂળ બનાવવાનો પણ અધિકાર છે. સંઘ સો વરસથી આ કરે પણ છે. પણ આજે યોગાનુયોગ બન્નેની જયંતી એક જ દિવસે આવી રહી છે અને એ પણ સો વરસના પ્રયાસના ઇતિહાસ સાથે ત્યારે સવાલ થાય છે કે સંઘ એ કરી શક્યો છે? સંઘના સ્વયંસેવકોએ અને નેતાઓએ આ વિષે વિચારવું જોઈએ. શું ગાંધીજી અપ્રાસંગિક બની ગયા છે? અને જો નથી બનતા તો તેમની પાસે એવી કઈ ચીજ છે જેમાં ચિરંતનતા છે. હત્યા, ચારિત્ર્યહત્યા અને અપપ્રચાર પછી પણ એ માણસ દૃષ્ટિપલટ પરથી ખસતો નથી તો એવું એમાં શું છે? તેમની મહાનતાને સ્થાપિત કરવા, તેને પ્રચાર દ્વારા લોકો સુધી પહોંચાડવા, ટકાવી રાખવા કોઈ સરકારી કે ગૈર સરકારી પ્રયાસ કરવામાં નથી આવતો (હકીકતમાં સરકારી અને ગૈર સરકારી પ્રયાસ તેને મીટાવવા માટે થઈ રહ્યો છે) અને છતાં એ માણસ અદૃશ્ય થતો નથી. એ પોતાની તાકાત પર જીવે છે અને કેટલાક લોકોને સતાવે છે. કઈ છે એ તાકાત?